Tuesday, June 29, 2021

સર્જનની સરવાણી-૪૪

            જ્ઞાનનો પ્રવાહ એ સતત ચાલતી એક યાત્રા જેવો હોય છે. માણસમાત્રના જીવનમાં જ્ઞાન જ એક એવો સ્ત્રોત છે જે સદાય જીવનને ઉચ્ચત્તમ મૂલ્યો મેળવવા માટે અવિરત વહે છે. જીવન કયારેય પણ અટકતું નથી, તો જીવનમાં શિક્ષણની યાત્રા પણ કયારેય અટકતી નથી. સિવાય કે માણસ જાતે જ કશું શીખવાનું બંધ કરી દે તો જ. આ જ્ઞાન થકી જ માનવ જીવથી શિવ સુધી પહોંચી શકે છે. માણસમાત્રના ઘડતરનો આધાર તેના સંસ્કારો પર રહેલો છે. આ સંસ્કાર સિંચનનું કામ માતા-પિતા સિવાય કોઇ પણ શ્રેષ્ઠ રીતે કરી શકે નહીં. આવી જ આપણી એક યાત્રા અવિરત ચાલે છે જેનું નામ છે શિક્ષણની ક્ષિતિજને પેલે પાર...

        આજના સમયમાં ચારેય તરફ જયારે બાળકેળવણી અને બાળકોના ઘડતરની વાત થઇ રહી છે ત્યારે એવી કઇ બાબતો છે કે જે એક બાળકને પણ સામાજીક બનાવી શકે. આ બાળક પણ નાનપણથી જ પોતાના જીવનમાં સાદગીની સાથે સેવા જેવા ગુણો કેળવે. શા માટે આજના માતા-પિતાઓ એ વાતથી ભાગતા જોવા મળે છે કે સામાજીકતાના ગુણો બાલપણમાં જ કેળવી શકાતા નથી?  આજના મા-બાપને પણ પોતાનું બાળક કે પોતાનો યુવાન દીકરો સમાજના વિવિધ કાર્યોમાં ઉત્સાહથી સહભાગી બને અને બધાની સાથે પ્રેમ અને સૌજન્યતાપૂર્ણ વર્તન કરે એ ખુબ જ ગમતું હોય છે.

     આજે પણ ઘણા ઘરોમાં બધા જ પરિવાજનો એકસાથે જ જમવા બેસતા હોય છેજે પણ બાળકને પરિવારપ્રેમનું દર્શન કરાવે છે. આવા પરિવારપ્રેમ થકી જ બાળક કે યુવાન સામાજીકતા શીખતો હોત છે. બાળકની સામાજીકતા ઘણા અંશે મા-બાપના સામાજીક સંબંધો પર પણ આધાર રાખતી હોય છે. માતા-પિતાનું સ્વજનો સાથેનું વાણી વર્તન બાળક કે યુવાન સીધું જ ગ્રહણ કરતા હોેય છે.

         આપણા બાળકો ઘણીવાર પોતાના મિત્રો સાથે મળીને કોઇ કાર્ય કરતા હોય ત્યારે તેમનો ઉત્સાહ વધારવો જોઇએ. આજના માતા-પિતા વધારે પડતી સમજણના કારણે પણ વિવિધ કલાસમાં બાળકોને મોકલી આપે છે અને એ બાળક આખો દિવસના થાકના કારણે પોતાની શેરી કે પોળમાં રમી શકતું નથી, જેના કારણે એનામાં ભાઇચારાની ભાવના જાગતી નથી. આજુબાજુના પડોશીઓ સાથેના તાણાવાણા વાળા સંબંધો પણ બાળકને સામાજીક બનાવી શકતું નથી. આજે ઘણા વાલીઓ બાળકોને અલગ અલગ રૂઢિગત વાતોમાં જકડી રાખે છે અને પોતાને ગમે તે પ્રમાણે જ વર્તબ કરવાનું અને રહેવાનું એવું ફરમાન કરતા હોય છે, જે કોઇપણ અંશે યોગ્ય નથી. ઘરે આવતા મહેમાનોની સામે સર્કસના જોકરની જેમ ખેલ કરવાનો હોય એમ વિવિધ પ્રવૃતિઓ કરાવે છે.

        આ બધી જ બાબતોનો બાળકના માનસ પર ઘણો પ્રભાવ પડે છે અને એ સ્વ: કેન્દ્રી બની જાય છે. આના ઉપાય તરીકે આપણે જ ઘણું બધું કરી શકીએ છીએ. જેમ કે બાળકને સામાજીક મેળાવડામાં લઇ જાઓ. શાળાઓમાં એમના મિત્રો સાથે મળીને સામાજીક સેવાની પ્રવૃતિઓમાં ભાગ લેવાનું શીખવી શકાય.એમને પોતાના કામ જાતે કરતા કરવા જોઇએ. માતા-પિતાએ પણ બાળકની સામે શિષ્ટ વર્તન કરવુ જોઇએ. બાળકના મિત્રોને ઘરે બોલાવીને કે બહાર એમને સાથે લઇ જઇને કોઇ સેવાકીય સંસ્થાની મૂલાકાત કરાવવી જોઇએ. એમને નવા નવા કાર્યક્રમોમાં ભાગ લેતા કરવા જોઇએ.

No comments:

Post a Comment