Sunday, October 31, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૭

 

આપણે શારીરિકની સાથે માનસિક જીવન પણ જીવીએ છીએ. ઇન ફેક્ટ, આપણે સૌથી વધુ વિચારોમાં જીવીએ છીએ. આપણી બહાર રિયલ વર્લ્ડ છે. આપણી અંદર વર્ચ્યુઅલ વર્લ્ડ છે. પશુ-પંખીઓ સિંગલ ડાયમેન્શનમાં જીવે છે. આપણે ડબલ ડાયમેન્શનમાં જીવીએ છીએ. એક પ્રાણી બીજા પ્રાણીને 'પ્રેમ' કરે ત્યારે તેમને એવો 'વિચાર' નથી આવતો કે આ 'પ્રેમ' બહુ સરસ છે, મહાન છે, ભવ્ય છે કે દિવ્ય છે. પ્રાણીઓ પ્રેમ કરે છે તે વિધાન પણ ખોટું છે;  તેમનામાં કર્તા કે કારણનું વિભાજન નથી હોતું, એટલે તેઓ પ્રેમ 'કરતાં' નથી, તેઓ પ્રેમ 'બની' જાય છે. 

આપણે 'પ્રેમ'નું અર્થઘટન કરીએ છીએ, તેને સારા-ખરાબમાં વ્યાખ્યાયિત કરીએ છે. આ બધું જ વૈચારિક જગતમાં થાય છે. એટલે આપણા પ્રેમમાં કાયમ દ્વૈત હોય છે, અને જ્યાં દ્વૈત હોય, ત્યાં દ્વંદ્વ પણ હોય છે. આપણા જેટલા પણ દ્વંદ્વ છે, તે રિયલ અને વર્ચ્યુઅલ જગત વચ્ચેનો ટકરાવ છે.


Sunday, October 24, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૬

કોઈની પાસેથી કશું શીખવા માટે, તેની સાથે સહમત થવું જરૂરી નથી. સહમતી એ આપણો વ્યક્તિગત પૂર્વગ્રહ છે. આપણે તેના ચશ્માં પહેરીને બીજાની વાત પર સહમતીની મહોર લગાવીએ છીએ. હકીકતમાં, એ ખુદનાં ચશ્માં પર વાગેલી મહોર છે; "હા, આ ચશ્માં પહેરીને મને ચોખ્ખું દેખાય છે." આવી રીતે કશું શીખવા ના મળે, કારણે કે શીખવા જેવું જે હતું તેનાં તો આપણે ચશ્માં પહેરી રાખ્યાં છે ને! ઇન ફેક્ટ આપણે એની પાસેથી જ શીખી શકીએ, જે આપણાં ચશ્માંને ચેલેન્જ કરે, અને એવો દ્રષ્ટિકોણ આપે કે આપણને આપણા વિચારોમાં શંકા પડવા લાગે. 

આપણે જેની સાથે સહમત થઈએ છીએ, એ લોકો તો આપણે જે માનીએ છીએ, એનું જ કન્ફર્મેશન આપે છે. આપણે દરેક બાબતને સહમતી કે અસહમતીના પૂર્વગ્રહથી જોવાને બદલે એવું વિચારવું જોઈએ કે એ બાબત કોઈક રીતે મારા વૈચારિક વિકાસ માટે ઉપયોગી છે....?

Wednesday, October 20, 2021

વિરલ વિભૂતિ : સરદાર વલ્લભભાઇ પટેલ

      

પ્રજા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સમગ્ર ભારત દેશના જનાદેશ અને લાડપ્રેમ છતાં પણ એકમાત્ર ગાંધીજીના કહેવાથી જ આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન બનવાનું પસંદ કરનાર સરદાર વલ્લભભાઇ પટેલ એટલે અખંડ ભારતના અડીખમ શિલ્પી. ભારતને આઝાદી અપાવવામાં અને ત્યારબાદ પણ પોતાની સૂઝ-બુઝ અને કુનેહથી જેમણે સમગ્ર ભારતને એક તાંતણે બાંધવામાં પોતાની આગવી ભૂમિકા ભજવી એવા આપણા ગુજરાતના લાડીલા સરદારને આઝાદીના આ ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વ પર યાદ કરવાનું કેમ ભૂલાય? આપણા વલ્લભભાઇ તો નાનપણથી જ ખુબ જ હોંશિયાર અને બાહોશ વ્યકિતત્વ ધરાવતા હતા.

        પિતા ઝવેરભાઇ અને માતા લાડબાઇને ત્યાં ત્રીજા સંતાન તરીકે તારીખ ૨૧ ઓકટોબર ૧૮૭૫ના રોજ વલ્લભભાઇનો જન્મ થયો હતો. એમનો જન્મ મોસાળ નડિયાદમાં થયો હતો. પિતા ઝવેરભાઇ સામાન્ય ખેડુત હતા, પણ ન્યાય અને નીતિના સારા એવા જાણકાર હોવાથી આસપાસના ગામના લોકો પણ તેમની સમસ્યાઓના સમાધાન માટે તેમની પાસે આવતા હતા. વલ્લભભાઇને એમના પિતા પાસેથી જ દ્‌ઢ-લોખંડી મનોબળ અને નીડરતાના ગુણો મળ્યા હતા. એમના પિતા ઝવેરભાઇ ૧૮૫૭ના સંગ્રામમાં રાણી લક્ષ્મીબાઇના લશ્કરમાં લડયા હતા.

        નાનપણથી જ વલ્લભભાઇ ભણવામાં હોશિયાર હતા. એમના મોટાભાઇ વિઠ્ઠલભાઇની જેમ જ વલ્લભભાઇ પણ અસાધારણ બુદ્ઘિચાતુર્ય ધરાવતા હતા. ગામની શાળામાં જ પ્રાથમિક શિક્ષણ લઇને તેઓ વધારે અભ્યાસ માટે નડિયાદ અને વડોદરા ગયા હતા. ભણતર દરમિયાન જ એકવાર એમની બગલમાં ગાંઠ નીકળી ત્યારે વૈદ્યરાજે ગરમ સળિયા વડે ડામ દેવાનું કહ્યું પણ આવા કુમળા બાળકને ડામ દેવા માટે વૈદ્ય પણ તૈયાર થયા નહીં ત્યારે વલ્લભે જાતે જ એમના હાથમાંથી સળિયો લઇને એ ગાંઠ પર ડામ દઇ દીધો. આ જોનારા સૌ પણ એમની નીડરતા અને એમના મક્કમ મનોબળ પર આફરીન પોકારી ગયા હતા. નેતાગીરીના સર્વમાન્યતાના લક્ષણો તો સરદારમાં નાનપણથી જ પડયા હતા. તેમનામાં માણસને પારખવાની અને માથાથી પગ સુધી માપી લેવાની ગજબની સૂઝ હતી.

         નાનપણથી જ વકીલ બનવા માટે તેઓ બચત કરતા હતા. જયારે બેરિસ્ટર બનવા માટે ઇંગ્લેન્ડ જવાની વાત આવી ત્યારે એમના મોટાભાઇ વિઠ્ઠલભાઇએ પોતે પહેલા જશે અને વલ્લભ પછી જાય એમ કહ્યું તો હસતા હસતા એમની વાત સ્વીકારી લીધી. આવો હતો એમના મોટાભાઇ પ્રત્યેનો એમનો પ્રેમભાવ. વિઠ્ઠલભાઇ બાદ જ બેરિસ્ટર બનેલા વલ્લભભાઇ પટેલે એક સફળ વકીલ તરીકે ખુબ જ નામના મેળવી હતી.

        એમના ધૈર્ય અને અડગતા પણ કમાલના હતા. એકવાર કોર્ટમાં કેસ ચાલુ હતો ત્યારે એમના નામ પર કોઇએક તાર લઇને માણસ આવ્યો. એમણે એ તાર વાંચીને પોતાના ખિસ્સામાં મૂકી દીધો અને પોતાની ધારદાર દલીલો ચાલુ જ રાખી. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે એમના મિત્રોએ પૂછયું ત્યારે સમાચાર આપ્યા કે મુંબઇમાં એમના પત્નીનું અવસાનનો એ કાગળ હતો. આવી એમની સ્થિતપ્રજ્ઞા જોઇને સૌ કોઇને એમના પર માન જાગ્યું. ગાંધીજીના આદર્શો અને પ્રભાવથી જ અંજાઇને એમણે ૧૮૧૯માં રાજકારણમાં ઝંપલાવ્યું હતું અને આપણા ભારતદેશની આઝાદી માટે તેમણે ગાંધીજીના માર્ગ પર એક કુશળ સેવકની માફક ચાલ્યા હતા. બારડોલીના સત્યાગ્રહ બાદ એમને લોકોએ “સરદાર” નું બિરૂદ આપ્યું અને તેઓ સમગ્ર ભારતના સરદાર બન્યા.

         આવા આપણા સરદારે આઝાદી બાદ દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. લોખંડી મનોબળ ધરાવતા આપણા સરદારે રાજનીતિને એક શાશ્વત વિચારધારા સાથે જોડીને પોતાના મુત્સદીપણાના દર્શન કરાવ્યા. મહાત્માં ગાંધીએ એમના માટે કહ્યું કે “ સરદારની શૂરવીરતા, જવલંત દેશદાઝ, અને અનંત ધૈર્યના ગુણોથી હું અજાણ ન હતો પણ તેમણે મને જે પ્રેમની પરમ અનૂભુતિ કરાવી છે તેમના માટે હું સદાય એમનો આભારી રહીશ. મને તેમની લાગણીઓમાં મારી માતાનું સ્મરણ થઇ આવતું. આવા આપણા ગરવા ગુજરાતીને આપણી ગુજરાતની જનતા પણ કઇ રીતે ભૂલી શકે? એમને અંજલી આપવા માટે જ આપણા વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીએ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલા સાધુબેટ પર એમની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાં બનાવડાવી છે. આજે આપણા સરદાર સમગ્ર વિશ્વના સરદાર હોય એવા પ્રતિત થાય છે. શત્- શત્ વંદન છે આ ભારતમાતાના લાડકા સપૂતને.

Tuesday, October 19, 2021

સર્જનની સરવાણી-૬૦



*�� ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે.*

*�� ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે*.

*��તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા.*

*��લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.*

*��પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.*

*��સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.*

*��થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.*

*��એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.*

*��ઈશ્વરમાં શ્રદ્ધા રાખો – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.*

*��સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.*

*��પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.*

*��વડિલોનો આદર કરો – એક દિવસ તમારો પણ આવશે.*

*��ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.*

*��પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે.*

*��સુખની પાછળ દોટ ન મૂકો – એ તમારી પાસે જ છે.*

*��સમય ન વેડફો – મહામૂલી જણસ છે.*

*��અંધકારથી નિરાશ ન થશો – બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.*

*��દરેકને પ્રેમ કરો – તમને બમણો પ્રેમ મળશે.*

*��શ્રદ્ધા રાખો – તમે બધું જ કરી શકો છો.*

*��વર્તમાન ક્ષણનો આનંદ મેળવો – ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી.*

*��વ્યવહારુ બનો – સુખનો રાજમાર્ગ છે.*

*��ગુસ્સો સંયમિત કરો – એ ભયાનક બને છે.*

*��મૃદુભાષી બનો – દુનિયા ઘોંઘાટથી ભરેલી છે.*

*��ઊંચું વિચારો – ઉન્નતિના શિખરે લઈ જશે.*

*��અથાક પરિશ્રમ કરો – મહાન બનવાનો કિમિયો છે.*

*��સર્જનાત્મક બનો – મુખાકૃતિ સુંદર લાગશે.*

*��હસતા રહો – પડકારનું તકમાં રૂપાંતર થશે.*

*��તમારી ભાષા પર કાબૂ રાખો – તમારા ચારિત્ર્યનું દર્પણ છે.*

*��ભય ન રાખો – ઈશ્વર હંમેશા સાથે જ છે.*

*��રોજ ચિંતન કરો – આત્માનો ખોરાક છે.*

*�દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.�*

Sunday, October 17, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૫


 આપણું સ્વાસ્થ્ય બહેતર હોય, કોઈ વ્યસન ન હોય, સ્થિર આવક હોય, ન્યૂનતમ જરૂરિયાતો હોય અને અડધી રાતે વાત કરી શકાય તેવા પ્રિયજનો-મિત્રો હોય, તો આપણે દુનિયાના મોટાભાગના લોકો કરતાં ઘણા નસીબદાર અને સફળ કહેવાઈએ. આપણે દુનિયા કયા જઇ રહી છે તે જાણતા નથી, એટલે આંધળા બનીને દુનિયાથી દોરવાઈ રહ્યા છે, પણ આધુનિકતાના દિવા હેઠળનું અંધારું ય જોવા જેવું છે. એક અંદાજ પ્રમાણે, આખી દુનિયા જો પશ્ચિમના મોડેલ પર જીવતી થઈ જાય, તો પ્રોડક્શન માટે બીજી પાંચ પૃથ્વી જેટલી જમીનની જરૂર પડશે. 2017માં વિશ્વમાં 3.5 બિલિયન ઉપભોક્તાઓ હતા, જે 2030 સુધીમાં 5.6 બિલિયન થઈ જશે. છેલ્લા ચાર દાયકામાં વિશ્વમાં જેટલો ભૌતિક વિકાસ થયો છે, તેની સરખામણીમાં એટલું જ આધ્યાત્મિક (આત્મિક અથવા માનસિક) પતન થયું છે. દુનિયાનો એક મોટો વર્ગ સ્વાસ્થ્યની, નાણાંકીય, કોઈને કોઈ વ્યસનની, ભોગવાદની અને એકલતાની સમસ્યાઓથી પીડાઇ રહ્યો છે.

Tuesday, October 12, 2021

સર્જનની સરવાણી-૫૯

                                                 "પ્રત્યેક ખાલી જામ છે, સ્મારક મરીઝનું"


        મરીઝ હવે અમારી સાથે નથી. એનું ફાની શરીર ધરતીની ગોદમાં લપાઈ ગયું. . માટીની અમાનત માટીને પહોંચી ગઈ. હજી ગઈકાલની વાત છે કે મંચો પર સાથે બેસીને અમે ગઝલો લલકારતા હતા.. આજે મંચો બધા સૂના સૂના લાગે છે.. મન માનતું નથી. એની ગેરહાજરી હૃદયમાં શૂળ ભોંકી રહી છે. આ દશામાં એના વિશે શું લખવું એ જ સમજાતું નથી. 

        હા એટલું જરૂર કહી શકાય કે ગુજરાતી ગઝલને એણે માતબર બનાવી. ગુર્જર ગિરાને શેરોનો એવો વારસો સોંપ્યો કે ખુદ સમય પણ એનું પૂરેપૂરું મૂલ્યાંકન નહીં કરી શકે.. પરંપરાની ગઝલનો એક ઝળહળતો સિતારો અચાનક અલોપ થઈ ગયો છે. એનાથી જે શૂન્યાવકાશ સર્જાયો છે એ કદી નહીં પૂરાય. શાયરો તો અનેક આવશે પણ બીજો 'મરીઝ' નહીં પેદા થાય

     બહુ જ સાદી ભાષામાં એણે પોતાના જીવનનો સઘળો નીચોડ દુનિયાને આપી દીધો. એના શેરોમાં ક્યાંય દંભ નહીં મળે., બનાવટ નહીં મળે. એના શેરો જ એની આત્મકથા જેવા છે. પ્રત્યેક શેરમાં એનું જીવન વીતક રજૂઆત પામ્યું છે. 

    સ્પષ્ટ શબ્દોમાં એણે કહી દીધું કે :

               ➡️શાયરીની આ પ્રતિભા

               આંસુઓની આ ચમક

               મારા જીવનમાં જે અંધારું છે

               એનું નૂર છે⬅️

     એણે માત્ર બે ચોપડી સુધીનો અભ્યાસ કર્યો એ પછી જે કૈં હાંસલ થયું એમાં સ્વાધ્યાય હતો. એમનું ભાષાભંડોળ બહુ જ સીમિત હતું. આ એમનું નબળું પાસું એમના માટે આશિર્વાદ બની ગયું. ગઝલના ગહનમાં ગહન વિચારો રજૂ કરવા માટે એમને આડંબરરહિત ભાષા વાપરવી પડી. પરિણામે સહેલા શેરો સર્જાયા જે ચોટદાર હતા, અને એમાં ભારોભાર દર્દ હતું. અરૂઝમાં જે શેરો તદ્દન સરળ હોય અને એમાં ઘેરી ચોટ તેમ જ ઊંડાણ હોય એવા શેરોને ઉત્તમ કોટિમાં મૂકવામાં આવે છે. એવા શેરોને 'સહેલુલ મુમ્તના' કહેવામાં આવે છે. ઉર્દૂ સાહિત્યમાં આવા શેરો મીર અને મોમિન પાસે વિપુલ પ્રમાણમાં જોવા મળે છે

    મોમિનનો શેર હતો

              તુમ મેરે પાસ હોતે હો ગોયા

               જબ કોઈ દુસરા નહીં હોતા

    🟣 આ શેર માટે ગાલિબે પોતાનું સઘળું સર્જન આપી દેવાની તૈયારી બતાવી હતી🟣. એના પરથી સમજી શકાશે કે શેરોની ગુણવત્તા માપવાનો ગજ ગઝલમાં તદ્દન જુદો છે. . શેરોની સરળતા એની શ્રેષ્ઠતાનું પ્રમાણ છે. 

        મરીઝને આ ખૂબી એના અલ્પ શિક્ષણને કારણે અનાયાસ મળી ગઈ હતી. એના કાવ્ય ગ્રંથમાં ભાષાના બોજથી લદાયેલો શેર જવલ્લે જ જોવા મળશે

                                                                                                                                      શૂન્ય પાલનપુરી

Monday, October 11, 2021

વિવેકાનંદની વાણી : મણકો-૧૦

 


વિવેક અને આનંદ પર એ સ્વામીનું રાજ છે,

દેશના યુવાનના આદર્શનો જેની પાસે તાજ છે ”

        ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને વિશ્વમાં ઉજાળનાર આપણા મહાપુરુષ વિવેકાનંદ આજે પણ એટલા જ પ્રસ્તૃત છે. એમના શબ્દો અને વિચારો આજે પણ દરેક યુવાનને જીવન જીવવાની ચાવી આપે છે. સશકત, સ્વાભીમાની અને ઉચ્ચત્તમ કક્ષાનું ચારિત્ર્ય ધરાવતા યુવાનો થકી જ આપણે આપણી ભારતીય સંસ્કૃતિની અસ્મિતાને ફરીથી વિશ્વ ફલક પર પ્રસ્થાપિત કરી શકીશું.

        એકવાર એક પ્રોફેસરે કલાસમાં બધા જ વિધાર્થીઓને સવાલ કર્યો કે આ દુનિયામાં જે બધુ આપણે જોઇ રહ્યા છીએ તે કોણે બનાવ્યું? શું પરમ કૃપાળુ પરમાત્માએ જ બધી રચના કરેલી છે? એક વિધાર્થીે એ કહ્યું કે હા, સાહેબ.

 પ્રોફેસરે ફરીથી કહ્યું કે તો પછી શેતાનને કોણે બનાવ્યો? શું એને પણ પ્રભુ એ જ બનાવ્યો છે? વિધાર્થી એકદમ શાંત થઇ ગયો અને થોડીવાર પછી એણે પ્રોફેસરને વિનંતી કરી કે શું હું આપને કેટલાક સવાલો કરી શકું ? પ્રોફેસરે સંમતિ આપી.

 વિધાર્થીએ કહ્યું કે શું ઠંડી જેવું કાંઇ હોય છે? પ્રોફેસરે કહ્યું કે ચોક્કસ હોય છે.

 વિધાર્થીએ કહ્યું કે માફ કરશો સાહેબ પણ તમારો જવાબ ખોટો છે. ઠંડી લાગવી એ ગરમીની ગેરહાજરીનું પરિણામ છે.

 વિધાર્થીએ બીજો સવાલ કર્યો કે શું અંધારુ અસ્તિત્વ ધરાવે છે? પ્રોફેસરે ફરીથી હા કહી. પણ વિધાર્થીએ કહ્યું કે સાહેબ આ વખતે પણ આપનો જવાબ ખોટો છે, કારણકે ખરેખર તો અંધારાનું કોઇ જ અસ્તિત્વ નથી, એ તો માત્ર અંજવાળાની ગેરહાજરીનું પરિણામ છે. જયારે અંજવાળું આવે ત્યારે અંધારુ ગાયબ થઇ જાય છે.

 તેવી જ રીતે શેતાનની પણ પોતાની કોઇ હયાતી કે અસ્તિત્વ નથી, એ તો માણસ માત્રની ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધાની, આસ્થાની, કે વિશ્વાસની ગેરહાજરીનું પરિણામ છે. આ જવાબો આપનાર વિધાર્થી એટલે આપણા સ્વામી વિવેકાનંદ.

Sunday, October 10, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૪

આપણી જરૂરિયાતો પૂરી થઇ જાય, પછી આપણે 'સુખી' નથી થઇ જતા, આપણે બોર થઇ જઈએ છીએ, કારણ કે જરૂરિયાતો પૂરી થઇ જવાથી તેને પૂરી કરવાની ઉત્તેજના પણ સમાપ્ત થઇ જાય છે. આપણે જેન સુખ કહીએ છીએ, તે હકીકતમાં જરૂરિયાતો પૂરી કરવાની કોશિશમાંથી પેદા થતી ઉત્તેજના છે. જરૂરિયાત જયારે સંતોષાઈ જાય, પછી આપણને સવાલ થાય; બસ આટલું જ? હવે શું? પણ સુખની ચાવી નવીનતામાં નહીં, જુનામાં ઉત્તેજના જાળવી રાખવામાં છે. એ ઉત્તેજના ત્યારે જળવાય, જ્યારે આપણે આપણા કામકાજ અને રોજિંદી ગતિવિધિ પાછળના હેતુને સ્પષ્ટ કરીએ. 

હું સવારે શા માટે ઉઠું છું.? એ પ્રશ્નનો ઉત્તર જો હોય, તો પછી તેને સિદ્ધ કરવામાં એકસાઇટમેન્ટ હશે, અને બોરડમ નહીં પજવે. જરૂરિયાતો સરળતાથી પૂરી કરવાને બદલે તેને અઘરી બનાવી રાખીએ તો એ ચેલેન્જ આપણને બોર નહીં થવા દે. કામકાજથી લઈને મોજમસ્તી અને સંબંધોમાં નાની-મોટી ચેલેન્જ જાળવી રાખવી. એને જ દિલચસ્પ જીવન કહે છે.

Tuesday, October 5, 2021

સર્જનની સરવાણી-૫૮

        

ચતુર સૃષ્ટિની યોગીની ચોસઠ કળામાં નિપુણ છે એટલે ચતુર સૃષ્ટિની યોગીની ચોસઠ જોગણી તરીકે ઓળખાય છે.એમની અલગ અલગ કાર્ય ને ચોસઠ કલાઓ ને સમજવી રુપ એક નામો અનેક મુળ અષ્ટ યોગીની છે. સુર સુંદરી. મનોહરા. કનકવતી. કામેશ્ર્વરી. રતિસુંદરી. પદમીની. નતિની. મધુમતી.

1 મણિભૂમિકા કર્મ (ઋતુ અનુસાર ઘર બનાવવું)

2 તક્ષ્ણ (સુથાર તથા કડીયાનું કામ)

3 સ્થાપત્ય (વાસ્તુ વિદ્યા)

4 કર્ણપત્રભંગ (આભૂષણો બનાવવા)

5 ભૂષણ-યોજના (વિવિધ આભૂષણોનું આયોજન કરવું)

6 રૂપ્ય-રત્ન પરીક્ષા (સોના, ચાંદી અને રત્નો પારખવા)

7 મણિરાગ-જ્ઞાન (રત્નોના રંગ પારખવા)

8 ધાતુવાદ (કાચી ધાતુ ગાળી યંત્રો બનાવવા)

9 આકારજ્ઞાન (ખાણમાંથી ધાતુનું શોધન કરવું)

10 વિશેષ-કચ્છેદ્ય (સંચા બનાવવા)

11 ગંધયુક્તિ (સુગંધી પદાર્થો બનાવવા)

12 યંત્ર-માતૃકા (યંત્ર-નિર્માણની કળા)

13 આલેખ (કલ્પના અનુસાર ચીતરવું)

14 પટ્ટિકા-વેત્રગણ-વિકલ્પ (દોરી કે નેતરથી રચના કરવી)

15 સૂચીકર્મ (કપડાં  સીવવાં)

16 સૂત્રકર્મ (ભરતકામ)

17 ચિત્ર શાકા પૂપભક્ષ્ય વિકાર-ક્રિયા (અનેક જાતના શાક, માલપૂંઆ વગેરે ભોજન બનાવવા)

18 પાનક રસરાગાસવયોજન (અનેક પ્રકારના અર્ક, આસવ, શરબત વગેરે બનાવવા)

19 તાંડુલ-કુસુમાવલિ-વિકાર (ચોખા અથવા ફૂલો વડે ચોકની રચના કરવી)

20 પુષ્પાસ્તરણ (ફૂલોના તોરણ અને સેજ બનાવવા)

21 દશનવસાંગરાગ (દાંતો, વસ્ત્રો અને શરીરને રંગવાના સાહિત્ય બનાવવા)

22 શયનરચના (પલંગ બીછાવવો)

23 ઉદાક્ઘાત (ગુલાબદાન વાપરવાની ચતુરાઈ)

24 માંલ્યગ્રંથન વિકલ્પ (દેવપૂજા માટે અને શરીર શોભા માટે ફૂલોની માળાઓ બનાવવી)

25 કેશ શેખરાપીડ યોજન (માથાના વાળમાં ફૂલો ગૂંથવા)

26 નેપથ્ય યોગ (દેશ-કાળ અનુસાર વસ્ત્ર આભૂષણ પહેરવા)

27 કૌચમાર યોગ (કદરૂપાને સુંદર બનાવવું)

28 ઉત્સાહન (શરીર ચોળવું, માલીશ કરવું)

29 કેશ-માર્જન (વાળમાં તેલ નાખી ઓળવાની આવડત)

30 વસ્ત્ર ગોપન (કપડાંની સાચવણી)

31 બાળક્રીડા-કર્મ (બાળકોની માવજત કરી તેમનું રંજન કરવું)

32 ચિત્રયોગ (અવસ્થાને પરિવર્તન કરી બુઢા ને જુવાન બનાવવો)

33 ઇન્દ્રજાલ (જાદુના પ્રયોગો કરવા)

34 હસ્તલાઘવ (હાથચાલાકીના ખેલ કરવા)

35 વૃક્ષાયુર્વેદ-યોગ (વૃક્ષોના સંવર્ધનની ક્રિયા જાણવી)

36 મેષ કુકકુટલાવક યુદ્ધ (ઘેટા, કુકડા અને લાવક પક્ષીઓને લડાવવા)

37 શુકસારિકા-આલાપન (પોપટ અને મેનાને પઢાવવાં)

38 છલીતક-યોગ (છલ કે ધૂર્તતા કરતા આવડવી)

39 દ્યૂત વિશેષ (જુગાર રમવો)

40 આકર્ષણ-ક્રીડા (પાસા ફેંકતા આવડવું)

41 વૈજયિકી વિદ્યાજ્ઞાન (વિજય મેળવવા માટે લડાઈની તાલીમ લેવી)

42 ગીત (ગાવું)

43 વાદ્ય (વગાડવું)

44 નૃત્ય (નાચવું)

45 નાટ્ય (નાટક કરવું)

46 ઉદકવાદ્ય (જલતરંગ બજાવવું)

47 નાટીકાખ્યાયિકા-દર્શન (નાટક વગેરે રંગમંચ દ્રશ્યો નિર્માણ કરવા)

48 પ્રહેલિકા (ગૂંચવણભર્યા પ્રશ્નો કરી પ્રતિ-સ્પર્ધીને હમ્ફાવવો)

49 પ્રતિમાલા (અંત્યાક્ષરી કહેવી)

50 દુર્વાચકયોગ (કઠીન પદો  – શબ્દોના અર્થ સમજવા)

51 પુસ્તકવાચન (સ્પષ્ટ રીતે પુસ્તક વાંચવું)

52 કાવ્યસમસ્યાપૂર્તિ (કવિતામાં પૂછેલ સમસ્યાની પૂર્તિ કરવી)

53 તર્કમર્મ (દલીલો કરવી)

54 અક્ષરમુષ્ટિકા-કથન (કરપલ્લ્વીથી વાતો કરવી)

55 મ્લેચ્છિતકલા-વિકલ્પ (વિદેશી ભાષાઓ જાણવી)

56 દેશી ભાષા જ્ઞાન (દેશની પ્રાકૃત ભાષાઓ જાણવી)

57 પુષ્પશકટિનિમિત્ત-જ્ઞાન (વાદળાની ગર્જના, વીજળીની દિશા વગેરે ઉપરથી વર્તારો જાણવા)

58 ધારણ-માતૃકા (સ્મરણશક્તિ વધારવી)

59 પાઠ્ય (કોઈનું બોલતું સાંભળી નકલ કરવી)

60 માનસી કાવ્યક્રિયા(મનમાં કાવ્ય કરી શીઘ્ર બોલવાની આવડત)

61 ક્રિયા-વિકલ્પ (ક્રિયાનો પ્રભાવ બદલવો)

62 અભિધાન-કોશ (છંદો અને કાવ્યનું જ્ઞાન)

63 વૈનાયકી વિદ્યા-જ્ઞાન (વિનયપૂર્વક વાત કરવાની આવડત)

64 વૈતાલિકી વિદ્યાજ્ઞાન (રાગ, પાધ, પરખ, નાડી, ન્યાય, તરવું, તાન્તરવું, અને ચોરી કરવી – એ આઠ વિદ્યાનું જ્ઞાન) 

        આ ચોસઠ કળા સદા યાદ રહે, જયારે અત્યારના અતિ વિકસેલા દેશો જંગલી જીવન વ્યતીત કરતા હતા ત્યારે આપણા મહાન સુશિક્ષિત રુષીમુનીઓ ભારતમાં આવી કલાઓ માં માહીર હતા તેની પરાકાષ્ઠા સુધી વિકસેલી હતી. અત: સ્પષ્ટ રૂપે, અત્યારના આધુનિક વિજ્ઞાનને તથા કલાઓને આ મૂળ કલાઓનું જ અનુસંધાન  સમજવું.

Sunday, October 3, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૩


સારી-ખરાબ લાગણીઓને પારખવી, તેને નિયંત્રણમાં રાખવી અને તેની પાસેથી રચનાત્મક કામ કેવી રીતે લેવું તે શિક્ષણનો હિસ્સો હોવો જોઈએ. આપણે બૌદ્ધિક વિકાસ કેવી રીતે થાય તેના પર સવિશેષ ભાર આપીએ છીએ, પરંતુ ઇમોશનલ મેનેજમેન્ટની આપણને ખબર નથી, તે આશ્ચર્યજનક છે. બહુ બધા લોકો ઇમોશનલ મેનેજમેન્ટની સ્કિલના અભાવથી સંબંધો, વ્યવસાય, શારીરિક-માનસિક તંદુરસ્તી, ખાવા-પીવામાં સંઘર્ષ કરે છે અને બિનજરૂરી વેઠે છે. બુદ્ધિની જેમ ઈમોશનલ વિકાસ પણ જો નક્કર હોય, તો માત્ર આપણી જ નહીં, આપણા કારણે આપણી આજુબાજુના લોકોની જિંદગી પણ કેટલી સરળ બની જાય...! 

             આપણામાં ઘણી બધી ભૂલો કર્યા પછી અને ઘણા દુઃખી થયા પછી ભાવનાત્મક પરિપક્વતા આવે છે. આપણે એવુ માનીએ છીએ કે માણસ અનુભવથી જ ઘડાય. એ સાચું હોય તો પણ, જિંદગી જીવવાની શરૂઆત થાય, ત્યારે જ બુનિયાદી ભાવનાત્મક ડહાપણ આવી જવું જોઈએ. જે લોકો લાગણીઓમાં સ્ટ્રગલ કરે છે, તે જીવનમાં સ્ટ્રગલ કરે છે.