Sunday, May 29, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૭

     

        અભિવ્યક્તિની સ્વતંત્રતા જ્ઞાનનો સોર્સ છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા માત્ર અધિકારનો મુદ્દો નથી. એમાં જાણકારી, સમજણ, અભિપ્રાયો, આઇડિયા અને માન્યતાઓની આપ-લે પણ છે. આપણે અભિવ્યક્તિની સ્વતંત્રતાના માધ્યમથી એકબીજાના જ્ઞાનના પરિચયમાં આવીએ છીએ. એક વિચારશીલ સમાજની રચના વિભિન્ન અને ક્યારેક વિરોધાભાસી વિચારોના મેળામાંથી થાય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ થાય છે એવું કહેવાનો અર્થ એવો થયો કે વ્યક્તિ પુસ્તક વાંચવાથી બગડી જાય છે. 

        એક ઉત્તમ વાચક ક્યારેય એવું ન કહે કે તેણે ભંગાર પુસ્તકો ક્યારેય નથી વાંચ્યાં. પુસ્તકો પર જો ફિલ્ટર લગાવ્યું હોત તો લોકોમાં મૌલિક વિચારશક્તિ વિકસી ન હોત. અભિવ્યક્તિની સ્વતંત્રતાથી અસત્ય શું છે તે સમજવાની ક્ષમતા પણ વિકસે છે અને છેવટે તેમાં સત્યનું જ કલ્યાણ થાય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા એક વ્યક્તિ અને એક સમાજની પ્રગતિ સાથે સીધી રીતે જોડાયેલી છે.

Sunday, May 22, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૬

 


        મારી વિચારયાત્રા મારી જીવન યાત્રા બને એ દિશામાં મારા પ્રયત્નો અવિરત પણે ચાલુ રહેવા જોઈએ. માણસ વિચારતો હોય એ પ્રમાણે જીવવામાં તેને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. શક્ય બને ત્યાં સમાધાનવૃત્તિ સાથે જીવવાની આદત જો હોય તો વિચારો પ્રમાણે જીવી શકાય છે. વારંવાર એવું સાંભળવા કે વાંચવા પણ મળે છે કે જે માણસ વાંચે છે, તે વિચારે છે અને એ જ માણસ એ વિચારો પ્રમાણે જીવન જીવવાનો પ્રયાસ પણ કરે છે. 

        દરેક વખતે તમે સમાધાન કરવાની ટેવ રાખશો તો પોતાના વિચારોને પકડીને જીવવાનું સરળ બની શકે છે. મને ગમતી બાબતો દરેકને જ ગમતી હોય એવો આગ્રહ રાખવો એ અતિશયોક્તિ ગણાય. જીવન જીવવા માટે દરેકને પોતાના અભિગમ હોય છે. દરેક જણ પોતાના જીવનને ઊત્તમ રીતે જીવવા માગે છે,  પોતાના વિચારોની ઉન્નતિ માટે સારો અનુભવ પણ એટલો જ ઉપયોગી નીવડે છે. નિજાનંદી વ્યક્તિત્વ વિકસાવવા માટે પોતાની સરખામણી બીજા સાથે કરવાની આદત છોડવાની તૈયારી હોય તો જ તમે પોતાના વિચારો પ્રમાણે જીવન જીવી શકો છો. જીવન એટલે સતત ચાલતી વિચારોની ઘટમાળ.


Sunday, May 15, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૫

વર્તમાન કોરોના કાળ બાદ જ્યારે પરિસ્થિતિ પૂર્ણ સ્થિર થવા પ્રયત્નશીલ છે ત્યારે એક શિક્ષક તરીકે સતત એ વિચાર આવ્યા કરે છે કે શું શિક્ષણની વ્યાખ્યાઓ બદલાઈ જશે ? સંસ્કાર, વિનય, વિવેક જેવી બાબતો માત્ર માત્ર શાળાઓનો જ ભાગ હતી ? બાળકો સાથેનું વાત્સલ્ય અને પ્રેમ, હૂંફ અને કરુણા જેવા સદગુણો બાળકને માતા-પિતા કરતાં વધારે કોણ સારી રીતે કેળવી શકે ? શિક્ષણમાં  માત્ર ધોરણવાર નક્કી થયેલા અભ્યાસક્રમને ભણાવી દેવાથી બાળક એ વધુ બધું જ ગ્રહણ કરે છે એવી માન્યતા કોણે વિકસાવી ? દરેક બાળક સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે,  સ્વતંત્ર રીતે વિચારી શકે છે ત્યારે તેને પૂરતી મોકળાશ આપવાથી તે સારા નરસાનો ભેદ ભાવ સારી રીતે પારખી શકે છે. માણસ સંપૂર્ણ બને એવી કેળવણીની વાતો સેમિનાર કે ઓનલાઇન સંવાદો જેવા ઘણા કાર્યક્રમો કેટલા થાય છે તેમાં વારંવાર સંભળાય છે, ત્યારે એક જ વિચાર થાય કે તેમાં ભાગ લેતા દરેક માંથી કેટલા લોકોએ સાંભળ્યા બાદ પોતાના જીવનમાં કે પોતાના બાળકો કે પરિવારમાં એ બધા વિચારોને વહેંચવાનો પ્રયત્ન કરે છે. જો આ વિચારોની વાવણી યોગ્ય રીતે થાય તો સમજી શકાય કે શિક્ષણનો ઉદ્દેશ સાર્થક થઈ શકે છે.


Sunday, May 8, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૪

અંગત હોય કે વ્યવસાયિક, નાના હોય કે મોટા, આપણું રોજીંદુ સુખ સવારથી સાંજ સુધીના આપણાં ઉદ્દેશ્ય પર નિર્ભર કરે છે. આપણી પાસે દિવસ પસાર કરવાનું સ્પષ્ટ પ્રયોજન હોય તો આપણી અંદર અને બહારની અંધાધૂંધી વચ્ચે પણ આપણે સ્વસ્થતાપૂર્વક રસ્તો કરી શકીએ. 

નિત્શેએ કહ્યું હતું "He who has a why to live for can bear almost any how.” "હું સવારે શા માટે ઉઠું છું?" (જેને ઇકિગાઇ પણ કહે છે) એ એક પ્રશ્નના જવાબ પર આપણી માનસિક અને શારીરિક તંદુરસ્તીનો આધાર છે. આપણે જીવતા છીએ એટલે સવારે ઉઠીએ છીએ. આપણે ઉઠીએ છીએ એટલે આપણે જીવતા છીએ. આપણી પાસે કાયમ માટે સૂતાં રહેવાનાં એક હજાર કારણો હોય તો પણ આપણે સવારે ઉઠીને કશુંક ને કશુંક કરતા રહીએ છીએ. આ 'કશુંક ને કશુંક' જીવનની ગુણવત્તા અને સાર્થકતા નક્કી કરે છે. 

કરવા જેવું કામ, પ્રેમ કરવા જેવી વ્યક્તિ અને ભવિષ્ય માટે ઉમ્મીદ...આ ત્રણ ચીજોનો સરવાળો થાય ત્યારે સુખ આવે છે.

Sunday, May 1, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૩

 

        જ્યાં સુધી સ્ત્રી-પુરુષમાં એકબીજા પર અધિકાર સ્થાપવાનો ભાવ છે ત્યાં સુધી, ગમે તેટલા તેટલો મીઠો સંબંધ હોય, તેમાં કડવાશ આવી જ જાય. માણસો ટેલિવિઝન સેટ કે પાળતું પ્રાણી નથી કે તેના પર એકાધિકાર સ્થાપી શકાય, પરંતુ ઇન્ટિમેટ સંબંધોમાં એ ભાવ આવી જ જાય છે. કારણ કે રોમેન્ટિક પ્રેમ લોકતાંત્રિક નથી હોતો. એ સરમુખત્યારશાહીમાં માનતો હોય છે. એક્સલૂઝીવિટી તેનો ગુણ હોય છે, એટલે તે વ્યક્તિ પર તેનો એકાધિકાર સ્થાપે છે; મારા સિવાય તારું કોઈ નહીં. તેમાંથી જ ઓબ્સેશન અને માલિકીભાવ આવતો હોય છે. 

        આપણે સામાજિક, પારિવારિક, આર્થિક, શારીરિક કે ભાવનાત્મક કારણોસર એ કડવાશને નજર અંદાજ કરી દઈએ તે અલગ વાત છે, બાકી જો એવી સ્વાર્થી જરૂરિયાતો ન હોય તો 99 ટકા લગ્નો ખતમ થઈ જાય. મને એક સંબંધમાંથી જે જોઈએ છીએ તે જો મળતું બંધ થઈ જાય, તો પ્રેમનું તાત્કાલિક બાષ્પીભવન થઈ જાય.