Tuesday, December 15, 2020

સર્જનની સરવાણી-૧૬

        જ્ઞાન અને માહિતી વચ્ચેનો ફરક સમજવો ખૂબ જરૂરી છે. આ બે વચ્ચેની ભેદરેખા બહુ જલદી ભૂલી જવાય છે. કોઈ વ્યક્તિ હજારો પુસ્તકો વાંચીને માહિતી ભેગી કરે છે પણ શું એ જ્ઞાન છે? અને એ વ્યક્તિ જ્ઞાની બને છે? ના, હંમેશા એવું નથી બનતું. ઘણા મોટા પ્રકાંડ પંડિતો માત્ર માહિતીનું વિતરણ કરતાં જ જોવા મળ્યા છે. તેઓ ખૂબ સારા વક્તા હોય છે અને એમનો શિષ્યગણ એમને અદભૂત જ્ઞાની અથવા વિદ્વાન તરીકે ઓળખાવતા હોય છે.  બહુ જ મોટી ગરબડ થઈ રહી છે.  પરંતુ તે પ્રત્યે બહુ ઓછા લોકો સભાનપણે વિચારતા હોય છે. 

        'બાજુની શેરીમાં રમેશભાઈ આજે મૃત્યુ પામ્યા છે.' તમને એ માહિતી મળે છે, ખબર પડે છે, જાણકરી મળી છે, શું આ જ્ઞાન છે? વર્ગમાં ઇતિહાસના શિક્ષક બાળકોને કહે છે, 'મહારાણા પ્રતાપ 1597માં મૃત્યુ પામ્યા.'  કે ગણિતના શિક્ષક બતાવે છે, 'વર્તુળને ખૂણો હોતો નથી.' કે વિજ્ઞાનના શિક્ષક ઘટસ્ફોટ કરે છે, 'એક ઓક્સિજનનો અને બે હાઇડ્રોજનના અણુ મળે તો પાણી બને.' આ શિક્ષકો બાળકોને જ્ઞાન આપે છે કે માહિતી? એની માહિતી બાળકો માટે જ્ઞાન પુરવાર થાય છે? બહુ મોટો ક્વેશ્ચનમાર્ક છે. મારા મતે આજની શાળાઓ માહિતીનો વેપાર કરતી દુકાનો છે જ્યાં એક જ પ્રકારની માહિતીના ભાવ જુદા જુદા હોય છે. 

        તમને કોઈ કહે, કે આ રસ્તે જાઓ તો એ તમારે માટે જાણકારી છે. તમને માહિતી મળી. થોડા દિવસ પછી તમે એ ભૂલી જશો. માહિતી ભૂલાઈ જવાય. પણ, તમે એ રસ્તે જાઓ છો. હવે એ રસ્તાનો તમને અનુભવ થશે. રસ્તો કેવો છે તે સમજાઈ જાય છે ત્યારે તમને જ્ઞાન થયું કહેવાય. પછી તમે કહી શકો કે મને આ રસ્તાનું જ્ઞાન છે. જ્ઞાન કદી ભૂલાતું નથી. ટૂંકમાં, માહિતી + અનુભવ = જ્ઞાન. જ્યાં સુધી માહિતી અનુભવથી મઢાય નહીં ત્યાં સુધી એ જ્ઞાન બનતું નથી.

       આજે સોશિયલ મીડિયા દ્વારા હજારો લોકો મેસેજ ફોરવર્ડ કરે છે અને હજારો લોકો તેને વાંચે પણ છે. કેટલીય માહિતીની આપ-લે થાય છે, નહીં કે જ્ઞાનની. તમે વાંચો છો ત્યારે તમારા જ્ઞાનમાં નહીં, પરંતુ માહિતીમાં વધારો થાય છે જે થોડા સમય બાદ ભૂલી જવાશે. તમને ઘણા લોકો અદભુત જાણકારી આપશે. તમે દંગ રહી જાઓ એવી હશે. પણ એમાં તમારો અનુભવ નહિ ઉમેરાય ત્યાં સુધી એ જ્ઞાન નહિ બને. તમારે એ પરખવાનું હોય છે કે આપનાર વ્યક્તિ તમને જાણકારી આપે છે કે જ્ઞાન! મતલબ કે એને એ જાણકારીમાં પોતાનો અનુભવ ઉમેર્યો છે કે નહીં? હા હોય તોજ એ જાણકારી વિશ્વસનીય કહેવાય. નહીતો તમારે અનુભવ કરીને ખાતરી કરવી પડે. એ સમય બગાડવા જેવું પણ થઈ શકે.

        એક બાળક પથારીમાં સૂતું છે. તેની મમ્મી બાજુમાં ગરમ દૂધનો પ્યાલો ભરીને મૂકે છે અને કહે છે, ઊઠ બેટા, દૂધ પી લે પણ જોજે, ગરમ છે. દીકરા માટે આ માહિતી છે પરંતુ મમ્મીને તો જ્ઞાન છે કે દૂધ ગરમ છે કારણ કે તેણે જ ગરમ કર્યું છે. દીકરો ઊઠે છે અને દૂધનો ગ્લાસ પકડે છે. ચીસ પાડીને છોડી દે છે. આવું કેમ બન્યું?  મમ્મીએ ચેતવ્યો હોવા છતાં દીકરાએ ગ્લાસ પકડ્યો કારણ તેને માટે તો માહિતી જ હતી તેથી ભૂલી ગયો. પરંતુ હવે બીજી વખત મમ્મી  ગ્લાસ મૂકશે ત્યારે, દૂધ ઠંડુ હશે તો પણ, પેલું જ્ઞાન થયેલું છે કે ગ્લાસ ગરમ હોઈ શકે એટલે દીકરો ચકાસીને ગ્લાસ પકડશે. આમ, માહિતી અનુભવમાં ઉમેરાય ત્યારે જ જ્ઞાન બને છે અને એ આજીવન યાદ રહે છે. જ્ઞાની હંમેશા અનુભવી જ હોય છે અને અનુભવ ધ્વારા જ્ઞાન મળે છે. 

        આનો અર્થ એ નથી કે માહિતીનું મહત્વ નથી. વર્ગમાં જ્યારે શિક્ષક બે વત્તા બે બરાબર ચાર કહે છે તે શિક્ષક માટે જ્ઞાન છે પણ બાળક માટે તે માહિતી છે.  એ બાળક પ્રેક્ટીકલ લાઈફમાં બે વત્તા બે ચાર ક્યાં અને કેવી રીતે થાય તેના અનુભવથી તે જ્ઞાન મેળવે છે. તમે અને હું અત્યાર સુધીમાં જેટલું પણ યાદ રાખી શક્યા છીએ એ બધું ફક્ત અનુભવેલું જ્ઞાન છે. તે પહેલા માહિતી હતી. જેટલી માહિતી અનુભવાઈ નથી તે બધી ભૂલાઈ ગઈ છે. 

        જ્યારે તમે તમારું જ્ઞાન બીજાને આપો છો ત્યારે તમે તમારો અનુભવ વહેંચો છો. અનુભવ વગર તો તમે બીજેથી મેળવેલી માત્ર જાણકારી ફોરવર્ડ કરો છો  અને એ વિશ્વસનીય ન પણ હોઈ શકે. આજ બાબત બીજા દૃષ્ટિકોણથી વિચારીએ. કોઈ જ્યારે આપણને માહિતી આપે છે ત્યારે આપણે વિચારવાનું રહે કે શું તે તેનો અનુભવ વહેંચે છે કે પછી બીજેથી મેળવેલી માહિતી માત્ર ફોરવર્ડ કરી રહ્યો છે? જો ફોર્વર્ડેડ માહિતી હોય તો તમારે અનુભવમાં લેવી પડશે અને પછી એ તમારું જ્ઞાન બનશે. તમારે તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે આવી માહિતીઓને અનુભવતાં અનુભવતાં તો ઘણો સમય લાગી જાય અને જ્ઞાન બહુ મોડું આવે. એટલા માટે આપણે વડીલોની સલાહ લઈએ છીએ કેમ કે તેમની પાસે માત્ર માહિતી નથી પણ જ્ઞાન છે અને જે આપે છે તે તેમની અનુભવેલી માહિતી આપે છે. એના માટે આપણે જાતે અમલમાં મૂકીને જ્ઞાન બનાવવા સુધીની રાહ જોવી પડતી નથી.

શું વિચારો છો?- મંથન ડીસાકરનાં નિબંધસંગ્રહમાંથી સાભાર 

No comments:

Post a Comment