Tuesday, February 2, 2021

સર્જનની સરવાણી-૨૩

 

નચિકેતા 

    કઠોપનિષદ માંથી લીધેલી આ બોધકથા છે. ઉદ્દાલક નામના એક ઋષિ થઇ ગયા. તેમણે વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો. યજ્ઞ બાદ બ્રાહ્યણોને દાનમાં ગાય અને દક્ષિણા આપવાની હતી. ઉદ્દાલક ઋષિએ યજ્ઞ બાદ બ્રાહ્યણોને માંદલી અને ઘરડી ગાયો આપવા માંડી. જોકે તેમની પાસે ઘણી સારી ગાયો પણ હતી જ.

   ઉદ્દાલકના આઠ વર્ષના પુત્ર નચિકેતાએ આ બધું જોયું અને તેને તેના પિતાનો આવો લોભી સ્વભાવ ગમ્યો નહિં. તેણે તેના પિતાજીને કહ્યું કે “ દાન તો હંમેશા સારી અને પ્રિય વસ્તુઓનું જ કરવાનું હોય છે, તમે આ ઠીક કર્યુ નથી.” પિતાએ તેને ધમકાવ્યો, ત્યારે તેણે તેમને પૂછયું કે તમે મને કોને દાનમાં આપશો ? ત્યારે ક્રોધિત થઈને પિતાએ કહ્યું કે જા હું તને યમરાજને દાનમાં આપું છું.

   પિતાની આજ્ઞા પાળવા માટે નચિકેતા તૈયાર થયો અને તે યમરાજ પાસે જવા ઉપડયો. પિતાને પોતાની ભૂલ સમજાઈ પણ ઘણું કહેવા છતાં પણ તે રોકાયો નહિ. તે યમરાજના ઉંબરે જઈ પહોંચ્યો. દ્વારપાળે કહ્યું કે યમરાજ તો ત્રણ દિવસ માટે બહાર ગયા છે.

   નચિકેતા ભૂખ્યો અને તરસ્યો ત્રણ દિવસ સુધી યમરાજના દ્વાર પર બેસી રહ્યો. ચોથા દિવસે જયારે યમરાજ આવ્યા ત્યારે તેમણે જા•યું કે એક અતિથિ બ્રાહ્યણ બાળક પોતાના દ્વારે ત્રણ દિવસથી કંઈ પણ ખાધા-પીધા વિના જ પોતાની રાહ જોઈ રહ્યો છે. આ જાણીને તેમને ઘણું દુ:ખ પણ થયું. પણ તેની ધીરજ અને તાલાવેલી જાઇને તેઓ પ્રસન્ન થયા.

    યમરાજે નચિકેતાને ત્રણ વરદાન માંગવા માટે કહ્યું. નચિકેતાએ પ્રથમ વરદાન માંગ્યું કે તેના પિતાનો ક્રોધ દુર થાય, તેમનું કલ્યાણ થાય. બીજું વરદાન માંગ્યું કે મને એવી વિધા અને જ્ઞાનની પ્રાપ્તી થાય કે જેથી સ્વર્ગ જ પ્રાપ્ત થાય.

   પછી નચિકેતાએ ત્રીજું વરદાન માંગ્યું કે મને મૃત્યુંનું રહસ્ય એટલે કે આત્માનું જ્ઞાન આપવાની વાત કરી. યમરાજે તેના બદલામાં આખી પૃથ્વીનું રાજપાટ, ગાયોરૂપી ધન, દીર્ધ-આયુષ્ય આપવાની વાત કરી પણ નચિકેતા પોતાની માંગણી પર અડગ રહ્યો. આખરે યમરાજા માન્યા અને તેને મૃત્યુંનું રહસ્ય જણાવ્યું. નચિકેતાને આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન આપીને તેઓ અંર્તધાન થયા. નચિકેતા પોતાના ઘરે પાછો ફર્યો અને પિતાને બધી વાત જણાવી, જે જાણીને તેઓ ખુબ જ પ્રસન્ન થયા અને ખુબ ખુબ આર્શીવાદ આપ્યા.


વાર્તાનો બોધ : બીજા બધા ભૌતિક સુખ-સાધન કે જે નાશવંત છે તેના મોહમાં જીવવા કરતા ઇશ્વર ભકિત અને આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય તેવું સુંદર અને સાત્વિક જીવન વિતાવવું અને ઈશ્વરની ભકિત પણ કરવી.

No comments:

Post a Comment