Sunday, February 28, 2021

જીવનનાં કૌશલ્યો

આજે ટેકનોલજીના આ અનુઆધુનિક યુગમાં એટલા ઝડપથી ફેરફારો થઇ રહ્યા છે કે જો એટલી ઝડપે શિક્ષણમાં પણ ફેરફારો કરવામાં કે સ્વીકારવામાં નહીં આવે તો આપણે જે કૌશલ્યો અત્યારે બાળકને જે શીખવીએ છીએ તે વાસ્તવિક ભવિષ્યમાં એને ઉપયોગી નહિ થાય. હું કૌશલ્યોની વાત કરું છું વિષયોની નહીં. આજના પરીક્ષાલક્ષી શિક્ષણમાં આ એક ભય છે. હા, એટલું કહી શકાય કે બાળકમાં જીવનોપયોગી કૌશલ્યોનો પૂરતો  વિકાસ થયેલ હશે તો એ કોઈ પણ ક્ષેત્રમાં જશે તો એને કામ આવશે. મારી દૃષ્ટીએ આજનું શિક્ષણ બાળકમાં પાંચ પ્રકારનાં કૌશલ્યો વિકસાવે એ પ્રકારે હોવું જોઈએ જેથી બાળક જે ક્ષેત્રમાં જાય તે ક્ષેત્રમાં સફળતા મેળવે. કયા પાંચ કૌશલ્યો ? 

 1.જટિલ સમસ્યાઓ અને નિરાકરણ

એટલે કે વિદ્યાર્થી જીવનમાં કે વ્યવસાયમાં આવતી જટિલ સમસ્યાઓને સમજતો થાય. સમજીને એનું નિરાકરણ પણ લાવી શકે એટલો સક્ષમ થાય. આ એવી આવડત છે જેની આજે દરેકને વારંવાર જરૂર પડે છે અને ભવિષ્યમાં પડશે. પંચતંત્ર અને પૌરાણિક વાર્તાઓ જટિલ પરિસ્થિતિ હોય ત્યારે કેમ ઉકેલ લાવવો તે શીખવતી હતી જે આજનાં શિક્ષણમાં નથી. આવનારી પેઢી વિચારહીન અને મૂઢ થઇ જવાનો મને ડર લાગી રહ્યો છે. ૨૧ વર્ષનો કોલેજનો છોકરો અચાનક પપ્પા બીમાર પડે ત્યારે મુંઝાઈ જાય છે. ડોક્ટરની વાતોમાં આવીને ડરી જાય છે. જટિલ પરિસ્થિતિમાં સંતુલિત રહીને એ કોઈ સાથે વાત પણ કરી શકતો નથી. આ સ્થિતિ આજે ૮૦ ટકા બાળકોમાં છે.

2. સમૂહ વર્તન અને સહકાર ભાવના.

સમૂહ વર્તન અને સહકાર ભાવના. સોશિયલ મીડિયાના પ્રભાવમાં આજની પેઢી એકલવાયી થઈ રહી છે. જો સોશિયલ મીડિયાના સાચા અને સારા ઉપયોગનો મુદ્દો અભ્યાસક્રમમાં નહિ હોય કે બાળકોને નહિ સમજાવીએ તો આખી પેઢી હાથમાંથી જતાં વાર લાગે એમ નથી. Team workનું કૌશલ્ય ભૂલાતું જાય છે. આ મુદા પર ઘણી ચર્ચા થઇ શકે.

3.ચપળતા અને પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા

        કૌશલ્ય વિકાસની ત્રીજી વાત. વિદ્યાર્થીઓમાં ચપળતા અને પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા બંને વિકસે તે ખૂબ જરૂરી છે. મને એવું લાગે છે કે ખરેખર આજે શારીરિક અને માનસિક રીતે બાળકોમાંથી ચપળતા ધીરે ધીરે ઓછી થતી જાય છે. આવનારી પેઢી મહેનત નહિ પણ માત્ર મગજમારી કરનારી આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. શારીરિક માનસિક ચપળતા alertness and agility નો રીતસર અભાવ દેખાઈ રહ્યો છે. “કાર્ય એજ આનંદ”ને   બદલે “કાર્ય કરવા refresh થવું”ની માનસિકતા વિકસી રહી છે.

4. પહેલ કરવાની હિંમત 

      ચોથી વાત, જો બાળકમાં પહેલ કરવાની હિમ્મત નહિ હોય તો એનામાં ઉદ્યોગસાહસિકતાનો, કાર્ય સહસિકતાનો વિકાસ નહિ થાય. આ હું એવી બાબત જણાવું છું જે કદાચ એવું લાગશે કે અત્યારે શાળાકીય શિક્ષણમાં બાળકોને આ બધું થોડું શીખવવાનું છે. ના, આ બધું વિકસે તે માટે ના જે પાયાનાં કૌશલ્યો છે તે વિકસાવવાની જવાબદારી તો આજના શિક્ષકની જ છે ને? આજે શિક્ષકોને જ ખબર નથી હોતી કે આવનારાં ૫ કે ૧૦ વર્ષમાં સમાજની કે ઉદ્યોગોની સ્થિતિ કેવી હોઈ શકે. જો એ ધ્યાને લઈને આજની પેઢીને તૈયાર કરીએ તો વિદ્યાર્થીને એનાં ક્ષેત્રમાં સફળતા ઝડપી અને ચોક્કસ મળે.

5. સાંભળવાની અને બોલવાની કળા 

        પંચમી વાત છે કે આપણા બાળકો બોલતાં થાય. લખતાં થાય. અસરકારક અને નીડરતાથી બોલવું કે લખવું એ પણ એકદમ આવશ્યક કૌશલ્ય છે. આપણે કંઈપણ બોલવું કે લખવું હોય તો વિચારવું તો પડે. વિચાર વગર વાણી નહિ આવે. વિચારશક્તિ ખીલવવાની જવાબદારી તો શિક્ષકની જ છે ને? શાળાઓમાંથી નીકળેલું આજનું બાળક જાતે પોતાનો રેઝ્યુમે લખી નથી શકતું. “મારું શહેર” જેવા વિષય પર પણ જો કોલેજના વિદ્યાર્થીને પૂછીએ તો એ અરધી મિનીટ પણ ન બોલી શકે અને બોલે તો પાંચમાં ધોરણનાં બાળક જેમ સાદાં વાક્યો બોલે તો એ માટે મારી દ્દષ્ટીએ બાળકનો વાંક નથી પણ આજનું માત્ર પરીક્ષાલક્ષી શિક્ષણ જવાબદાર છે. 

        આપણે આજના શિક્ષણમાં કૌશલ્યવાન નાગરિકોને બદલે નકલ કરનારા પોપટો પેદા કરી રહ્યાં છીએ. ગાઈડો અને સંદર્ભ સાહિત્યમાંથી માત્ર  ટેક્સ્ટબુકના ગણતરીના મુદાઓ મોઢે કરીને મોટી થઇ રહેલી પેઢી પાસે ભવિષ્યમાં ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો અને સમાજચિંતકો બનવાની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ? ગોખણપટ્ટી કરનાર, ટિકટોક જોનાર અને વિડીઓગેમમાં સતત સમય બરબાદ કરનાર આજના બાળકને લાઈબ્રેરી શબ્દ કંટાળાજનક લાગે છે. માનસિક વિકાસલક્ષી વાંચન વગર વિચારશક્તિ વિકસે કેવી રીતે? સામાન્ય સમસ્યામાં પણ આજનું બાળક મુંઝાઈ જાય છે. વિચારહીન બની જાય છે. ત્યારે એ ભવિષ્યની જવાબદારી એક વિચારવાન નાગરિક તરીકે કેવી રીતે ઉપાડશે? પોતાની સમસ્યામાં મુંઝાઈ જનારો બીજાને સહ્કાર પણ કેવી રીતે આપશે? મારી દૃષ્ટીએ આપણે કૌશલ્યલક્ષી શિક્ષણને બદલે પરીક્ષાલક્ષી શિક્ષણ આપીને ભારતનાં ભવિષ્યને બરબાદ કરતાં આવ્યાં છીએ અને હજુ કરી રહ્યાં છીએ છતાં આ બાબત સ્વીકારવા કોઈ તૈયાર નથી. 

સાભાર-વોટ્સએપ પરથી વિણેલાં મોતીડાઓ 

No comments:

Post a Comment