Wednesday, July 28, 2021

વિરલ વિભૂતિઓ : ઇશ્વરચંદ્ર વિધાસાગર

 

        ભારત એટલે વિવિધતાઓનો ભરેલો મહાસાગર. આ મહાસાગરના મોતીડાઓમાં ભારતના વિધારત્નોનો પણ સમાવેશ કરી શકાય. આ વિધાના ઉપાસકોના કારણે જ ભારત પ્રાચીન સમયથી જ જ્ઞાનના પૂજારીઓ માટે મંદિર સમાન હતો. અહીં આવેલી વિવિધ વિધાપીઠોમાં જ પુરાત્તન સમયના ગ્રંથોની સાથે વેદ, વેદાંત અને ઉપનિષદોનું શિક્ષણ આપવામાં આવતુ હતું. નાલંદા અને તક્ષશિલા જેવી સમર્થ વિધાપીઠોના વિધાર્થીઓનો વિશ્વમાં ડંકો વાગતો. આવા જ વિધાના ઉપસકોમાં જેમનો સમાવેશ થાય છે એમનું નામ છે ઇશ્વરચંદ્ર વિધાસાગર.

         ઇશ્વરચંદ્ર વિધાસાગરનો જન્મ કલકત્તામાં ૧૮૨૦ માં ૨૬ સપ્ટેમ્બરના રોજ થયો હતો. તેઓ એક ફિલસૂફ, શૈક્ષણિક શિક્ષક, લેખક, અનુવાદક, પ્રિન્ટર, પ્રકાશક અને ઉધોગ સાહસિક તેમજ પરોપકારી સમાજ સુધારક હતા. જ્ઞાન માટેની તેમની જીજ્ઞાસા એટલી પ્રબળ હતી કે તેઓ ગલીના પ્રકાશ હેઠળ અભ્યાસ કરતા હતા, કારણકે તેમના ઘરે ફાનસનો દીવો પણ પોસાય એમ ન હતો. તેમણે અભ્યાસકાળ દરમિયાન દરેક પરીક્ષાઓ શ્રેષ્ઠતા સાથે અને ખુબ જ પરિશ્રમથી પાસ કરી હતી. તેમના અભ્યાસ દરમિયાન તેમને અનેક શિષ્યવૃતિઓ મળી હતી.

        આ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર વધુ અભ્યાસ માટે સંસ્કૃતની કોલેજ, કલકત્તમાં જોડાય છે અને ૧૨ વર્ષના અભ્યાસ દરમિયાન વેદ, વેદાંત, વ્યાકરણ, સ્મૃતિ, અને ખગોળશાસ્ત્રનો ઉત્તમ અભ્યાસ કરે છે. વર્ષ૧૮૩૯માં તેમણે કાયદાની પરીક્ષા પાસ કરી અને માત્ર વીસ જ વર્ષની વયે તેઓ સંસ્કૃત વિભાગના વડા તરીકે ફોર્ટ વિલિયમ કોલેજ, કલકત્તમાં જોડાયા હતા. ૧૮૪૬માં ત્યાંથી નીકળીને તેઓ સંસ્કૃત કોલેજમાં સહાયક સચિવ તરીકે જોડાય છે. પોતાની સેવાના પહેલા જ વર્ષમાં તેમણે વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં ઘણા ફેરફારો સૂચવ્યા પરંતુ એને કારણે કોલેજના સેક્રેટરી સાથે વિરોધ થવાથી તેમણે સંસ્કૃત કોલેજમાં રાજીનામું આપ્યું અને ફરીથી ફોર્ટ વિલિયમ કોલેજના મુખ્ય કારકુન બન્યા હતા. ૧૮૫૬માં તેમણે બ્રીષા હાઈસ્કુલની સ્થાપના કરી હતી.

         ખાસ તો તેમણે શિક્ષણમાં સુધારાઓ માટે ઘણા કાર્યો કર્યા હતા. તેમણે વિધવા પુર્ન વિવાહને ઉત્તેજન અને બ્રાહ્યણોમાં બહુપત્નીત્વના જુના રિવાજો પર પણ પ્રતિબંધ મુકાવ્યો હતો. તેમણે સંસ્કૃત કોલેજમાં આધુનિક શિક્ષણ પર ભાર મૂકયો હતો. ઇ.સ૧૮૪૯ માં તેમણે કલકત્તમાં પ્રથમ છોકરીઓ માટેની શાળાની શરૂઆત કરી હતી. તેઓ ઘણા બધા અલગ-અલગ વર્તમાનપત્રો સાથે સંકળાયેલા હતા અને સમાજના વિવિધ પ્રશ્રનો માટે ખુબ જ ચોટદાર લેખ પણ લખતા હતા. આવા આપણા ઇશ્વરચંદ્ર વિધાસાગરને આજે પણ પશ્રિમબંગાળમાં ખુબ જ આદર સાથે યાદ કરવામાં આવે છે. ઘણા બધા રાજયોના પાઠયપુસ્તકોમાં પણ તેમને અને તેમની રચનાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

No comments:

Post a Comment