Wednesday, December 25, 2019

જેક્સન બ્રાઉનની સચોટ અને શાણપણની વાતો



1. કેમ છો ? કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઈએ. 

2. ઉત્તમ પુસ્તકો ખરીદવાની ટેવ રાખવી, પછી ભલે તે વંચાય કે ન વંચાય. 

3. કોઈએ લંબાવેલો દોસ્તીનો હાથ ક્યારેય તરછોડવો નહી. 

4. બહાદુર બનો અથવા બહાદુર બનવાનો દેખાવ કરો. 

5. આનંદ અને ઉત્સાહમાં આવી જાવ ત્યારે વ્હિસલ વગાડતા શીખો. 

6. કોઈને ક્યારેય મહેણાં-ટોણા મારવા નહી. 

7. એક કરતા વધારે ભાષાઓ શીખવી અને કોઈ એક વિદેશી ભાષા પણ શીખવી. 

8. કોઈપણ આશાવાદીની વાતને ક્યારેય તોડી પાડશો નહી, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય. 

9. ક્રેડિટ કાર્ડ માત્ર સગવડતાઓ સાચવવા માટે છે, ઉધારીઓ કરવા માટે નથી. 

10. રાત્રે જમતી વખતે ટીવી બંધ રાખવી. 

11. નકારાત્મક પ્રકૃતિના માણસોને મળવાનું ટાળવું. 

12. દરેક રાજકારણીને શંકાની નજરે જ જુઓ. 

13. દરેક વ્યક્તિને બીજી તક આપવી, પણ ત્રીજી તક આપવી નહી. 

14. ટૂથપેસ્ટ વાપર્યા બાદ તેનું ઢાંકણ અવશ્ય બંધ કરવું. 

15. સંતાનો નાના હોય ત્યારથી જ એમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું. 

16. જે ગાંઠ છોડી શકાય એવી હોય એને ક્યારેય કાપવી નહી. 

17. જેને તમે ખૂબ જ પ્રેમ કરતાં હોવ તેની સતત કાળજી લેતા રહેવું. 

18. તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું રાખો. 

19. કોઈપણ કોર્ટકેસથી હજારો જોજન દૂર રહેવાનું. 

20. ગોસિપ, નિંદા અને કોઈના પગારની ચર્ચાથી દૂર રહો. 

21. જિંદગીમાં તમને હંમેશા ન્યાય જ મળશે એવું માનીને ચાલવું નહી. 

22. રવિવારે પણ થોડું કામ કરવાનું રાખવું. 

23. પત્તા રમવામાં સમય વેડફો નહિતર સમય તમને વેડફી નાંખશે. 

24. લોકોને તમારી સમસ્યાઓ જાણવામાં જરાપણ રસ નથી એવું યાદ રાખજો. 

25. અફસોસ કર્યા વિનાનું જીવન જીવજો. 

26. ક્યારેક હારવાની પણ તૈયારી રાખવી, પણ જીતવા માટે હંમેશા પ્રયત્ન કરવો. 

27. ફોનની ઘંટડી વાગે ત્યારે રિસીવર ઉપાડીને સ્ફુરતીભર્યા અવાજે વાત કરો. 

28. વાતચીતમાં શબ્દો વાપરવામાં ધ્યાન રાખજો. 

29. બાળકોના શાળાકીય કાર્યક્રમોમાં અવશ્ય હાજરી આપવી. 

30. બીજાની બુદ્ધિનો યશ લેવાનો પ્રયત્ન ન કરવો. 

31. દરેક દિવસની શરૂઆતમાં આ વાક્યો યાદ કરવા: i am the best , i can do it, god is always with me, i am a winner and today is my day.

32. ઘરડા માણસો સાથે ખૂબ જ સૌજન્ય અને ધીરજથી વર્તન કરવું, ક્યારેક તમે પણ ઘરડા થવાના જ છો. 

33. તમારી ઓફિસ કે ઘરે કોઈ આવે ત્યારે એને ઊભા થઈને આવકારો આપવો. 

34. મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહી, મોટી તક એમાં જ છુપાયેલી હોઇ શકે છે. 

35. રાત્રે રસોડમાં વાસણ એંઠા મૂકીને ક્યારેય પણ સૂઈ જવું જોઈએ નહી. 

૩6 . શારીરિક તંદુરસ્તી કોઈપણ હિસાબે જાળવી રાખો. 

૩7. બચત કરવાની શિસ્ત પાળો અને સંતાનોને પણ શીખવો. 

38. જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય પણ ટીકા કરવી નહી. 

39. ઉત્સાહી અને હકારાત્મક વિચારોવાળી વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરવો. 

40. સંતાનોને કડક શિસ્તના પાઠ શીખવ્યા પછી તેને ઉષ્માપૂર્ણ રીતે ભેટવાનુ ભૂલવું નહી. 

41. કોઈને પણ બોલાવવા માટે ચપટી વગાડવી નહી. 

42. ઊંચી કિમત આપવાથી મળતી વસ્તુઓ ઊંચી ગુણવત્તાવાળી જ હશે એવું માની લેવું નહી. 

43. ઘરમાં એક સારો જોડણીકોશ અવશ્ય રાખવો. 

44. વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો. 

45. ઘર પોષાય એટલી કિંમતનું જ લેવું. 

46. બુટ હંમેશા પોલિશ્ડ રાખવા. 

47. મારામારી થાય ત્યારે પહેલો મુક્કો આપણે જ મારવાનો અને જોરદાર મારવાનો. 

48. ભાષણ આપતા પહેલા ભોજન કરવું નહી. 

49. મતદાન અવશ્ય કરવું જોઈએ. 

50. સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જોઈએ. 

51. જમ્યા પછી ઈશ્વરનો આભાર અવશ્ય માનવો, જીંદગીને ખુશી ખુશી જીવો, પ્રેમથી જીવો અને ગરીબોની સેવા કરો તો ઈશ્વર પણ રાજી રહશે.


Saturday, December 21, 2019

મહાન ગણિતજ્ઞ-1 : શ્રી નિવાસ રામાનુજન

        વિશ્વભરમાં ગણિત અને વિજ્ઞાનના ક્ષેત્રમાં કેટલીય એવી વિરલ વિભૂતિઓ છે કે જે અવકાશમાં રહેલા તારામંડળના નક્ષત્રોની માફક ઝળહળી રહી છે. આકાશગંગામાં રહેલા કોટિ કોટિ સુર્ય અને તારાઓ હોવા છતાં પણ આપણે એમનાથી અજાણ છીએ, તેવી જ રીતે આ વિશ્વભરમાં પણ અનેક એવા ગણિતના ઉપાસકો થઈ ગયા કે જેમના નામથી દુનિયામાં આજે પણ ઘણા લોકો અજાણ છે, જેમાં આપણા ભારત દેશના જ મહાન ગણિતજ્ઞ એવા શ્રીનિવાસ રામાનુજનનો સમાવેશ થાય છે. આપણા માટે એ ગર્વ લેવાની વાત છે કે વિશ્વના પ્રથમ હરોળના વૈજ્ઞાનિક અને ગણિતશાસ્ત્રી એવા આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને શ્રીનિવાસ રામાનુજનના અનુસંધાનકાર્યો અત્યારે વર્તમાનમાં પ્રકાશમાં આવતા જાય છે ત્યારે એના વધારે અદભૂત  પરિણામો  જણાય છે. એમનું ગણિત માટેનું અનુસંધાનકાર્ય એ વિશુદ્ધ ગણિત તરીકે ઓળખાય છે. જેને આજના સામાન્ય ગણિતશાસ્ત્રીઓ સ્પર્શી પણ શકતા નથી. 

        આપણે કેમ શ્રીનિવાસ રામાનુજનથી અજાણ છીએ? કારણકે આપણા વર્તમાન કે ભૂતકાળના કોઈપણ અભ્યાસક્રમમાં એમના સંશોધનોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આમ પણ આપણા રામાનુજને કોઈ વૈજ્ઞાનિક સંશોધન કે અનુસંધાન કાર્ય કર્યું નથી કે જેને શાળાઓ કે વિશ્વવિધાલયોના અભ્યાસક્રમમાં સમાવવામાં આવે?  હવે આપણે એ જાણી લેવાની જરૂર છે કે આપણા આ મહાન ગણિતના વિભૂતિ સમાન રામાનુજન દરેક ધન સંખ્યાના મિત્ર હતા. સંખ્યાઓ સાથે રમતો કરવાનો શોખ એમને બાળપણથી જ હતો. નાનપણથી જ તેઓ વિવિધ પ્રકારની આ સંખ્યાઓના કોયડાઓ ઉકેલ્યા કરતાં હતા. 

        આ મહાન ગણિતજ્ઞ રામાનુજનો જન્મ ૨૨ ડિસેમ્બર ૧૮૮૭ ના રોજ દક્ષિણભારતમાં ઇરોડ નામના ગામમાં એમના મોસાળમાં થયો હતો. માત્ર બત્રીસ જ વર્ષની આયુષ્ય સાથે જન્મેલા આ મહાન ગણિતજ્ઞએ જે કાર્ય પોતાની ૩૨ વર્ષની આયુષ્યમાં કરી બતાવ્યું તે આજ સુધી કોઈપણ કરી શક્યું નથી. એમણે સંખ્યા-સિદ્ધાંત નામની ગણિતની શાખામાં કાર્ય અને સંશોધન કર્યા છે. આ વિષયમાં  અલગ-અલગ સંખ્યાઓ શોધવામાં આવે છે. સંખ્યાઓ તો જાણે એમની મિત્ર જ હતી. 

        શ્રી નિવાસ રામાનુજમને પારખવાનું અને એમના પથદર્શક બનવાનું કાર્ય ડો. હાર્ડી નામના વિશ્વ પ્રસિદ્ધ ગણિતજ્ઞએ કર્યું છે. આ ડો. હાર્ડી ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. એમના માતા-પિતાને પણ ગણિતમાં ઘણી જ રુચિ હતી. એમના સંશોધનનો મુખ્ય વિષય હતો : " વિશ્લેષણ અને સંખ્યાસિદ્ધાંત " રામાનુજમના બાર વ્યાખ્યાનો નામનો ગ્રંથ પણ ડો. હાર્ડીએ જ લખ્યો છે. ડો. હાર્ડી રોયલ સોસાયટીના ફેલો પણ રહી ચૂક્યા છે અને એમની સાથેના સંશોધનો બાદ જ રામાનુજમ પણ રોયલ સોસાયટીના ફેલો બનનાર પ્રથમ ભારતીય હતા. 

        ડો, હાર્ડી સાથે પાંચ વર્ષ લંડનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જ રહીને રામાનુજમે ઘણા સંશોધનો કર્યા હતા. એમના એક કાર્યને જોઈએ તો, એકવાર ઈંગ્લેંડમાં રામાનુજમ બીમાર પડી ગયા ત્યારે ડો. હાર્ડી ટેક્સી લઈને એમની ખબર પૂછવા માટે ગયા. ડો,હાર્ડીએ કહ્યું કે એમની ટેક્સીનો નંબર ૧૭૨૯ હતો, જે ઘણો અશુભ અને અપ્રિય છે, કારણકે આ સંખ્યામાં એક ગુણક ૧૩ થાય છે જેને આજે પણ યૂરોપમાં અશુભ માનવામાં આવે છે. પરંતુ રામાનુજમે જણાવ્યું કે ૧૭૨૯ = ૧૦*૧૦*૧૦* + ૯*૯*૯* = ૧૨*૧૨*૧૨ + ૧*૧*૧ = ૧૯*૯૧ બને છે, જે એક અદભૂત સંખ્યા છે. 

        ડો. હાર્ડીએ રામાનુજમની સરખામણી ઓઇલર, ગાઉસ અને જેકોબી જેવા મહાન ગણિતશાસ્ત્રીઓ સાથે કરી હતી. રામાનુજમ શુદ્ધ ભારતીય પરંપરાના સર્જક હતા. આ રામાનુજમની મેઘાવી શક્તિનો પરચો સાતમાં ધોરણમાં ભણતા ત્યારે જ મળતો હતો. એમણે સાતમા ધોરણના અભ્યાસ દરમિયાન જ સમાંતર અને ગુણોત્તર શ્રેણીઓ તેમજ હકારાત્મક અને સ્વરિત શ્રેણીઓનો અભ્યાસ કરી લીધો હતો. આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારે તેઓ બી. એ ના મિત્રો પાસે જઈને ત્રિકોણમિતિ નામના પુસ્તક લઈને એમાના તમામ પ્રશ્નોના જવાબ એમણે લખી નાખ્યા હતા. એમણે પાઈની કિંમત સેંકડો દશાંશ અંક સુધી મેળવી હતી અને એ માટેના સૂત્રો પણ આપેલા. એમની નોટબૂકોમાં ભાષાની ભૂમિકા નહિવત છે, જે કઈં છે તે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ, કલનશસ્ત્ર અને સંકલન. કેરળના બ્રાહ્મણ આયંગર પરિવારના શ્રીનિવાસ રામાનુજમ આ દુનિયાનો ત્યાગ કરીને ૨૦ એપ્રિલ ૧૯૨૦ ના રોજ ગણિતલોકમાં ગયા. એમની યાદમાં ૨૨ ડિસેમ્બરના દિવસને ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

        અહી આપણે એ વાતની નોંધ કરવી રહી કે રામાનુજમે એમની નાનપણ અવસ્થામાં ઘણી જ કાઠીનાઈઓ અને સંઘર્ષોનો સામનો કરેલો, જેના કારણે એમની પ્રતિભા ખીલી શકી ણ્હઈ, પણ એમને તો ડો. હાર્ડીનો સાથ મળી ગયો હતો. આજે વર્તમાનમાં આપણા દેશમાં ઘણા આવા યુવાનો છે જેમને આપણે શોધવાના છે અને સાથ આપવાનો છે. આ માટે શાળા, વિશ્વવિધાલયમાં શિક્ષકો અને પ્રોફેસરોની સાથે સમાજના મોવડીઓ અને સંશોધન સંસ્થાઓમાં કામ કરતા સંશોધકોએ પણ આવા યુવાનોને શોધીને એમને તૈયાર કરવા પડશે.    

( આ સંપાદિત લેખ છે. સંપાદન માટેના અંશો : વિકિપીડિયા અને વિશ્વના મહાન ગણિતશાસ્ત્રીઓ પુસ્તકમાંથી તેમજ શ્રીનિવાસ રામનુજમની બાયોગ્રાફી માંથી લેવામાં આવ્યા છે. )

Saturday, November 2, 2019

વિચારોનું વાવાઝોડું

                

      જીવન એટલે સતત ચાલતા વિચારોની જંજાળ. માણસના શીખવાની શરૂઆત પણ વિચારવાથી જ થાય છે. વિચારોનું વાવેતર આમ તો નાનપણથી જ શરૂ થઈ જાય છે. કદાચ જન્મ લેનારું દરેક બાળક પણ નવી દુનિયામાં આવતાની સાથે જ વિચાર કરતું હશે કે ચાલો આવી ગયા નવી દુનિયામાં, જ્યાં કોઈ તો એવું મળશે અને હશે કે જે મને સમજતું હશે. એ પણ મારા કઈ બોલ્યા વિના, ફક્ત ઈશારાઓથી અને હાવભાવથી જ બાળકની દરેક બાબતોને સમજી લેતી માતાએ બાળકોના વિચારોમાં કેન્દ્રસ્થાને હોય છે. સતત પોતાની આસપાસ વિકસતી જતી દુનિયામાં પોતાનાઑ સાથે પરિચય થયા બાદ જ તેને જીવન ગમવા લાગે છે. 

           વાત કરીએ વિચારોની તો જ્યારથી માણસ કઈ સમજતો થાય ત્યારથી જ અવનવા વિચારો કરવા લાગે છે. આમ-તેમ કઈ ને કઈ કરી નાખવાની મથામણમાં તે સતત વિચાર-મગ્ન રહેતો હોય છે. વિચારવાથી જ માણસ બીજી પ્રજાતિઓથી અલગ પડે છે. પ્રાણીઓ કે બીજા પશુઓ - પંખીઓ પોતાની મેળે કઈ વિચારી શકતા નથી. એટલે જ માનવ વિચારોની તાકાતથી જ આ બધી સૃષ્ટિ પર પોતાનું આધિપત્ય સ્થાપવાની કોશિશ કરતો જોવા મળે છે નિરંતરપણે !

        વિચારોનું આ વાવાઝોડું ઘણીવાર સર્જનાત્મક પણ હોય છે અને ન કરે નારાયણ તો એ વિચારોના કારણે જ મહાવિનાશ સર્જાતો હોય છે. વર્તમાન મહાસત્તાઓની પાસે રહેલી અણુ-પરમાણુ જેવી વિસ્ફોટક અને વિનાશકારી હથિયારોની પેદાશ એ સમગ્ર વિશ્વને પોતાની તાકાત હેઠળ લાવવાની જ વિચાર પ્રકિયાનું એક જીવંત ઉદાહરણ છે. વિચારોના કારણે જ માનવ જીવથી લઈને શિવ સુધીની યાત્રા કરી શકે છે અને એના જ મનમાં ઉદ્ભવતી નકારાત્મક વિચારોની માયાજાળ તેને દેવમાંથી દાનવ પણ બનાવી દેતો હોય છે. વિચારોની જ આ ક્રાંતિ થકી માનવ આજે આવકાશ સુધીની સફર ખેડી ચૂક્યો છે. એ માનવજાતની વિચારયાત્રાનું પરિણામ છે કે માનવ હવે નવી પૃથ્વીની શોધખોળ માટે અવકાશ તરફ મીટ માંડીને બેઠો છે અને સતત નવીન સંશોધનો કરતો જ રહેતો હોય છે. 

          વિચારોનું આવન-જાવન મનની સ્થિતિ પર આધારિત હોય છે, જેને તે રોકી શકતો નથી. બની શકે તો કોઈને કોઈ કાર્ય વડે તેને નિયંત્રિત કરી શકાય છે. નવરાશના સમયમાં તો માણસને હજારો વિચારો આવ્યા જ કરે છે અને સતત એ અવનવા વિચારોની આસ-પાસ પોતાની દુનિયા બનાવતો રહેતો હોય છે. જો એ વિચારોને યોગ્ય દિશા ન મળે તો એ કોઈ અણગમતા પગલાઓ પણ લઈ લે છે. નવી દિશા મળતા જ રચનાત્મક કાર્યોની શરૂઆત થઈ જાય છે. 

          વિચારોનું આ વંટોળ માણસને પોતાની અંદર આત્મદર્શન પણ કરાવે છે. માણસ પોતાને ઓળખીને જીવનને એક શ્રેષ્ઠ મુકામ પર લઈ જવા પ્રયાસ કરી શકે છે. વિચારો તો તમે કોઈ સામ્રાજ્યના રાજા અને વિચારો તો તમે નિજાનંદી થઈ શકો છો. વિચારો થકી જ ઉત્તમ માનવનું નિર્માણ થઈ શકે છે. જેના વિચારો ઊંચા હોય તે માનવ જ જીવનને સુંદર બનાવીને પોતાની આસપાસના સમસ્તને એક ઉત્તમ વાતાવરણ આપી શકે છે જ્યાં હોય સૌને વિચારવાની સ્વતંત્રતા.

                   "  ઝાટક્યો પલંગ ત્યાં તરત બહાર નીકળ્યા...
                             ઓશિકાની ખોળમાંથી પણ વિચાર નીકળ્યા..!!! "
                                                                                                                   ~ કુલદીપ કારિયા