Sunday, February 27, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૪

આપણે જો કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ સકારાત્મક યોગદાન ના આપી શકીએ, તો તેની પાસે આપણા માટે સમય ના હોય. આપણી વાતમાં જો વેલ્યુ નહીં હોય, તો આપણને સાંભળવા કોઈ ના રોકાય. ખાલી આપણા સંતાનો કે પેરેન્ટ્સ જ આપણને ચલાવી લે, અને એમાંય ગેરંટી તો નથી જ કે તેઓ પણ એક દિવસ મ્હો ફેરવી નહીં લે. બીજી વ્યક્તિ આપણને તેનો સમય અને એટેન્શન કેટલું આપે છે, તેનો સીધો સંબંધ આપણે શું ઓફર કરીએ છીએ તેના પર છે. કોઈનું એટેન્શન મેળવવા માટે આપણે તેની કિંમત આપવી પડે. એટેન્શન ખૈરાત નથી. ચાહે લેખક હોય કે સાધારણ વ્યક્તિ, આપણે બકવાસ સાંભળવા એટેન્શન નથી આપતા.


Sunday, February 20, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૩

મોટાભાગના લોકો ખુદને બદલી શકતા નથી તેનું કારણ એ છે કે તેમને અંધશ્રદ્ધાની હદે ખુદ પર વિશ્વાસ હોય છે. બદલાવ માટેની પહેલી શરત એ છે કે મને એ સવાલ થવો જોઈએ કે હું  જે કરું છું તે કેમ કરું છું. તેના જવાબમાંથી મને મારા અમુક પ્રકારના રિપેટિટિવ વ્યવહાર-વિચારની યોગ્યતા કે આયોગ્યતાની સમજણ આવે. આપણે જો જાતને 'કેમ?' સવાલ પૂછવા માટે ગલ્લાતલ્લા કરીએ, તો પછી 'કેમ નહીં?' એ સવાલ પણ પૂછવાનું અઘરું પડે. 'કેમ નહીં?' એ નવી શરૂઆતનો પાયો છે, હું આવું કેમ ના કરું? હું તેવું કેમ ના વિચારું? 'કેમ?' અને 'કેમ નહીં?' એ બંને સવાલો નવી જિંદગી માટેનો પાયો છે, પણ આપણે વિચારો અને વ્યવહારની એવી હેબિટના ગુલામ હોઈએ છીએ કે આવા સવાલો પૂછતાં નથી. એટલા માટે પરિવર્તન હંમેશાં આકરું હોય છે. આપણે નવા વ્યવહાર-વિચારની અજાણી ભૂમિ પર પગ મૂકવાને બદલે આદતવશ વ્યવહાર-વિચારની પરિચિત ભૂમિ પર ખોડાયેલા રહીએ છીએ, પછી ભલે કે ગમે તેટલું વિધ્વંસક હોય.

Sunday, February 13, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૨

       


         આપણે આપણી આખી જિંદગી મગજના સહારે જીવીએ છીએ. આ જટિલ જગતમાં સારી રીતે જીવવા માટે આપણી પાસે એક માત્ર શસ્ત્ર મગજ છે. જગત સાથે આપણું મોટાભાગનું ઇન્ટરેક્શન મગજના માધ્યમથી થાય છે. આપણી પાંચે ઇન્દ્રિયો 24 કલાક જગતની ઇન્ફોર્મેશન મગજને પ્રોસેસ કરવા પહોંચાડે છે. 

        આ કારણથી મન હોંશિયાર અને કાર્યક્ષમ હોવું જરૂરી હોય છે. આપણે જો મગજને ટ્રેનિંગ આપીએ, તો તે આપણા કંટ્રોલમાં રહે, નહીં તો સમાજ તેને ચલાવે. એટલે જ બહુ લોકોના જીવનમાં સમાજ ઘૂસેલો હોય છે. આપણે જાતે જો આપણું બ્રેઇન વોશ ના કરીએ, તો બીજા લોકો એ કરશે. બ્રેઇન વોશ એ મગજની ટ્રેનિંગ છે.

Friday, February 11, 2022

વિવેકાનંદની વાણી-મણકો : ૧૪

ધર્મ નજીક કેવળ તેઓ જ રહી શકે છે જે દુ:ખ પોતાના માટે રાખે છે અને સુખ અને સુરક્ષા અન્યને આપે છે. વિવેકાનંદ હિન્દુસ્તાનથી અમેરિકા જતા હતા. રામકૃષ્ણ પરમહંસનાં પત્ની શારદા માના આશીર્વાદ લેવા ગયા. એ સમયે રામકૃષ્મ પરમહંસ અવસાન પામ્યા હતા. શારદા મા રસોડામાં કામ કરી રહ્યાં હતાં. 

વિવેકાનંદજીએ આવીને કહ્યું, ‘મા, મને આશીર્વાદ આપો હું અમેરિકા જઉં છું.’

શારદા માએ પૂછ્યું, ‘અમેરિકા જઇને શું કરશો?’

‘હું હિંદુ ધર્મનો સંદેશ પ્રસરાવીશ.’

શારદા માએ કોઇ પ્રતિભાવ ન આપ્યો. ચૂપ રહ્યાં. થોડી પળ પછી પોતાનું કામ કરતાં કરતાં બોલ્યાં, ‘પેલી શાક સુધારવાની છરી મને આપશો?’

વિવેકાનંદજીએ છરી ઉપાડીને શારદા માને આપી. શારદા માએ છરી આપતા વિવેકાનંદજીના હાથ પર એક નજર કરી. પછી વિવેકાનંદજીના હાથમાંથી છરી લેતાં બોલ્યાં, ‘જાઓ, મારા આશીર્વાદ છે તમને’. હવે વિવેકાનંદજીથી ન રહેવાયું.

‘મા છરી ઉપાડવાને અને આશીર્વાદ આપવાને શો સંબંધ છે?’

શારદા માએ કહ્યું, ‘હું જોતી હતી કે તમે છરી કેવી રીતે ઉપાડીને મને આપો છો. સામાન્ય રીતે કોઇ છરી ઉપાડીને આપે ત્યારે હાથો તેના હાથમાં રાખે છે. પણ તમે છરી ઉપાડીને આપી ત્યારે હાથો મારી તરફ અને ધાર તમારા તરફ રાખીને છરી મને આપી. મને ખાતરી છે કે તમે ધર્મનો સંદેશ સફળતાપૂર્વક લોકો સુધી પહોંચાડશો. કારણ કે ધર્મ કે પરમાત્મા નજીક કેવળ તેઓ જ રહી શકે છે જે દુ:ખ પોતાના માટે રાખે છે અને સુખ અને સુરક્ષા અન્યને આપે છે. જેમ તમે ધાર તમારી તરફ રાખી અને હાથો મને આપ્યો.’


Sunday, February 6, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૧

 

પરિવાર જમવા બેઠો હતો, ભોજન પીરસાઇ ગયું હતું,

સાસુએ દાળની ચમચી મોઢે માંડી ને મોં બગાડ્યું, 

દાળ ખારી છે, મને પૂછતાં હો તો.

નણંદે કહ્યું , ઉસ જેવી ! 

પીરસતાં પહેલાં ચાખતાં હો તો..! 

સસરાએ કહ્યું, : વહુ બેટા, 

દાળ સારી જ છે, બસ મીઠું સ્હેજ આગળ પડતું છે....

પુત્રવધૂએ પતિ સામે જોયું,

પતિએ હળવેકથી થોડુંક પાણી ઉમેરી દીધું ને કહ્યું, : હવે સરસ લાગે છે. 

સાસુના ભંવા તંગ...! 

નણંદબાએ મોં મચકોડ્યું....! 

પુત્ર તરફ જોતા સસરાનો ચહેરો મલક્યો. 

પુત્રવધૂની આંખો હસી. 

એનું રાંધેલું સહુ રોજ જમે છે. દાળ ખારી બનાવવી એવો તો એનો હેતુ ન જ હોયને ? 

સારું લાગે ત્યારે વખાણના બે શબ્દ ભલે બોલતા નથી પણ પીરસાયેલા ભોજનનો સ્વાદ ક્યારેક તમને અનુકૂળ ન પણ હોય એવે સમયે ટીકા કરવા કરતા સ્વાદ સુધારી લેતા આવડે એ પ્રિયજન.

સવાલ અભિગમનો છે, પુત્રવધૂ પારકી નથી, પરિવારની છે. પરિવારે પસંદ કરી છે.