Sunday, August 28, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૦

         

        શીખવાનો અર્થ એ નથી કે આપણે જ્ઞાની થઈ ગયા. શીખવાનો અર્થ અજ્ઞાન થોડું ઓછું થયું એવો થાય. જ્ઞાનની કોઇ સીમા નથી. આપણે જેટલું શીખીએ છીએ, તેટલું એ અંતર ઓછું થાય છે, પણ ત્યાં સુધીમાં જ્ઞાનની સરહદ વિસ્તરી ચુકી હોય છે. દુનિયા એટલી મોટી અને સતત પરિવર્તનશીલ છે કે આપણે અજ્ઞાનથી જ્ઞાન તરફ નહીં, પણ અજ્ઞાનથી ઓછા અજ્ઞાન તરફ જઈએ છીએ. 

        આપણે ગમે તેટલું જ્ઞાન મેળવી લઈએ, થોડું અજ્ઞાન તો રહી જ જાય છે. એટલા માટે, આપણે જે પણ શીખીએ છીએ તેને તરત જીવનમાં લાગુ કરી દેવું જોઈએ, જેથી એ કામનું છે કે નકામું તેની સમજ પડે, અને આપણે પાછા શીખવાની પ્રક્રિયામાં લાગી જઈએ. બૌદ્ધિક વિનમ્રતાનો અર્થ જ એવો સ્વીકાર છે કે જ્ઞાનની સરખામણીમાં અજ્ઞાન હંમેશા વિશાળ હોય છે.

Sunday, August 21, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૯

     

    અર્થવ્યવસ્થા માત્ર જનકલ્યાણ માટે નથી. એ રાજકીય તાકાત પણ છે. દરેક સરકાર તેની તાકાત બરકરાર રાખવા માટે અર્થવ્યવસ્થાનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. જેના હાથમાં અર્થવ્યવસ્થા હોય, તેના હાથમાં રાજકીય તાકાત હોય છે. એટલા માટે સરકાર બહુમતી સમાજ પાસેથી આર્થિક તાકાત છીનવી લઈને તેના માનીતા-પાળેલા મુઠ્ઠીભર લોકોને સમૃદ્ધ બનાવે છે, જેથી રાજકીય તાકાત સીમિત હાથોમાં સલામત રહે. આને ક્રોની-કેપિટાલિઝમ કહે છે. 

        સમાજમાં વધુને વધુ અસમાનતા હોય, બે ટંક ભેગી કરવાનો સંઘર્ષ હોય અને લાગણીઓમાં ખેંચાઈ જવાય તેવી 'સમસ્યાઓ' હોય, તો તે સમાજને દબાયેલો રાખવાનું આસાન રહે છે. એટલા માટે સરમુખત્યારશાહી અને ગરીબી સાથે-સાથે જ ઉછરે છે. સુખી અને સશક્ત સમાજ આંખો બતાવે એ સરકારને ન પોષાય. સરકાર લોકોનું આર્થિક કલ્યાણ ઈચ્છે છે એ ભ્રમ છે. એવું હોત તો અમુક સમસ્યાઓ ક્યારનીય ઉકેલાઈ ગઈ હોત.


Sunday, August 14, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૮

કોઈ મેસેજમાં જૂઠ બોલે છે તેના 10 સંકેત.

1. તરત જવાબ ન આપે. અનુકૂળ જવાબ ગોઠવવામાં સમય લે.

2. સરળ અને સીધા સવાલના જવાબમાં લાંબા અને જટિલ વાક્યો લખે.

3. વાત બદલી નાખે. તેને અનુકૂળ હોય તેવી ચર્ચામાં તમને લઈ જાય.

4. તમને જટિલ પ્રતિ પ્રશ્નો પૂછે. 

5. અચાનક ચર્ચા અટકાવી દે. ચાલુ વાતે 'મારે કામ છે' કહીને છૂ થઈ જાય.

6. ભાષામાં લાગણીવેડા વધુ હોય. જૂઠી વ્યક્તિ પોતાની વાત મનાવવા માટે વધુ પડતી લાગણીસભર વાતો કરે.

7. વધુ પડતી પોલિશ્ડ વાતો કરે. જૂઠી વ્યક્તિના શબ્દો, વાક્યો અતિશય 'સારાં' લાગે, તો માનવું કે તે નકલી છે.

 8. તેની વાતોમાં ફરિયાદનો સૂર વધુ હોય. તે કોઈને ને કોઈને દોષિત ઠેરવે.

9. એક મિનિટ પહેલાં કે એક દિવસ પહેલાં કરેલી વાતમાં પણ ફરક આવતો હોય.

10. ગટ ફીલિંગ. નિયમિત રીતે વાતો કરો, તો તમારી અંદર એક ગટ ફીલિંગ કેળવાય , જે તમને સામેની વ્યક્તિ વિશે એક્યુરેટ સંકેત આપે.

Sunday, August 7, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૭

       

         માણસો એમના પૂર્વગ્રહોને મળતી આવતી વાતોને ‘તથ્ય’ તરીકે સ્વીકારે છે, અને પ્રતિકૂળ તથ્યોને ‘અનુમાન’ ગણીને નામંજૂર કરે છે. પોતાના પૂર્વગ્રહોને સમજવા અઘરા હોય છે એટલું જ નહીં, પૂર્વગ્રહોથી બચવું પણ અસંભવ છે. આપણું મગજ રોજેરોજ અંદર આવતી જથ્થાબંધ ઇન્ફોર્મેશનને પ્રોસેસ કરવા સક્ષમ નથી, એટલે તે સિલેક્ટિવલી એવી ઇન્ફોર્મેશનને જાળવી રાખે છે જેનાથી તેને 'સારું' લાગે. આપણે જ્યારે તથ્યોને બદલે લાગણીઓના આધારે કોઈ મત બંધીએ, ત્યારે તેને મોટિવેશનલ રિજનિંગ કહે છે. 

        સોશિયલ મીડિયામાં જે હુંસાતુંસી, આક્રમક દલીલો, તૂ તૂ-મૈં મૈં અને ગાળાગાળી થાય છે તે આ મોટિવેશનલ રિજનિંગમાંથી થાય છે. પૂર્વગ્રહોના પ્રભાવને ઓછો કરવા માટે જ પ્રમાણો આધારિત વિજ્ઞાનનો વિકાસ થયો છે. જૂઠ બીજા માટે નહીં, ક્યારેક જાત સાથે ય બોલાતું હોય છે. એવા 'જાણકાર' માણસોને જાણકારી આપવી અઘરી હોય છે. જ્ઞાનનું વિરોધી અજ્ઞાન નથી, પણ ખોટી જાણકારી છે.