Wednesday, July 28, 2021

વિરલ વિભૂતિઓ : ઇશ્વરચંદ્ર વિધાસાગર

 

        ભારત એટલે વિવિધતાઓનો ભરેલો મહાસાગર. આ મહાસાગરના મોતીડાઓમાં ભારતના વિધારત્નોનો પણ સમાવેશ કરી શકાય. આ વિધાના ઉપાસકોના કારણે જ ભારત પ્રાચીન સમયથી જ જ્ઞાનના પૂજારીઓ માટે મંદિર સમાન હતો. અહીં આવેલી વિવિધ વિધાપીઠોમાં જ પુરાત્તન સમયના ગ્રંથોની સાથે વેદ, વેદાંત અને ઉપનિષદોનું શિક્ષણ આપવામાં આવતુ હતું. નાલંદા અને તક્ષશિલા જેવી સમર્થ વિધાપીઠોના વિધાર્થીઓનો વિશ્વમાં ડંકો વાગતો. આવા જ વિધાના ઉપસકોમાં જેમનો સમાવેશ થાય છે એમનું નામ છે ઇશ્વરચંદ્ર વિધાસાગર.

         ઇશ્વરચંદ્ર વિધાસાગરનો જન્મ કલકત્તામાં ૧૮૨૦ માં ૨૬ સપ્ટેમ્બરના રોજ થયો હતો. તેઓ એક ફિલસૂફ, શૈક્ષણિક શિક્ષક, લેખક, અનુવાદક, પ્રિન્ટર, પ્રકાશક અને ઉધોગ સાહસિક તેમજ પરોપકારી સમાજ સુધારક હતા. જ્ઞાન માટેની તેમની જીજ્ઞાસા એટલી પ્રબળ હતી કે તેઓ ગલીના પ્રકાશ હેઠળ અભ્યાસ કરતા હતા, કારણકે તેમના ઘરે ફાનસનો દીવો પણ પોસાય એમ ન હતો. તેમણે અભ્યાસકાળ દરમિયાન દરેક પરીક્ષાઓ શ્રેષ્ઠતા સાથે અને ખુબ જ પરિશ્રમથી પાસ કરી હતી. તેમના અભ્યાસ દરમિયાન તેમને અનેક શિષ્યવૃતિઓ મળી હતી.

        આ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર વધુ અભ્યાસ માટે સંસ્કૃતની કોલેજ, કલકત્તમાં જોડાય છે અને ૧૨ વર્ષના અભ્યાસ દરમિયાન વેદ, વેદાંત, વ્યાકરણ, સ્મૃતિ, અને ખગોળશાસ્ત્રનો ઉત્તમ અભ્યાસ કરે છે. વર્ષ૧૮૩૯માં તેમણે કાયદાની પરીક્ષા પાસ કરી અને માત્ર વીસ જ વર્ષની વયે તેઓ સંસ્કૃત વિભાગના વડા તરીકે ફોર્ટ વિલિયમ કોલેજ, કલકત્તમાં જોડાયા હતા. ૧૮૪૬માં ત્યાંથી નીકળીને તેઓ સંસ્કૃત કોલેજમાં સહાયક સચિવ તરીકે જોડાય છે. પોતાની સેવાના પહેલા જ વર્ષમાં તેમણે વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં ઘણા ફેરફારો સૂચવ્યા પરંતુ એને કારણે કોલેજના સેક્રેટરી સાથે વિરોધ થવાથી તેમણે સંસ્કૃત કોલેજમાં રાજીનામું આપ્યું અને ફરીથી ફોર્ટ વિલિયમ કોલેજના મુખ્ય કારકુન બન્યા હતા. ૧૮૫૬માં તેમણે બ્રીષા હાઈસ્કુલની સ્થાપના કરી હતી.

         ખાસ તો તેમણે શિક્ષણમાં સુધારાઓ માટે ઘણા કાર્યો કર્યા હતા. તેમણે વિધવા પુર્ન વિવાહને ઉત્તેજન અને બ્રાહ્યણોમાં બહુપત્નીત્વના જુના રિવાજો પર પણ પ્રતિબંધ મુકાવ્યો હતો. તેમણે સંસ્કૃત કોલેજમાં આધુનિક શિક્ષણ પર ભાર મૂકયો હતો. ઇ.સ૧૮૪૯ માં તેમણે કલકત્તમાં પ્રથમ છોકરીઓ માટેની શાળાની શરૂઆત કરી હતી. તેઓ ઘણા બધા અલગ-અલગ વર્તમાનપત્રો સાથે સંકળાયેલા હતા અને સમાજના વિવિધ પ્રશ્રનો માટે ખુબ જ ચોટદાર લેખ પણ લખતા હતા. આવા આપણા ઇશ્વરચંદ્ર વિધાસાગરને આજે પણ પશ્રિમબંગાળમાં ખુબ જ આદર સાથે યાદ કરવામાં આવે છે. ઘણા બધા રાજયોના પાઠયપુસ્તકોમાં પણ તેમને અને તેમની રચનાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

Tuesday, July 27, 2021

સર્જનની સરવાણી-૪૮

 

        આચાર અને વિચાર માનવજીવનની બે મહત્વની સાંકળ છે. ઘણીવાર કહેવાય પણ છે કે જેવો આહાર તેવો વિચાર અને જેવો વિચાર તેવો જ વ્યવહાર. આમ કોઇપણ વ્યકિતનું આચરણ તેના વિચારોની ગુણવત્તા પર નભે છે. જો કોઇપણ માણસમાં તમે પરિવર્તનની આશા રાખતા હોવ તો સૌ પ્રથમ તમારે તેના વિચારોને બદલવા જ પડશે. એટલે જ એક સારા અને સંગઠિત સમાજનું નિર્માણ પણ સારા વિચારશીલ માણસો પર નિર્ભર છે. સક્ષમ રાષ્ટ્રના વિકાસ માટે તેના નાગરિકોના વિચારોની ગુણવત્તા ખુબ જ અગત્યની છે, અને લાંબા સમયના અંતરે તે સપષ્ટ રીતે નજર સામે આવે પણ છે. આ માટે આચાર્ય વિનોબાજી ભાવેના જીવનનો એક પ્રસંગ જોઇએ.

     આચાર્ય વિનોબા ભાવે મહારાષ્ટ્રના કોઇ એક ગામમાં જન્મેલા અને ત્યાં જ ભણી-ગણીને મોટા થયા હતા. એમના જીવનની કેળવણીમાં એમના માતાજીનો ખુબ જ મોટો સહયોગ હતો. એમની માતા પાસેથી જ વિનોબાજી જીવનના અમૂલ્ય કહી શકાય એવા પાઠો શીખ્યા હતા. એકવારની વાત છે. વિનોબાજીના ઘરમાં એક ફણસનું ઝાડ હતું. ફણસના ઝાડ પર મોટા પેશીઓવાળા ફળો આવતા. વિનોબાજી અને એમના ભાઇ-બહેનો દરરોજ વાટ જોતા કે થોડા જ દિવસોમાં આ ફણસના ઝાડ પરથી ફળ ઉતારવામાં આવશે અને આપણને એનો મીઠો સ્વાદ ચાખવા મળશે. એકવાર એમણે જોયું કે આ ઝાડ પરથી ફળો કોઇએ ઉતારી લીધા હતા. એમના આશ્રર્યની વચ્ચે એમણે જોયું કે એમના માતાજી એ જ આ ફળો ઉતારી લીધા હતા. માતાજી એમને સાફ કરીને ફણસને ફોલીને એમાંથી પેશીઓ અલગ કરી રહ્યા હતા. થોડી જ વારમાં બધા જ બાળકો એમની આસપાસમાં ગોઠવાઇ ગયા અને વાટ જોવા લાગ્યા કે હમણા જ મારા મોંઢામાં પહેલી પેશી આવશે અને એનો મીઠો રસાસ્વાદ માણીશું.

         પરંતુ એમના આ કુતુહલની વચ્ચે માતાજી કહે છે કે “ વિનીયા આ વાટકામાં પહેલી ચીર લઇને તું પાડોશીના ઘરે આપી આવ, કારણકે આ ફણસનું ઝાડ માત્ર આપણા જ ફળિયામાં નથી પરંતુ એમના ફળિયામાં પણ એનો છાંયડો જાય છે અને એમણે પણ આ ફળોને જોયા છે એટલે એમનો પણ આ ફળો પર હક લાગે છે ”.

         ત્યાર બાદ એમણે ફરી બીજા પાડોશીને આપવા માટે પણ મોકલ્યા અને પછી એક-બે ચીર એમના દાદાજી અને બીજા વડીલોને આપવા માટે કહ્યું. આમ બધાને આપ્યા પછી છેલ્લે જે ચાર-પાંચ પેશીઓ વધી હતી તેને એક વાટકામાં આપતા કહ્યું કે હવે તમે બધા ભાઇ-બહેન ભેગા મળીને આ પેશીઓને વહેંચીને ખાઇ લેજો. આમ નાનપણથી જ એમના માતાજીએ એકબીજા સાથે વહેંચવાના સંસ્કારોનું અને એવા જ સુંદર વિચારોનું વાવેતર કરેલું અને ખુબ જ સરસ કેળવણી આપેલી.

         આ વિચારોની જ એ કરામત ગણી શકાય કે આપણા શ્રી વિનોબાજી ભાવે એ સમગ્ર ભારતમાં ગરીબ અને વિચરતી જાતિના લોકો માટે ભૂદાન યજ્ઞનો સંકલ્પ કર્યો અને એ સંકલ્પને સફળતાપૂર્વક પાર પણ પાડેલો. ઘણા બધા ભારતીયોને એમાં સાંકળીને એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપેલું. આમ આ વાતનો સાર એટલો જ છે કે નાનપણથી જ જેવા વિચારોવાળું વાતાવરણ તમારી આસપાસ હોય છે એવું જ તમારું ઘડતર થાય છે. માટે હર હંમેશ સારા વિચારોને વાંચવા પણ જોઇએ અને જીવનમાં ઉતારવા પણ જોઇએ.

Sunday, July 25, 2021

સર્જનયાત્રાનું મંથન-૧૩

        આપણા મનનો આ અજીબ વિરોધાભાસ છે કે જીવન જો બહુ સરળ હોય, તો આપણને તેનો કંટાળો આવે છે. જીવન જો બહુ આકરું હોય, તો આપણે વ્યાકુળ થઈ જઈએ છીએ. આપણે સરળતામાં ઉબાઈ જઈએ છીએ, અને તકલીફોમાં થાકી જઈએ છીએ. સુખ આ બંને અંતિમો વચ્ચેના તંદુરસ્ત સંતુલનમાં છે. હકીકતમાં, જીવન સરળ કે આકરું બનવા માટે નથી. જીવન સામે આવતી ક્ષણોને જીવીને આગળ વધી જવા માટે છે. આપણે એ ક્ષણોને નિયંત્રિત કરવાનીકોશિશ કરીએ છીએ, એમાં મુસીબત થાય છે. આપણી માનસિક અને ભાવનાત્મક શાંતિમાં ખલેલ ન પાડે, તેવી તમામ ઉત્તેજનાઓ અને સંઘર્ષો જીવનને આનંદદાયક બનાવે છે. 

        આપણે તનાવ વગર જીવી ન શકીએ, પણ આપણે જ્યારે વ્યક્તિ કે વસ્તુને બદલે કોઈ લક્ષ્ય સાથે સુખને જોડીએ, તો તે સંઘર્ષ અર્થપૂર્ણ બને છે. સુખ હોય કે દુઃખ, એ જો અર્થપૂર્ણ ન હોય, તો આપણને બોરડમ આપે છે. જીવન જહાજ જેવું છે. એનું કામ તોફાની સમુદ્રમા ઉતરવાનું છે, કિનારે લાંગરેલું રહેવાનું નહીં. 

Tuesday, July 20, 2021

સર્જનની સરવાણી-૪૭

 

        કપિલવસ્તુ નામની નગરીમાં રાજા શુદ્ધોદન રાજ કરતા હતા. એમને માયાદેવી નામની રાણી હતી. આ રાણી માયાદેવી અને રાજાનો એક પુત્ર હતો જેનું નામ હતું સિદ્ઘાર્થ. પુત્ર જન્મ વખતે રાજાએ તો સમગ્ર રાજયમાં ઉજવણી કરાવી અને ચારે તરફ હર્ષ-ઉલ્લાસ થયો. થોડા વખત પછી રાજાએ જયોતિષીને બોલાવીએ બાળકના જોષ જોવા કહ્યું ત્યારે જયોતિષીએ કહ્યું કે તમારો પુત્ર મહાન ચક્રવતીં રાજા બનશે અથવા તો એક મહાન સંન્યાસી બનશે.

        રાજા શુદ્ધોદન તો મુંજાઇ ગયા કે જો પુત્ર સંન્યાસી બનશે તો આ રાજ-પાટ અને ગાદી કોણ સંભાળશે. એમ વિચારીને એમણે સિદ્ઘાર્થની આસપાસ આનંદ-પ્રમોદ અને મોહ-માયા ભરેલા સાધનોની સગવડો ઊભી કરાવી. દાસ-દાસીઓને પણ હુકમ ફરમાવવામાં આવેલો કે રાજકુમાર સિÚાર્થને સપનામાં પણ સંન્યાસ લેવાનો વિચાર ન આવે તેટલા સુખ-સાહ્યબી આપવા. રાજકુમાર મોટો થતા એના યશોધરા નામની રાજકુમારી સાથે લગ્ન થયા. સિદ્ધાર્થના ઘરે પુત્રનો જન્મ થયો જેનું નામ રાહુલ રાખવામાં આવ્યું. હવે તો રાજા શુદ્ઘોદનને પૂર્ણ વિશ્વાસ થઇ ગયો કે હવે તો સિદ્ધાર્થ કયારેય પણ સંન્યાસી બનશે નહીં. પણ સમયની ગતિને કોણ બદલી શકે છે?

      એકવાર સિદ્ધાર્થ પોતાના સારથી છન્નની સાથે નગરમાં ફરવા માટે જાય છે. જતા જતા શરૂઆતમાં જ એમણે એક રોગી માણસને જોયો જે પીડાથી કણસતો હતો. થોડા આગળ ગયા ત્યાં એમણે કેડેથી વળી ગયેલા એક વૃદ્ઘને જોયા જે પોતાની અંતિમ અવસ્થામાં ઇશ્વરને બોલાવી રહ્યા હતા. પછી આગળ જતા રસ્તામાં એક સંન્યાસીને પ્રસન્ન ચિત્તે ધ્યાન કરતા જોયા. ત્યાંથી આ બધું જોયા પછી આગળ જતા જતા રસ્તામાં પોતાના સારથીને પૂછયું કે આ લોકો આવા કેમ છે?

        સારથિ છન્ન સિદ્ઘાર્થને આ બધી બાબતો વિશે સમજાવતા કહે છે કે “ કુમાર ! આ આપણું શરીર નાશવંત છે અને અનેક રોગોથી ભરેલું છે. આ રોગ એટલે જ દુ:ખ, પીડા અને વ્યાધિ. આ જગત આવા જ અનેક દુ:ખોથી ઉભરાય છે. આ દુ:ખોથી મુકિતનો એક જ ઉપાય છે સાચા જ્ઞાનની પ્રાપ્તિ. આ જ્ઞાન મેળવવા માટે સંન્યાસ લેવો જોઇએ.

        આ બધી વાતો જાણતા-જાણતા રાજકુમારના મનમાં ઘણું દુ:ખ થયું અને તે પોતાના માટે પણ સતત વિચારવા લાગ્યો. એને જરા પણ ચેન પડતું નથી. નજર સામેથી પેલા રોગી, વૃધ્ધ અને સંન્યાસી જતા જ નહોતા. પોતાને પણ આવો રોગ થશે અને આટલી પીડા અને તકલીફો સહન કરવી પડશે એવી વાતોની ચિંતાથી તેનું મન આકુળ-વ્યાકુળ થઇ ગયું અને એક દિવસ પોતાનું પણ મોત થશે એવા વિચારોથી તે ઘેરાવા લાગ્યો. આ બધાનાં કારણમાંથી છુટવા માટે તેણે પરિવાર, પુત્ર અને રાજ-વૈભવ છોડીને સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો. એ જ રાત્રે જ પોતાના પુત્ર રાહુલ અને પત્ની યશોધરાને ઊંઘતા મૂકીને ચાલી નીકળ્યા. જેને બૌદ્ઘ ધર્મમાં મહાભિનીષ્ક્રમણ કહેવાય છે.

        સંન્યાસી સિદ્ઘાર્થે જંગલમાં જઇને કઠોર તપસ્યા આદરી. આત્મજ્ઞાન અને જીવનના સત્યની શોધમાં એણે પોતાના શરીરને ઓગાળી નાખ્યું. અંતમાં પીપળાનાં વૃક્ષ નીચે એમના તપના ઓગણ-પચાસમાં દિવસે જ્ઞાનની પ્રાપ્તિ થઇ. સત્યનો બોધ થવાથી તેમનું નામ બુદ્ઘ પડયું. આ જ્ઞાન મેળવ્યા બાદ એમણે અલગ-અલગ જગ્યાએ જઇને લોકોને એની પ્રતિતી કરાવી. એને ધર્મચક્ર પરિવર્તન કહેવાય છે. 

        અનેક લોકોને એમણે દીક્ષા અને શિક્ષા આપીને જીવનને ઉન્નત બનાવવા તરફ પ્રેર્યા. એમણે સ્થાપેલો પંથ બુદ્ઘ ધર્મ તરીકે ઓળખાયો. વિશ્વનાં ઘણા દેશોમાં તેનો ફેલાવો થયો અને ઇતિહાસ પ્રમાણે મહાન સમ્રાટ અશોકે પણ કલિંગના યુદ્ઘમાં વિજય મેળવ્યા બાદ શાંતિની સ્થાપના માટે બુદ્ઘ ધર્મ અંગીકાર કરેલો અને પોતાના પુત્ર અને પુત્રી દ્વારા  તેનો પ્રચાર પણ કરવ્યો હતો. એમના મૃત્યુને મહાપરિનિર્વાણ તરીકે ઓળખવામાં આવે છે.

સર્જનવાણી : જીવન અનેક તકલીફો અને સમસ્યાઓથી ઘેરાયેલુ છે. જીવનમાં શાંતિ અને પ્રગતિ માટે સારા વિચારોની વાવણી આવશ્યક છે. જેવા વિચારો કરશો એવા તમે બનશો.

Sunday, July 18, 2021

સર્જનયાત્રાનું મંથન-૧૨

 

ઘેલછા સમાજના સાધારણ વર્ગમાંથી ન આવે. એ વર્ગને જીવન ટકાવી રાખવાની ચિંતા હોય. તેને ખુદનું નુકશાન થાય તેવું આચરણ ન પોષાય. સમાજના તળિયેથી જે આવે તે ક્રાંતિ હોય. ઘેલછા સમાજના ઉપરના સત્તાધારી, ધનવાન, એલિટ વર્ગમાંથી આવે, કારણ કે તેને સર્વાઇવલની ચિંતા નથી હોતી. તેની ફિકર સત્તાની હોય છે. દુનિયાના કોઈપણ સમાજનો ઇતિહાસ તપાસી લેજો, સમાજનો એલિટ વર્ગ જ્યારે સાધારણ વર્ગ પર હાવી થઈ જાય, ત્યારે તે સમાજમાં દરેક પ્રકારનાં ગાંડપણ શક્ય થઈ જાય છે. એલિટ વર્ગ સાધારણ વર્ગને કેવી રીતે વશમાં કરે? તેના વિચારો અને લાગણીઓનો દોર પોતાના હાથમાં રાખીને.

Tuesday, July 13, 2021

સર્જનની સરવાણી-૪૬

        

        વિચારોનું કરીએ વાવેતર અંતર્ગત અહીંયા નવા નવા વિચારોને સ્થાન આપવામાં આવે છે, પણ આજે એક જાત અનુભવ લખવો છે. કદાચ કોઇ વિચાર કોઇને પણ સ્પર્શી જાય અને એમના જીવનમાં બદલાવ આવે તો પણ આ મેગેઝિન સફળ થઇ જશે. સ્વામી વિવેકાનંદ એમના એક પુસ્તકમાં કહે છે કે, સુવિચારોને વાંચવાની સાથે સાથે જીવનમાં ઊતારવા જોઇએ. જો કોઇ વ્યકિતએ માત્ર પાંચ જ સુવિચારોને બરાબર પચાવ્યા હશે તો તે વ્યકિત આખી લાઇબ્રેરી વાંચી ગયેલા માણસ કરતા પણ વધારે શિક્ષિત ગણાય છે.

        બાળપણથી જ મને વાંચવાનો શોખ રહ્યો છે અને અલગ-અલગ પુસ્તકોના વાંચનથી એને પોષવાની તક એક પુસ્તકાલય સિવાય કોણ પૂરી કરી શકે? આવા જ કોઇ હેતુસર વારંવાર પુસ્તકાલય જવાનું બને છે. એકવાર હું મારા જ વિસ્તારમાં આવેલી જે.ડી.ગાબાણી પુસ્તકાલયમાં ગયો હતો ત્યારે ત્યાં એક માતા પોતાના પાંચ વર્ષના બાળક સાથે પુસ્તક લેવા આવેલી. હું કાઉન્ટર પર પુસ્તકની આપ-લે કરતો હતો ત્યારે કાન પર શબ્દો પડયા “ બેટા તારે કયું પુસ્તક વાંચવા લઇ જવુ છે? ”

        આ શબ્દો સાંભળતા જ અંતરમાં આનંદની અનુભૂતિ થઇ અને તે માતાને વંદન કરવાનું મન થઇ ગયું. આ માતાએ પોતાની સાથે પાંચ વર્ષના બાળકને પુસ્તકાલયમાં લાવીને એક ક્રાંતિકારી પગલાની શરૂઆત કરી છે. એ નથી જાણતી કે પોતે કેટલા મહાન વિચારને અપનાવી રહ્યા છે. પોતાના બાળકને ખુબ જ નાની ઊંમરથી જ પુસ્તકોની એક અદ્‌ભૂત દુનિયા આપી રહી છે. વંદન છે આવી માતાઓને. એમના એ પગલાને કારણે એ બાળક અવનવા પુસ્તકોથી પરિચિત થશે અને વિશ્વમાં થઇ ગયેલા અને વર્તમાનમાં હયાત હોય એવા અનેક મહાન લેખકો, કવિઓ, સર્જકોની વચ્ચેથી પસાર થશે અને સરસ્વતીના ઉપાસકોને માણશે અને જાણશે. પોતાના જીવનનો રસ્તો પોતે જાતે જ કંડારશે. આપણે પણ આપણા બાળકોને પુસ્તકોનો વારસો આપીએ. ધન્ય છે આવી માતાઓને..ધન્ય છે ગરવી ધરા ગુજરાતની. 

Sunday, July 11, 2021

વિવેકાનંદની વાણી : મણકો-૭

 

        સ્વામી વિવેકાનંદ એટલે ભારતીય ભૂમિની અનમોલ ધરોહર અને વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડનાર આપણા એક મહાન વિભૂતી. આ વિવેકાનંદ નાનપણથી જ ખુબ જ હોશિયાર અને વિવેકી હતા. જે કોઇ વસ્તુ વિશે જાણવાની જીજ્ઞાસા જાગે તેના માટે તેઓ કોઇપણ આકરી પરીક્ષા આપવા માટે કે સંકલ્પ કરવા માટે પણ તૈયાર થઇ જતા હતા. દ્યર્મ અને સત્યની તેઓ સાદ્યના પણ, જે દ્યર્મ કોઇ ગરીબના દુ:ખના મટાડી શકે કે કોઇ વિધવાના આંસુઓ લુંછીના શકે તો તેઓ તેમને માનતા નહોતા. હંમેશા તેઓ બીજાની તકલીફો વિશે ચિંતન મનન કરતા રહેતા હતા.

        તેઓ લાચારી અને માંયકાંગલાઓ જેવી વૃતિઓ વાળા માટે કહે છે કે આપણા આ ભારતદેશમાં જો કેટલાકને મોઢામાં કોળિયો જમાડી દેવામાં આવે તો તેઓ પોતાના હાથથી એટલું પણ કષ્ટ લેવા તૈયાર નથી. આપણા જ આ યુવાનોએ સ્વાશ્રયી બનવાની ખુબ જ જરુર છે. જે કામ હું કોઇ બીજા માટે કરવા માટે જો તૈયાર ન હોવ તો મને કોઇ હક નથી કે હું એમની પાસે મારુ કામ કરાવી લઉં, આવું વિવેકાનંદ હંમેશા કહેતા અને પોતાના આચરણથી પણ સમજાવતા હતા. તે સપષ્ટપણે વાત કરતા કે બીજા કોઇ એટલે કોઇ તમારી મદદ કરી શકે જ નહીં જો તમે જાતે જ તમને મદદ ના કરો તો. કોઇ પણ આપદા કે ગમે તેવી મોટી મુશ્કેલીઓ ભલે આવી જાય પણ આપણા સ્વયં સિવાય કોઇ આપણો બેડો પાર લગાવી શકે જ નહીં.

સર્જનયાત્રાનું મંથન-૧૧

       ન્યાય જ્યારે નૈતિકતાને બદલે કાયદો અને વ્યવસ્થાથી વ્યાખ્યાયિત થાય, ત્યારે અનૈતિકતાને પણ કાયદાની મદદથી ઉચિત ઠેરવી શકાય. કોઈક બાબત કાનૂની છે, એનો અર્થ એ નથી કે તે નૈતિક છે. દાખલા તરીકે, જૂઠ બોલવું એ અનૈતિક છે, પરંતુ કાનૂનની નજરમાં એ માન્ય છે. કોઈને આપેલા વચનને કાનૂનની મદદથી તોડી શકાય છે, પરંતુ નૈતિક દ્રષ્ટિએ એ બરાબર નથી. પ્રેમમાં બેવફાઈ અનૈતિક છે, પરંતુ કાયદાકીય રીતે તેને ઉચિત ઠેરવી શકાય છે. કાનૂન ન્યૂનતમ રીતે કેટલો વ્યવહાર સ્વીકાર્ય છે તે નક્કી કરે છે, જ્યારે નૈતિકતા સ્વીકૃતિનું મહત્તમ સ્ટાન્ડર્ડ નક્કી કરે છે.

      કાનૂન નિશ્ચિત સ્થિતિમાં નિયમોના પાલનનો આગ્રહ રાખે છે. નૈતિકતા જીવનના તમામ ક્ષેત્રોમાં સદાચારની ભલામણ કરે છે. કાનૂનને આચરણ સાથે જ લેવાદેવા હોય. નૈતિકતાને વિચારો અને ભાવનાઓની શુદ્ધતાની પણ ફિકર હોય છે. એટલે સમાજમાં કાયદો- વ્યવસ્થા પર આધાર વધી જાય, તેમાં નૈતિકતાનું ધોરણ વધી જાય.

Tuesday, July 6, 2021

સર્જનની સરવાણી-૪૫

 

        જીવનને સ્પર્શ કરતો એક સદગુણ-પ્રમાણિકતાની. પ્રમાણિકતા જીવનને માન-સન્માન અને એક આદર્શ આપે છે. સમાજમાં પૈસાની સાથે જો પ્રમાણિકતા નહીં હોય તો તે પૈસાદાર વ્યકિતનું પણ થોડા જ દિવસમાં પતન થઇ જશે. માટે આપણે વાત કરવી છે કે કેવી રીતે આપણે પ્રમાણિકતા નામનો ગુણ બાળપણથી જ જો નાના બાળકમાં ખીલવવામાં આવે તો સમય જતા ખુબ જ સારા પરિણામો મેળવી શકાય છે. એક સામાજીક પ્રાણી તરીકે સમાજમાં જીવતો કોઇપણ માણસ પૈસાની સાથે માન-મોભો અને પ્રતિષ્ઠાની પણ ખેવના રાખે છે.

        મોટેભાગે એવું જોવા મળે છે કે જયાં પૈસા કે રુપિયા હોય ત્યાં પ્રમાણિકતા હોય જ નહીં અને જયાં પ્રમાણિકતા હોય ત્યાં પૈસા જોવા મળતા નથી. આવી વાતોને મનમાં લઇને ચાલતા લોકોની સામે એ દલીલ કરવી છે કે સરદાર વલ્લભભાઇ પટેલ, ગાંધીજી, રવિશંકર રાવળ, સ્વામી વિવેકાનંદ, અબ્રાહમ લિંકન, જેવા અનેક નામ આપની નજર સામે આવશે ત્યારે એ વાત કરવી છે કે શા માટે દુનિયા આ લોકોને યાદ કરે છે ? શું આ લોકો પૈસાદાર હતા એટલા માટે યાદ કરે છે? તો જવાબ છે કે ના, માત્રને માત્ર પ્રમાણિકતા અને ચારિત્ર્યને કારણે જ આ લોકોને આજે પણ યાદ કરવામાં આવે છે અને હંમેશા યાદ કરતા રહેશે.

        અહીં એ વાત કરવાનું મન થાય છે કે શું આપણે બાળકોને માત્ર પૈસાદાર બનાવવાનું જ શીખવવાનું છે. જો પ્રમાણિકતાનો ગુણ નહીં શીખવીએ તો આ બધું જ નકામું છે અને એ પૈસા પણ એને આનંદ કે પ્રતિષ્ઠા નહીં આપી શકે. માટે જ એક જાગૃત અને શિક્ષિત માતા-પિતા તરીકે આપણે આપણા બાળકોને પ્રમાણિક બનતા શીખવીશું. અહીંયા એ માટે કેટલીક વાતો રજુ કરીશ કે કઇ-કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

        બાળકની સામે એની હાજરીમાં હંમેશા પ્રમાણિકતા ભરેલું વર્તન કરવું જોઇએ. પ્રમાણિકતાના ઉદાહરણો આપતી વાતો તેને કરવી જોઇએ. કયારેય પણ તેની સામે ખોટું બોલવું જોઇએ નહીં. બાળક સાથે ચર્ચા અને વિચારણા કરવા માટે દરરોજ અડધો એક કલાક ફાળવવો જોઇએ. તેને જીવવના અનુભવો કહેવા જોઇએ.

        માતા-પિતાએ એક વાલી તરીકે બાળક સામે પોતે જ એક આદર્શ બનવું જોઇએ. બાળકને એ માટે પ્રોત્સાહન આપવું જોઇએ. બાળકને તેના સારા વાણી-વર્તન બદલ બિરદાવવો જોઇએ. કોઇ અયોગ્ય ઘટનાની ચર્ચા બાળકની હાજરીમાં કરવી જોઇએ નહીં. તેની સારપની વાતો બધાને કરવી જોઇએ. પડોશમાં કે કોઇપણ પરિચિતની સામે બાળકે પ્રમાણિકતાનું ઉદાહરણ પુરુ પાડયું હોય તો તેની રૂબરુ મુલાકાત લઇને તેને પ્રોત્સાહન આપવું જોઇએ. બાળકને અપ્રમાણિક વ્યકિતઓથી દુર રાખવા જોઇએ.

        જયારે પણ શાળાની મુલાકાત માટે શિક્ષક કે આચાર્ય બોલાવે ત્યારે બાળકને સાથે લઇને જવું જોઇએ અને તેના વાણી-વર્તન અને ગુણોની ચર્ચા કરવી જોઇએ. શાળામાં પણ તેના સદ્‌ગુણોની પરખ થાય તેવો ઉત્સાહ આપવો જોઇએ. દરેક બાળકને મદદ કરે અને શાળામાં પણ કોઇને કોઇ પ્રવૃતિઓ સાથે સંકળાઇને કે બીજા બાળકો સાથે સામુહિક કાર્યક્રમોમાં ભાગ લઇને પણ પ્રમાણિકતા અને ઇમાનદારી કેળવે તેવા પ્રયત્નો વાલી અને શાળાએ સાથે મળીને કરવા જોઇએ.

        અહીંયા સવાલ એ પણ ઊભો થાય કે આટલું શીખવ્યા પછી અને આ બધી કાળજીઓ પછી આપણા બાળકમાં રહેલી કે વિકસેલી પ્રમાણિકતાની કઇ રીતે ખબર પડે? તો એના માટે એના વર્તનનું દરરોજ નિરીક્ષણ કરો. એ ઘરના કામમાં ધીમે ધીમે મદદ કરતો થઇ જશે. આડોશ-પાડોશમાં પણ સૌને નાની-મોટી સહાયતા કરશે. પોતાના મિત્રો અને સહાધ્યાયીઓને પણ કોઇને કાઇ સ્વરૂપે મદદ કરવા તત્પર રહેશે. બધાની સાથે વિવેક અને સાદગીપૂર્ણ વર્તન કરે અને કોઇપણ અનિચ્છનીય ઘટના અંગે જાગૃતિ કેળવશે. આમ આ પ્રમાણિકતાના ગુણથી બાળકના વ્યકિતત્વ વિકાસમાં એક યશ કલગી ઉમેરી શકાય છે. તો તમે પણ આજથી જ આ પ્રયત્ન કરશો ને?

Sunday, July 4, 2021

સર્જનયાત્રાનું મંથન-૧૦

        

      જે સમાજની પાસે સપનાં ઓછાં અને સ્મૃતિઓ વધુ હોય છે, તે તેની દરેક સમસ્યાઓનાં સમાધાન ભૂતકાળની ભવ્યતામાં શોધે છે. લોકો જ્યારે વર્તમાનમાંથી ગૌરવ લેવાનું ટાળીને અતીતને વાગોળતા થઈ જાય, ત્યારે આજુબાજુની દુનિયા અંગેનો તેમનો દ્રષ્ટિકોણ દૂષિત થઈ જાય, અને પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે તેઓ અનાવશ્યક રીતે નકારાત્મક થઈ જાય છે. અતીતની સારી બાબતોની ખુશી હોવી ખરાબ નથી, પરંતુ એ જ્યારે સમાજની સાર્થકતાનો આધાર બની જાય, ત્યારે તે આપણને વર્તમાનને સ્વીકારવા અને ભવિષ્યના ઘડતર માટે માયકાંગલા બનાવી દે છે. 

        સ્મૃતિઓ અદાલતમાં સાક્ષી જેવી છે. તે સત્ય, પૂરું સત્ય અને માત્ર સત્ય પેશ નથી કરતી. સ્મૃતિઓ ત્રુટીપૂર્ણ હોય છે. તેની ઉલટતપાસ કરતા રહેવું પડે.તેની વિસંગતાઓ દૂર કરતા રહેવું પડે. જે સમાજ તેના ઇતિહાસમાં ન જીવતો હોય તે જ સાર્થક ભવિષ્ય ઘડી શકે. એક વ્યક્તિ માટે પણ આ સાચું છે. આવનાર સમય પોતાની આવડત અને ઈમાનદારી જેવા ગુણ આધારિત કાર્યપદ્ધતિનો આવશે ત્યારે માત્ર પોતાની જૂની જડ માન્યતાઓ થકી કોઈપણ સમાજ ટકી શકવાનો નથી. 

        હવે તો સમાજની પરિભાષા નવેસરથી વિચારવાનો સમય પાકી ગયો છે. પૈસાના જોરે પોતાની બધી જ બાબતોને સત્ય બતાવવાનો પ્રયાસ કરનારનું કોઈ ભવિષ્ય નથી. સમાજમાં દરેક વ્યક્તિને સમાન મહત્વ આપીને સહભાગી થવા દેવામાં આવશે તો સમગ્ર સમાજની પ્રગતિ થશે. બાકી પૈસાના જોરે ઘણીવાર પાપ વધી જાય પરંતુ પ્રગતિ થતી જ નથી.