Thursday, December 31, 2020

પુસ્તકો : જ્ઞાન અને ડહાપણનો ખજાનો

        માનવ દેહના પોષણ કાજે જેમ ખોરાક જરૂરી છે, તેમ માનવ માનસના પોષણ કાજે વાંચન જરૂરી છે. પહેલું શારીરિક સાધન છે, બીજું માનસિક. સદગ્રંથોના પરિશીલન દ્વારા જીવનનું નિર્માણ થાય છે. ગુજરાતના પ્રસિદ્ધ કેળવણીકાર શ્રી મનુભાઈ પંચોળી પુસ્તકોનું મહત્વ સમજાવતા કહેતા કે, “ પુસ્તકો સાચા અર્થમાં પારસમણી જેવા છે. જો તમારી પાસે ઘણા પુસ્તકો હશે તો તમને અભિન્ન મિત્ર, હિતચિંતક, પરામર્શદાતા અને સાંત્વના આપવાવાળાની ખોટ નહીં પડે. કોઈપણ ઋતુ અથવા કોઈપણ દશામાં પુસ્તકો તમને આશ્વાસન આપતા રહેશે.”

        જેમ્સ ક્રિમેન ક્લાર્ક પણ કહેતા કે,  “ ઉપનિષદ જેવા કેટલાય ગ્રંથોએ વિશ્વનું કલ્યાણ કર્યું છે, આજે પણ સતત કલ્યાણ કરતા રહે છે. પુસ્તકો આશા અને જ્ઞાનના દીપકને પ્રજવલિત કરે છે. નવી શ્રદ્ધા, બળ અને ધૈર્ય પ્રદાન કરે છે. પુસ્તકો જ વીતેલા યુગો તથા ભૌગોલિક રૂપથી અલગ દેશોને પરસ્પર જોડે છે. સૌંદર્યની નવી દુનિયાનું સર્જન કરીને સ્વર્ગમાંથી સત્યનું અવતરણ કરાવે છે. ”

        ગાંધીજી પણ પુસ્તકનું મહત્વ સમજાવતા કહે છે- “ પુસ્તકનું મૂલ્ય રત્ન અને ઝવેરાત કરતાં પણ વધારે છે. રત્નોમાં તો બહારથી ચમક-દમક દેખાય છે જ્યારે પુસ્તકો અંતઃકરણને ઉજ્જ્વળ બનાવે છે. શ્રેષ્ઠ પુસ્તકો એક મહાન આત્માનું જીવન રક્ત હોય છે. પુસ્તક મનુષ્યના જીવનની જડીબુટ્ટી અને દીપકની પ્રજ્વલિત જ્યોતિ છે. જેવી રીતે વ્યાયામ કરવાથી શરીરને લાભ થાય છે તેવી જ રીતે સદગ્રંથોના વાંચનથી મસ્તિષ્કને લાભ પ્રાપ્ત થાય છે.” સારા પુસ્તકો એક પ્રકારનો અરીસો છે. જે રીતે શરીર પર લાગેલા ડાઘ અરીસા દ્વારા દ્વારા દેખાય છે તે જ રીતે મનુષ્યના અંતરમનનો ડાઘ કાઢવા માટેની શક્તિ સારા પુસ્તકોમાં છે.

        આજે ટી.વી., મોબાઈલ, કમ્પ્યુટર અને ઈન્ટરનેટના આ યુગમાં વિદ્યાર્થીઓ અને યુવાનો પુસ્તકો વાંચવાનું કે બીજી સર્જનાત્મક પ્રવૃત્તિ કરવાનું ટાળે એ સ્વાભાવિક છે. વળી, વિદ્યાર્થીઓ માત્ર પોતાના અભ્યાસના જ પુસ્તકો વાંચે છે, એ સિવાય જીવન વિકાસ થાય તેવા પુસ્તકો અને સામયિકો વાંચતા નથી જે યોગ્ય બાબત નહીં કહેવાય. વિદ્યાર્થીઓએ તથા દરેક વ્યક્તિએ અભ્યાસની સાથે અન્ય જીવન વિકાસ થાય તેવાં પુસ્તકો, સામયિકો અને વર્તમાનપત્રો વાંચવા જોઈએ. આ ઇતર વાચન જ આપણો સર્વાંગી વિકાસ કરે છે. માત્ર પુસ્તકોનું જ્ઞાન મેળવીને ડીગ્રી મેળવી લેનાર વિદ્યાર્થીઓની કેળવણી મહદંશે અધુરી હોઈ હોઈ શકે. માત્ર ને માત્ર અભ્યાસનાં જ્ઞાન સાથે કોઈ વિદ્યાર્થી બુદ્ધિશાળી બની શકે પરંતુ તેવી સ્થિતિ ખૂબ લાંબી પરંતુ સાંકડી અને અંધારી ટનલમાં ચાલતા માણસ જેવી હોય છે. તે સ્વભાવથી વિશાળ કૂવામાં રહેલા દેડકાની જેમ કૂપમંડુક અને સંકુચિત થઈ જાય છે. ઈતર વાંચનથી જ આપણે વિવિધ વિષયોનું જ્ઞાન મેળવી આપણી મૌલિક શક્તિને મેળવી શકીએ છીએ. આમ, બુદ્ધિ-પ્રતિભાશાળી બનવા માટે વ્યક્તિત્વનો સમગ્રતયા વિકાસ કરવા માટે ઈતર વાંચનનું ખૂબ જ મહત્વ છે. સતત નવું નવું વાંચનની ટેવ પાડવી જોઈએ કારણ કે  ઉત્કૃષ્ટ પુસ્તકોનું વાચન ઉત્કૃષ્ટ માનવનું સર્જન કરે છે.

“A Book is our best friend. Books play an important role in our life.”

પુસ્તકો આપણી પાસે કશું જ માંગતા નથી. તે આપણને પુષ્કળ આનંદ આપે છે. પુસ્તકો આપણને એક અલગ જ કલ્પનાની દુનિયામાં લઈ જાય છે.

“A Book is a storehouse of knowledge and experience and knowledge itself is also a great source of pleasure.”

          પુસ્તકો ભૂતકાળ અને વર્તમાન કાળના ડહાપણનો અવાજ છે. પુસ્તકો આપણને માત્ર જ્ઞાન, માહિતી કે સૂચના જ નથી આપતા પણ પુસ્તકો આપણને મનોરંજન પણ પૂરું પાડે છે. જીવનની રોજબરોજની ચિંતા અને કામના બોજાને ભૂલવી આપણને શાંતિનો સ્વાદ ચખાડે છે. પુસ્તકો આપણું દુઃખ ભુલાવી આપણને આનંદ, સુખ આપી શકે છે. પુસ્તકો જ આપણને ઘરે ખુરશીમાં બેઠા બેઠા આફ્રિકાના જંગલોની, સહારાના રણની, એવરેસ્ટના શિખર પર તથા આર્કટિક મહાસાગરની હિમશિલાની સફર કરાવે છે. પુસ્તકોનું વાચન જ વ્યક્તિના મનને વિસ્તૃત બનાવે છે તથા હૃદયમાં પ્રસન્નતા આપે છે. પુસ્તકોના વાંચનથી આપણા શબ્દભંડોળમાં વધારો થાય છે, જેનાથી આપણે લોકો સાથે પ્રભાવશાળી રીતે વ્યવહાર કરી શકીએ છીએ. પુસ્તકોના વાંચનથી યાદશક્તિમાં વધારો થાય છે. વિશ્લેષણાત્મક વિચારસરણીનું કૌશલ્ય વિકસે છે. એકાગ્રતા તથા ધ્યાનને વધારે છે. સારી લેખન અભિવ્યક્તિનો વિકાસ થાય છે તથા વ્યક્તિને શાંતિ અને હળવાશ પ્રદાન કરે છે. ખરેખર સાચે જ પુસ્તકો એ જાદુ છે !

        બધા જ મહાન પુરુષોના જીવનમાં ડોકિયું કરીએ તો તેમનામાં એક આદત આપણને સમાન જોવા મળે છે અને તે છે -પુસ્તકોનું વાચન. બધા જ મહાન પુરુષો રોજ નવું સતત વાંચતા રહે છે. આવા કેટલાક મહાન પુરુષોના ઉદાહરણ નીચે મુજબ છે:

          ગરીબીમાં ઉછરેલા રીતસરની કેળવણી વગરનો એક નવયુવાન નાનપણમાં કરિયાણાની દુકાનમાં કામ કરીને, પડીકા બાંધવા માટેના છાપાના કાગળો વાંચતો. દુર્ગમ જંગલની વચ્ચે આવેલા પોતાના નાનકડા ગામની આસપાસના પચાસ માઈલના વર્તુળમાંથી મળી શકે તે બધા પુસ્તકો વાંચતો. લખવા માટે કાગળ ખરીદવાના પણ પૈસા નહોતા. આથી ઘરની દીવાલો પર, લાકડાના ફર્નિચર પર તથા ઝાડના થડ પર કોલસા વડે પુસ્તકોમાંથી સુંદર વિચાર લખતો. આ નવયુવક આપ બળે સ્વાશ્રયથી કેળવણી પામી આખરે અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ બને છે અને માનવતાને શોભે ચારિત્ર્યના બળે પોતાના દેશની મહામૂલી એકતા જાળવવા માટે અને ગુલામીના મહાપાપનું કાળસ કાઢી નાખવા માટે ધીરજપૂર્વક અને બહાદુરીપૂર્વક ધર્મયુદ્ધ ચલાવે છે. જેમાં તેમનો વિજય થાય છે. આ મહાન વ્યક્તિનું નામ છે- અબ્રાહમ લિંકન. અબ્રાહમ લિંકને નાનપણથી જ ઉત્તમ પુસ્તકોના વાંચનનો શોખ હતો. નવું નવું જાણવાની, શીખવાની, તેને આત્મસાત કરવાની ઝંખના તેમનામાં હતી.

        કોન રાલ્ડ હિલ્ટનના પુસ્તક ‘Be my Guest’ અને ‘શ્રીમદ્ ભગવદ્દગીતા’ના વાંચનથી પ્રેરાઈને એક સામાન્ય નોકરી કરતો યુવાન પૃથ્વીરાજસિંહ ઓબેરોય, ઓબેરોય ગ્રુપ ઓફ હોટેલ્સના માલિક બન્યા. તેમણે વિશ્વના 55 દેશોમાં વિશાળ હોટેલો સ્થાપી હતી.

આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જીવન પણ પુસ્તકોના વાંચન થકી જ બદલાયું હતું. એક પુસ્તકને કારણે જ આપણને એક વકીલ ગાંધીમાંથી એક મહાત્મા ગાંધી મળ્યા. આ પુસ્તક નું નામ છે, રશિયન લેખકનું પુસ્તક- ‘Unto this Last.’ જ્યારે ગાંધીજી ભારતથી દરિયાઈ માર્ગે દક્ષિણ આફ્રિકા જઈ રહ્યા હતા ત્યારે તેમણે સ્ટીમરમાં જોન રસ્કિનનું આ ‘અન ટુ ધિસ લાસ્ટ’ પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજીનું જીવન ધ્યેય જ બદલાઈ ગયું. તેમણે સ્ટીમરમાં આ પુસ્તકોનો ‘સર્વોદય’ નામે ગુજરાતીમાં અનુવાદ કરી નાખ્યો. પહેલીવાર ગાંધીજીને અહેસાસ થયો કે ‘હું તો માત્ર મારા માટે જ જીવું છું. મેં મારા રાષ્ટ્રના છેવાડાના માણસ માટે કશું જ કર્યું નથી.’ ત્યારબાદ તેઓ ૧૯૧૫માં ભારત પાછા ફરે છે અને દેશની આઝાદીની લડતમાં ઝંપલાવી ૧૯૪૭માં દેશને આઝાદ કરાવે છે. આ છે પુસ્તકની તાકાત!

          ઝવેરચંદ મેઘાણી જ્યારે બી.એ.માં અભ્યાસ કરતા ત્યારે તેમની પાસે જમવા અને ભણવા માટે પણ પૂરતા પૈસા નહોતા. કોલેજ જીવનમાં પોતાના રોજિંદા ખર્ચમાં કાપ મૂકીને પુસ્તકો ખરીદતા અને આવા અદભુત  પુસ્તકોના વાંચન દ્વારા તેઓ એક મહાન કવિ બન્યા.

Bill Gates Best five Books of 2019

          વિશ્વના ધનાઢ્ય માણસોની યાદીમાં સર્વોચ્ચ સ્થાને રહેનાર હાર્વર્ડ યુનિવર્સિટીનું શિક્ષણ પણ જેમણે પૂર્ણ નથી કર્યું એવા માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સ પણ પુસ્તકોના વાચનને ખૂબ જ મહત્વ આપે છે. બિલ ગેટ્સ પોતાની વ્યસ્તતામાંથી સમય કાઢીને રોજ એક કલાક પુસ્તકો વાંચે છે. તેમના પિતાતો તેમને પુસ્તકોનો કીડો કહેતા. તેઓ જમવા બેસતા ત્યારે પણ વાંચતા. આજે પણ તેઓ સમગ્ર વર્ષ દરમિયાન વાંચેલા શ્રેષ્ઠ પુસ્તકોની યાદી દર વર્ષે ડિસેમ્બર મહિનામાં જાહેર કરે છે. તેઓ કહે છે કે- “વર્તમાન પ્રવાહોથી અપડેટ રહેવા તથા નવું શીખવા માટે પુસ્તકો વાંચવા ખૂબ જ જરૂરી છે.”

          થોમસ આલ્વા એડિસનનું નાનપણ ખૂબ જ ગરીબીમાં વિત્યુ. તેમની પાસે જમવા કે ભણવા માટેના પૈસા સુદ્ધાં નહોતાં. પોતાના જમવા માટેના પૈસામાંથી અડધી બ્રેડના પૈસા બચાવીને તેઓ પુસ્તક ખરીદી લેતા હતા.

 Abdul Kalam’s Favorites Books

         આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ તથા મિસાઈલ મેન એવા અબ્દુલ કલામને પણ પુસ્તક વાંચનનો ગજબનો શોખ હતો. જ્યારે તેઓનો રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થયો ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાંથી વિદાય લેતી વેળા તેમના સામાનમાં 2500 જેટલા પુસ્તકો હતા. એ સિવાય થોડાં કપડાં, બુટ હતા. એ સિવાય બીજું કશું જ નહોતું. તેઓ કહેતા-“Literature also influenced me deeply. These three books have made my life.” તેઓ પુસ્તકોને જ પોતાનો સાચો મિત્ર ગણતા હતા તથા પુસ્તકોને જ પોતાની સાચી સંપત્તિ માનતા હતા. તેમના ગમતાં પુસ્તકો નીચે પ્રમાણે હતા :

1. તમિલ કવિ તિરુવલ્લુવરનું – ‘થિરુક્કુરલ’

2.એલ.ઇ. વોટ્સનનું – ‘Lights from many Lamps’

3. ડેનિસ વેટલીનું (Denis Waitley) – ‘Empires of the Mind’

4. સ્ટીફન આર. કોવીનું  – ‘Every Day Greatness’

આમ, આપણે જોઈ શકીએ છીએ કે આ દુનિયા મહાન માણસોને પુસ્તકોના વાચનનો શોખ હતો અને પુસ્તકોના વાંચન થકી જ તેઓ મહાન બન્યા હતા.

      જેમ ભોજન લીધા પછી એનું પાચન મહત્વપૂર્ણ છે, તેમ કંઈ વાંચીએ તેને પચાવવું આવશ્યક છે. બીમારીમાંથી મુક્તિ મેળવવા માટે વૈદકીય પુસ્તકોનું વાચન જ પૂરતું નથી પણ એમાં જણાવેલી દવા કે ઉપચાર કરવા આવશ્યક છે, તેમ સારા પુસ્તકોનું વાંચન કર્યા પછી એ વિચારોનો જીવનમાં અમલ કરવો ખૂબ જ આવશ્યક છે. જો એ ન થાય તો વાચનનો કોઈ અર્થ રહેતો નથી. એ માત્ર સમયની બરબાદી જ છે. તેથી સારા પુસ્તકોના વાંચન થકી જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લાવવા તેના વિચારોને વ્યવહારમાં અપનાવવા ખૂબ જ જરૂરી છે. પુસ્તકો વાંચતો માણસ અને પુસ્તકો ન  વાંચતા માણસના વ્યક્તિત્વમાં ફરક દેખાવો જોઈએ તો જ પુસ્તકોનું વાંચન સાર્થક થયું ગણાય.

        આજે Amazon ના Kindle  જેવા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પુસ્તકો વાંચવા મળે છે. ઇન્ટરનેટ, કમ્પ્યુટર અને મોબાઇલના માધ્યમથી ઓનલાઇન ડીજીટલ પુસ્તકો પણ વાંચી શકીએ છીએ. દેશ અને દુનિયાનું કોઈ પણ દુર્લભ પુસ્તક આપણી ઓનલાઇન મંગાવીને વાંચી શકીએ છીએ. આજે તો ડિજીટલ લાઇબ્રેરી પણ અસ્તિત્વમાં આવી છે ત્યારે આપણે વધુને વધુ આ ટેકનોલોજીનો લાભ લઈ વધુને વધુ વાંચવું જોઈએ. આપણે સૌ ભગવદ્દગીતાનું વાંચન કરતાં રહીએ અને સ્વવિકાસ કરતા રાષ્ટ્રના વિકાસમાં પોતાનો ફાળો આપી એક શ્રેષ્ઠ આદર્શ માનવ બની, આદર્શ સમાજની રચના કરીએ એ જ અભ્યર્થના.

“જેવી રીતે શરીરની માટે કપડા બુટ ચંપલ વગેરે જોઈએ છે તેવી જ રીતે મનને માટે પુસ્તકો જોઈએ છે.”

                                                                                                                                -રવીન્દ્રનાથ ટાગોર

Tuesday, December 29, 2020

સર્જનની સરવાણી-૧૮

       

         એક દિવસ ચીનના સમ્રાટે મહાત્મા કન્ફ્યુશિયસને કહ્યું: મહાત્માજી ! દેવ કરતાં મહાન છે એવી વ્યક્તિ પાસે મને લઈ જાઓ. કન્ફ્યુશિયસ બોલ્યા : એક તો તમે જ પોતે એ મહાન વ્યક્તિ છો; કારણકે તમને સત્ય જાણવાની ઈચ્છા થઈ છે એટલે આપ મહાન છો.

        સમ્રાટ બોલ્યા : આમ હોય તો હું મારા કરતાં પણ વધારે મહાન વ્યક્તિને મળવા માગીશ અને એના દર્શન કરવા માગીશ. ઘણીવાર મહાન માણસો સંબંધી વાતો આપે મને કર છે, એટલે આપ માંને એમની પાસે લઈ જાઓ. ત્યારે મહાત્મા કન્ફ્યુશિયસ થોડીવાર સમ્રાટ તરફ જોઈને બોલ્યા કે : અહીંથી ઊઠીને આપે ક્યાંય જવાની જરૂર નથી, કારણકે તે વ્યક્તિ હું છું. હું સત્ય ઉપર પ્રેમ રાખું છું એટલે હું તમારા કરતાં પણ મહાન વ્યક્તિ છું. 

        ફરીવાર સમ્રાટે કહ્યું કે તો પછી મારે આપણા બંને કરતાં પણ મહાન હોય એવી વ્યક્તિનાં દર્શન કરવા છે, આપણ ઘણીવાર અલગ-અલગ મહાત્માઓ વિષે વાત કરો છો, તો મને એમની પાસે લઈ જાઓ. આ સાંભળીને મહાત્માજી બોલ્યા કે : રાજન  અહીથી આપે ક્યાંય જવાની જરૂર નથી, કારણકે એ મહાન વ્યક્તિઓ આપણી આસપાસ જ છે. જુઓ પેલી ડોસી જેને સો વર્ષ થઈ ગયા છે, તેમછતાં તે કોદાળી લઈને કૂવો ખોદે છે. એને એ કૂવાની કોઈ જરૂર નથી, તેમછતાં તે પરમાર્થ માટે પોતાનું કાર્ય કરી રહી છે. એટલા માટે એ ડોસી આપણા બધા જ કરતાં પણ મહાન છે. 

સર્જનવાણી: હંમેશા પરમાર્થ કાજે જીવન જીવતા રહો, ઈશ્વર ખૂબ જ દયાળુ છે અને એની મહાનતા સાબિત કરવા માટે જ આપણને અહિયાં મોકલવામાં આવ્યા છે. 

Thursday, December 24, 2020

ગીતાજયંતીનું મહાત્મ્ય કેમ ?


વિશ્વમાં જ્યારથી માણસ જનમ્યો ત્યારથી અત્યાર સુધીમાં બધી જ ભાષાઓમાં કલ્પનાતિત સંખ્યામાં અનેક ગ્રંથો લખાયા છે અને આવનારા સમયમાં પણ લખાતા જ રહેશે, પણ આશરે ૫૦૦૦ વર્ષ પહેલાં મહર્ષિ વેદવ્યાસ સંકલિત શ્રીકૃષ્ણાર્જુન સંવાદિત અને મહાભારત ગ્રંથમાં સમાવિષ્ટ એક ગ્રંથ એટલે શ્રીમદ્ ભગ્વદ્ ગીતા ! ગીતા એ ભગવાનનાં શ્રીમુખથી નીકળેલું કાવ્ય છે. ગીતા એક જ એવો ગ્રંથ છે કે જેનો જન્મદિવસ ઉજવાય છે.

પ્રશ્ન કોઈપણ હોય, ગમે તે કાળનો હોય, જાતિ-સમાજ-ધર્મ કે સમયથી ઉદ્ભવેલો હોય પણ ગીતા તે દરેક પ્રશ્નનો તાર્કિક અને વ્યાવહારિક જવાબ આપે છે. જીવન સંગ્રામ છે તેથી युद्धाय कृतनिश्चय, જીવન રમત છે તેથી तुष्यन्ति च रमन्ति च, જીવનમાં દુર્બળતા છે તો क्षुद्रं ह्रदय दौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ કહીને તે કાઢીને ફેંકી દે, તેમ ગીતા કહે છે. એક ભૂલ થઈ જવાથી જીવન ખલાસ થતું નથી, તેથી ગીતા કહે છે કે તું અતિશય દુરાચારી હોઈશ, મહાન પાપી હઈશ તો પણ તું બદલી શકે છે, તારામાં Can Do વૃત્તિ નિર્માણ થઈ શકે છે. હું બનીશ જ, હું થઈશ જ, હું બદલીશ જ, હું બદલાવીશ જ, હું મેળવીશ જ આ હિંમત અને ખુમારી ગીતા આપે છે.

વિવિધ વર્ગનાં લોકોને માટે ગીતા ગુણોની સારસંભાળ માટે આજ્ઞા કરે છે. શમ, દમ, તપ, યજ્ઞ જેવાં ગુણો સંસ્કૃતિનાં ઉત્કર્ષ અને સંવર્ધન માટે બ્રાહ્મણ વર્ગ એ કેળવવાનાં છે. સંસ્કૃતિની રક્ષા કરનાર ક્ષત્રિયોને શૌર્ય, તેજ, ધીરજ અને દક્ષતા જીવનમાં લાવવાનું કહે છે. વૈશ્ય વર્ગ વૈદિક સંસ્કૃતિને સંભાળે છે, તેથી તેને કૃષિ, પશુપાલન અને વેપારમાં ભળવાની આજ્ઞા કરે છે. શૂદ્ર પોતાની વિત્તશક્તિ અને સાધનશક્તિનો સમાજ માટે ઉપયોગ કરે જેથી સમાજની ભૌતિક જરૂરિયાતો પુરી થઈ શકે તે માટે ભગવાન માર્ગદર્શન કરે છે. જેવી રીતે સામાજીક જીવનનાં ચાર પાસાંની વાત કરી, તેવી રીતે વ્યક્તિજીવનની ૩ પગથીની પણ ભગવાન વાત કરે છે - બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા એ પણ સૂચક છે. દરેક સમયનો અનુભવ સાથે લઈને જીવન ઘડવાનું છે. ૬૦ વર્ષે ઢીમ ઢળી જાય તો વાંધો નહી, એવી નમાલી દ્રષ્ટિ નહી પણ तुष्यन्ति च रमन्ति च ની તેજસ્વી વૃત્તિ પ્રત્યેક અવસ્થામાં વણાય શકે છે, તે પણ ગીતા સમજાવે છે.

संन्यास નો ગમતો અર્થ ન કરતાં યોગ્ય અર્થ ગીતા આપે છે - काम्यानां कर्मणां न्यासं संन्यासो कवयो विदु: - કામ્ય કર્મોને ભગવાનનાં ચરણે ધરવાનાં ! ઈચ્છા, આસક્તિ કે જીજીવિષા; ફક્ત ભગવાન જ પુરી કરી શકશે તેનો અતુટ અને અટલ વિશ્વાસ ગીતા સમજાવે છે. સ્ત્રીઓમાં રહેલાં કીર્તિ, લક્ષ્મી, સ્મૃતિ, ધીરજ જેવાં ગુણો પણ મારી વિભૂતિ છે, તેમ ભગવાન કહે છે. વિદ્યાર્થીને ભગવાન કહે છે - तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया - જો તારે વિદ્યા મેળવવી હશે તો તારી પાસે નમ્રતા, જિજ્ઞાસા અને સેવા એમ ત્રણ ગુણો હોવા જોઈએ; આવી આડકતરી રીતે આ ગુણો ખીલવવા માટે પણ ભગવાન જણાવે છે. મારે જો જ્ઞાન જોઈતું હશે તો જ્ઞાન, ગુરુ અને પોતાના પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો પડશે.

ગીતા સમજાવે છે કે બુદ્ધિમાં તિરાડ પાડીને વિષય ફેંકી દેવાથી લોકોનો વિશ્વાસ ગુમાવી બેસવો પડે, તેનાં બદલે તેમની કદર કરીને, સાથે રાખીને તેમની કુશળતાને સંસ્કૃતિનાં સંવર્ધનમાં કામે લગાડવી જોઈએ (गीता ०३/२६). સમાજમાં જે સંપન્ન અને અનુભવી એવા મોટા લોકો છે, તેમનાં પર પણ સમાજને બદલવાની જવાબદારી છે તેથી તેણે સમાજને યોગ્ય દિશામાં અને યોગ્ય પ્રમાણમાં દોરવણી કરવી જોઈએ (गीता ०३/२१). જ્ઞાની હોય, સંતોષી હોય, વિવેકી હોય, આધ્યાત્મિક હોય તો પણ, દરેક વ્યક્તિએ સિદ્ધાંતો લોકોનાં જીવનમાં સંક્રાંત થાય, લોકોનાં જીવન ભગવાનનાં ભાવ, પ્રેમ અને કરૂણાથી ભીંજાય તેવાં બનાવવાં જોઈએ તે માટે બધુ આવડે છે એટલે કંઈક કરવાની જરૂર નથી તેમ ન સમજતા બીજા લોકોનાં ઉદ્ગમ અને ઉત્કર્ષ માટે તારી કુશળતા ભગવાન માટે વાપરવા લાગ તો તે યોગ બની જશે, તેમ ભગવાન કહે છે.

રોટલો કમાવા પુરતું જ જીવન નથી, તે જવાબદારી તો ભગવાન પોતાનાં માથે લે છે, શરત એટલી જ છે કે મારે એકમેવ ધ્યાનથી ભગવાનનું કહ્યું માનવાનું છે અને બીજા લોકો માનતાં થાય તે માટે પ્રયત્ન કરવાનો છે અને આવો થોડો પણ પ્રામાણિક પ્રયત્ન હું કરીશ તો પણ મહાભયંકર ભયથી મુક્ત થઈ શકીશ, તેમ ભગવાન કહે છે. વિશ્વાસ રાખ કે બાહ્ય આડંબર ફક્ત શરીરનો નાશ કરી શકશે, પણ આત્માને તે હણી શકતા નથી, આમ એક અર્થમાં મારો આત્મા, મારુ મન પણ ક્યારેય મરવાં જોઈએ નહી તેવી ભગવાન સમજ ધારણ કરવાનું કહે છે.

જીવન એટલે ઉંમરનો વધારો નહી પણ ગુણોનો વૈભવ ! ગીતા એ સ્થિતપ્રજ્ઞનાં ગુણો, ભક્તનાં ગુણો, દૈવી ગુણો, ત્રિગુણો જીવનમાં લાવવાની વાત કરી છે; ઉપરાંત ક્યારે ક્યાં ગુણનું મહત્વ સમજવું તે પણ શીખવ્યું છે. આ ગુણો પેઢીઓ સુધી સચવાય રહે તે માટે "યજ્ઞકર્મ કર" તેમ કહીને રસ્તો પણ ભગવાને કહ્યો છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ એ કોઈ અલગ અલગ વિષય નથી પણ એકબીજા સાથે જોડાયેલી ઉપાસના પદ્ધતિ છે તેમ ભગવાન સમજાવે છે. ભગવાન તે પણ સમજાવે છે કે શરીરને કસવું જોઈએ તેવી રીતે મનને પણ કસવું જોઈએ. યજ્ઞ, દાન, તપ, મન, વાણી, બુદ્ધિ, ખોરાક કેવાં હોવાં જોઈએ તે પણ ભગવાન સમજાવે છે. જીવનમાં ક્યાં ગુણો મને દેવનો અને દેવ બનાવી શકશે તે ભગવાને કહ્યું છે, તેમ ક્યાં ગુણો મને રાક્ષસ અને અસૂર બનાવશે તે પણ ભગવાને કહ્યું છે.

નાક પકડીને બેસનારા લોકો ગીતાને વગોવે છે અને નિસ્તેજ સમાજ ગીતાને તરછોડે છે. આપણી જેવાં ડાહ્યા લોકોએ ગીતાને શબ્દોથી નહી, પણ અર્થોથી જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અસંખ્ય ગુણો ભગવાને કહેલાં છે, તેમાંથી એકાદો ગુણ પણ જીવનમાં લાવવાનો પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ. ગીતા પ્રયત્નવાદને માને છે, સમન્વય સાધે છે અને લોકસંગ્રહનું કામ કરે છે. હું દરેકનાં હ્રદયમાં બેઠેલો છું, દરેક જીવનો આત્મા હું છું, મારાથી છ બધી ક્રિયાઓ થાય છે એમ કહેનાર ગીતાનો કૃષ્ણ આપણી સાથે જ રહીને આપણને उपद्रष्टानुमंता च भर्ता भोक्ता महेश्वरः (ગીતા ૧૩/૨૨) જેવી અલગ અલગ ભૂમિકામાં રહીને આપણને જીવનદ્રષ્ટિ આપે છે. જે મારી સાથે જોડાયો તે યોગી, તેમ કહીને ભગવાન મને વૃત્તિનું મહત્વ સમજાવે છે. ભુખ્યાં ન રહેવું જોઈએ અને વધારે પણ ન ખાવું જોઈએ તેમ કહીને મારા સ્વાસ્થ્યની ફિકર કરે છે. માઁ જેમ ઝીણવટથી આપણું સંવર્ધન કરે, તેમ ગીતા આપણને પોષે છે.

છેલ્લે, ગીતા એક સિદ્ધાંત સમજાવે છે - કામ કર, ફળની આશા ન રાખ, હેતુ વગરનું કર્મ ન કર અને કર્મ કરવાનું ટાળીશ નહી; આ ચાર વાતો એ ગીતાનું હાર્દ છે. કામ કરવાનું છે - ભક્તિ તરીકે. ફળ મળવું જ જોઈએ - ઉપજ તરીકે. હેતુ વગરનું કામ એટલે - કહેવા પુરતુ કામ કર, રોડવવાં માટે કામ કર, દેખાડવાં માટે કામ કર, લખાવવાં માટે કામ કર તે ન ચાલે. દિલ અને દિમાગ પરોવીને તનતોડ મહેનત કર તેમ ભગવાન કહે છે. ડર, દુર્બળતા કે અનિશ્ચિતતાથી કામ છોડી દે તે ન ચાલે, તેનાં માટે સતત અને સંપૂર્ણ રીતે પ્રામાણિક પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ બધી વાત વાતમાં મુખ્ય વાત છે 


यज्ञार्थ कर्मणोन्यत्र लोकोयं कर्मबंधन : ।

तदर्थं कर्म कौन्तेय मुक्तसंगः समाचरन् ।।

ભગવાન સાથે જોડાવાં માટે અને જોડાય જઈને જે જે કામ કરે તે બધા જ કર્મો તકલીફ આપતા નથી, પણ મુક્તિ આપે છે. અને છેલ્લે, મન-બુદ્ધિથી નક્કી જ રાખ કે હું જે કર્મ કરુ છું, તેનું ફળ મારે લેવાનું જ નથી !! પ્રવૃત્તિ-નિવૃત્તિનો જગડો અનાદિકાળથી ચાલ્યો આવે છે, ત્યારે ભગવાને સંપૂર્ણ શાસ્ત્રીય વાત સમજાવી - કાર્ય કરવામાં પ્રવૃત્તિ અને ફળ મળે ત્યારે નિવૃત્તિ, આ જ છે ગીતાનો જયઘોષ !! ગીતા એટલે પ્રવૃત્તિ - નિવૃત્તિનો સમન્વય !!!

Gita is not the bible of hinduism but it is the bible of humanity એમ કહીને તત્વચિંતકો ગીતાનો મહિમા ગાય છે, ઈમર્સન અને થીબો તો તેમને માથે લઈને નાચેલાં !!! આપણે જ આપણો વારસો ક્યાંરથી સમજતાં થઈશું ? ગીતા એટલે માતૃહ્રદયનું વાત્સલ્યભર્યુ સ્તવન. તેને સમજવા માટે બુદ્ધિથી વધારે મન અને મન કરતાં ભાવની વધારે જરૂર છે. યુદ્ધનો દિવસ છતાં પવિત્ર દિવસ બની રહેનાર દિવસનાં સર્જક અને સેવક એવાં કૃષ્ણાર્જુનની જોડીને યાદ કરીએ, વિચારપ્રસાદ મેળવીએ, શાસ્ત્રીય નેમ લઈએ કે ગીતાને જીવનમાં લાવવાનો પૂરો પ્રામાણિક પ્રયત્ન કરીશું. એક મહાન શાસ્ત્ર જે ત્રિકાલાબાધિત છે તેને સમજવા અને તેણે કહેલાં રસ્તે ચાલીને જીવન પ્રભુને ગમતું કરવાનાં ઓરતાં સેવીએ તે જ અભ્યર્થના !!

📖શ્રીમદ્ ભગવદ્ ગીતા📖 વોટ્સઅપ પરથી સાભાર # જય શ્રી કૃષ્ણ 

Tuesday, December 22, 2020

સર્જનની સરવાણી-૧૭

        એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી. ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. હું સુખ શોધી રહ્યો છું.

        મુલ્લા કંઈ બોલવાને બદલે, એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડ્યો. મુલ્લા દોડમાં પાક્કા, એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડ્યા બાદ મુલ્લા રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા. થોડી વાર પછી પેલો માણસ હાંફતો-હાંફતો પહોંચ્યો. એણે તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી. બેગ મળી ગયાનો આનંદ એના ચહેરા પર પ્રગટ્યો, એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’ 

           મુલ્લા: ‘કેમ વળી? તમે સુખ શોધવા નીકળ્યા છો, તો બોલો, બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં ? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’ આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા હોઈએ છીએ. જે કંઈ આપણી પાસે છે, એમાંથી ઝાઝું સુખ નથી મળતું. પણ પછી એ ખોવાઈ ગયા બાદ પાછું મળે ત્યારે સારું લાગે. આવું શા માટે?

        એટલે, હવે પછી જ્યારે મૂડ સારો ન હોય, ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે? કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી, ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે?’

        આપણી પાસે ઘાસ અને છાપાંથી તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે, એટલે હવે ક્યારેક ‘હું સુખી નથી... મારી પાસે આ નથી... મારી પાસે તે નથી... એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી. જેમ કે, આવો સરસ મજાનો લેખ તમે ઓનલાઇન વાંચી શકો છો, તેના પરથી આટલી બાબત સાબિત થાય છે :

1. તમે ગરીબ નથી. સમગ્ર વિશ્વમાં આશરે 112 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે.

2. તમારી જાતને ઠંડી, ગરમી અને વરસાદ સામે રક્ષણ આપવા આશરો છે જે વિશ્વમાં લગભગ 130 કરોડ લોકો પાસે નથી.

3. તમે શાંતિથી બેસીને વાંચી શકો છો, મતલબ કે તમે અત્યંત માંદા નથી. દુનિયામાં કોઈ પણ સમયે આશરે 120 કરોડ લોકો બીમાર હોય છે)

4. તમારી પાસે આટલો સારો મોબાઇલ છે  જે દુનિયાના 198 કરોડ લોકો પાસે નથી.

5. તમને પીવાનું પાણી ઘેર બેઠા મળી રહેતું હશે, જે વિશ્વમાં આશરે 180 કરોડ લોકોને નથી મળતું.

6. તમારા ઘેર વીજળી હશે, (મોબાઇલ charging તો જ થતુ હોય ને)  જે જગતના 18 કરોડ ઘરમાં નથી.

7. તમે મોજથી જીવવા વાળા વ્યક્તિ છો, એટલે જ તો મોજ થી સુતા છો અને જો બેઠા હશો તો પગ ઉપર પગ ચડાવીને બેઠા હશો. આવી નિરાંત દુનિયાના અનેક કરોડોપતિ પાસે પણ નથી.

8. આજ સવારે તમે ઉઠ્યા ત્યારે વિશ્વના 88,400 લોકો પોતાની ઊંઘમાં જ મૃત્યુ પામ્યા. આવુ દરરોજ બને છે.

9. તમે આ બધું વાંચી શક્યા. મતલબ કે તમને લખતા વાંચતા આવડે છે માટે તમે આ વિશ્વના 140 કરોડ નિરક્ષર લોકો કરતા નસીબદાર છો જેઓને વાંચતા આવડતું નથી. 

સર્જનવાણી : ફરિયાદો છોડો અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો, પુરુષાર્થનો કે, જીવન મસ્ત છે. સવારે ઊઠીને આપણો પ્રથમ શબ્દ કયો હોવો જોઈએ ખબર છે? Thank you, God.

Tuesday, December 15, 2020

સર્જનની સરવાણી-૧૬

        જ્ઞાન અને માહિતી વચ્ચેનો ફરક સમજવો ખૂબ જરૂરી છે. આ બે વચ્ચેની ભેદરેખા બહુ જલદી ભૂલી જવાય છે. કોઈ વ્યક્તિ હજારો પુસ્તકો વાંચીને માહિતી ભેગી કરે છે પણ શું એ જ્ઞાન છે? અને એ વ્યક્તિ જ્ઞાની બને છે? ના, હંમેશા એવું નથી બનતું. ઘણા મોટા પ્રકાંડ પંડિતો માત્ર માહિતીનું વિતરણ કરતાં જ જોવા મળ્યા છે. તેઓ ખૂબ સારા વક્તા હોય છે અને એમનો શિષ્યગણ એમને અદભૂત જ્ઞાની અથવા વિદ્વાન તરીકે ઓળખાવતા હોય છે.  બહુ જ મોટી ગરબડ થઈ રહી છે.  પરંતુ તે પ્રત્યે બહુ ઓછા લોકો સભાનપણે વિચારતા હોય છે. 

        'બાજુની શેરીમાં રમેશભાઈ આજે મૃત્યુ પામ્યા છે.' તમને એ માહિતી મળે છે, ખબર પડે છે, જાણકરી મળી છે, શું આ જ્ઞાન છે? વર્ગમાં ઇતિહાસના શિક્ષક બાળકોને કહે છે, 'મહારાણા પ્રતાપ 1597માં મૃત્યુ પામ્યા.'  કે ગણિતના શિક્ષક બતાવે છે, 'વર્તુળને ખૂણો હોતો નથી.' કે વિજ્ઞાનના શિક્ષક ઘટસ્ફોટ કરે છે, 'એક ઓક્સિજનનો અને બે હાઇડ્રોજનના અણુ મળે તો પાણી બને.' આ શિક્ષકો બાળકોને જ્ઞાન આપે છે કે માહિતી? એની માહિતી બાળકો માટે જ્ઞાન પુરવાર થાય છે? બહુ મોટો ક્વેશ્ચનમાર્ક છે. મારા મતે આજની શાળાઓ માહિતીનો વેપાર કરતી દુકાનો છે જ્યાં એક જ પ્રકારની માહિતીના ભાવ જુદા જુદા હોય છે. 

        તમને કોઈ કહે, કે આ રસ્તે જાઓ તો એ તમારે માટે જાણકારી છે. તમને માહિતી મળી. થોડા દિવસ પછી તમે એ ભૂલી જશો. માહિતી ભૂલાઈ જવાય. પણ, તમે એ રસ્તે જાઓ છો. હવે એ રસ્તાનો તમને અનુભવ થશે. રસ્તો કેવો છે તે સમજાઈ જાય છે ત્યારે તમને જ્ઞાન થયું કહેવાય. પછી તમે કહી શકો કે મને આ રસ્તાનું જ્ઞાન છે. જ્ઞાન કદી ભૂલાતું નથી. ટૂંકમાં, માહિતી + અનુભવ = જ્ઞાન. જ્યાં સુધી માહિતી અનુભવથી મઢાય નહીં ત્યાં સુધી એ જ્ઞાન બનતું નથી.

       આજે સોશિયલ મીડિયા દ્વારા હજારો લોકો મેસેજ ફોરવર્ડ કરે છે અને હજારો લોકો તેને વાંચે પણ છે. કેટલીય માહિતીની આપ-લે થાય છે, નહીં કે જ્ઞાનની. તમે વાંચો છો ત્યારે તમારા જ્ઞાનમાં નહીં, પરંતુ માહિતીમાં વધારો થાય છે જે થોડા સમય બાદ ભૂલી જવાશે. તમને ઘણા લોકો અદભુત જાણકારી આપશે. તમે દંગ રહી જાઓ એવી હશે. પણ એમાં તમારો અનુભવ નહિ ઉમેરાય ત્યાં સુધી એ જ્ઞાન નહિ બને. તમારે એ પરખવાનું હોય છે કે આપનાર વ્યક્તિ તમને જાણકારી આપે છે કે જ્ઞાન! મતલબ કે એને એ જાણકારીમાં પોતાનો અનુભવ ઉમેર્યો છે કે નહીં? હા હોય તોજ એ જાણકારી વિશ્વસનીય કહેવાય. નહીતો તમારે અનુભવ કરીને ખાતરી કરવી પડે. એ સમય બગાડવા જેવું પણ થઈ શકે.

        એક બાળક પથારીમાં સૂતું છે. તેની મમ્મી બાજુમાં ગરમ દૂધનો પ્યાલો ભરીને મૂકે છે અને કહે છે, ઊઠ બેટા, દૂધ પી લે પણ જોજે, ગરમ છે. દીકરા માટે આ માહિતી છે પરંતુ મમ્મીને તો જ્ઞાન છે કે દૂધ ગરમ છે કારણ કે તેણે જ ગરમ કર્યું છે. દીકરો ઊઠે છે અને દૂધનો ગ્લાસ પકડે છે. ચીસ પાડીને છોડી દે છે. આવું કેમ બન્યું?  મમ્મીએ ચેતવ્યો હોવા છતાં દીકરાએ ગ્લાસ પકડ્યો કારણ તેને માટે તો માહિતી જ હતી તેથી ભૂલી ગયો. પરંતુ હવે બીજી વખત મમ્મી  ગ્લાસ મૂકશે ત્યારે, દૂધ ઠંડુ હશે તો પણ, પેલું જ્ઞાન થયેલું છે કે ગ્લાસ ગરમ હોઈ શકે એટલે દીકરો ચકાસીને ગ્લાસ પકડશે. આમ, માહિતી અનુભવમાં ઉમેરાય ત્યારે જ જ્ઞાન બને છે અને એ આજીવન યાદ રહે છે. જ્ઞાની હંમેશા અનુભવી જ હોય છે અને અનુભવ ધ્વારા જ્ઞાન મળે છે. 

        આનો અર્થ એ નથી કે માહિતીનું મહત્વ નથી. વર્ગમાં જ્યારે શિક્ષક બે વત્તા બે બરાબર ચાર કહે છે તે શિક્ષક માટે જ્ઞાન છે પણ બાળક માટે તે માહિતી છે.  એ બાળક પ્રેક્ટીકલ લાઈફમાં બે વત્તા બે ચાર ક્યાં અને કેવી રીતે થાય તેના અનુભવથી તે જ્ઞાન મેળવે છે. તમે અને હું અત્યાર સુધીમાં જેટલું પણ યાદ રાખી શક્યા છીએ એ બધું ફક્ત અનુભવેલું જ્ઞાન છે. તે પહેલા માહિતી હતી. જેટલી માહિતી અનુભવાઈ નથી તે બધી ભૂલાઈ ગઈ છે. 

        જ્યારે તમે તમારું જ્ઞાન બીજાને આપો છો ત્યારે તમે તમારો અનુભવ વહેંચો છો. અનુભવ વગર તો તમે બીજેથી મેળવેલી માત્ર જાણકારી ફોરવર્ડ કરો છો  અને એ વિશ્વસનીય ન પણ હોઈ શકે. આજ બાબત બીજા દૃષ્ટિકોણથી વિચારીએ. કોઈ જ્યારે આપણને માહિતી આપે છે ત્યારે આપણે વિચારવાનું રહે કે શું તે તેનો અનુભવ વહેંચે છે કે પછી બીજેથી મેળવેલી માહિતી માત્ર ફોરવર્ડ કરી રહ્યો છે? જો ફોર્વર્ડેડ માહિતી હોય તો તમારે અનુભવમાં લેવી પડશે અને પછી એ તમારું જ્ઞાન બનશે. તમારે તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે આવી માહિતીઓને અનુભવતાં અનુભવતાં તો ઘણો સમય લાગી જાય અને જ્ઞાન બહુ મોડું આવે. એટલા માટે આપણે વડીલોની સલાહ લઈએ છીએ કેમ કે તેમની પાસે માત્ર માહિતી નથી પણ જ્ઞાન છે અને જે આપે છે તે તેમની અનુભવેલી માહિતી આપે છે. એના માટે આપણે જાતે અમલમાં મૂકીને જ્ઞાન બનાવવા સુધીની રાહ જોવી પડતી નથી.

શું વિચારો છો?- મંથન ડીસાકરનાં નિબંધસંગ્રહમાંથી સાભાર 

Tuesday, December 8, 2020

સર્જનની સરવાણી-૧૫

       


        ઓફિસે પહેરી ને હું જતો એ બુટના તળિયા ફાટી ગયા હતા. ચારે બાજુથી બુટને સિલાઈઓ મરાવી મરાવી બુટને જીવતા રાખવાનો નિરર્થક પ્રયત્ન હું કરતો હતો હતો. જેમ એક મઘ્યમવર્ગની દશા એક સાંધે ત્યાં તેર તૂટે  એવી જ દશા મારા બુટ ની હતી. કોઈ દર્દીની સારવાર કરી ડોક્ટર અંતે થાકી ને કહે, કે દર્દી લાબું નહીં જીવે, ખોટો ખર્ચ દર્દી પાછળ કરવા જેવો નથી તેમ મારા મોચીએ કીધું સાહેબ નવા બુટ ખરીદી લ્યો. ઘણો ક્સ કાઢ્યો. હવે ખર્ચ આ બુટ પાછળ કરવા જેવો નથી.

      આજે રવિવાર હોવાથી મેં મારા બુટ ચંપલના સ્ટેન્ડ ની સાફ સફાઈના બહાને ઘર સભ્યોના ચંપલ અને બુટની વર્તમાન દશા શું છે એ જોવા પ્રયત્ન કર્યો. મારા નસીબ સારા હતા, ઘરની વ્યક્તિઓ સમજુ હતી. સામેથી કોઈપણ પ્રકારની માંગણી તેઓ કરતા નહીં, એટલે એ લોકોની જરૂરિયાત સમયે સમયે જોવાની મારી નૈતિક ફરજ અને જવાબદારી પણ બનતી હતી. મારો પગાર પણ સારો, બચત પણ સારી પણ સંઘર્ષના સમયે કરેલ કરકસરની ટેવ  ધીરે ધીરે આદત બનતી જાય છે. બુટ ચમ્પલનું સ્ટેન્ડ મને ઘરના દરેક સભ્યના નવા બુટ ચંપલ લેવાનું મને કહેતું હતું.

        મેં કાવ્યાને બુમ મારી બોલાવીને કીધું આ તારા ચંમ્પલ જો બાળકો ના બુટ તમને એમ નથી થતું કે હવે નવા બુટ ચમ્પલ લેવા જોઈએ. કાવ્યા બોલી પ્રથમ તમારે જરૂર છે, બુટમાંથી અંગુઠો બહાર આવવા ની તૈયારી કરી રહ્યો છે. હું પિન્ટુ અને મારી દીકરી શીતલ હસી પડ્યા. સારું આજે સાંજે  બુટ અને ચંપલ લેવા આપણે સાથે જઈએ. સાંજે ફરતા ફરતા શહેરમાં ઘણા સમયથી ફેમસ બનેલ "બુટ હાઉસ"  ના  શોરૂમ પાસે અમે ઉભા રહ્યા. ત્યાં મારો દીકરો પિન્ટુ બોલ્યો પપ્પા આપણા શહેરમાં આ શોરૂમનું નામ છે. આવા બીજા બે શોરૂમ પણ આ શહેરમાં છે. નવી નવી બુટ ચંપલની ડિઝાઈન અહીંથી  આપણને મળી રહેશે.

     શોરૂમ જોઈ અંદર જવાની હિંમત થતી ન હતી. છતાં પણ બાળકો અને પત્નીની ઈચ્છા હતી એટલે પ્રથમ પાકીટ અને ક્રેડિટ કાર્ડ ખીસામાં છે કે નહીં એ ખાતરી કરીને હિંમત એકઠી કરી શોરૂમમાં અમે પ્રવેશ કર્યો. કઈ બાજુથી શરૂઆત કરવી એ જ ખબર પડતી ન હતી. બુટની રેન્જ ચાલુ જ ત્રણ હજારથી થતી હતી. શોરૂમના સેલ્સમેન પણ વારંવાર મારા બુટ તરફ નજર કરતા હતા. તેઓનો પ્રતિસાદ નબળો હોવાનું કારણ મારા બુટ હતા એ હું સમજી ગયો હતો. AC શોરૂમમાં મને પરસેવો થતો જોઈ મારા સમજદાર પરિવારે મને કીધું, પપ્પા આના કરતાં શહેરમાં સસ્તા મળે. આ તો  એરિયાનો ભાવ લે છે અને લૂંટે છે.

     અમારી વાતચીત અને હાવ ભાવ જોઈ, એક યુવાન વ્યક્તિ ચેમ્બરમાંથી બહાર આવી. આવો સાહેબ તમારા માટે આ ડિઝાઈન પરફેક્ટ છે. મેં બુટની કિંમત જોઈ 4999 રૂપિયા. મેં કીધું ભા .બીજે તપાસ મને કરવા દે. અરે વડીલ અમારા ગ્રાહક અમારા ભગવાન છે. એ યુવાન શેઠ હોવા છતાં તે મારા પગ પકડી નીચે બેસી મને બુટ પહેરાવવા લાગ્યા. સેલ્સ સ્ટાફે તેમને ચેમ્બરમાં જવા વિનંતી કરી પણ આ યુવાન લાગતો શોરૂમનો માલિક બોલતો હતો. ભગવાન આજે સામે ચાલીને  આપણે ત્યાં આવ્યા છે. તેના સ્ટાફને બોલાવી કીધું. આ બુટ પેક કરો. સાહેબના બુટ અને સાઇઝ મને યાદ છે. હું ધારી ધારીને આ વ્યક્તિને જોતો રહ્યો. સાચો સેલ્સમેન તો આને કહેવાય.

        મારી પત્ની કાવ્યા સામે જોઈ શેઠ બોલ્યા, બેન તમારા માટે આ સેન્ડલ યોગ્ય છે. તેની.કિંમત મેં જોઈ 2999  રૂપિયા. હવે તેણે પિન્ટુ સામે જોયું. તું યુવાન છે. આ સપોર્ટ શૂઝથી તારો વટ પડશે. તેની કિંમત 5899. મેં કીધું અરે ભાઈ તમે મને તો પૂછો કિંમત મને પરવડે છે કે નહીં. એ વ્યક્તિએ કંઈ સાંભળ્યું જ નહીં , શીતલના પણ સેન્ડલ 2999 પેક કરવા પોતાના માણસને આપી કેશકાઉન્ટર ઉપર મોકલ્યો અને પાછળ પાછળ પોતે ગયો પાકીટમાંથી આટલા રૂપિયા નીકળશે એ ચિતામાં હતો ત્યાં એ સજ્જન વ્યક્તિ મારી.પાસે આવી બોલી. લ્યો સાહેબ આ તમારું બિલ કેશ કાઉન્ટર ઉપર રૂપિયા જમા કરાવી ડિલિવરી લઈ લ્યો બે મિનિટ તો ઝગડો કરી લેવાની ઈચ્છા થઈ પણ જયારે મેં બિલ જોયું ત્યારે હું ઠંડો થઈ ગયો. ટોટલ રકમ ઉપર ડિસ્કાઉન્ટ 100%  અને ચૂકવવા પાત્ર રકમ  ઝીરો રૂપિયા. 

         મેં એ વ્યક્તિ સામે જોઈ કીધું, તમે અમારી મજાક તો ઉડાવતા નથી ને ? એ યુવાન શેઠ હાથ જોડી ઉભો રહી ગયો અને બોલ્યો, અરે સાહેબ જીંદગી જ્યારે અમારી મજાક ઉડાવતી હતી ત્યારે તમે અમારો હાથ પકડ્યો હતો. તમારી મજાક ઉડાવવા માટે અમારી હેસિયત જ નથી. યાદ આવ્યું કંઈ સાહેબ.  ના કંઈ યાદ નથી આવતું મેં કીધું. સાહેબ, બુટ પોલીશ યાદ આવ્યું. અરે તમે રામ અને શ્યામ. હા વડીલ, હું જ રામ. હું દોડીને તેને ભેટી પડ્યો. અરે બેટા આવડી મોટી વ્યક્તિ તું બની ગયો શ્યામ ક્યાં છે ? શ્યામ કેશ કાઉન્ટર ઉપરથી હસતા હસતા દોડી ને આવ્યો ને પગે લાગ્યો..

        અરે  સાહેબ અમારી જીંદગી તમારા ઉપકારના 100% ડિસ્કાઉન્ટ ઉપર ચાલે છે. જો તમે યોગ્ય સમયે અમારો હાથ પકડ્યો ન હોત તો તો આજે અમે લોકોની બુટ પોલિસ જ કરતા હોત. આ શો રૂમ તમારો છે. અમારા વડીલ ગણો  માઁ બાપ કે દેવ ગણો તમે જ છો. અમે આ શોરૂમ નું ઉદ્ઘાટન તમારા હાથે  કરવા તમને યાદ કર્યા હતા. તમારી.ઓફીસે ગયા ત્યાંથી તમારી ટ્રાન્સફર થઈ ગઈ હતી, પણ અમારી ઈચ્છા આજે પુરી થઈ. આવો ચેમ્બરમાં વડીલ. 

        અમે ચેમ્બર માં ગયા. રામ પિન્ટુ સામે જોઈ બોલ્યો " બેટા વર્ષો પહેલા તારા પપ્પા બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા. અમે બન્ને તારા પપ્પાને બુટ પોલીશ કરાવવા માટે પાછળ પડ્યા. તેમણે બુટ પોલિશ માટે બુટ આપ્યા પછી એક બુટ મેં લીધું અને એક શ્યામે. તારા પપ્પા એ દસ રૂપિયા આપ્યા. પાંચ રૂપિયા મેં રાખ્યા પાંચ શ્યામ ને આપ્યા. તારા પપ્પા એ આવું કરવાનું કારણ પૂછ્યું મેં કીધું અમે બન્ને ખાસ.મિત્રો છીયે. સવાર થી બોણી નથી થઈ. અમે નક્કી કર્યું છે. આપણે મહેનત પણ સરખી કરશું અને કમાઈ પણ સરખા ભાગે વહેચી લેશું. તારા પપ્પા એ કીધું આવો સંપ મોટા થઈ ને પણ રાખશો તો.ખૂબ આગળ નીકળી જશો. "

       એ અમે યાદ રાખ્યું. પછી તારા પપ્પાએ અમને પૂછ્યું હતું. તમારે ભણવું છે. અમે કીધું હા, અમે હજુ ભૂલ્યા નથી. એ દિવસે તારા પપ્પા એ રજા પાડી  અમારું સરકારી સ્કૂલમાં એડમિશન પાક્કું કર્યું..નોટ ચોપડી સ્કૂલ ડ્રેસ તથા અન્ય ખર્ચ તેમણે ઊપાડી લીધો.તારા પપ્પાએ તેમની ઓફીસનું સરનામું અમને આપ્યું હતું ત્યાંથી અમે આકસ્મિક ભણવાનો કોઈ ખર્ચ આવે તો લઈ આવતા. બાર ધોરણ પછી કોલેજનો ખર્ચ અમે જાતે ઉપાડવાનું નક્કી કર્યું.અમે બંને ગ્રેજ્યુએટ થઈ ગયા બાદ લઘુ ઉદ્યોગ માટેની લોન લઈ બુટ ચંપલ બનાવવાની ફેક્ટરી ખોલી. મહેનત અને ઈમાનદારીનું પરિણામ તું આજે જુએ છે.

        પણ આ બધા ની પાછળ જે વ્યક્તિનું યોગદાન છે એ તારા પપ્પા છે. એ ફક્ત તારા પપ્પા નહીં અમારા પણ છે. અમે માઁ બાપ જોયા નથી પણ કલ્પના જયારે હું કરું ત્યારે તારા પપ્પા મારી નજર માં પ્રથમ આવે. અમારી તો કોઈ ઓળખ જ હતી નહીં રસ્તા વચ્ચે ઠેબા મારતા પથ્થર જેવી દશાને દિશા અમારી હતી. અચાનક દેવદૂત બની ને તારા પપ્પા આવ્યા અમારી દશા અને દિશા નક્કી કરનાર આ તારા પપ્પા સામાન્ય વ્યક્તિ નથી. આ બુટ ચંપ્પલ ની કિંમત કંઇ જ નથી જે વ્યક્તિ પોતાના મોજશોખ ઉપર કાપ મૂકી બીજાને મદદ કરે એ વ્યક્તિ સામાન્ય ન હોય..

        રામ અને શ્યામ ઉભા થયા. મને અને કાવ્યાને પગે લાગ્યા. પોતાનું કાર્ડ આપી.કીધું 365 x 24 કલાક અમે તમારા માટે ઉભા છીયે. પિન્ટુને અને શીતલને પણ કીધું, અમે તમારા મોટાભાઈઓ છીયે એવું સમજી લ્યો. જીવનમાં સુખ દુઃખ વખતે અમે તમારી સાથે પડછાયો બની ઉભા રહેશું એ અમારું વચન છે. હવે આ દુનિયાની ભીડમાં તમે ફરી પાછા ખોવાઈ જાવ એ પહેલાં તમારા મોબાઈલ નંબર અને ઘરનું સરનામું અમને આપતા જાવ. આવતા રવિવારે અમારા ઘરે ડિનર તમારા બધાનું પાક્કું, એમ બોલ્યા. મારી આંખ ભીની થઈ ગઈ. અમે એક યાદગાર મુલાકાત પછી છુટા પડ્યા.

સર્જનવાણી: અજાણતા કરેલ થોડી અમથી મદદ કોઈની જીંદગી માટે યાદગાર બની જાય છે.આશ્રમ અને મોટા મંદિર માં આપેલ દાન ની કોઈ નોંધ પણ નથી લેતું અને આવી વ્યક્તિઓ આપણી મદદ દિલ ઉપર કંડારી દેતા હોય છે. પરમાર્થ કરતા રહો. આર્થિક, માનસિક ,શારીરિક તમારી પાસે જે યોગ્યતા હોય તે મદદ કરતા રહો.

Tuesday, December 1, 2020

સર્જનની સરવાણી-૧૪


      એક સાહિત્યપ્રેમી ગ્રુપ દર મહિનાના પહેલા શનિવારે મળે અને સાહિત્યની કે ચિંતન મનનની વાતો કરે. છુટ્ટા પડવાનું થાય ત્યારે કોઈ એક વિષય નક્કી કરે અને આવતી બેઠકમાં બધા જ સભ્યો એ વિષય પર પોતાના વિચારો લખીને લાવે અને દરેકની સામે એ વિચારોની રજૂઆત કરે. આ વખતની બેઠકમાં માઈક્રો-ફિકશનની વાત થઈ. એમાં બને એટલા ઓછા શબ્દોમાં પોતાની વાત ચોટદાર રીતે કહેવી. આવતા વખતનો વિષય નક્કી થયો આનંદમ્ પરમ સુખમ. બધા જ સભ્યોએ આ વિષય પર ઓછામાં ઓછા શબ્દોમાં સમજાવવું એમ નક્કી કરીને છુટ્ટા પડ્યા. 

એક મહિનો વીતી ગયો અને સાહિત્યપ્રેમી ગ્રુપની બેઠકમાં આજે 'આનંદમ પરમ સુખમ' પર બધાએ પોતાના વિચારો રજૂ કરવાનું શરૂ કર્યું. આનંદમ પરમ સુખમ એટલે? 

એક આધેડ ઉમરના કાકા બોલ્યા, ઘરે પહોંચું તો ઓછું જોઈ શકતી મારી વૃદ્ધ મા મારી આહટ ઓળખીને કહે આવી ગયો દીકરા, એટલે'આનંદમ પરમ સુખમ.'

એક યુવાન બોલ્યો, કંઈ વાંધો નહિ, બીજી નોકરી મળી જશે કહેતો, પત્નીનો હિંમત આપતો અવાજ એટલે 'આનંદમ પરમ સુખમ'. 

એક પિતાએ કહ્યું, કંઈ જ કહ્યા વિના બધું સમજી જતું સંતાન એટલે 'આનંદમ પરમ સુખમ.' 

એક ભાઈએ કહ્યું, રોજ ઈશ્વર સમક્ષ કોઈ માગણી વિનાની પ્રાર્થના એટલે 'આનંદમ પરમ સુખમ.'

એક કાકીએ કહ્યું, રોજ જમતી વખતે આ પ્રભુકૃપા જ છે એનો અહેસાસ એટલે 'આનંદમ પરમ સુખમ'. 

એક કાકા બોલ્યા, વહેલી સવારે મૉર્નિંગ વોક પર પાછળથી ધબ્બો મારી અલ્યા રસીકયા.. કહી વર્ષો પછી મળનાર જૂનો મિત્ર એટલે 'આનંદમ પરમ સુખમ.'

એક દાદા બોલ્યા, પૌત્રના સ્વરૂપમાં મળી જતો એક નવો મિત્ર એટલે 'આનંદમ્ પરમ સુખમ. '

બીજા કાકાએ કહ્યું, સાસરેગયેલી દીકરીની ખોટ પૂરી દેતી વહુનો મીઠો રણકો એટલે 'આનંદમ પરમ સુખમ.'

એક યુવતી બોલી, ઓફિસેથી ઘરે પહોંચતાં સાસુમાએ આપેલો પાણીનો ગ્લાસ એટલે 'આનંદમ પરમ સુખમ'. 

એક મહિલાએ કહ્યું, થાકી ગયાં હોઈએ. ત્યારે વહાલથી પતિનું કહેવું કોઈપણ એક વસ્તુ બનાવ ચાલશે એટલે 'આનંદમ પરમ સુખમ.'

એક ભાઈએ કહ્યું, પથારીમાં પડતાંવેત આંખ ક્યારે મીચાઈ જાય એ ખબર પણ ન પડે એટલે 'આનંદમ પરમ સુખમ'. 

        આમ આ બધાં 'આનંદમ પરમ સુખમ'ની વાતોમાં ક્યાંય પૈસા, મોંઘાં વસ્ત્રો કે દાગીના કે અન્ય ચીજો નથી એ ધ્યાનથી જોજો અને આવી કેટલીયે 'આનંદમ પરમ સુખમ'ની ક્ષણો તમારી પાસે છે એ તપાસી ઈશ્વરનો આભાર ચોક્કસ માનજો. જીવન ખૂબ જ સુંદર છે અને ક્ષણિક પણ છે એટલે જીવનમાં આવનારી દરેક ક્ષણોને મનભરીને માણી લેજો. કોઈને પ્રેમ કરી લેજો અને કોઈનો પ્રેમ પ્રાપ્ત કરી લેજો. કોઇની જોડે વાત કરી લેજો અને ક્યારેક કોઇની વાત સાંભળી પણ લેજો. કોઇની જોડે બે ઘડી નિરાંતે બેસી લેજો. બાકી જીવન એટલે ગંગાના વહેતા નીર સમાન છે, એમાં તરતા આવડી જાય તો બેડો પાર !!!!!

Wednesday, November 25, 2020

સર્જનની સરવાણી-૧૩

        

      નાનપણથી જ મને વાંચનનો ખુબજ લગાવ રહ્યો છે. એકવાર આવા જ વાંચનના શોખને શમાવવા માટે હું મારા જ વિસ્તારમાં આવેલી જે. ડી.ગાબાણી પુસ્તકાલયમાં ગયો ત્યારે એક યુવાન સ્ત્રીની સાથે પાંચ વર્ષનું બાળક પણ આ પુસ્તકાલયના પગથિયા ચડી રહ્યું હતું. ત્યારે એમ થયું કે આ બાળક જો કોઈ મંદિરના દરવાજે ન જાય તો પણ તેની પ્રાર્થના મંજૂર થઈ જ જાય. કારણ બસ એટલું જ કે તે આજે માં સરસ્વતીના ઓટલે આવ્યો છે.

       થોડીવાર પછી એ સ્ત્રીએ નિયમ મુજબ ત્યાંના સ્થાનિક કાઉન્ટર પર પોતાનું કાર્ડ આપ્યું અને નવા પુસ્તક લેવા માટે ઉપરના માળે આવેલા હોલમાં જતાં હતાં ત્યારે તેના બાળકને કહ્યું કે " દીકરા તારે કઈ વાર્તાની ચોપડી લઇ જવાની છે ? આ શબ્દો સાંભળીને હ્ર્દયમાં તે માટે વંદનનો ભાવ પ્રગટ થઈ   ગયો. મનોમન તેને વંદન કર્યા પણ ખરા જ એક વાર નહિ પણ વારંવાર.

       શત શત વંદન કરીએ આવા માતા પિતાઓ તેમજ એમના પરિવારોને કે જેમની છત્રછાયા નીચે આવા બાળકોનું ઘડતર થાય છે. જરૂર આગળ જઈને આ બાળક એક સારો નાગરિક તો બનશે જ. પોતાના જીવનના લક્ષ્યાંકો ને જરૂર મેળવશે. તે માતા કે મહિલા ખુશનસીબ છે અને સમજદાર પણ છે કે ટીવી,મોબાઈલ અને ઈન્ટરનેટના આ યુગમાં તે પોતાના બાળકને પુસ્તકનો વારસો આપી રહી હતી અને પુસ્તકાલમાં લઇ જાય છે. આ વાંચનનો વારસો એ બાળક સાથે હંમેશા માટે રહેશે અને કોઈ તેની પાસેથી છીનવી શકશે નહીં.

     આજે આપણે સૌ એ આ બાબતો માટે વિચારવાનું છે કે આપણે બધા આવનારી પેઢીને શું આપવાનું છે ? તેને જીવનના પાઠો શીખવા માટે અને જીવન ઘડતર માટે પુસ્તક વાંચન તરફ લઇ જવા જ પડશે. આ શરૂઆત પણ આપણાથી જ થઈ શકે. આપણા પરિવાર થકી જ થઈ શકે. દરરોજ દરેક પરિવારમાં વાંચન માટે અને વાંચન પછી વિચારણા માટે સમય હોવો જ જોઈએ. આ વાત આજના કહેવાતા શિક્ષિત માતા પિતા એ પોતાના મનમાં ગાંઠ વાળી લેવા જેવી છે. ધન્ય છે એ માતા પિતા કે જે પોતાના સંતાનોને વારસામાં વાણીના વિવેકની સાથે વાંચન પણ આપે છે. જ્યારે પણ આ વાત યાદ આવી જાય ત્યારે એ માતાને વંદન કરવાનું મન થઈ જાય અને નમન કરી લઉં છું. અમારા સુરત શહેરમાં હીરાબાગ પાસે આવેલી જે. ડી. ગાબાણી પુસ્તકાલયમાં દર મહિને એકવાર મહિનાના પહેલા બુધવારે સમૂહ બુક વાંચનનો કાર્યક્રમ યોજવામાં આવે છે તો ઉત્સાહી વાંચનરસિકો પણ લાભ લઈ શકશે .

સર્જનવાણી : મંદિરો તરફ જતી ભીડ જ્યારે પુસ્તકાલય તરફ વળશે ત્યારે જ સમગ્ર વિશ્વમાં શાંતિ અને ક્રાંતિ આવશે.

Saturday, November 21, 2020

ઘડિયાળ પણ જીવનની ગુરુ જ છે.

 વૈદિક ઘડિયાળ - નામના અર્થ સાથે...

🕉️1:00 વાગ્યાના સ્થાન પર ब्रह्म લખેલું છે જેનો અર્થ થાય છે;

બ્રહ્મ એક જ છે બે નથી.

🕉️2:00 વાગ્યાના સ્થાને अश्विनौ લખેલું છે તેનો અર્થ થાય કે;

અશ્વિની કુમારો બે છે...

🕉️3:00 વાગ્યાના સ્થાને त्रिगुणाः લખેલું છે તેનો અર્થ થાય ત્રણ પ્રકારના ગુણો: 

સત્વ રજસ્ અને તમસ્

🕉️4:00 વાગ્યાના સ્થાને चतुर्वेदाः લખેલું છે તેનો અર્થ થાય વેદો ચાર છે;

ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ

🕉️5:00 વાગ્યાના સ્થાને पंचप्राणा લખેલું છે જેનો અર્થ થાય પાંચ પ્રકારના પ્રાણ છે;

પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન

🕉️6:00 વાગ્યાના સ્થાને લખેલું છે षड्रसाः એનો અર્થ થાય કે રસ છ પ્રકારના છે;

મધુર, ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો

🕉️7:00 વાગ્યાના સ્થાને લખેલું છે सप्तर्षियः તેનો અર્થ થાય સાત ઋષિ છે;

કશ્યપ, અત્રી, ભારદ્વાજ,

વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠ

🕉️8:00 વાગ્યાના સ્થાને લખેલું છે अष्टसिद्धि જેનો અર્થ થાય આઠ પ્રકારની સિદ્ધિ છે;

અણીમા, મહિમા, દધીમા, ગરીમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ

🕉️9:00 વાગ્યાના સ્થાને લખેલું છે नव द्रव्याणी જેનો અર્થ થાય નવ પ્રકારની નિધિઓ હોય છે;

પદ્મા, મહાપદ્મ, નીલ, શંખ, મુકુંદ, નંદ, મકર, કશ્યપ અને ખર્વ

🕉️10:00 વાગ્યના સ્થાને લખેલું છે दशदिशः, જેનો અર્થ થાય દશ દિશાઓ;

પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ, પાતાળ

🕉️11:00 ના સ્થાને લખેલું છે रुद्राः જેનો અર્થ થાય રુદ્રા અગિયાર છે;

કપાલી, પિંગલ, ભીમ, વિરુપાક્ષ, વલોહિત, શાસ્તા, અજપાદ, અહિર્બુધ્ન્ય, ચંડ, ભવ

🕉️12:00 વાગ્યાના સ્થાને લખેલું છે आदित्याः જેનો અર્થ થાય છે આદિત્યો બાર છે ;

અંસુમાન, અર્યમાન, ઈંદ્ર, ત્વષ્ટા, ધાતુ, પર્જન્ય, પૂષા, ભગ્,મિત્ર, વરુણ, વિવસ્વાન, વિષ્ણુ.

Tuesday, November 17, 2020

સર્જનની સરવાણી-૧૨


        જીવન એટલે સતત સંઘર્ષ અને સાહસનો ચાલતો સિલસિલો. આ જીવનયાત્રામાં આપણાં મૂલ્યો અને આપણી પાત્રતા, વિનયમ વાણી અને વિવેકની સાથે માનવતા, સહાનુભૂતિ જેવા સદગુણો પણ આપણાં જીવનઘડતરમાં અગત્યનો ફાળો આપે છે. આપણે વારંવાર આ નવી પેઢીને કોસતા હોઈએ છીએ કે એમાં સંસ્કારો અને મર્યાદા જેવાં ગુણોનો અભાવ ચાલે છે પરંતુ સાવ એવું નથી. ઊગતી આ પેઢી જ નવા સમયમાં દરેકની વચ્ચે સંપ, સમાનતા અને ભાઇચારની ભાવના નિર્માણ કરવામાં અગત્યનો ભાગ ભજવશે. આ બાબત સમજાવતો ખુબ નાનો, પણ અતિ મહત્વ નો પ્રસંગ, 

ચારસો મીટર ની રેસ માં કેન્યા નો રનર અબેલ મુત્તાઈ સહુ થી આગળ હતો. ફિનિશિંગ લાઈનથી ચાર થી પાંચ ફૂટની દુરી પર એ અટકી પડ્યો. એને લાગ્યુ કે આ દોરેલા પટ્ટા જ ફિનિશિંગ લાઈન છે અને મૂંઝવણમાં અને ગેરસમાજમાં, એ ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નમ્બરે દોડી રહેલ સ્પેનિશ રનર ઈવાન ફર્નાન્ડિઝએ આ જોયું અને તેને લાગ્યુ કે આ કઈંક ગેરસમજ થઈ છે. તેણે પાછળથી બૂમ પાડી અને મુત્તાઈને કહ્યું કે તે દોડવાનું ચાલુ રાખે.

        પરંતુ , મુત્તાઈ ને સ્પેનિશ ભાષા માં સમાજ ના પડી. આ આખો ખેલ માત્ર ગણતરી ની સેકન્ડ નો જ હતો. સ્પેનિશ રનર ઈવાન એ પાછળથી આવી અને અટકી પડેલા મુત્તાઈને જોર થી ધક્કો માર્યો અને, મુત્તાઈ ફિનિશ રેખા ને પર કરી ગયો. 

       આ રેસ હતી. અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ. ઈવાન ધારત તો પોતે વિજેતા બની શકત. ફિનિશ રેખા પાસે આવીને અટકી પડેલા મુત્તાઈને અવગણીને ઈવાન વિજેતા બની શકત. આખરે વિજેતા મુત્તાઈને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાન ને સિલ્વર.

એક પત્રકારે ઈવાન ને પૂછ્યું : " તમે આમ કેમ કર્યું? તમે ધારત તો તમે જીતી શકત. તમે આજે ગોલ્ડ મેડલને હાથ થી જવા દીધો "

ઈવાન એ સુંદર જવાબ આપ્યો : " મારુ સ્વ્પ્ન છે કે ક્યારેક તો  આપણે એવો સમાજ બનાવીયે, જ્યા વ્યક્તિ બીજા વ્યક્તિને ધક્કો મારે, પરંતુ પોતે આગળ જવા માટે નહિ પરંતુ બીજાને આગળ લાવવા, મદદ કરવા, એની શક્તિ ને બહાર લાવવા  ધક્કો મારે. એવો સમાજ જ્યાં એકબીજાને મદદ કરી બંને વિજેતા બને. 

પત્રકારે ફરીથી પૂછ્યું :" તમે એ કેન્યન મુત્તાઈ ને કેમ જીતવા દીધો? તમે જીતી શકત "

જવાબમાં ઈવાને  કહ્યું , " મેં એને જીતવા નથી દીધો, એ જીતતો જ હતો. આ રેસ એની હતી અને છતાં જો હું એને અવગણી ને ફિનિશ લાઈન પાર કરી જાત, તો પણ મારી જીત તો કોઈ બીજા પાસે થી પડાવેલી જીત જ હોત " આ જીત પર હું કેવી રીતે ગર્વ કરી શકત ? આવો જીતેલો ચંદ્રક હું મારી માં ને શી રીતે બતાવી શકું? હું મારા અંતરાત્મા ને શું જવાબ આપું? "

      સંસ્કાર અને નીતિમત્તા એ વારસા માં મળેલી ભેટ છે. એક પેઢી થી બીજી પેઢી ને મળતો વારસો છે. આમ થાય અને આમ ના જ થાયે. આ જ પુણ્ય અને પાપ છે. આ જ ધર્મ છે. આપણે જ નક્કી કરશુ કે કાલ નો સમાજ કેવો હશે. જીતવું મહત્વ નું છે,  પણ કોઈપણ ભોગે જીતવુંએ માનસિક પંગુતા છે. કોઈનો યશ ચોરી લેવો, કોઈની સફળતા પોતાને નામ કરવી, બીજાને ધક્કો મારી પોતે આગળ આવવાનો પ્રયત્ન આ બધું કદાચ થોડી ક્ષણો માટે જીતી ગયાનો ભાવ અપાવે પણ ખુશી નહિ અપાવે, કારણ, અંતરમન અને અંતરઆત્મા તો સાચું જાણે છે.

સર્જનવાણી :- નીતિમત્તા અને સંસ્કાર ના કોઈ ઇન્જેક્શન કે ટેબ્લેટ નથી આવતી...બીજી પેઢી માં પ્રમાણિકતા અને નીતિમત્તા ના બીજ રોપીએ, આ સુંદરતા, પવિત્રતા, આદર્શ, માનવતા અને નીતિમત્તા ને આગળ ધપાવીએ ...


Friday, November 13, 2020

દિવાળી - લાગણીના દિવાઓ પ્રગટાવીએ




 ખૂબ વ્યાપ્યો છે જગે, બુદ્ધિએ સર્જેલો પ્રકાશ,
લાગણીના એથીએ અધિક દીપ જલાવી લઈએ !!
અંતની પરવા  કરશરૂઆત કર,
હોય  ભલેને કડવીતું નાનકડી રજુઆત તો કર !!

        દિવાળી એટલે પ્રકાશનું પર્વ. અંધકારથી અંજવાળા તરફ જવા માટેનો ઉત્સવ. દિવાળીનો મતલબ દરેક માટે નવો હોય છે. દરેકના જીવનમાં દિવાળીના અર્થ અલગ-અલગ હોય છે. દિવાળીએ હંમેશા જીવનને નવા ઉત્સાહ-ઉમંગથી ભરી દેતો તહેવાર છે. હર તરફ ખુશીઓ અને આનંદ પ્રસરાવતો આ તહેવાર શું દરેકના જીવનમાં સરખી રીતે જ એ લાગણીઓ કે જેનાથી બીજા એવા અંત્યાતિક જનોના દિલમાં અને ઘરમાં આ જ ઉત્સવ કે આનંદ પ્રગટાવી શકે કે કેમ?

        કેમ આપણે આ લાગણીઓ ફક્ત આપણા પૂરતી જ મર્યાદિત રાખીએ છીએ, શા માટે આપણે આપણો પ્રેમ-સ્નેહ-આદર અને એવું ઘણું બધુ એ લોકો માટે નથી આપી શકતાં જેમને સંજોગોવશાત એ હાંસલ નથી થતું. જએ લોકો આ લાગણીઓ વહેંચે છે એમને તો લાખ-લાખ વંદન સાથે અભિનંદન પરંતુ આપણે દરેક પણ આપણા જ ઘરેથી કોઈ એક નાનકડી શરૂઆત કરીએ તો.. 

સળગાવી નાખજો નફરતની પાળી,
કે ચમકાવતી જશે જીંદગી દિવાળી...!!
રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ,
કે ખરેખર ખીલી જશે નૂતનવર્ષ..!!

        દિવાળીના ઉત્સવના પાવન અવસરે આ વર્ષથી જ શરૂઆત કરીએ, તો માં સરસ્વતીના ચરણના આશીર્વાદ લઈને આપણે એવી પ્રાર્થના કરીએ કે આવનારા વર્ષમાં દરેકના મનમાંથી ઈર્ષ્યા, દ્રેષ, શોક, નિરાશાના ભાવ દૂર થાય અને દરેક માનવી માત્ર પોતાના જ સ્વજનની સાથે નહી પરંતુ જએ સમાજથી પણ વિખૂટો આપણો જ અંત્યજન ભાઈ કે જેને આપણો કહેવતો સભ્ય સમાજ પોતાની સાથે સાંકળી શકતો નથી, તેને મળીએ, પાસે જઈએ અને પ્રેમથી શક્ય હોય તો ગળે મળીને આપણા મનમાં રહેલી ભાવનાઓ કે લાગણીઓનો એક દીવો તેના દિલમાં પણ પ્રગટાવીએ તો ખરા અર્થમાં દિવાળી સાર્થક થઈ જાય.

         દિવાળીએ શક્ય હોય એટલા પ્રમાણમાં આપણે દરેક આપણાથી બની શકે તેટલા પ્રમાણમાં આપણા જ ભાઈઓ-બહેનો અને આપણા અંત્યજનોને મળીએ અને તેની પરિસ્થિતિનો તાગ મેળવીએ. તેના ઘરમાં દિવાળીની ખુશીઓ પ્રગટાવવાનો પ્રયત્ન કરીએ, તેમને અને તેમના બાળકોને આ દિવાળીના તહેવારમાં પણ લાચારીને વશ ન થઈ જાય અને તેઓ પણ સ્વમાન સાથે પોતાના જીવનમાં આનંદનો ઉત્સવ ઉજવે તેવો પ્રમાણિક પ્રયત્ન કરીએ તો આપણો ઈશ્વર પણ આપણને કહેશે કે “શુભ દિપાવલી”

        બની શકે તો પોતાને સારા અને સાચા માણસ બનવાનો એક મોકો જરૂરથી આપજો, થઈ શકે તો ટાઢથી થરથરતા કોઈ વ્યક્તિને એક સ્વેટર અથવા રજાઈ આપજો, આ તહેવારમાં મીઠાઇ આપજો. નવા વર્ષે તમે બધા આઇસક્રીમ ખાતા હો ત્યારે એક ગરીબ બાળકને આપજો, એ રાત્રે ઊંઘમાં ઈશ્વર કોઈપણ સ્વરૂપમાં આવીને તમને થેંક્યું જરૂર કહેશે. 

Tuesday, November 10, 2020

સર્જનની સરવાણી-૧૧

    


           આપણા જીવનમાં ઘણા બધા સંબંધો વગર માગ્યે જ મળી જતા હોય છે અને એવા સંબંધોને આપને ખુબ જ આનંદ સાથે નિભાવતા જતા હોઈએ છીએ. આપણી શેરીમાં આવતો શાકભાજી વાળો કે કોઇપણ ફેરિયાની સાથે આપણે ભલે લોહીનો કોઈ સંબંધ ના હોય પરંતુ એમની વાતો અને વર્તન થકી આપણને પોતાની તરફ આકર્ષિત કરતા હોય છે. ઘણી બધી સોસાયટીઓ અને સમાજમાં પણ આવા લોકોને તહેવારોમાં મદદ કરવાનું પણ બનતું હોય એવા સંબંધો ઘડાઈ જતા હોય છે. 

            એક ખમણ વેચવા વાળો હતો જે વાતોડિયો હતો અને સાથે રમૂજી પણ હતો. જયારે જયારે એને ત્યાં કોઇપણ વ્યક્તિ ખમણ ખાવા જાય  ત્યારે એને તો એમ જ લાગતું કે એ જાણે આપણી જ રાહ જોઈ રહ્યો છે. જીવનનાં દરેક વિષય પર એને વાત કરવામાં મજા આવતી. ઘણીવાર એને કીધું કે ભાઈ મોડું થઇ જાય છે જલ્દી ખમણ સેવની પ્લેટ બનાવી દે પણ એની વાતો ખતમ જ થતી નહિ. એકવાર અચાનક જ કર્મ અને ભાગ્ય પર વાત શરૂ થઇ. નસીબ અને પ્રયત્નની વાત સાંભળીને મેં વિચાર્યું કે ચાલો આજે એની વિચારશક્તિ જોઈએ. મેં એક સવાલ પૂછ્યો.

        મારો સવાલ હતો કે માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબ થી? એના જવાબે મારા મગજના તમામ જાળા સાફ કરી નાખ્યા. એ કહેવા લાગ્યો કે તમારું કોઈક બેન્કમાં લોકર તો હશે જ? એની ચાવીઓ જ આ સવાલનો જવાબ છે. દરેક લોકરની બે ચાવીઓ હોય છે. એક ચાવી તમારી પાસે હોય છે અને એક બેન્ક મેનેજર પાસે. તમારી પાસે જે ચાવી છે એ પરિશ્રમ અને મેનેજર પાસે છે એ નસીબ. જ્યાં સુધી બન્ને ચાવી નાં લાગે ત્યાં સુધી લોકરનુ તાળું ખુલી શકે નહિ. તમે કર્મયોગી પુરૂષ છો અને મેનેજર તમારો ભગવાન છે. તમારે તમારી ચાવી પણ લગાવતા રહેવું જોઈએ. ખબર નહિ ઉપર વાળો ક્યારે પોતાની ચાવી લગાવી દે. 

સર્જનવાણી: ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્યવાળી ચાવી લગાવતો હોય અને આપણે પરિશ્રમ વાળી ચાવી ના લગાવી શકીએ અને તાળું ખોલવાનું રહી જાય. 

Tuesday, November 3, 2020

સર્જનની સરવાણી-૧૦

    ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી કેલ્શિયમની ઉણપ પૂરી કરવી  એ અમારી કાયમી ટેવ હતી પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે કે નહી? અને આ અમારી કાયમી ટેવ હતી તેમાં થોડી ઘણી બીક એ પણ લાગતી હતી કે, સ્લેટ ચાટવાથી ક્યાંક વિદ્યા માતા ગુસ્સે ના થઈ જાય. ભણવાનો તણાવ તો જાણે એવો કે ભણવાના વિચારમાં જ પેન્સિલના પાછલો હિસ્સો ચાવી-ચાવી ને તણાવમુક્ત થઈ જતા હતા..!! હા ... ચોપડીઓના વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળુ અને મોરના પિછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દૃઢ માન્યતા હતી..!!

         કપડાની થેલીમાં તો ચોપડા ગોઠવવા એ અમારું આગવું કૌશલ્ય હતું અને ચોપડા ગોઠવવા એ જ એ જમાનામાં હુંન્નર મનાતું હતું. જ્યારે જ્યારે નવા ધોરણમાં આવતા ત્યારે ચોપડીઓ ઉપર પુઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો.  માતા-પિતાને તો જાણે અમારા ભણતરની કોઈ ફિકર કે ચિંતા જ નહોતી. એ લોકો તો એમના કામ-કાજ અને ખેતરવાડીમાંથી નવરા થાય તો જુએ કે એમના બાળકો ક્યાં ભણે અને કેટલામાં ધોરણમાં ભણે છે ? એમને તો બસ એટલું જ કે ગામના માસ્તર સાહેબ કહે એ જ બ્રહ્મવાક્ય. સાચું કારણ તો એવું હતું કે અમારું ભણતર એ તેમના ઉપર એક આર્થિક  તણાવ ઉભો કરવા વાળો બોજ હતો...!!                

        વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતા ના પાવન પગલા ક્યારેય અમારી સ્કૂલ તરફ પડતા ન હતા અને અમારા દોસ્તો પણ કેવા મજાના હતા. જ્યારે સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા ઉપર અને બીજાને કેરિયર પર બેસાડતા  અને કેટલીયે મંઝિલો ખેડી હશે, એ અમને યાદ નથી, પરંતુ થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ પર છે. એ જમાનામાં નવા નવા ટેલિવિઝન આવ્યા હતા. કોઈ કોઈના ઘરે ટેલિવિઝન હતા જોવા જઈએ તો ક્યારેક ક્યારેક અમને કાઢી મૂકવામાં પણ આવતા, છતાં અમને કોઈ અપમાન જેવું લાગતું ન હતું અને પાછા બીજા દિવસે ત્યાં જઈ ગોઠવાઈ જતા.

        નિશાળમાં શિક્ષકનો માર ખાતા ખાતા અને અંગૂઠા પકડતા પકડતા ક્યારેય શરમ સંકોચ અનુભવ્યો નથી કારણ કે, તે વખતે ક્યારેય અમારો "ઇગો" હર્ટ નહોતો થતો. કારણ કે, અમને ખબર જ નહોતી  કે  ઇગો કઈ બલાનું નામ છે.? માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો. મારવાવાળો અને માર ખાવા વાળો બંને ખુશ થતા હતા કારણ કે, એક ને એમ હતું કે ઓછો માર ખાધો અને  બીજાને એમ થતું હતું કે અમારો હાથ સાફ થઈ ગયો. આમ બંને ખુશ.

        અમે ક્યારેય અમારા મમ્મી પપ્પા કે ભાઇ-બહેન ને એવું ન બતાવી શક્યા કે, અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ કારણકે અમને આઇલવયુ બોલતા જ નોતુ આવડતું. આજે અમે દુનિયાના ઉતાર-ચઢાવ નીચે દુનિયાનો હિસ્સો બની ચૂક્યા છીએ. કોઈ મિત્રો ને પોતાની મંઝીલ મળી ગઈ છે, તો કોઈ મિત્રો મંઝિલ શોધતા-શોધતા આ દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા તેની ખબર નથી. એ સત્ય છે કે, અમે દુનિયાના કોઈપણ છેડે હોઈએ પરંતુ અમોને સચ્ચાઈ અને હકીકતો એ  પાળ્યા હતા. અમે સચ્ચાઈની દુનિયામાં જીવતા હતા.

        અમને ક્યારેય કપડાં /  ઇસ્ત્રી બચાવવા માટે સંબંધની ઔપચારીકતા ક્યારેય નથી સમજી..!!સબંધો સાચવવા ની ઔપચારિકતા બાબતોમાં અમે સદાય મૂર્ખ જ રહી ગયા. અમો પોત પોતાના ભાગ્ય સાથે આજે જે પણ સપના  જોઈ રહ્યા છીએ. તે સપના જ અમને જીવિત રાખી રહ્યા છે, નહીતો, અમે જે જીવન જીવીને આવ્યા છીએ તેની સામે હાલનું આ જીવન કાંઈ જ નથી. 

સર્જનવાણી: અમે સારા હતા કે ખરાબ એ ખબર નથી પણ અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા એ જ મહત્વનું હતું...

Friday, October 30, 2020

સરદાર વલ્લભભાઈ પટેલ

     


          ૩૧મી ઓક્ટોબર 2020 ના રોજ અખંડ ભારતના શિલ્પી, સર્જક, રાષ્ટ્રભક્તિ, સાદગી  અને સેવાની ઉત્તમ ભાવના રાખનારા સરદાર વલ્લભભાઈ પટેલની 145 મી જન્મ જયંતી આપણા મગ્ર દેશમાં ઉજવી રહ્યા છીએ ત્યારે ભારત માતાના વીર સપૂત ના ચરણોમાં શત શત વંદન સાથે આવા આપણા લોખંડી મહાપુરુષની રાજકીય કુનેહ અને મુત્સદ્દીગીરીનું  એક ઉત્તમ ઉદાહરણ એટલે આપણા ૫૬૨ દેશી રજવાડાઓનું વિલીનીકરણ.

       ૩જી જુનની યોજના હેઠળ ૬૦૦થી વધુ રજવાડાઓને ભારત કે પાકિસ્તાનની સાથે જોડાઈ જવાની કે પછી સ્વતંત્રતા સ્વીકારવાની તક આપવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રીયતાવાદીઓ તેમજ આમ જનતાના ઘણા ખરા ભાગને ડર હતો કે જો આ રજવાડાઓનો સમન્વય નહીં થાય તો મોટાભાગનો જન સમુદાય તેમજ પ્રાંતો ખંડિત રહી જશે. કૉંગ્રેસ તેમજ ઉપરી અંગ્રેજ અધિકારીઓનું માનવું હતુ કે રજવાડાઓને ભારતના રાજ્ય સંગઠનમાં સમન્વિત કરવાની કામગીરી સરદાર ઉત્તમ રીતે પાર પાડી શકશે. ગાંધીજીએ સરદારને કહ્યું હતુ કે “રાજ્યોનો મામલો એટલો મુશ્કેલ છે કે માત્ર તમેજ તેને ઉકેલી શકશો.” સરદારની ગણના પ્રમાણિક અને વ્યહવારુ નિર્ણય લેવાની શકિત ધરાવતા મુત્સદ્દી રાજનીતિજ્ઞ તરીકે થતી હતી કે જેઓ મહત્વનું કામ સફળતાથી પાર પાડી શકતા હતા. સરદારે વી.પી.મેનનને, કે જેઓ ઉપરી સરકારી સનદી હતા તેમજ ભારતના ભાગલા વખતે સરદાર સાથે કામ કરી ચુક્યા હતા, રાજ્ય ખાતામાં મુખ્ય સચિવ બની તેમના ખાસ સહયોગી બનવા કહ્યું હતુ. ૬ મે ૧૯૪૭ થી સરદારે રાજાઓની સાથે મંત્રાણા ચાલુ કરી પોતાની વાત રજુ કરી હતી કે જેના થકી રાજાઓ ભારતની બનવાવાળી સરકાર સાથે મંત્રણા કરવા રાજી થાય તથા સંભવિત ઘર્ષણો ઉભા ન થાય તેની તકેદારી લઈ શકાય. 

      સરદારે સામાજીક મુલાકાતો તેમજ અનૌપચારીક વાતાવરણ, જેમકે તેમના દિલ્હી ખાતેના ઘરે જમવા કે ચા માટે બોલાવીને મોટાભાગના રાજવીઓને વાટાઘાટોમાં સામેલ કર્યા હતા. આ મુલાકાતો વખતે તેમણે કહ્યું હતુ કે કૉંગ્રેસ તથા રાજરજવાડાઓ વચ્ચે કોઈ મુળભુત તકરાર છે નહીં, છતાં તેમણે એ વાત ઉપર ભાર આપ્યો હતો કે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭નાં દિવસે રજવાડાઓએ સદ્‌ભાવનાથી ભારતની સાથે સમન્વિત થઈ જવું રહેશે. સરદારે રાજવીઓની સ્વદેશાભિમાનની લાગણીને ઉશ્કેરતા કહ્યું કે તેમણે એક જવાબદારી ભર્યા શાસકની જેમ, કે જેમને પોતાની જનતાના ભવિષ્યની કદર હોય, પોતાના રાજ્યની સ્વતંત્રતામાં સહભાગી થવુ જોઈએ. તેમણે ૫૬૫ રાજવીઓને એ બાબત ઉપર સંમત કર્યા હતા કે તેમની પ્રજાની લાગણીઓ વિરુદ્ધ જઈને ભારતથી સ્વતંત્ર રહેવું તે અશક્ય જણાતું હતું. તેમણે વિલિનીકરણ માટે રાજવી સામે સાનુકુળ શરતો મુકી કે જેમાં રાજવીઓના વંશજો માટે અંગત ખર્ચ મુડીની પણ જોગવાઈ કરાઈ હતી. રાજવીઓમાં દેશપ્રેમની લાગણીને ઉશ્કેરતી વખતે સરદારે જો જરૂર પડે તો બળનો રસ્તો અપનાવાનો વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો હતો અને વિલિનીકરણના દસ્તાવેજો ઉપર સહી કરવાની છેલ્લી તારીખ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ની રાખી હતી. ૩ને બાદ કરતા બીજા બધા રજવાડાઓ ભારતમાં વિલીન થઈ ગયા, પણ માત્ર જમ્મુ કાશ્મિર, જુનાગઢ તથા હૈદરાબાદ સરદારની સાથે સંમત નહી થયા.

        સરદારનું પોતાનુ વતન ગુજરાત હોવાને કારણે તેમના માટે જુનાગઢ ખુબ મહત્તવનું હતુ. સર શાહનવાઝ ભુત્તોના દબાણને વશ થઈને ત્યાંના નવાબે પાકિસ્તાનમાં વિલિનીકરણ સ્વીકાર્યું કે જ્યારે તે પાકિસ્તાનથી ઘણું દુર હતું તેમજ ત્યાંની ૮૦ ટકા પ્રજા હિંદુ હતી. સરદારે મુત્સદ્દીગીરી તથા બળનો સમન્વય કરતા નવાબ પાસે માંગણી કરી હતી કે તેઓ પાકિસ્તાન સાથેના વિલિનીકરણને ર‌દ્‌ કરીને ભારત સાથે સમન્વિત થઈ જાય. તેમણે પોતાનો ઈરાદો પુરવાર કરવા જુનાગઢની હકૂમત નીચેના ૩ પ્રદેશોનો તાબો લેવા સેનાને મોકલી હતી. મોટાપાયાના આંદોલનો તેમજ લોક સરકાર, કે જેને ‘આરઝી હુકુમત’ કહેવામા આવી, તેના બન્યા પછી ભુત્તો તેમજ નવાબ બન્ને કરાચી પલાયન થઈ ગયા અને સરદારના આદેશાનુસાર ભારતિય સેના તેમજ પોલીસની ટુકડીઓએ રાજ્યમાં કુચ કરી તાબો લીધો. ત્યાર બાદ લેવાયેલા મતદાનમાં ૯૯.૫ ટકા મતો ભારત સાથેના વિલિનીકરણની તરફેણમાં પડ્યા હતા. જુનાગઢનો તાબો લીધા બાદ ત્યાંની બહાઉદ્દીન કોલેજમાં ભાષણ આપતી વખતે સરદારે હૈદરાબાદ માટેની ઉત્સુકતા વર્ણવી હતી કે જે તેમના મતે ભારત માટે કાશ્મિર કરતાં પણ વધુ મહત્તવનું રાજ્ય હતું. તેમણે કહ્યું હતુ કે:

       “જો હૈદરાબાદ દિવાલ ઉપરના લખાણને અવગણશે તો તેની પરિસ્થિતી પણ જુનાગઢ જેવી થશે. પાકિસ્તાને કાશ્મિરને જુનાગઢની બદલે લેવાનો પ્રયત્ન કર્યો. જ્યારે અમે લોકશાહીથી મામલાને ઉકેલવાનો સુઝાવ કર્યો ત્યારે તેમણે (પાકિસ્તાને) તુરંત જવાબ આપ્યો કે જો આપણે કાશ્મિર માટે તેમ કરશું તો તેઓ તૈયાર છે. અમારો પ્રત્યુત્તર હતો કે જો તમે હૈદરાબાદ માટે તૈયાર હો તો અમે કાશ્મિર માટે તૈયાર છીએ.”

       હૈદરાબાદ બધા રજવાડાઓમાં સૌથી મોટું હતું અને અત્યારના આંધ્ર પ્રદેશ, કર્ણાટક તથા મહારાષ્ટ્રના ભાગોનો તેમાં સામાવેશ થતો હતો. ત્યાંના શાસક નિઝામ ઓસ્માનઅલી ખાં મુસ્લિમ હતા પણ ૮૫ ટકા પ્રજા હિંદુ હતી. નિઝામને સ્વતંત્રતા કે પછી પાકિસ્તાન સાથે સમન્વય જોઈતો હતો. રઝાકર તરીકે ઓળખાતા કાઝી રાઝવી હેઠળના મુસ્લિમ દળો કે જે નિઝામ પ્રત્યે નિષ્ઠા ધરાવતા હતા તેમણે નિઝામ ઉપર ભારત સામે ઉભા રહેવા માટે દબાણ કર્યું હતું અને સાથોસાથ સામ્યવાદી લડાઈખોરો સાથે મળીને ભારતની ભુમી ઉપર વસતા લોકો ઉપર હુમલાઓ કર્યા હતા. લડાઈ ટાળવાના લોર્ડ માઉન્ટબેટનના અત્યંત પ્રયાસ બાદ હયાતીમાં આવેલા સ્ટેન્ડ સ્ટિલ (જેમ છો તેમ) કરાર છતા નિઝામ દરખાસ્તો ઠુકરાવીને પોતાનું વલણ બદલતા રહ્યા. સપ્ટેમ્બર ૧૯૪૮માં સરદારે મંત્રીમંડળની બેઠકમાં ભાર પુર્વક કહ્યું હતું કે ભારતે વધારે સહન ન કરવું જોઈએ અને તેમણે નેહરુ તથા ચક્રવર્તિ રાજગોપાલાચાર્ય ને લશ્કરી કાર્યવાહી માટે મનાવી લીધા હતા. તૈયારીઓ બાદ, જ્યારે નેહરુ યુરોપની યાત્રા ઉપર હતા ત્યારે કાર્યવાહી પ્રધાનમંત્રી તરીકે સરદારે ભારતીય સેનાને હૈદ્રાબાદને ભારતમાં સમન્વિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. આખી યોજનાને ઓપરેશન પોલોનું નામ આપવામાં આવ્યું કે જેમાં હજારો રઝાકાર દળના સભ્યો મરણ પામ્યા, પણ જેના અંતે હૈદરાબાદનું ભારતમાં સંપુર્ણપણે વિલણીકરણ થઈ ગયું. લોર્ડ માઉન્ટબેટન તથા નેહરુનો બળ નહી વાપરવા પાછળનો હેતુ હિંદુ – મુસ્લિમ હિંસા ટાળવાનો હતો, પણ સરદારનો ભારપુર્વક મત હતો કે જો હૈદરાબાદને તેનો અઢંગા ચાળા ચાલુ રાખવા દીધા હોત તો સરકારની પ્રતિષ્ઠાને હાની પહોંચી હોત અને હિંદુ કે મુસ્લિમ કોઈ તેના રાજમાં સુરક્ષિતતાનો અનુભવ ન કરત. નિઝામને હરાવ્યા બાદ સરદારે તેમને રાજ્યના ઔપચારિક પ્રમુખ તરીકે રહેવા દઈ તેમની સાથે વાટાઘાટો કરી હતી.

Tuesday, October 27, 2020

સર્જનની સરવાણી-૯

        

        વર્તમાન સમયમાં જયારે આપણા બાળકોનો સંબંધ જીવંત  શિક્ષણ-પ્રણાલી સાથે તૂટી ગયો છે એવામાં આપણે સૌ ઓનલાઇન શિક્ષણના નામે એને સાંધવાનો પ્રયત્ન કરતા હોઈએ એમ લાગે છે. એ વર્ગખંડમાં ગુંજતી કિલકારીઓ અને શાળાના મેદાન પર હસતા-રમતા તેમજ કુદકા મારતા બાળકોની મસ્તી ખોવાઈ ગઈ હોય એવું લાગે છે. આવા માહોલમાં ઘરે પણ બાળકો માતા-પિતાની સાથે વધુમાં વધુ સમય પસાર કરતા કરતા એમના સમયની અવનવી રમતો રમતા રમતા જીવનનો સુવર્ણ સમય પસાર કરી  રહ્યા હોય એમ વર્તાય છે.આવા સમયે નવી અને જૂની પદ્ધતિઓ વચ્ચે સરખામણી થવી સ્વભાવિક છે. 

        આપણે દરેક કોઈને કોઈ શિક્ષણ પદ્ધતિમાંથી પસાર થયા હોઈએ છીએ. આજનું શિક્ષણ મારી દ્રષ્ટિએ વાહ શિક્ષણ છે. આહ શિક્ષણ તો ગયું. જેણે આહ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, તેઓ જ જાણે છે કે નિશાળે જતા કેટલો ડર લાગતો હતો અને જો ના જઈએ તો ટીંગા-ટોળી કરીને લઇ જાય તેમજ  જઈએ તો ઢીબી પણ નાખે. એવા માહોલમાં પણ શિક્ષકોના ડરના કારણે શિક્ષણ પાક્કું થતું. લાકડીનો માર હોય કે ના હોય પણ થપ્પડનો જાદુ તો હતો. શિક્ષકો સાવ ગુસ્સાવાળા જ હતા તેવું પણ નહોતું, પરંતું જો તેમના કહ્યા પ્રમાણે કામ ના થાય તો આવીજ  બન્યું જાણો . એ શિક્ષકો સ્વભાવે  ખૂબ માયાળુ પણ હતા. ગુરૂમાતા તો તેમનાથી પણ વધારે માયાળુ હોય એવું બનતું. બહારગામથી ભણવા આવતા બાળકો વરસાદના કારણે ઘેર ના જઈ શક્યા હોય તે દિવસે ગુરૂમાતા જ સગા અને સ્નેહી બની જતા. ગુરુમાતા એવા બાળકોને તેમના ઘેર રાખે, પોતાના સંતાનોની જેમ જમાડે અને કાળજી પણ લે. માતા પિતાને શક્ય હોય તો સંદેશો મોકલી આપે બાકી નિરાંત હતી. તે દિવસોમાં પણ માતા-પિતા સમજી લે કે ગુરુ એ સાચવી લીધા હશે.

        આજના શિક્ષણ ને હું વાહ શિક્ષણ એટલા માટે કહું છું કારણકે વર્તમાન સમયમાં બાળકોની વાહ-વાહી કરવાનું પ્રમાણ વધારે છે. શિક્ષકો વિદ્યાર્થીઓને દુઃખ એ પછી માનસિક હોય કે શારીરિક કોઈ પણ પ્રકારની તકલીફ પણ ના લાગે તેમ સાચવીને ભણાવે છે. વિદ્યાર્થીઓ પણ જાણે શિક્ષકોને વ્યવસ્થાનો ભાગ સમજી તેમની ફરજ તેઓ પુરી કરી રહ્યા છે તેવું માને છે. અત્યારે જાણે Give and take ની ભાવના વિકસી હોય એમ લાગે છે. શિક્ષકો પોતાનાથી બનતી કોશિશ કરે કે વિદ્યાર્થી ભણે, જો ન જ ભણે તો તેના નસીબ. આપણે પણ આવી વ્યવસ્થામાં વધારો કરવા માટે  શિક્ષણ પ્રક્રિયામાં શિક્ષકો વિરુદ્ધ જ કાયદો  લાવ્યા. આવા કાયદાની બીક શિક્ષકને બતાવવામાં આવે છે અને વાલીઓ પણ બાળકોને ભવિષ્યમાં નોટો છાપવાનું મશીન સમજતા હોય એમ ગણતરના બદલે માત્ર ને માત્ર ટકાવારી પર જ ધ્યાન આપે છે.

સર્જનવાણી: શિક્ષકનું ઘર સાધારણ હોય છે પરંતુ  શિક્ષક ક્યારેય પણ સાધારણ હોતો નથી.

Tuesday, October 20, 2020

સર્જનની સરવાણી-૮

 


        जब कृष्ण अपने अवतार काल को पूर्ण कर गौलोक जाने को तत्पर हुए, तब उन्होंने उद्धव को अपने पास बुलाया और कहा प्रिय उद्धव मेरे इस अवतार काल में अनेक लोगों ने मुझसे वरदान प्राप्त किये, किन्तु तुमने कभी कुछ नहीं माँगा, अब इस समय कुछ मांगो | मैं तुम्हे देना चाहता हूँ । तुम्हारा कुछ भला कर मुझे भी संतुष्टि होगी । उद्धव ने इसके बाद भी स्वयं के लिए कुछ नहीं माँगा | वे केवल अपने मन की उन शंकाओं का समाधान चाहते थे जो उनके मन में कृष्ण की शिक्षाओं और उनके कृतित्व को देखकर उठ रही थीं |

         उन्होंने भगवान् श्रीकृष्ण से पूछा – भगवन महाभारत के घटनाक्रम में अनेक बातें मैं नही समझ पाया, आपके उपदेश कुछ अलग रहे, जबकि आपका व्यक्तिगत जीवन कुछ अलग तरह का दिखता रहा | क्या आप मुझे उनका कारण समझाकर मेरी ज्ञान पिपासा को शांत करेंगे ?

        श्री कृष्ण बोले“उद्धव मैंने कुरुक्षेत्र के युद्धक्षेत्र में अर्जुन से जो कुछ कहा, वह भगबद्गीता थी | आज जो कुछ तुम जानना चाहोगे और उसका मैं जो उत्तर दूंगा, वह उद्धव गीता के रूप में जानी जायेगी । इसी कारण मैंने तुम्हें यह अवसर दिया है । तुम बेझिझक पूछो ।”

उद्धव ने पूछना शुरू किया – हे कृष्ण, सबसे पहले मुझे यह बताओ कि सच्चा मित्र कौन होता है ?

कृष्ण ने कहा – “सच्चा मित्र वह है जो जरूरत पड़ने पर मित्र की बिना मांगे मदद करे ।

        “उद्धव – कृष्ण, आप पांडवों के आत्मीय प्रिय मित्र थे। आजाद बांधव के रूप में उन्होंने सदा आप पर पूरा भरोसा किया। कृष्ण, आप महान ज्ञानी हैं, आप भूत, वर्तमान व भविष्य के ज्ञाता हो । किन्तु आपने सच्चे मित्र की जो परिभाषा दी है, क्या आपको नहीं लगता कि आपने उस परिभाषा के अनुसार कार्य नहीं किया ? आपने धर्मराज युधिष्ठिर को द्यूत (जुआ) खेलने से रोका क्यों नहीं ?ठीक है, आपने उन्हें नहीं रोका, लेकिन आपने भाग्य को धर्मराज के पक्ष में भी नहीं मोड़ा, आप चाहते तो युधिष्ठिर जीत सकते थे | आप कम से कम उन्हें धन, राज्य और खुद को भी हारने के बाद तो रोक सकते थे |

        उसके बाद जब उन्होंने अपने भाइयों को दांव पर लगाना शुरू किया, तब तो आप सभाकक्ष में पहुँच सकते थे । आपने वह भी नहीं किया। उसके बाद जब दुर्योधन ने पांडवों को सदैव अच्छी किस्मत वाला बताते हुए द्रौपदी को दांव पर लगाने कोप्रेरित किया, और जीतने पर हारा हुआ सब कुछ वापस कर देने का लालच दिया, कम से कम तब तो आपहस्तक्षेप कर सकते थे | अपनी दिव्य शक्ति के द्वारा आप पांसे धर्मराज के अनुकूल कर सकते थे । इसके स्थान पर आपने तब हस्तक्षेप किया, जब द्रौपदी लगभग अपना शील खो रही थी, तब आपने उसे वस्त्र देकर द्रौपदी के शील को बचाने कादावा किया |

        लेकिन आप यह यह दावा भी कैसे कर सकते हैं – उसे एक आदमी घसीटकर हॉल में लाता है, और इतने सारे लोगों के सामने निर्वस्त्रकरने के लिए छोड़ देता है,एक महिला का शील क्या बचा ? आपने क्या बचाया है? अगर आपने संकट के समय में अपनों की मदद नहीं की तो आपको आपाद बांधव कैसे कहा जा सकता है?आपने संकट के समय में मदद नहीं की, तो क्या फायदा है? क्या यही धर्म है?

इन प्रश्नों को पूछते पूछते उद्धव का गला रुंध गया और उनकी आँखों से आंसू बहने लगे । ये अकेले उद्धव के प्रश्न नहीं हैं । महाभारत पढ़ते समय हमारे मनोमस्तिष्क में भी यह सवाल उठते हैं |

 उद्धव ने हम लोगों की ओर से ही श्रीकृष्ण से उक्त प्रश्न किये |

        हंसते हुए भगवान कृष्ण बोले -” प्रिय उद्धव यह सृष्टि का नियम है कि विवेकवान ही जीतता है | उस समय दुर्योधन के पास विवेक था, धर्मराज के पास नहीं । यही कारण रहा कि धर्मराज पराजित हुए । “उद्धव को हैरान परेशान देखकर कृष्ण आगे बोले – “दुर्योधन के पास जुआ खेलने के लिए पैसे और धन तो बहुत था, लेकिन उसे पासों का खेल खेलना नहीं आता था, इसलिए उसने अपने मामा शकुनि का द्यूतक्रीडा के लिए उपयोग किया | यही विवेक है।

        धर्मराज भी इसी प्रकार सोच सकते थे और अपने चचेरे भाई से पेशकश कर सकते थे कि उनकी तरफ से मैं खेलूंगा । जरा विचार करो कि अगर शकुनी और मैं खेलते तो कौन जीतता ? पांसे के अंक उसके अनुसार आते या मेरे अनुसार । चलो इस बात को जाने दो । उन्होंने मुझे खेल में शामिल नहीं किया, इस बात के लिएउन्हें माफ़ किया जा सकता है । लेकिन उन्होंने विवेक शून्यता से एक और बड़ी गलती की । उन्होंने मुझसे प्रार्थना की, कि मैं तब तक सभा कक्ष में न आऊँ, जब तक कि मुझे बुलाया न जाए | क्योंकि वे अपने दुर्भाग्य से खेल मुझसे छुपकर खेलना चाहते थे । वे नहीं चाहते थे कि मुझे मालूम पड़े कि वे जुआ खेल रहे हैं |

        इस प्रकार उन्होंने मुझे अपनी प्रार्थना से बाँध दिया | मुझे सभाकक्ष में आने की अनुमति नहीं थी | इसके बाद भी मैं कक्ष के बाहर इंतज़ार कर रहा था कि कब कोई मुझे बुलाता है । भीम, अर्जुन, नकुल और सहदेव सब मुझे भूल गए और केवल अपने भाग्य और दुर्योधन को कोसते रहे । अपने भाई के आदेश पर जब दुस्साशन द्रोपदी के बाल पकड़कर घसीटता हुआ सभाकक्ष में लाया, वह अपनी सामर्थ्य के अनुसार जूझतीरही, तब भी उसने मुझे नहीं पुकारा | उसकी बुद्धि तब जागृत हुई, जब दुस्साशन ने उसे निर्वस्त्र करना प्रारंभ किया | जब उसने स्वयं पर निर्भरता छोड़कर ‘हरि, हरि, अभयम कृष्णा, अभयम’ की गुहार लगाई, तब मुझे उसके शील की रक्षा का अवसर मिला । जैसे ही पूझे पुकारा गया, मैं अविलम्ब पहुंच गया। अब इस स्थिति में मेरी गलती बताओ ?” 

        उद्धव बोले कान्हा आपका स्पष्टीकरण प्रभावशाली अवश्य है, किन्तु मुझे पूर्ण संतुष्टि नहीं हुई, क्या मैं एक और प्रश्न पूछ सकता हूँ ? कृष्ण की अनुमति से उद्धव ने पूछा – इसका अर्थ यह हुआ कि आप तभी आओगे, जब आपको बुलाया जाएगा | क्या संकट से घिरे अपने भक्त की मदद करने आप स्वतः नहीं आओगे ?

        कृष्ण मुस्कुराये -” उद्धव इस सृष्टि में हरेक का जीवन उसके स्वयं के कर्मफल के आधार पर संचालित होता है। न तो मैं इसे चलाता हूँ, और न ही इसमें कोई हस्तक्षेप करता हूँ । मैं केवल एक ‘साक्षी’ हूँ। मैं सदैव तुम्हारे नजदीक रहकर जो हो रहा है उसे देखता हूँ । यही ईश्वर का धर्म है।

“‘वाह वाह, बहुत अच्छा कृष्णा।

तो इसका अर्थ यह हुआ कि आप हमारे नजदीक खड़े रहकर हमारे सभी दुष्कर्मों का निरीक्षण करते रहेंगे; हम पाप पर पाप करते रहेंगे, और आप हमें देखतेरहेंगे । आप क्या चाहते हैं कि हम भूल करते रहें, पाप की गठरी बांधते रहें और उसका फल भुगतते रहें ? उलाहना देते हुए उद्धव ने पूछा ।

        कृष्ण बोले –”उद्धव, तुम शब्दों के गहरे अर्थ को समझो । जब तुम समझकर अनुभव कर लोगे कि मैं तुम्हारे नजदीक साक्षी के रूप में हर पल हूँ, तो क्या तुम कुछ भी गलत या बुरा कर सकोगे ? तुम निश्चित रूप से कुछ भी बुरा नहीं कर सकोगे । जब तुम यह भूल जाते हो और यह समझने लगते हो कि मुझसे छुपकर कुछ भी कर सकते हो, तब ही मुसीबत में फंसते हो । धर्मराज का अज्ञान यह था कि उसने माना कि वह मेरी जानकारी के बिना जुआ खेल सकता है | अगर उसने यह समझ लिया होता कि मैं प्रत्येक के साथ हर समय साक्षी रूप में उपस्थित हूँ तो क्या खेलका रूप कुछ और नहीं होता ?

        “भक्ति से अभिभूत उद्धव मंत्रमुग्ध हो गये और बोले – प्रभु कितना गहरा दर्शन है, कितना महान सत्य ! प्रार्थना और पूजा पाठ से ईश्वर को अपनी मदद के लिए बुलाना तो महज हमारी भावना और विश्वास है । जैसे ही हम यह विश्वास करना शुरू करते हैं कि उसके बिना पत्ता भी नहीं हिलता, हमें साक्षी के रूप में उनकी उपस्थिति महसूस होने लगती है | गड़बड़ तब होती है, जब हम इसे भूलकर दुनियादारी में डूब जाते हैं |

        सम्पूर्ण श्रीमद् भगवद् गीता में श्रीकृष्ण ने अर्जुन को इसी जीवन दर्शन का ज्ञान दिया है। सारथी का अर्थ है मार्गदर्शक | अर्जुन के लिए सारथी बने श्रीकृष्ण वस्तुतः उसके मार्गदर्शक थे | वह स्वयं की सामर्थ्य से युद्ध नहीं कर पा रहा था | लेकिन जैसे ही उसे परम साक्षी के रूप में उनका एहसास हुआ, ईश्वर की चेतना में विलय हो गया ! यह अनुभूति थी, शुद्ध, पवित्र, प्रेममय, आनंदित सुप्रीम चेतना की !

સર્જનવાણી - तत-त्वम-असि ! वह तुम ही हो !!