Showing posts with label પુસ્તક પરિચય. Show all posts
Showing posts with label પુસ્તક પરિચય. Show all posts

Friday, February 3, 2023

પુસ્તક પ્રસાદ-૨: નોર્થપોલ

 

જીતેશ દોંગાનો પરિચય એમના જ શબ્દોમાં.. 

        મને અડદની દાળ અને બાજરાના રોટલાં ખુબ ગમે છે. સવારે ભાખરી અને સાથે માખણ પણ ગમે. હું પુસ્તકોનો અઠંગ વાંચક. પુસ્તકોની સુગંધનો નશાખોર. એકલો રખડનાર વ્યક્તિ, છતાં ફેમિલીમેન. માવડીયો. સાયન્સ ફિક્શન અને સ્પેસ સાયન્સનો ખુબ જ મોટો ચાહક. મને એસ્ટ્રોનોમી, ફ્યુચર ફિક્શન, ફેન્ટસી ફિક્શન વગેરે વિષયો પણ અતિશય પ્રિય. માનવજીવનની ફિલોસોફીમાં પણ ખુબ રસ. મારું સપનું છે કે એકવાર શબ્દો થકી એવું ફેન્ટસી વર્લ્ડ બનાવવું છે કે જેમાં હું જ્યારે-જ્યારે જાઉં પાછું ન આવવાનું મન થાય! સવારનો કૂમળો તડકો અને રાત્રીનું ઘાટું આકાશ મને ખુબ ગમે. Instrumental મ્યુઝીક અને વર્લ્ડ-સિનેમા પણ અતિશય વ્હાલાં અને હવે એમની નવલકથા વિશેની વાત. 

        કોઈપણ માણસ કે વ્યક્તિ પોતાના જીવનમાં શું કરવા માંગે છે એ વિશે વારંવાર વિચારતો હોય છે અને ઘણીવાર તો અલગ અલગ લોકોના સલાહ સૂચન કે માર્ગદર્શન લઈને પણ પોતાના જીવનની કેડી કંડારવાનો પ્રયત્ન કરતો હોય છે. પરંતુ આ બધાને અંતે પણ ઘણીવાર ઘણા બધા લોકો એવા હોય છે કે જેને પોતાના જીવનનો સાચો માર્ગ મળતો નથી. જીવનમાં સતત અટવાયા કરતા હોય છે અને વિચારતા હોય છે કે હું કયા રસ્તે જઈ રહ્યો છું. હું જીવનમાં શું વિચારું છું શું કરવા માંગુ છું અથવા તો મને કયા કામ કરવામાં હ્રદયપૂર્વક આનંદ મળે છે એની મને જાણ છે આવા ઘણા બધા પ્રશ્નો વર્તમાન સમયમાં દરેકની પાસે છે, પણ શું દરેકને આ પ્રશ્નનો સાચો ઉત્તર મળે છે કે સાચું માર્ગદર્શન મળે છે ?               

          જીતેશભાઈ દોંગાનું પુસ્તક નોર્થ પોલ આપણા  આવા જ કંઈક  કેટલાએ પ્રશ્નોનું  અને એ પ્રશ્નો માંથી ઉઠતી ગડમથલ તરફ આંગળી ચીંધે છે જીવનમાં દરેકનું કંઈક  સ્વપ્ન હોય છે. દરેક વ્યક્તિ હંમેશા કંઇક ખાસ  બનવા માંગતો હોય છે. દરેકને એમ થાય છે કે હું એવી વિશિષ્ટ કારકિર્દી બનાવીશ કે એક ઉમદા કામ કરીશ કે જેનાથી મને જીવનમાં આનંદ મળશે. મારા સ્વપ્નો પૂરા કરીશ અને હું મારા પરિવાર અને માતા-પિતાને પણ અમદા જિંદગી આપવાનો પ્રયત્ન કરીશ. તેમના સ્વપ્નોની સાથે હું મારા જીવનને સાંકળીને ખુશીઓ મેળવી  લઈશ

         પરંતુ શું બીજાની ખુશીમાં આપણને ખુશી મળે છે એવો વિચાર કરતો નોર્થ પોલનો નાયક ગોપાલ કે જે એવું વિચારે છે કે હું એન્જીનીયર બનીશ અને પછી મારા માતા-પિતાની અપેક્ષા પ્રમાણે 40-50 હજારનો પગાર મેળવીશ અને પછી એ સુખી જીંદગી જીવીશ. પરંતુ એન્જિનિયરિંગ કરતા કરતા હર હંમેશ એ વિચારે છે કે શું સાચી દિશામાં જઈ રહ્યો છું. આ બધા કામ કરતા કરતા શું મને રાજીપો થાય છે કે એ કામમાં હું મારું સર્વસ્વ આપી શકું છું કે મને અંતરથી એવું  સુખ મળે છે?  આ એની શોધખોળ એને સતત નવા નવા કામો કરવા માટે પ્રેરણા આપે છે અને તે સાહસ કરીને અલગ અલગ કામો કરતો રહે છે. દરેક માંથી પોતાની ખુશીઓ મેળવવાનો પણ એ પ્રયાસ કરે છે અને આવા તો એ 22 કે તેથી વધારે કામો કરે છે પરંતુ એ પોતાની સાચી ખુશી મજામાં છે તે નક્કી કરી શકતો નથી

         આવું કરતા કરતા તે પોતાનું ભણતર તો પૂરું કરે છે પરંતુ ત્યાં સુધીમાં પણ તે પોતાના જીવનનો માર્ગ કે પોતાને ગમતું કામ એ મેળવી શકતો નથી પછી તે જીવનના સંઘર્ષમાં કંપનીઓ નોકરીઓ માટે ટ્રાયકરે છે. એક બે જગ્યાએ નોકરીઓ પણ મળે છે પણ એ કામ કરવામાં એને એવો આનંદ નથી આવતો. સતત એ એ નવા નવા વિચારો માં જ હોય છે અને અંતે આપણી નોકરીઓ છોડી ને ઘરે આવે છે. પોતાના પિતા સાથે વાત કરે છે અને માતા પિતા ને મનાવી ને તે પોતાના જીવનનો માર્ગ નક્કી કરવા માટે ઘરેથી નીકળી જાય છે. ત્યાંથી તે ગીરના જંગલોમાં જાય છે અને બાવો બનવાનું વિચારે છે પરંતુ ત્યાં પણ તેને સાચો આનંદ તો આવતો જ નથી અને પછી ત્યાં બાવાઓ એને એમ કહે છે કે તું અહીંયા રહેવા કરતાં તે સંસાર અને દુનિયા સામે તને જે પ્રશ્નો છે એ દુનિયા સામે તું નાગો થઈ જા અને દુનિયાને પોતાના પ્રશ્નો પૂછશે એમાંથી તને તારો કોઈ જવાબ મળશે.

            આમ કરતા કરતા તે મુંબઈ પહોંચે છે અને ત્યાં તેને મીરા નામની એક છોકરીનો ભેટો થાય છે, જે પણ આવી જ રીતે પોતાના જીવનના પ્રશ્નોનું સમાધાન મેળવવા માટે એકલી રહેતી હોય છે અને ટેટુ ચિત્ર દોરવાનું કામ કરતી હોય છે. તેની સાથે ગોપાલ પણ પોતાના જીવનનો આનંદ સાચો મેળવવા લાગે છે, પરંતુ આ બધામાં પણ તેને પોતાનું સાચું કામ અને પોતાનો આનંદ હજુ મળ્યો નથી હોતો. તે જીવનના અવનવા સંઘર્ષની સામે લડવાનું શીખી જાય છે. ગોપાલ મીરાની સાથે પોતાના જીવનને વણાયેલું જોતો હોય છે અને ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ પાંગરે છે. ત્યારબાદ બંને પોતાના સપનાઓ પુરા કરવામાં લાગી જાય છે અને આગળ વધતા લગ્ન કરીને તેઓ મુંબઈની બહાર જંગલ જેવા વિસ્તારમાં પોતાનું એક ઘર બનાવે છે જેને નામ આપે છે નોર્થપોલ. આ નામનો અર્થ બંનેના સપનાઓનું સરનામું બની રહે છે એવો વાંચતી વખતે આપણને લાગે છે અને એમ પણ થાય કે હવે ગોપાલ ને પોતાની મંઝીલ મળી ગયો હશે, પરંતુ વિધિની વક્રતા કંઈક અલગ જ હોય છે. બંને સંસાર પણ માંડે છે અને આગળ વધતા એમને ત્યાં ઈદ નામની છોકરી નો જન્મ થાય છે અને હવે ગોપાલ ને એમ લાગે છે કે આ સંસાર સંપૂર્ણ થયો છે. પરંતુ આવી બધી ગડમથલ ની વચ્ચે પણ એને પોતાના પ્રશ્નોનું સમાધાન તો બનતું જ નથી સતત એ એમાં અટવાયેલો રહે છે.

             આ બધાની વચ્ચે ઇદને કેન્સરનું નિદાન થાય છે અને અમુક સમય ની સારવાર પછી તે મૃત્યુ પામે છે. પછી એ આઘાતમાં ગોપાલ અને મીરા ભાંગી પડે છે પરંતુ ગોપાલ સ્વસ્થતા પૂર્વક મીરાને સંભાળવાનો પ્રયત્ન કરે છે. મીરા પોતાના જીવનને સંભાળી શકતી નથી, એવું એને લાગે છે ત્યારે બંને જણ છુટા પડવાનું નક્કી મીરા એને છોડીને પોતાના જીવનનો માર્ગ નક્કી કરવા માટે જતી રહેવાનું વિચારે છે. મીરા અન્યની સેવામાં પોતાનું જીવન પસાર કરી દેવાનો નક્કી કરે છે અને જ્યારે જતી હોય ત્યારે પણ રસ્તામાં તેનું મરણ  થાય છે. ગોપાલ તેને એજ નોર્થ પોલની ખુલ્લી જગ્યામાં દફનાવે છે.

             આ બધી ગડમથલ  પછી તેને પોતાના જીવનનો માર્ગ મળે છે. આટલા સંઘર્ષ પછી તેને એ વિચાર સ્ફૂરે  છે  અને એને પોતાના જીવનનો સાચો માર્ગ મળે છે. હવે કયો માર્ગ હશે તે જાણવા માટે તો વાચકે આતુરતાપૂર્વક અને નવલકથા સાથે લાગણીનો તંતુ જોડીને આ નવલકથા વાંચવી રહી. જીતેશભાઈની આ નવલકથા સાચે જ દરેક વાચકને પોતાના જીવનનો માર્ગ નક્કી  કરવામાં મદદ કરશે અને સંસારની સામે લડવામાં હિંમત આપશે.

(અહિયાં જીતેશભાઈનો પરિચય એમની સાઇટ પરથી લીધો છે.)

Friday, January 6, 2023

પુસ્તક પ્રસાદ-૧ : ઝેર તો પીધાં છે જાણી જાણી

મનુભાઈ પંચોળી "દર્શક" આપણા ગુજરાતી ભાષા અને સાહિત્યના સમર્થ કેળવણીકાર અને લેખક હતા. એમણે લખેલા ઘણા બધા પુસ્તકોમાંથી ઉત્તમ સર્જન એટલે ઝેર તો પીધાં છે જાણી જાણી. દર્શકદાદાને આપણા ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિની સાથે સાથે વિશ્વની સર્વોત્તમ અને પુરાતન સંસ્કૃતિઓ વિશેના વાચનનો શોખ હતો. એમણે ઘણા બધા દેશોનો પ્રવાસ પણ ખેડેલો અને એ બધા જ દેશોની સંસ્કૃતિઓ જાણવાનો પ્રયાસ કરેલો. એમાંથી મળેલા શ્રેષ્ઠત્વને ભારતીય સંસ્કૃતિ સાથે સાંકળીને સર્જાયેલી કૃતિ એટલે ઝેર તો પીધાં છે જાણી જાણી. આ કૃતિને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી રાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે.

            ગુજરાતી પ્રજા બહુ ઓછું વાંચે છે  એવી વાતો વારંવાર આપણી આસપાસ સંભળાતી હોય અને એ સાંભળીને પણ આપણી સંવેદનાઓ  અને લાગણીઓમાં ઝંઝાવાત જગાવે એવું લખવાનું પણ જાણે બહુ ઓછું જોવા મળે છે. માત્ર ટૂંકી વાર્તાઓ કે રહસ્યમય વિષયોને વાંચનારા લોકો પણ હવે ઉત્તમ નવલકથાઓ વાંચતા થયા છે એ જાણીને ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે. આવા સમયમાં પણ ચેતન ભગત જેવા સર્જકો આંતરરાષ્ટ્રીય કક્ષાની નવલકથાઓ લખવા માટે જાણીતા છે અને એમની ઘણી બધી નવલકથાઓ ગુજરાતી ભાષામાં પણ અનુવાદ થઈ છે અને એને ગુજરાતી પ્રજા  ઉત્સાહ સાથે વાંચે પણ છે.

આજે વાત કરવી છે આપણા જાણીતા ગુજરાતી કેળવણીકાર અને વિદ્વાન સર્જક તેવા મનુભાઈ પંચોળીની નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણી વિશે. લોકભારતી સણોસરાનું નામ  જ મનુભાઈ પંચોળી  અને નાનાભાઈ ભટ્ટ સાથે જાણે ખૂબ જ ગાઢ રીતે સંકળાયેલું છે. આવા મનુભાઈ પંચોળી એ લખેલી ગુજરાતી સાહિત્યની સર્વોત્તમ એવી ક્લાસિકલ નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણી. નવલકથામાં  આવતા પાત્રો ગોપાલકાકા, સત્યકામ, રોહિણી, હેમંત, બેરિસ્ટર અને અન્ય બીજા બધા પણ જાણે એકબીજાને  માટે  જીવનના સર્વ સુખો અને સંપત્તિની સાથે સર્વ કામનાઓનું બલિદાન આપવામાં ચડિયાતા સાબિત થાય છે. 

       નવલકથાની શરૂઆતમાં આવતું ગોપાલદાસ કાકાનું પાત્ર જાણે કર્મયોગીનું સાક્ષાત્ જીવંત સ્વરૂપ કે જેમણે વડોદરાના મહારાજા પાસેથી મેળવેલી બંજર જમીનમાં વનલતાઓ અને લીલીછમ વાડી ઊભી કરીને આસપાસના લોકોને જીવવા માટે જાણે  નવી રાહ  ચિંધતા હોય છે.  પોતાના  પરમ મિત્રના પુત્ર સત્યકામને પણ પોતાની પુત્રી રોહિણી જેટલો જ પ્રેમ અને લાગણીસભર ભાવનાઓ સાથે ઉછેર કરે છે. તેને જીવનના બધા જ પાઠ પણ ખૂબ ઉત્તમ રીતે શીખવવાનો સંઘર્ષ પણ તેઓ હસતા હસતા કરે છે. બંને બાળકો ધીમે ધીમે મોટા થતા જાય છે. સત્યકામ રોહિણીને મનોમન ચાહવા લાગે છે, પરંતુ વિધિને જાણે કંઈક ઓર જ મંજૂર હોય એ પ્રમાણે રોહિણીના જીવનમાં હેમંતનું આગમન થાય છે.

બીજી તરફ ગોપાલ કાકા રોહિણી અને સત્યકામના લગ્ન નું મુહૂર્ત જોવડાવે છે અને સત્યકામને ખરીદી કરવા મોકલે છે, પરંતુ બદલતા સંજોગો પ્રમાણે સત્યકામ આ બધું છોડી અને સંન્યાસી બનીને ખૂબ દૂર ચાલી જવાનો નિર્ણય કરે છે. આ બાજુ જીવનનાં વિકટ સંજોગોમાં ગોપાલ કાકાનું અવસાન થાય છે અને રોહિણી નિરાધાર બની જાય છે. પછી તે ગોપાલ કાકાની વાડી અને આશ્રમનું ધ્યાન રાખે છે. અમુક સમય બાદ ગામ લોકો તેને સમજાવીને બેરિસ્ટરના ઘરે હેમંત પાસે મોકલે છે અને શરૂ થાય છે રોહિણીના જીવનનો સંઘર્ષમય સમય જે વાંચતા જ વાચકને જાણે   પોતાના જીવનમાં ઉદભવતા ઝંઝાવાતો અને  સંઘર્ષો સામે લડવાની પ્રેરણા મળે છે.

            મહાત્મા ગાંધીના સમયની આ નવલકથામાં મનુભાઈ એ ખૂબ જ ઉત્તમ રીતે ઓગણીસમી અને વીસમી સદીની ઘટનાઓની સાથે ત્રણથી ચાર અલગ-અલગ લોકોના જીવનમાં  આવતા એ પડકારોની સાથે આપણા દરેકના જીવનને  જોડવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વના અલગ અલગ દેશો જેવા કે જર્મની, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ભારતમાં ઉદ્ભવતી વિવિધ પરિસ્થિતિઓમાં અલગ અલગ પાત્રો કઈ રીતે સંકળાય છે તે જાણવા માટે આ ઉત્તમ નવલકથા વાંચવી જ રહી. આ નવલકથા ઉપરથી ઝેર તો પીધા જાણી જાણી નામનું એક ગુજરાતી ગુજરાતી ફિલ્મ પણ બની છે જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી સત્યકામ તરીકે ખૂબ ઉત્તમ ભૂમિકામાં છે. નવલકથા ખૂબ જ લાંબી છે પરંતુ ક્લાસિકલ વાંચવાનો શોખ ધરાવનારાઓ માટે ઉત્તમ રસમય સાબિત થાય એવી છે. જય જય ગરવી ગુજરાત