Sunday, February 28, 2021

જીવનનાં કૌશલ્યો

આજે ટેકનોલજીના આ અનુઆધુનિક યુગમાં એટલા ઝડપથી ફેરફારો થઇ રહ્યા છે કે જો એટલી ઝડપે શિક્ષણમાં પણ ફેરફારો કરવામાં કે સ્વીકારવામાં નહીં આવે તો આપણે જે કૌશલ્યો અત્યારે બાળકને જે શીખવીએ છીએ તે વાસ્તવિક ભવિષ્યમાં એને ઉપયોગી નહિ થાય. હું કૌશલ્યોની વાત કરું છું વિષયોની નહીં. આજના પરીક્ષાલક્ષી શિક્ષણમાં આ એક ભય છે. હા, એટલું કહી શકાય કે બાળકમાં જીવનોપયોગી કૌશલ્યોનો પૂરતો  વિકાસ થયેલ હશે તો એ કોઈ પણ ક્ષેત્રમાં જશે તો એને કામ આવશે. મારી દૃષ્ટીએ આજનું શિક્ષણ બાળકમાં પાંચ પ્રકારનાં કૌશલ્યો વિકસાવે એ પ્રકારે હોવું જોઈએ જેથી બાળક જે ક્ષેત્રમાં જાય તે ક્ષેત્રમાં સફળતા મેળવે. કયા પાંચ કૌશલ્યો ? 

 1.જટિલ સમસ્યાઓ અને નિરાકરણ

એટલે કે વિદ્યાર્થી જીવનમાં કે વ્યવસાયમાં આવતી જટિલ સમસ્યાઓને સમજતો થાય. સમજીને એનું નિરાકરણ પણ લાવી શકે એટલો સક્ષમ થાય. આ એવી આવડત છે જેની આજે દરેકને વારંવાર જરૂર પડે છે અને ભવિષ્યમાં પડશે. પંચતંત્ર અને પૌરાણિક વાર્તાઓ જટિલ પરિસ્થિતિ હોય ત્યારે કેમ ઉકેલ લાવવો તે શીખવતી હતી જે આજનાં શિક્ષણમાં નથી. આવનારી પેઢી વિચારહીન અને મૂઢ થઇ જવાનો મને ડર લાગી રહ્યો છે. ૨૧ વર્ષનો કોલેજનો છોકરો અચાનક પપ્પા બીમાર પડે ત્યારે મુંઝાઈ જાય છે. ડોક્ટરની વાતોમાં આવીને ડરી જાય છે. જટિલ પરિસ્થિતિમાં સંતુલિત રહીને એ કોઈ સાથે વાત પણ કરી શકતો નથી. આ સ્થિતિ આજે ૮૦ ટકા બાળકોમાં છે.

2. સમૂહ વર્તન અને સહકાર ભાવના.

સમૂહ વર્તન અને સહકાર ભાવના. સોશિયલ મીડિયાના પ્રભાવમાં આજની પેઢી એકલવાયી થઈ રહી છે. જો સોશિયલ મીડિયાના સાચા અને સારા ઉપયોગનો મુદ્દો અભ્યાસક્રમમાં નહિ હોય કે બાળકોને નહિ સમજાવીએ તો આખી પેઢી હાથમાંથી જતાં વાર લાગે એમ નથી. Team workનું કૌશલ્ય ભૂલાતું જાય છે. આ મુદા પર ઘણી ચર્ચા થઇ શકે.

3.ચપળતા અને પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા

        કૌશલ્ય વિકાસની ત્રીજી વાત. વિદ્યાર્થીઓમાં ચપળતા અને પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા બંને વિકસે તે ખૂબ જરૂરી છે. મને એવું લાગે છે કે ખરેખર આજે શારીરિક અને માનસિક રીતે બાળકોમાંથી ચપળતા ધીરે ધીરે ઓછી થતી જાય છે. આવનારી પેઢી મહેનત નહિ પણ માત્ર મગજમારી કરનારી આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. શારીરિક માનસિક ચપળતા alertness and agility નો રીતસર અભાવ દેખાઈ રહ્યો છે. “કાર્ય એજ આનંદ”ને   બદલે “કાર્ય કરવા refresh થવું”ની માનસિકતા વિકસી રહી છે.

4. પહેલ કરવાની હિંમત 

      ચોથી વાત, જો બાળકમાં પહેલ કરવાની હિમ્મત નહિ હોય તો એનામાં ઉદ્યોગસાહસિકતાનો, કાર્ય સહસિકતાનો વિકાસ નહિ થાય. આ હું એવી બાબત જણાવું છું જે કદાચ એવું લાગશે કે અત્યારે શાળાકીય શિક્ષણમાં બાળકોને આ બધું થોડું શીખવવાનું છે. ના, આ બધું વિકસે તે માટે ના જે પાયાનાં કૌશલ્યો છે તે વિકસાવવાની જવાબદારી તો આજના શિક્ષકની જ છે ને? આજે શિક્ષકોને જ ખબર નથી હોતી કે આવનારાં ૫ કે ૧૦ વર્ષમાં સમાજની કે ઉદ્યોગોની સ્થિતિ કેવી હોઈ શકે. જો એ ધ્યાને લઈને આજની પેઢીને તૈયાર કરીએ તો વિદ્યાર્થીને એનાં ક્ષેત્રમાં સફળતા ઝડપી અને ચોક્કસ મળે.

5. સાંભળવાની અને બોલવાની કળા 

        પંચમી વાત છે કે આપણા બાળકો બોલતાં થાય. લખતાં થાય. અસરકારક અને નીડરતાથી બોલવું કે લખવું એ પણ એકદમ આવશ્યક કૌશલ્ય છે. આપણે કંઈપણ બોલવું કે લખવું હોય તો વિચારવું તો પડે. વિચાર વગર વાણી નહિ આવે. વિચારશક્તિ ખીલવવાની જવાબદારી તો શિક્ષકની જ છે ને? શાળાઓમાંથી નીકળેલું આજનું બાળક જાતે પોતાનો રેઝ્યુમે લખી નથી શકતું. “મારું શહેર” જેવા વિષય પર પણ જો કોલેજના વિદ્યાર્થીને પૂછીએ તો એ અરધી મિનીટ પણ ન બોલી શકે અને બોલે તો પાંચમાં ધોરણનાં બાળક જેમ સાદાં વાક્યો બોલે તો એ માટે મારી દ્દષ્ટીએ બાળકનો વાંક નથી પણ આજનું માત્ર પરીક્ષાલક્ષી શિક્ષણ જવાબદાર છે. 

        આપણે આજના શિક્ષણમાં કૌશલ્યવાન નાગરિકોને બદલે નકલ કરનારા પોપટો પેદા કરી રહ્યાં છીએ. ગાઈડો અને સંદર્ભ સાહિત્યમાંથી માત્ર  ટેક્સ્ટબુકના ગણતરીના મુદાઓ મોઢે કરીને મોટી થઇ રહેલી પેઢી પાસે ભવિષ્યમાં ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો અને સમાજચિંતકો બનવાની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ? ગોખણપટ્ટી કરનાર, ટિકટોક જોનાર અને વિડીઓગેમમાં સતત સમય બરબાદ કરનાર આજના બાળકને લાઈબ્રેરી શબ્દ કંટાળાજનક લાગે છે. માનસિક વિકાસલક્ષી વાંચન વગર વિચારશક્તિ વિકસે કેવી રીતે? સામાન્ય સમસ્યામાં પણ આજનું બાળક મુંઝાઈ જાય છે. વિચારહીન બની જાય છે. ત્યારે એ ભવિષ્યની જવાબદારી એક વિચારવાન નાગરિક તરીકે કેવી રીતે ઉપાડશે? પોતાની સમસ્યામાં મુંઝાઈ જનારો બીજાને સહ્કાર પણ કેવી રીતે આપશે? મારી દૃષ્ટીએ આપણે કૌશલ્યલક્ષી શિક્ષણને બદલે પરીક્ષાલક્ષી શિક્ષણ આપીને ભારતનાં ભવિષ્યને બરબાદ કરતાં આવ્યાં છીએ અને હજુ કરી રહ્યાં છીએ છતાં આ બાબત સ્વીકારવા કોઈ તૈયાર નથી. 

સાભાર-વોટ્સએપ પરથી વિણેલાં મોતીડાઓ 

Tuesday, February 23, 2021

સર્જનની સરવાણી-૨૬

        

         કોઈ બાળક પાસે પોતાના મા-બાપ બદલવાનો વિકલ્પ નથી હોતો. અને એમની એ કમનસીબીનો આપણે ક્યારેક ગેરલાભ ઉઠાવતા હોઈએ છીએ. આપણા સમાજમાં નાની ઉંમરે મૃત્યુના મુખ્ય બે કારણો છે. અપેક્ષાઓ અને અભિપ્રાયો. બાળક જન્મે ત્યારે એની બંધ મુઠ્ઠીઓમાં મમ્મી-પપ્પાને સંબોધીને ઈશ્વરે લખેલી કોઈ ચિઠ્ઠી નથી હોતી, કે આ બાળકને ડૉક્ટર કે એન્જીનીયર બનાવજો. (કોઈપણ જાતની પૂર્વશરત વિના પોતાના ભાગે આવેલી જિંદગીને ઉજવી લેવાની સમજણ પાઠ્ય-પુસ્તકો વાંચીને નથી આવતી.) 

        બાળકોને પ્રેમ કરનારા આપણે સહુ તેમની પ્રતિભા અને તેજસ્વીતાનું ગૌરવ તો લઈએ છીએ પરંતુ તેમની નબળાઈઓ સ્વીકારવા આપણે તૈયાર નથી હોતા. પરીક્ષાના માર્કસ હોય કે રમતગમતનું મેદાન, આપણું બાળક ક્યાંય પણ પાછળ રહી જાય એ વાત આપણને મંજૂર નથી. શ્રી દક્ષિણામૂર્તિના શિક્ષક અને કેળવણીકાર વિક્રમ ભટ્ટ કહે છે કે ‘બાળકોની અપૂર્ણતાને ચાહો. કારણકે તેઓ તમારી અપૂર્ણતાને ચાહે છે. ’ આ વાત કેટલી સાચી લાગે છે ને ! 

        આજ સુધી કોઈ બાળકે એની મમ્મીને એવું કહ્યું નથી કે ‘મમ્મી, તને અંગ્રેજી બોલતા નથી આવડતું એટલે હું તારા ખોળામાં નહિ બેસું.’ પપ્પાને પ્રમોશન નથી મળ્યું એવું સાંભળીને કયું બાળક એના પપ્પા સાથે બોલવાનું બંધ કરી દે છે ? બાળકો આપણને આપણી નિષ્ફળતાઓ અને નબળાઈઓ સાથે સ્વીકારે છે અને પ્રેમ કરે છે. ચોકલેટ અને રમકડા જેવી નાની બાબતો પર જીદ કરતા બાળકો, એમના મા-બાપની ઉણપો વિશેનું સત્ય કેટલી સરળતાથી સ્વીકારી લે છે !  

        બીજું કાંઈ શીખીએ કે નહિ પરંતુ આપણા બાળકો પાસેથી આપણે ઉદારતા તો શીખવી જ પડશે. એમના ઉછેરમાં, એમની માવજતમાં આપણે પણ ભૂલો કરતા હોઈશું. જેમ બે કાન પકડીને આપણે તેમની પાસે સોરી બોલાવીએ છીએ, એમ એમની આંખોમાં આંખો નાખીને આપણે પણ તેમને ‘સોરી’ કહેતા શીખવું પડશે. આપણે માફી માંગીએ કે ન માંગીએ, બાળકો બહુ જલ્દી માફ કરી દેતા હોય છે. અને માફી આપ્યાનો તેમને અહંકાર પણ નથી હોતો. કદાચ તેઓ પ્રેમને આપણી કરતા વધારે સારી રીતે સમજે અને જીવે છે. 

        દરેક બાળક પોતાની પસંદગી લઈને જન્મે છે. પોતાના ગમા-અણગમા સાથે જીવે છે. આપણી કોઈપણ જાતની દખલગીરી વગર પણ તેઓ પોતાને ગમતું કામ તો વ્યવસ્થિત રીતે કરી જ લેવાના છે. બસ, એમના સપનાઓમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ. પેરેન્ટ્સ મીટીંગ વખતે ચિંતિંત વાલીઓ જ્યારે ક્લાસ-ટીચરને પૂછતા હોય છે કે ‘ક્લાસમાં મારા બાળકનું પ્રદર્શન કેવું છે ?’ ત્યારે મને ઘણીવાર વિચાર આવે છે કે આવી એક મીટીંગ બાળકો સાથે પણ થવી જોઈએ જ્યાં બાળકોને પૂછવામાં આવે કે ‘ઘરમાં તમારા મમ્મી પપ્પાનું પ્રદર્શન કેવું છે ?’ 

        અત્યાર સુધી ફક્ત આપણે જ બાળકોને ગ્રેડ્સ અને માર્કસ આપતા આવ્યા છીએ. એક અવસર એમને પણ મળવો જોઈએ, આપણું મૂલ્યાંકન કરવાનો. પણ બાળકો ક્યારેય મૂલ્યાંકન નથી કરતા કારણકે તેઓ જાણતા હોય છે કે ઈશ્વરે બનાવેલી આ સૃષ્ટિને લોકોની અપૂર્ણતા જ સુંદરતા બક્ષે છે. 

સર્જનવાણી: જો કોઈ પણ બાળક ‘પોતે અપૂર્ણ છે’ એવી માન્યતા સાથે મોટું થાય છે, તો વાલી તરીકે એ આપણી સૌથી મોટી અપૂર્ણતા છે - ડૉ. નિમિત્ત ઓઝા

Saturday, February 20, 2021

વિશ્વની પ્રાચીન ભાષાઓ

" ગરવી છે ગુજરાતની ધરતી, વતનની એ માટી છે,

એ માટીમાં મૂળ છે મારા, ભાષા મારી ગુજરાતી છે "

              આપણી આ ગુજરાતી ભાષાનો ઇતિહાસ એક હજાર કે પંદરસો વર્ષ પુરાણો છે. આ ગુજરાતી ભાષા પણ જુદી જુદી જગ્યાએ અલગ અલગ અંદાજમાં બોલાય છે. એના વિવિધતા ભરેલા રંગો પણ આપણને એક આગવી ઓળખ આપે છે. આજે વિશ્વમાં બધા દેશોમાં પોતાની માતૃભાષામાં જ શિક્ષણ અપાય છે અને વ્યવહારો પણ સ્થાનિક ભાષામાં જ થાય છે ત્યારે ચાલો જાણીએ કેટલીક જૂની પુરાણી ભાષાઓ વિશે જેમણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળતા મેળવી છે.

૧) ગ્રીક : 

પ્રાચીન સમયની આ સૌથી જૂની ભાષાઓ માં સ્થાન પામતી આ ગ્રીક ભાષા અત્યારે પણ બોલાય છે પરંતુ એ પુરાણી ગ્રીક કરતા અલગ જ છે. વર્તમાનમાં ગ્રીસ અને સાયપ્રસની એ સત્તાવાર રીતે અધિકૃત ભાષા છે.

૨) લેટિન :

લેટિન ભાષા આજે વેટિકન સિટી ની સત્તાવાર ભાષા છે. ઘણા જૂના ગ્રંથો લેટીનમાં લખાયા છે અને ઘણા ખ્રિસ્તી પાદરીઓ આજે પણ લેટિન ભાષાનો જ સામાન્ય વાતચીતમાં પણ ઉપયોગ કરે છે.

૩) હિબ્રુ :

હિબ્રુ ભાષા ત્રણ હજાર વર્ષ જૂની છે અને અત્યારે  ઇઝરાયલમાં પણ તે સત્તાવાર રીતે ઉપયોગમાં લેવાય છે.  વચ્ચેના ભાગમાં લુપ્ત થઈ ગયેલી આ ભાષા છેલ્લી બે સદીથી ફરીથી જીવંત બની છે.

૪) અરબી : 

દુનિયામાં લગભગ બેતાલીસ કરોડ લોકો આજે આ ભાષાનો ઉપયોગ કરે એવી આ અરબી ભાષા સમગ્ર આરબ જગતમાં બોલાય છે.

૫) ફારસી :

દુનિયાની પ્રાચીનતમ સમૃદ્ધ ભાષાઓમાં સામેલ એવી ફારસી ભાષા આજે પણ દસ કરોડ લોકો બોલી જાણે છે. ભારતમાં મુઘલ સામ્રાજ્યમાં ફરસીનો ઉપયોગ શરૂ થયો હતો.

૬) તમિલ :

ભારતની આ ભાષાનો ઇતિહાસ બે હજાર વર્ષ પુરાણો છે અને દક્ષિણ ભારતમાં આજે પણ પ્રચલિત છે અને ઘણા લોકો તે પોતાના વ્યવહારમાં પણ ઉપયોગ કરે છે. તમિલનાડુ અને પોંડિચેરી સાથે સાથે સિંગાપુર અને શ્રીલંકામાં પણ આ ભાષા સત્તાવાર રીતે ઉપયોગમાં લેવામાં આવે છે.

૭) ચીની :

દુનિયાના લગભગ દોઢ અબજ લોકો આ ચીની ભાષામાં નો ઉપયોગ કરે છે અને એ ત્રણ હજાર વર્ષ જૂની છે. આ ઉપરાંત ત્યાં મંડારિયન નામની ભાષા પણ બોલાય છે જે પણ ખૂબ જ જૂની છે.

૮) લિથુઆનિયન :

બાલ્ટિક દેશ લીથુઆનિયાની સત્તાવાર ભાષા છે.

૯) બારક : 

સ્પેનના બારક વિસ્તારમાં બોલાય છે.

આવી આપણી ભાષાનું મહત્વ આપણે જાણીએ અને એને સમજીને જાળવીએ તો આપણી આવનારી પેઢીને પણ એક ઉત્તમ વારસો આપી શકાય છે.

જય જય ગરવી ગુજરાત 


Tuesday, February 16, 2021

સર્જનની સરવાણી-૨૫

મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીનું  જીવનદર્શન 

મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી એક એવું નામ કે જે ભારત ભૂમિ સાથે એવી રીતે વીંટળાઇ ગયું છે કે તેમનું જીવન જ આપણને સર્વને કાંઇ ને કાંઇક પ્રેરણા આપ્યા જ કરે છે. તેમનું નામ અને કામ માત્ર ભારત જ નહિં પરંતુ સમગ્ર વિશ્વ માટે પરિવર્તન સર્જનાર છે. માત્ર ભારતને આઝાદી અપાવવા પૂરતું જ નહિ પણ આઝાદી બાદ પણ ભારતના લોકોનું જીવન શ્રેષ્ઠ કઇ રીતે બને એ માટે તેઓ સતત પ્રયત્નશીલ હતા. તેમની કેળવણી એટલે પહેલા જાતે કોઇ કાર્ય કરો અને પછી સામેવાળાને કહેવાનું કે હવે તમને યોગ્ય લાગે તો કરવાનું. કોઇ પર કોઇપણ જાતનું દબાણ કે કાર્ય અથવા અભ્યાસનું ભારણ પણ નહિં.

        આ જ એક એમની સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ બાબત હતી કે કોઇ પણ માણસ કે પ્રતિભાશાળી વ્યકિત તેમનાથી પ્રભાવિત થયા વિના રહેતા નહિં. આજે પણ આ સાંપ્રત સમયગાળામાં તેમના વિચારો અને વાણીની વાતો એટલી જ સત્ય અને આચરણ કરવા યોગ્ય છે. તેેમના વિચારોથી જ માર્ગદર્શન મેળવીને અને પ્રેરણા લઇને સરદાર વલ્લભભાઇ અને ઘણા બધા મહાપુરુષો તેમની સાથે આઝાદીની ચળવળમાં જોડાયા અને ત્યારબાદ આઝાદ ભારતના વહીવટને પણ ખુબ જ સફળતા પૂર્વક પાર પાડયો હતો. તેમની પોતાની કેળવણી પણ ઉત્તમ રીતે થઇ હોવાથી જ તેમજ તેમના જીવનમાં ભારતીય પ્રાચીન ગ્રંથોનો અને પશ્વિમનાં પણ લેખકોનો પ્રભાવ રહ્યો છે. તેઓ હંમેશા કહેતા કે ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે. લેખન તો હંમેશા સપષ્ટ અને સુવાચ્ય જ હોવું જાઇએ.

        તેઓ હંમેશા વિશ્વમાં અને ભારતમાં પણ શાંતિ અને અમનની સાથે ભાઇચારો જળવાઈ રહે તેમ ઈચ્છતા હતા. આ માટે તેમણે બીજા વિશ્વયુધ્ધ દરમિયાન હિટલરને પણ પત્ર લખીને વિશ્વશાંતિની ચાહના પ્રગટ કરી હતી. આઝાદીના સમયગાળા દરમિયાન બ્રિટનના વડાપ્રધાન રહેલા વિન્ચટંટ ચર્ચિલ પણ તેમના વાઇસરોયને ગાંધીજીને મળવાની ના કહેતા. તેઓ હંમેશા કહેતા કે તમે જો ભારતમાં જાવ અને ગાંધીજી તથા સરદાર વલ્લભભાઇને મળો, તેમની સાથે માત્ર અડધો કલાક વિતાવ્યા બાદ તેઓ તમને કોરા કાગળ પર સહી કરવાનું કહે તો તમે આ કોરા કાગળ પર હસતા હસતા સહી કરી આપશો. આવું પ્રતિભાશાળી અને ઉત્તમ જીવન જીવતા હતા આપણા મહાત્માં મોહન.

        સત્ય પ્રેમ અને અહિંસા એમના જીવનના અંગો જેવા હતા. એમને હંમેશા ભારતના નાનામાં નાના માનવીને પણ આઝાદીની સાથે જીવનની દરેક સગવડતાઓ અને એક ગરિમામય જીવન પ્રાપ્ત થાય તે માટે જ સંઘર્ષ કર્યો હતો. આ રીતે તેઓ આપણા જીવનમાં અને વિશ્વમાં અમર થઈ ગયા. આઝાદી બાદ ભારતની જનતાના દિલમાં તેઓ રાષ્ટ્રપિતા તરીકે અંકિત થઇ ગયા.

સત્યને દર્શાવવાની ક્રિયામાં જ સત્ય અસત્યમાં ફેરવાઇ જતું હોય છે. શબ્દોને ગોઠવવામાં શબ્દો ખોવાઈ જતા હોય છે. જે જાણી શકાય એવું છે એ માત્ર મૌન- ગાંધીજી

Thursday, February 11, 2021

વિવેકાનંદની વાણી-મણકો-૨

સન ૧૮૮૧ ની વાત છે. એક પ્રોફેસરે કલાસમાં તેમના વિધાર્થીઓને એક સવાલ કર્યો કે આ દુનિયામાં જે બધુ આપણે જોઇ રહ્યા છીએ તે કોને બનાવ્યું છે ? શું પરમકૃપાળુ પરમાત્માએ આ બધી રચના કરી છે ? બધા જ વિધાર્થીઓ વિચારમાં પડી ગયા. એવામાં એક વિધાર્થી ઊભો થયો અને કહ્યું,

વિધાર્થી: હા સાહેબ..

પ્રોફેસર: તો પછી શેતાનને કોણે  બનાવ્યો ? શું શેતાનને પણ પ્રભુએ જ બનાવ્યો છે?

આ સાંભળીને એ વિધાર્થી એકદમ શાંત થઈ ગયો અને પછી તેણે પ્રોફેસરને એક વિનંતિ કરી,

સાહેબ શું હું આપને પ્રશ્ન કરી શકું ?  પ્રોફેસરે સમંતિ આપી.

વિધાર્થી: શું ઠંડી જેવું કાઈં હોય છે ?

પ્રોફેસર: ચોક્કસ હોય છે..

વિધાર્થી: માફ કરજો સાહેબ, તમારો જવાબ ખોટો છે કારણકે ઠંડી લાગવી એ ગરમીની ગેરહાજરીનું પરિણામ છે. 

વિધાર્થીએ બીજો પ્રશ્ન કર્યો કે શું અંધારૂ અસ્તિત્વ ધરાવે છે ? 

પ્રોફેસર: હાસ્તો ધરાવે છે...

વિધાર્થી: સાહેબ તમે આ વખતે પણ ખોટા છો. ખરેખર અંધારા જેવી કોઇ ચીજ છે જ નહી. ખરેખર તો અંધારૂ અજવાળાની ગેરહાજરી છે. જેવુ અંજવાળુ આવશે એટલે તરતજ અંધારૂ ગાયબ થઇ જશે. સાહેબ આપણે રોજ પ્રકાશ અને ગરમીનો અભ્યાસ કરીએ છીએ પણ ઠંડી અને અંધારાનો  કરતા નથી. તેવી જ રીતે શેતાનની કોઇ હયાતી જ નથી એ તો પ્રેમ , વિશ્વાસ, અને  ઇશ્વર પ્રત્યેની આસ્થાની ગેરહાજરી છે. જેને ઇશ્વર પ્રત્યે આસ્થા અને શ્રધ્ધા નથી તેને જ શેતાનનો  અનુભવ થાય છે. પ્રોફેસર આ વિવરણ સાંભળીને અચંબિત થઈ ગયા અને એ વિધાર્થીને શાબાશી આપી. આવો  સુંદર અને સચોટ જવાબ આપનાર  વિધાર્થીનુ નામ હતું સ્વામી વીવેકાનંદ.

        આમ, કેળવણી અને ગણતર એટલે જ સાચું શિક્ષણ અને એ જ જીવનને સાચો માર્ગ બતાવી શકે છે. આપણે વાંચતાં અને વિચારતા હોઈએ છીએ કે સાચી કેળવણી જીવનને ખોટા વહેમ અને અંધશ્રદ્ધાઓ માંથી મુક્ત કરાવે છે. આપણા વિવેકાનંદ પણ એમના જીવનમાં સતત ને સતત એ જ વાતનો બોધ આપતા રહ્યા છે. સાચું શિક્ષણ માનવ-માનવ વચ્ચેના બેદભાવોને દૂર કરે છે અને સ્વામી વિવેકાનંદ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન ભારતીય અસ્મિતા અને સંસ્કૃતિની સાચી ગરિમા સમગ્ર વિશ્વમાં ફેલાય એ માટે સતત પ્રવાસ ખેડતા રહેતા.

Tuesday, February 9, 2021

સર્જનની સરવાણી-૨૪

 

  • આ જગતમાંથી હું એક જ વાર પસાર થવાનો છું, તેથી જો કશી મમતા બતાવી શકું તેમ હોઉં કે કોઇ સારું કામ કરી શકું તેમ હોઉં તો લાવ અત્યારે જ કરી લઉં, કારણકે હું બીજીવાર અહીંથી નીકળવાનો નથી.
  • આપણી જાતને પ્રમાણિક બનાવીએ એટલે જગતમાંથી એક બદમાશ તો ઓછો થયો હોય તેની ખાતરી સાંપડે.
  • આપણે કેટલું અલ્પ જાણીએ છીએ તે જાણતા પહેલાં પણ આપણે કેટલું બધું જાણવું પડે છે.
  • આ પળોનો ખ્યાલ રાખજો ; યુગ તો એનું સંભાળી લેશે.
  • આ પૃથ્વી આપણા વડવાઓ આપણે માટે મૂકતા ગયા નથી, પરંતુ આપણા સંતાનો પાસેથી તે આપણે ઉછીની લીધી છે એમ સમજીને તેની સંપત્તિનો ઉપયોગ કરજો.
  • ઉપકારનો બદલો વાળી દેવાની અતિ ઉતાવળ એટલે કૃતજ્ઞતાનો એક જાતનો અભાવ.
  • ઉપવાસ સહેલો છે, પરંતુ સંયમપૂર્વકનો આહાર અઘરો છે અને મૌન સહેલું છે, પરંતું સંયમપૂર્વક બોલવું અઘરું છે.
  • એક મહાપુરુષ એવો હોય છે કે જે દરેક માણસને તેની લઘુતાનું ભાન કરાવે છે, પરંતુ સાચો મહાપુરુષ તો એ છે કે જે દરેક માણસને તેની મહત્તનું ભાન કરાવે છે.
  • ઘણીવાર આપણે તો વિચારો કરવાનું કષ્ટ વેઠયા વિના જ અભિપ્રાયો ધરાવવાની સાહ્યબી ભોગવતા હોઇએ છીએ.
  • પ્રકાશ ફેલાવવાના બે રસ્તા છે : મીણબત્તી બનવું અથવા તો એનું પ્રતિબિંબ પાડનાર આરસી બનવું.

Tuesday, February 2, 2021

સર્જનની સરવાણી-૨૩

 

નચિકેતા 

    કઠોપનિષદ માંથી લીધેલી આ બોધકથા છે. ઉદ્દાલક નામના એક ઋષિ થઇ ગયા. તેમણે વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો. યજ્ઞ બાદ બ્રાહ્યણોને દાનમાં ગાય અને દક્ષિણા આપવાની હતી. ઉદ્દાલક ઋષિએ યજ્ઞ બાદ બ્રાહ્યણોને માંદલી અને ઘરડી ગાયો આપવા માંડી. જોકે તેમની પાસે ઘણી સારી ગાયો પણ હતી જ.

   ઉદ્દાલકના આઠ વર્ષના પુત્ર નચિકેતાએ આ બધું જોયું અને તેને તેના પિતાનો આવો લોભી સ્વભાવ ગમ્યો નહિં. તેણે તેના પિતાજીને કહ્યું કે “ દાન તો હંમેશા સારી અને પ્રિય વસ્તુઓનું જ કરવાનું હોય છે, તમે આ ઠીક કર્યુ નથી.” પિતાએ તેને ધમકાવ્યો, ત્યારે તેણે તેમને પૂછયું કે તમે મને કોને દાનમાં આપશો ? ત્યારે ક્રોધિત થઈને પિતાએ કહ્યું કે જા હું તને યમરાજને દાનમાં આપું છું.

   પિતાની આજ્ઞા પાળવા માટે નચિકેતા તૈયાર થયો અને તે યમરાજ પાસે જવા ઉપડયો. પિતાને પોતાની ભૂલ સમજાઈ પણ ઘણું કહેવા છતાં પણ તે રોકાયો નહિ. તે યમરાજના ઉંબરે જઈ પહોંચ્યો. દ્વારપાળે કહ્યું કે યમરાજ તો ત્રણ દિવસ માટે બહાર ગયા છે.

   નચિકેતા ભૂખ્યો અને તરસ્યો ત્રણ દિવસ સુધી યમરાજના દ્વાર પર બેસી રહ્યો. ચોથા દિવસે જયારે યમરાજ આવ્યા ત્યારે તેમણે જા•યું કે એક અતિથિ બ્રાહ્યણ બાળક પોતાના દ્વારે ત્રણ દિવસથી કંઈ પણ ખાધા-પીધા વિના જ પોતાની રાહ જોઈ રહ્યો છે. આ જાણીને તેમને ઘણું દુ:ખ પણ થયું. પણ તેની ધીરજ અને તાલાવેલી જાઇને તેઓ પ્રસન્ન થયા.

    યમરાજે નચિકેતાને ત્રણ વરદાન માંગવા માટે કહ્યું. નચિકેતાએ પ્રથમ વરદાન માંગ્યું કે તેના પિતાનો ક્રોધ દુર થાય, તેમનું કલ્યાણ થાય. બીજું વરદાન માંગ્યું કે મને એવી વિધા અને જ્ઞાનની પ્રાપ્તી થાય કે જેથી સ્વર્ગ જ પ્રાપ્ત થાય.

   પછી નચિકેતાએ ત્રીજું વરદાન માંગ્યું કે મને મૃત્યુંનું રહસ્ય એટલે કે આત્માનું જ્ઞાન આપવાની વાત કરી. યમરાજે તેના બદલામાં આખી પૃથ્વીનું રાજપાટ, ગાયોરૂપી ધન, દીર્ધ-આયુષ્ય આપવાની વાત કરી પણ નચિકેતા પોતાની માંગણી પર અડગ રહ્યો. આખરે યમરાજા માન્યા અને તેને મૃત્યુંનું રહસ્ય જણાવ્યું. નચિકેતાને આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન આપીને તેઓ અંર્તધાન થયા. નચિકેતા પોતાના ઘરે પાછો ફર્યો અને પિતાને બધી વાત જણાવી, જે જાણીને તેઓ ખુબ જ પ્રસન્ન થયા અને ખુબ ખુબ આર્શીવાદ આપ્યા.


વાર્તાનો બોધ : બીજા બધા ભૌતિક સુખ-સાધન કે જે નાશવંત છે તેના મોહમાં જીવવા કરતા ઇશ્વર ભકિત અને આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય તેવું સુંદર અને સાત્વિક જીવન વિતાવવું અને ઈશ્વરની ભકિત પણ કરવી.