Tuesday, November 30, 2021

સર્જનની સરવાણી-૬૪

બર્થ ડે ઉજવવાની અનોખી રીત

ઉદારતાનો પ્રસાર કરવાની આંતરરાષ્ટ્રીય ચળવળ 'યોર ટર્ન નાઉ' ના સ્થાપક એવા ૪૦ વર્ષીય ઋષભ તુરખીયાએ પોતાના ૪૦માં જન્મદિવસ નિમિત્તે ઉદારતાના કાર્યો કરતા રહેવામાં માનતા અન્ય ૪૦ જણને પોતાની સાથે ઓછામાં ઓછું એક ઉદારતાનું કામ કરવા નામાંકિત કર્યા. તેમણે પોતાનો ૪૦મો જન્મદિવસ આ ૪૦ ઉદારતાનો પ્રસાર કરતી અને અન્યોને ખુશ થવાનો મોકો આપતી ચેષ્ટાઓ સાથે અનોખી રીતે ઉજવ્યો :

૧. ગાડી ધોઈ સ્વચ્છ કરનારાને ચા - બિસ્કીટ આપ્યાં 
૨. રસ્તામાં મળનાર અજાણ્યા જણને ગુલાબનું ફૂલ આપ્યું 
૩. રસ્તાની સાફસફાઈ કરનારને વેફર અને જ્યુસ આપ્યાં
૪. સિનિયર સિટીઝન સાથે જલેબીનો સવારનો નાસ્તો કર્યો 
૫. હોસ્પિટલના વોર્ડબોય કે વોર્ડલેડી સાથે સવારનો નાસ્તો કર્યો 
૬. ગટર સાફ કરનારને આભાર માનતી નોટ અને બિસ્કીટ આપ્યાં 
૭. ભીખ માંગતા બાળકોને દૂધ આપ્યું 
૮. વૃક્ષારોપણ કર્યું 
૯. માળીઓને મીઠાઈ આપી 
૧૦. પેટ્રોલ પંપ પર ચોકલેટ ફજનું વિતરણ કર્યું 
૧૧. બસ કે રીક્ષા ની કતારમાં ઉભેલા લોકોને ચોકલેટ આપી 
૧૨. ટપાલીઓ સાથે નાસ્તો કર્યો 
૧૩. ડબ્બાવાલાઓ સાથે નાસ્તો કર્યો 
૧૪. મન સંસ્થાના દીવ્યાંગ બાળકોને યોગનું શિક્ષણ આપ્યું 
૧૫. એંજલ એક્સપ્રેસ ફાઉંડેશન સંસ્થાના ગરીબ બાળકોને ગણિત શીખવવાનું ખાસ સત્ર યોજ્યું 
૧૬. સિક્યોરિટી અને હાઉસ કીપીંગ સ્ટાફના કર્મચારીઓને મીઠાઈ આપી 
૧૭. જરૂરિયાતમંદને પુસ્તકોનું વિતરણ કર્યું 
૧૮. અનાથાશ્રમમાં કપડાંનું વિતરણ કર્યું 
૧૯. સુથાર અને રંગારાઓને બપોરનું જમણ આપ્યું 
૨૦. ડ્રાઇવર્સને નાસ્તો આપ્યો 
૨૧. બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને ગાડીમાં લિફ્ટ આપી ૨૨. કન્યાને એક વર્ષનું શિક્ષણ આપ્યું 
૨૩. બેઘર લોકોને જમણ આપ્યું 
૨૪. રત્ન નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ દીવ્યાંગ જનને વ્હીલચેરનું દાન કર્યું 
૨૫. પ્રીસ્કૂલની આયા-મૌશીઓને લંચ પેકેટ આપ્યાં 
૨૬. ચોક્કસ સાઇટ પર મજૂરી કરતા લોકો સાથે જમણ કર્યું 
૭. ટ્રાફિક પોલિસને ઠંડા પાણીની બોટલનું વિતરણ કર્યું 
૨૮. રસ્તા પરના ફેરિયાઓને જ્યુસ આપ્યું 
૨૯. અહિંસા સંસ્થાને પ્રાણીઓ માટે વિટામિન્સ ની દવાઓનું દાન કર્યું 
૩૦. હોટેલમાં વેઇટર્સને મીઠાઈના પેકેટ આપ્યાં 
૩૧. જય વકીલ સ્કૂલના દીવ્યાંગ બાળકોને આર્ટ મટિરિયલનું વિતરણ કર્યું 
૩૨. માળીઓને એક મહિનાના રેશનનું વિતરણ કર્યું 
૩૩. શેરીના બાળકો સાથે રમત રમી 
૩૪. અજાણ્યા જણને જાદૂકી ઝપ્પી (ભેટવું) આપી 
૩૫. પોતાની સ્કૂલના આચાર્યની સૌજન્ય મુલાકાત લીધી 
૩૬. જરૂરિયાતમંદને ટૂથબ્રશ અને ટૂથપેસ્ટનું વિતરણ કર્યું 
૩૭. નર્સીંગ હોમમાં નર્સને ફૂલ અને મીઠાઈ આપ્યાં 
૮. ફુગ્ગા વેચનારાને મિલ્કશેક આપ્યું 
૩૯. રિક્ષા ડ્રાઇવર્સને આઇસક્રીમ આપ્યાં
૪૦. પોતાના શરીરના ૧૧ અવયવો - કિડની, હ્રદય, લિવર, ફેફસાં, પેનક્રીઆઝ, આંખો, ત્વચા, આંતરડું, કાનના પડદા, હ્રદયનો વાલ્વ, હાડકાં નાં દાનનો નિર્ણય કર્યો.

( ટેલીગ્રામ પરથી લોકડાઉન સમયની મળેલી અનોખી વાતો  )

Sunday, November 28, 2021

સર્જનયાત્રાનું મંથન-૩૧

તમામ ગુસ્સાના મૂળમાં અતૃપ્ત ઈચ્છાઓ હોય છે. જેમ ઈચ્છાઓ વધતી જાય, તેમ ગુસ્સો પણ વધતો જાય. બાળપણમાં આપણે ગુસ્સે નથી હોતા કારણ કે મમ્મી-ડેડી 'કહ્યા' માં હોય છે, અને દરેક સ્થિતિ આપણી અનુકૂળ હોય છે. આપણી જરૂરિયાતો પણ મર્યાદિત અને આસાનીથી પુરી થાય તેવી હોય છે. મોટા થઈને ઈચ્છાઓ બદલાય, ત્યારે સમજાય છે કે વ્યક્તિઓ કે પરિસ્થિતિઓ તો કંટ્રોલની બહાર છે. ગુસ્સાનું મૂળ આ છે; વ્યક્તિઓ અને પરિસ્થિતિ તો એની એ જ છે, પણ આપણી જરૂરિયાત બદલાઈ ગઈ છે. મમ્મી-ડેડી તો એનાં એ જ છે, પણ આપણી અપેક્ષા બદલાઈ ગઈ છે. સમાજ તો એનો એ જ છે, આપણી રીત બદલાઈ ગઈ છે. 

બધું આપણને અનુકૂળ નથી હોતું એટલે ગુસ્સો આવે છે. જેને કોઈની પાસેથી કશું જોઈતું જ ન હોય, એના માટે શાંત રહેવું આસાન હોય છે. આંતરિક કે બાહ્ય સ્તરે, દુનિયામાં અત્યારે લોકોમાં સૌથી વધુ ગુસ્સો છે. નાની ઉંમરે આપણામાં ગુસ્સો આવી જાય છે..આટલી અભૂતપૂર્વ પ્રગતિ પછી મનુષ્યજાત શાંત કેમ નથી?

Tuesday, November 23, 2021

સર્જનની સરવાણી-૬૩

         

        જેઆરડી. તાતાના એક મિત્રને વારંવાર તેની પેન ખોઈ નાખવાની ટેવ હતી. પોતાની આ બૂરી આદતથી તે પરેશાન થઈ ગયો હતો . આથી તે સસ્તી પેન વાપરતો હતો જેથી પેન ખોવાઈ જાય તો પણ  ચિંતા નહીં. પરંતુ પેન ખોવાઈ જવાનું બંધ થતું નહોતું. અંતે તેની આ કુટેવ થી કંટાળી ને તેણે એક વખત જેઆરડી તાતા ને પોતાની આ બેદરકારી વિશે કહ્યું. જેઆરડી એ તેને સાંભળ્યા પછી એક સૂચન કર્યું.

       જેઆરડીએ તેને સૌથી મોંઘી પેન ખરીદવાનું કહ્યું. મિત્ર ને મોંઘી પેન  પરવડી શકે તેમ હતી. તેણે ૨૨ કેરેટની ગોલ્ડ પેન ખરીદી. લગભગ છ મહિના પછી જેઆરડી. તેના મિત્રને મળ્યા ત્યારે પૂછ્યું કે હજુ પણ તેની પેન ખોવાઈ જાય છે કે નહીં. મિત્રએ સ્મિત કર્યું અને કહ્યું કે તે આશ્ચર્યચકિત છે કે હવે તેની પેન ખોવાઈ જતી નથી. તેની પેન વિશે તે બહુ કાળજી રાખે છે.

        જેઆરડીએ તેને સમજાવ્યું કે  તફાવત પેનનું મૂલ્ય  છે. પહેલાં એવું નહોતું કે એક વ્યક્તિ તરીકે તે બેદરકાર હતો કે પછી તેનામાં કોઈ ઉણપ હતી. પહેલા તેને તેની પેનનું કોઈ મૂલ્ય નહતું. પરંતુ હવે પેન કિંમતી  હોવાથી  તેને મન તેનું મૂલ્ય ઘણું વધી ગયું હતું.!

    આપણા સૌના જીવનમાં પણ આવું બને છે. આપણે કોઈ વિશે બેદરકારી ત્યારે દાખવીએ છીએ જ્યારે આપણને  તેના વિશે  કદર નથી હોતી.સાવચેત રહેવું એ માનવીનું મૂળભૂત લક્ષણ છે પરંતુ આપણે મન જેનું મૂલ્ય વધુ હોય અને જેની સૌથી વધુ કદર કરતા હોય તેના વિશે આપણે વધારે સાવચેતી , વધુ કાળજી રાખીએ છીએ.


Sunday, November 21, 2021

સર્જનયાત્રાનું મંથન-૩૦

બીજા લોકોનું પ્રમાણપત્ર ક્યારે પ્રેરણમાંથી કેદ બની જાય તેની સભાનતા હોય તે વ્યક્તિને જ શાંતિ નસીબ હોય. આપણે આપણી આંતરિક પ્રેરણા અનુસાર આપણા જીવન પથ પર ચાલીએ છીએ, અને એમાં અધવચ્ચે બીજા લોકોનાં પ્રમાણપત્રો આપણો અવાજ બની જાય, ત્યારે આપણે બહુ આસાનીથી આપણા સુખ અને શાંતિને બીજા લોકોના હાથમાં મૂકી દઈએ છીએ. આપણને ચૈનથી ઊંઘ આવે એની જવાબદારી આપણા ચાહકોની નથી. આપણા ચાહકો તો તેમના ચૈનની તલાશમાં આપણી આસપાસ ટોળે વળેલા હોય છે. એમાં એમને જે જોઈએ છે તે ન મળે, તો જે હાથ આપણા માટે તાળી પાડે, એ જ હાથ આપણને ચૂંટી પણ ખણી શકે છે. 

આ સમજ હોય તે વ્યક્તિ જ સફળતા અને લોકપ્રિયતાને જીરવી શકે. બીજા લોકો આપણને ચાહે ત્યાં સુધી તો બરાબર છે, પણ આપણી કમબખતી ત્યારે શરૂ થાય જ્યારે આપણે આપણા ફેન થઈ જઈને તાળીઓ પાડવા માંડીએ.

Tuesday, November 16, 2021

સર્જનની સરવાણી-૬૨

         


        હેપી બર્થ-ડે આજથી 144 વર્ષ પહેલાં આજના દિવસે પાંચ ગુજરાતીઓએ વડના ઝાડ નીચે બોમ્બે સ્ટોક એક્સચેન્જની શરૂઆત કરી હતી.પાંચ ગરવા ગુજરાતીઓએ ચર્ચગેટ નજીક વડના ઝાડ હેઠળ શરૂ કરેલ સંસ્થા આજે ભારતીય અર્થતંત્રનો ધબકાર મનાય છે. આજે રૂ. 148 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતા બોમ્બે સ્ટોક એક્સેચેન્જમાં આરંભે સભ્ય ફી ફક્ત 1 રૂ. હતી. BSEના સ્થાપક પ્રેમચંદ રાયચંદ બ્રિટનની કોટન મિલની કુલ જરૂરિયાતનું 65% રૂ સપ્લાય કરતા હતા 

        અમદાવાદઃ રિઝર્વ બેન્કને જો ભારતીય અર્થતંત્રનું હૃદય ગણવામાં આવે તો એ હૃદય સુધી લોહી પહોંચાડનાર તંત્ર એટલે બોમ્બે-સ્ટોક-એક્સચેન્જ. એવું કહેવાય છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જને શરદી થાય તો સમગ્ર દેશને તાવ આવી જાય. દેશની આર્થિક ગતિવિધિના કેન્દ્રસ્થાને રહેલું આ શેરબજાર આજે 144 વર્ષનું થઈ રહ્યું છે. આજે સ્ટોક એક્સચેન્જની ઈમારત સમગ્ર મુંબઈનું પ્રતીક ગણાય છે પરંતુ 144 વર્ષ પહેલાં તેની શરૂઆત એ જ જગ્યાએ એક વડના ઝાડ હેઠળ થઈ હતી અને તેની સ્થાપનામાં મોખરાની ભૂમિકા ભજવનારા પાંચે પાંચ લોકો ગુજરાતી હતા. ભારત જેવા વિશાળ દેશની અર્થવ્યવસ્થાના આધારરૂપ ગણાતી આ સંસ્થા અને તેના સ્થાપકોની કહાની કોઈ ફિલ્મ કે નવલકથાને ય ટક્કર મારે એટલી રોચક છે.

            1 રૂ.ની સભ્ય ફીથી 148 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સુધીની રોચક કહાની

* મુંબઈનો ઈતિહાસ જેમના ઉલ્લેખ વગર અધૂરો કહેવાય એવા ગુજરાતી માલેતુજાર પ્રેમચંદ રાયચંદ ઓગણીશમી સદીના અગ્રણી બિઝનેસમેન હતા. મૂળ સુરતના જૈન પરિવારના પ્રેમચંદ એ જમાનામાં મુંબઈના એકમાત્ર એવા વેપારી હતા જે અંગ્રેજોની સાથે ધાણીફૂટ અંગ્રેજીમાં, ફ્રેન્ચ વેપારીઓ સાથે ફ્રેન્ચમાં અને પોર્ટુગિઝ સાથે સ્પેનિશ ભાષામાં વાત કરી શકતા હતા.

* એવું કહેવાય છે કે એ જમાનામાં સમગ્ર ગુજરાતમાં કપાસના વાવેતર થાય અને પાકેલો સઘળો માલ મુંબઈની દિશા પકડે ત્યારે તેનો એકમાત્ર ખરીદાર હોય પ્રેમચંદ રાયચંદ! દેશભરમાં થતાં કપાસના કુલ ઉત્પાદનનો અડધોઅડધ હિસ્સો ખરીદી લેતાં પ્રેમચંદ રાયચંદ કોટન કિંગ કહેવાતા.

* આજે જ્યાં ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે સેમિ ફાઈનલ મેચ રમાઈ રહી છે ઈંગ્લેન્ડનું એ માન્ચેસ્ટર શહેર કોટન મિલનું મુખ્ય કેન્દ્ર ગણાતું હતું. ઓગણીશમી સદીમાં માન્ચેસ્ટરમાં 180 જેટલી કોટન મિલ ધમધમતી હતી અને તેમાંની મોટાભાગની મિલને રૂનો સપ્લાય કરનારા પ્રેમચંદ રાયચંદ હતા.

* રૂના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે પ્રેમચંદ રાયચંદે જ મુંબઈમાં રૂના સટ્ટાની શરૂઆત કરી હતી. જેમાં દ્વારકાદાસ ગોકળદાસ, મથુરદાસ હરજીવન નામના કપોળ વણિક જ્ઞાતિના બે શેઠિયા પણ પ્રેમચંદના ભાગીદાર હતા. આ ભાગીદારોએ રૂ ઉપરાંત કોમોડિટી ઉત્પાદનોના સટ્ટાની શરૂઆત કરી. શરૂઆતમાં પ્રેમચંદના ભાયખલ્લા સ્થિત બંગલાના કમ્પાઉન્ડમાં સટ્ટો રમાતો. પરંતુ સંખ્યા ધીમે ધીમે વધવા લાગી આથી તેમણે સ્થળ બદલ્યું.

* ચર્ચગેટ નજીક હોર્નિમાન સર્કલ પાસે એ જમાનામાં ટાઉનહોલ હતો. આજે એ સ્થળે મોટું ઉદ્યાન બની ગયું છે. ત્યાં એક વડના ઝાડ હેઠળ પ્રેમચંદ, દ્વારકાદાસ, મથુરદાસ, ઘનશ્યામદાસ ખટાઉ અને દિનશા પીટીટ નામના પારસી મિલમાલિક, એમ પાંચ અગ્રણી વેપારીઓના માર્ગદર્શન હેઠળ સટ્ટાની પદ્ધતિસરની શરૂઆત થઈ. બ્રિટિશ પદ્ધતિ મુજબની શિસ્ત લાવવાના હેતુથી તેમાં નિયમો ઘડાયા. સટ્ટામાં ભાગ લેવા માટે સભ્ય ફી તરીકે 1 રુ. નક્કી થયો અને સંગઠનને નામ અપાયું નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન. એ જ સંસ્થા એટલે આજનું બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ.

* શરૂઆતમાં આ એક્સચેન્જમાં કુલ 25 વેપારીઓ જોડાયા હતા, જેમાં 18 ગુજરાતી, 4 મારવાડી અને 2 દક્ષિણ ભારતીય અને 1 પંજાબી હતા. પ્રથમ મહિને જ સંખ્યા વધીને 318 સુધી પહોંચી. વડના ઝાડ હેઠળ ખુલ્લામાં ચટાઈ પાથરીને સટ્ટાના ભાવતાલ થતાં હોવાથી સાધારણ લોકો તેમને ચટાઈયા તરીકે ઓળખતા.

વડના ઝાડ હેઠળ પાંગરેલી સંસ્થા આજે અર્થતંત્રનું વટવૃક્ષ બની

* બોમ્બે સ્ટોક એક્સચેન્જની દરેક વાતોમાં ભવ્યતા રહેલી છે. અહીં થતાં સોદાની રકમ, દેશની ટોચની કંપનીઓની હાજરી, આર્થિક ઉથલપાથલ સાથે સંકળાયેલા લાખો પરિવારો એ દરેક દૃષ્ટિએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ભારત કે એશિયાના જ નહિ, સમગ્ર દુનિયાની નમૂનેદાર આર્થિક સંસ્થા તરીકેનો દરજ્જો ભોગવે છે.

* 148 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જ દુનિયાનું 11મા ક્રમનું સ્ટોક એક્સચેન્જ ગણાય છે. દરરોજ થતી સોદાની સંખ્યાના હિસાબે તેનો નંબર દુનિયામાં 5મો છે.

* બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 5000થી વધુ કંપનીઓ રજીસ્ટર્ડ થયેલી છે. આ સંખ્યાના મામલે તે દુનિયામાં નંબર 1 છે.

* દુનિયાભરના સ્ટોક એક્સચેન્જના નિયંત્રણ માટે વર્લ્ડ ફેડરેશન ઓફ એક્સચેન્જની રચના થયેલી છે, જેનું હેડ ક્વાર્ટર પેરિસમાં છે. આ સંસ્થાના સંચાલન માટે જે મુખ્ય સ્ટોક એક્સચેન્જ કાર્યરત છે તેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ પણ મોભાદાર સ્થાન ધરાવે છે.

Bombay Stock ExchangeEstablishment Of BSEGujarati Started BSE

સાભાર-વોટ્સએપ પરથી વિણેલાં મોતીડાં 

Sunday, November 14, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૯

 

પુસ્તકો આપણને 'કેવી રીતે' વિચારવું એ શીખવાડે છે.  સમાચારો આપણને 'શું' વિચારવું એ શીખવાડે છે. પુસ્તકો આપણી માનસિકતાને આઝાદ કરે છે. સમાચારો તેને કાબૂમાં કરે છે. સતત સમાચારો જોતા રહેવું એ માનસિક બીમારીનો જ ભાગ છે. આપણે રોજ જે સમાચારોને 'આરોગીએ' છીએ, તે આપણા વિચારો અને લાગણીઓના સ્વાસ્થ્ય તેમજ વર્તનને પ્રભાવિત કરે છે. દુનિયાની ખબર હોવી એ અલગ બાબત છે, પણ સતત સમાચારોનું સર્ફિંગ કરતા રહેવું એ નિકોટીન ચૂસવા બરાબર છે. એક સર્વમાં અડધો અડધ અમેરિકનોએ સમાચારોના કારણે સ્ટ્રેસ, બેચેની, થકાવટ અને અનિંદ્રાની ફરિયાદ કરી હતી

Thursday, November 11, 2021

વિવેકાનંદની વાણી: મણકો-૧૧

 

    ભારતીય સંસ્કૃતિની ગરિમાને ઉજળી કરનાર આપણા સ્વામી વિવેકાનંદે સમગ્ર વિશ્વમાંશ્રીમદ્‌ ભગવદ્‌ગીતાના જ્ઞાન અને જીવનના સાચા મૂલ્યની શીખામણ આપી છે. એમના શબ્દો જ એમની હાજરીની પ્રતિતી કરાવી જાય છે. આજે પણ એમની વાણી આપણને પ્રેરણા આપે છે. એમના કેટલાક અંશો..

        હે ! ભારતના યુવાનો આ દુનિયા મહાન કાર્યો અને સર્મપણ કરનારની જ પૂજા કરે છે. સામર્થ્યવાન માણસ જ કાંઇક હાંસલ કરી શકે છે. દુનિયા કાંઇ બાળકોની રમત જેવડી નથી. બીજા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારને જ તે ખરા મહાન પુરૂષ બનાવે છે. મહાન બનો અને સતત સર્મપણની ભાવના સાથે જીવન જીવો.

      ખુબ જ ઉચ્ચત્તમ કક્ષાનાં બલિદાન અને આત્મવિશ્વાસની આ દુનિયાને જરુર છે અને એ આપ સમાન યુવાન સિવાય કોઇ પણ કરી શકે નહી. સતત પ્રમાણિક પુરુષાર્થ અને ખંતથી કાર્ય કરતા રહો. નિસ્વાર્થ સેવા અને જીવનના બલિદાન સિવાય મુકિતનો મારગ શકય નથી. ઈશ્વરને સતત જાણતા રહેવંુ, એને સતત માણતા રહેવું, સતત એની હાજરીનો અનુભવ કરવો અને ઈશ્વરમાં જ વિહાર કરવો એ આપણો ધર્મ છે.

     અમેરિકાથી પ્રવાસ પૂર્ણ કરીને આવ્યા બાદ તેઓ વેદાંત ધર્મનો પ્રચાર કરવા માટે સ્વામી વિરજાનંદને ઢાકા મોકલે છે. પણ જતા પહેલા સ્વામી વિરજાનંદ એમ કહે છે કે સ્વામીજી મેં અત્યાર સુધી માત્ર સંન્યાસી તરીકે જ જીવન વિતાવ્યું છે. લોકોને સારી રીતે ઉપદેશ આપવાનું પણ હું જાણતો નથી, એની મારામાં કોઇ આવડત પણ નથી. આ વાત સાંભળીને વિવેકાનંદ એમને વેદનાં દષ્ટાંતથી સમજાવે છે કે તમે સ્વીકાર્યુ કે તમને નથી આવડતું એ જ સાચુ જ્ઞાન છે અને એટલા માટે જ તમે સારામાં સારો ઉપદેશ આપી શકશો. એક સંન્યાસીનું જીવન જ એનો સૌથી મોટો ઉપદેશ છે. બાકી તો અહીંયા બેસીને તમે કોઇ ઉદે્શ્ય હાંસલ કરી શકશો નહીં. મુકિત પામવા માટે લોકસેવા એ જ પ્રભુસેવાનો એક રાજમાર્ગ છે. આપણે માત્ર આપણા કર્મો કરવાના છે, પરંતુ એના ફળની અપેક્ષા કરવાની નથી. આ વાતો સાંભળીને સ્વામી વિરજાનંદ રાજી થાય છે અને સાચા જ્ઞાનની પ્રાપ્તિ કરીને બીજા જ દિવસે લોકસેવા કરવા લાગી જાય છે.

Sunday, November 7, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૮

20મી સદીના ઇતિહાસને ત્રણ વાદથી વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે; ફાસીવાદ, સામ્યવાદ અને ઉદારવાદ. ફાસીવાદે કહ્યું કે મૂળ રાષ્ટ્રોની સમસ્યા છે, અને કોઈ એક શ્રેષ્ઠ સમુદાય, એક શ્રેષ્ઠ રાષ્ટ્ર અથવા એક શ્રેષ્ઠ વંશ હિંસક રીતે પુરા વિશ્વ પર વર્ચસ્વ સ્થાપિત કરીને તમામ સમસ્યાઓનો અંત લાવશે. સામ્યવાદે આવીને કહ્યું, ના. ઇતિહાસ બે વર્ગો વચ્ચેની અસમાનતાનો સંઘર્ષ છે. સામ્યવાદ એક નવી સામાજિક વ્યવસ્થા સ્થાપીને  સમાનતા લાવશે, પછી ભલે તેના માટે વ્યક્તિગત આઝાદીનું બલિદાન આપવું પડે. ઉદારવાદે કહ્યું કે ઇતિહાસ સ્વતંત્રતા અને નિરંકુશ શાસન વચ્ચેનો સંઘર્ષ છે. ઉદારવાદે કહ્યું કે આપણે સ્વાધીન સમાજનું નિર્માણ કરવું જોઈએ. દ્વિતીય મહાયુદ્ધે ફાસીવાદનું ગળું ઘોંટી દીધું. શીત યુદ્ધમાં સામ્યવાદનો ધનોતપનોત નીકળી ગયું. 20 સદીના અંતે આપણી પાસે ઉદારવાદ રહી ગયો છે, અને છેલ્લા એક દાયકાથી તેની પર પણ ઘા પડવાના શરૂ થયા છે.

Tuesday, November 2, 2021

સર્જનની સરવાણી-૬૧

        જ્યારે હું સ્વિત્ઝર્લેન્ડ ગયો હતો ત્યારે મેં ત્યાં એક શાળા નજીક ભાડે ઘર રાખ્યું. ઘરની માલકણ ૬૭ વર્ષની ક્રિસ્ટિના એક નિવૃત્ત શિક્ષિકા હતી જેણે વર્ષો સુધી ત્યાંની માધ્યમિક શાળામાં અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યાં હતાં. સ્વિત્ઝર્લેન્ડમાં પેન્શનની સુવિધા ઘણી સારી છે. ક્રિસ્ટિનાને પણ ઘણું સારું પેન્શન મળતું હતું અને તેને જીવન નિર્વાહની કોઈ ચિંતા નહોતી. 

        છતાં તેણે ૮૭ વર્ષના એક એકાકી વૃદ્ધની કાળજી રાખવાનું 'કામ' સ્વીકાર્યું હતું. મેં ક્રિસ્ટિનાને પૂછ્યું શું તે પૈસા માટે આ કામ કરી રહી હતી? તેના જવાબે મને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂક્યો. તેણે કહ્યું, "હું આ કામ પૈસા માટે નથી કરતી પણ હું મારો સમય 'ટાઇમ બૅન્ક'માં જમા કરાવું છું. જ્યારે હું ઘરડી થઈશ અને હલનચલન કરવા અસમર્થ બની જઈશ ત્યારે હું 'ટાઇમ બૅન્ક'માંથી એનો ઉપાડ કરી શકીશ." 

પહેલી વાર મેં 'ટાઇમ બૅન્ક' વિશે સાંભળ્યું. મને ઉત્સુકતા થઈ અને મેં એ વિશે વધુ જાણવા રસ દાખવ્યો. 

        મૂળ 'ટાઇમ બૅન્ક' સ્વીસ ફેડરલ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ સિક્યોરિટી દ્વારા વિકસાવાયેલો એક વૃદ્ધાવસ્થા માટેનો પેન્શન કાર્યક્રમ હતો. લોકો જ્યારે જુવાન હોય ત્યારે ઘરડાં લોકોની સેવા કરી સમયને 'જમા' કરે અને પછી પોતે ઘરડાં થાય કે માંદા પડે કે અન્ય કોઈ કારણ સર જરૂર પડે ત્યારે તેનો 'ઉપાડ' કરવાનો. 

      ઉમેદવાર તંદુરસ્ત, સારી વાક્છટા ધરાવનાર અને પ્રેમથી સભર હોવો જોઈએ. રોજ તેમણે જરૂરિયાતમંદ વ્યક્તિની કાળજી રાખવાની અને તેને મદદ કરવાની. જેટલો સમય તે સેવા આપે તે એના સોશિયલ સિકયુરિટી સિસ્ટમના વ્યક્તિગત 'ટાઇમ' અકાઉન્ટમાં જમા થાય.  

       ક્રિસ્ટિના અઠવાડિયામાં બે વાર કામે જતી. દરેક વખતે બે કલાક ૮૭ વર્ષના પેલા વૃદ્ધની મદદ કરવા, તેમની માટે ખરીદી કરવા, તેમના ઘરની સાફ સફાઈ કરવા, તેમને સૂર્ય પ્રકાશમાં આંટો મારવા લઈ જવા, તેમની સાથે વાતો કરવી. કરાર મુજબ, તેની એક વર્ષની સેવા બાદ, 'ટાઇમ બૅન્ક' તેના કુલ સેવાના કલાકોની ગણતરી કરી તેને એક 'ટાઇમ બૅન્ક કાર્ડ' આપશે. જ્યારે તેને મદદની જરૂર પડે ત્યારે તે આ કાર્ડ નો ઉપયોગ કરી વ્યાજ સાથે જમા થયેલ સમય નો 'ઉપાડ' કરી શકશે. 

 માહિતી ચકાસ્યા બાદ 'ટાઇમ બૅન્ક' તેને મદદ કરી શકે એવા ખાતેદારને હોસ્પિટલ કે તેના ઘેર મોકલી આપશે. 

        એક દિવસ હું શાળામાં હતો અને ક્રિસ્ટિનાનો ફોન આવ્યો કે તે ઘરમાં બારી સાફ કરતાં ટેબલ પરથી પડી ગઈ છે. મેં અડધી રજા મૂકી ઘેર દોટ મૂકી અને ક્રિસ્ટિનાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી. તેને પગની એડી એ ઇજા પહોંચી હતી અને થોડા સમય સુધી ખાટલે આરામ કરવાની ફરજ પડી. 

       મને જ્યારે ચિંતા થઈ કે હવે તેનું ધ્યાન કોણ રાખશે ત્યારે તેણે તરત મને ચિંતા ન કરવા જણાવ્યું. તેણે 'ટાઇમ બૅન્ક' માં 'ઉપાડ' ની અરજી કરી દીધી હતી! બે જ કલાકમાં એક સ્વયંસેવક હાજર પણ થઈ ગયો ક્રિસ્ટિનાની સેવામાં. 'ટાઇમ બૅન્કે' વ્યવસ્થા કરી હતી તેની. એ પછી એક મહિના સુધી, તે સ્વયંસેવકે ક્રિસ્ટિનાની ખૂબ સારી કાળજી રાખી, રોજ તેની સાથે સમય પસાર કર્યો, વાતો કરી તેના માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું. એક મહિનામાં તો આ સ્વયંસેવકની દેખરેખ હેઠળ ક્રિસ્ટિના સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. 

       સાજા થયા બાદ ક્રિસ્ટિના ફરી 'કામે' લાગી ગઈ. તેની ઈચ્છા હતી કે તે જ્યાં સુધી તંદુરસ્ત છે ત્યાં સુધી આ રીતે કામ કે સેવા કરી શકય એટલો વધુ સમય 'ટાઇમ બૅન્ક' માં જમા કરી શકે. 

     સ્વિત્ઝર્લેન્ડમાં વૃદ્ધોની મદદ માટે 'ટાઇમ બૅન્ક'નો ઉપયોગ પ્રચલિત છે. આ પ્રથા માત્ર દેશના પેન્શન ખર્ચાઓ ને જ નથી બચાવતી પણ અન્ય સામાજિક સમસ્યાઓનો પણ ઉકેલ લાવે છે. ઘણાં સ્વીસ નાગરિકો આ ઓલ્ડ - એજ પેન્શન પ્રથાને ઉત્સાહભેર આવકારે છે અને તેનો ભાગ બનવા ટાઇમ બૅન્કમાં જોડાય છે. સ્વીસ સરકારે ટાઇમ બૅન્ક પેન્શન યોજનાને લગતો કાયદો પણ પાસ કર્યો છે. 

આપણે ત્યાં પણ આવી ટાઇમ બૅન્ક હોય તો?

💗એક મિત્રે મોકલેલ સુંદર પોસ્ટ