Tuesday, July 20, 2021

સર્જનની સરવાણી-૪૭

 

        કપિલવસ્તુ નામની નગરીમાં રાજા શુદ્ધોદન રાજ કરતા હતા. એમને માયાદેવી નામની રાણી હતી. આ રાણી માયાદેવી અને રાજાનો એક પુત્ર હતો જેનું નામ હતું સિદ્ઘાર્થ. પુત્ર જન્મ વખતે રાજાએ તો સમગ્ર રાજયમાં ઉજવણી કરાવી અને ચારે તરફ હર્ષ-ઉલ્લાસ થયો. થોડા વખત પછી રાજાએ જયોતિષીને બોલાવીએ બાળકના જોષ જોવા કહ્યું ત્યારે જયોતિષીએ કહ્યું કે તમારો પુત્ર મહાન ચક્રવતીં રાજા બનશે અથવા તો એક મહાન સંન્યાસી બનશે.

        રાજા શુદ્ધોદન તો મુંજાઇ ગયા કે જો પુત્ર સંન્યાસી બનશે તો આ રાજ-પાટ અને ગાદી કોણ સંભાળશે. એમ વિચારીને એમણે સિદ્ઘાર્થની આસપાસ આનંદ-પ્રમોદ અને મોહ-માયા ભરેલા સાધનોની સગવડો ઊભી કરાવી. દાસ-દાસીઓને પણ હુકમ ફરમાવવામાં આવેલો કે રાજકુમાર સિÚાર્થને સપનામાં પણ સંન્યાસ લેવાનો વિચાર ન આવે તેટલા સુખ-સાહ્યબી આપવા. રાજકુમાર મોટો થતા એના યશોધરા નામની રાજકુમારી સાથે લગ્ન થયા. સિદ્ધાર્થના ઘરે પુત્રનો જન્મ થયો જેનું નામ રાહુલ રાખવામાં આવ્યું. હવે તો રાજા શુદ્ઘોદનને પૂર્ણ વિશ્વાસ થઇ ગયો કે હવે તો સિદ્ધાર્થ કયારેય પણ સંન્યાસી બનશે નહીં. પણ સમયની ગતિને કોણ બદલી શકે છે?

      એકવાર સિદ્ધાર્થ પોતાના સારથી છન્નની સાથે નગરમાં ફરવા માટે જાય છે. જતા જતા શરૂઆતમાં જ એમણે એક રોગી માણસને જોયો જે પીડાથી કણસતો હતો. થોડા આગળ ગયા ત્યાં એમણે કેડેથી વળી ગયેલા એક વૃદ્ઘને જોયા જે પોતાની અંતિમ અવસ્થામાં ઇશ્વરને બોલાવી રહ્યા હતા. પછી આગળ જતા રસ્તામાં એક સંન્યાસીને પ્રસન્ન ચિત્તે ધ્યાન કરતા જોયા. ત્યાંથી આ બધું જોયા પછી આગળ જતા જતા રસ્તામાં પોતાના સારથીને પૂછયું કે આ લોકો આવા કેમ છે?

        સારથિ છન્ન સિદ્ઘાર્થને આ બધી બાબતો વિશે સમજાવતા કહે છે કે “ કુમાર ! આ આપણું શરીર નાશવંત છે અને અનેક રોગોથી ભરેલું છે. આ રોગ એટલે જ દુ:ખ, પીડા અને વ્યાધિ. આ જગત આવા જ અનેક દુ:ખોથી ઉભરાય છે. આ દુ:ખોથી મુકિતનો એક જ ઉપાય છે સાચા જ્ઞાનની પ્રાપ્તિ. આ જ્ઞાન મેળવવા માટે સંન્યાસ લેવો જોઇએ.

        આ બધી વાતો જાણતા-જાણતા રાજકુમારના મનમાં ઘણું દુ:ખ થયું અને તે પોતાના માટે પણ સતત વિચારવા લાગ્યો. એને જરા પણ ચેન પડતું નથી. નજર સામેથી પેલા રોગી, વૃધ્ધ અને સંન્યાસી જતા જ નહોતા. પોતાને પણ આવો રોગ થશે અને આટલી પીડા અને તકલીફો સહન કરવી પડશે એવી વાતોની ચિંતાથી તેનું મન આકુળ-વ્યાકુળ થઇ ગયું અને એક દિવસ પોતાનું પણ મોત થશે એવા વિચારોથી તે ઘેરાવા લાગ્યો. આ બધાનાં કારણમાંથી છુટવા માટે તેણે પરિવાર, પુત્ર અને રાજ-વૈભવ છોડીને સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો. એ જ રાત્રે જ પોતાના પુત્ર રાહુલ અને પત્ની યશોધરાને ઊંઘતા મૂકીને ચાલી નીકળ્યા. જેને બૌદ્ઘ ધર્મમાં મહાભિનીષ્ક્રમણ કહેવાય છે.

        સંન્યાસી સિદ્ઘાર્થે જંગલમાં જઇને કઠોર તપસ્યા આદરી. આત્મજ્ઞાન અને જીવનના સત્યની શોધમાં એણે પોતાના શરીરને ઓગાળી નાખ્યું. અંતમાં પીપળાનાં વૃક્ષ નીચે એમના તપના ઓગણ-પચાસમાં દિવસે જ્ઞાનની પ્રાપ્તિ થઇ. સત્યનો બોધ થવાથી તેમનું નામ બુદ્ઘ પડયું. આ જ્ઞાન મેળવ્યા બાદ એમણે અલગ-અલગ જગ્યાએ જઇને લોકોને એની પ્રતિતી કરાવી. એને ધર્મચક્ર પરિવર્તન કહેવાય છે. 

        અનેક લોકોને એમણે દીક્ષા અને શિક્ષા આપીને જીવનને ઉન્નત બનાવવા તરફ પ્રેર્યા. એમણે સ્થાપેલો પંથ બુદ્ઘ ધર્મ તરીકે ઓળખાયો. વિશ્વનાં ઘણા દેશોમાં તેનો ફેલાવો થયો અને ઇતિહાસ પ્રમાણે મહાન સમ્રાટ અશોકે પણ કલિંગના યુદ્ઘમાં વિજય મેળવ્યા બાદ શાંતિની સ્થાપના માટે બુદ્ઘ ધર્મ અંગીકાર કરેલો અને પોતાના પુત્ર અને પુત્રી દ્વારા  તેનો પ્રચાર પણ કરવ્યો હતો. એમના મૃત્યુને મહાપરિનિર્વાણ તરીકે ઓળખવામાં આવે છે.

સર્જનવાણી : જીવન અનેક તકલીફો અને સમસ્યાઓથી ઘેરાયેલુ છે. જીવનમાં શાંતિ અને પ્રગતિ માટે સારા વિચારોની વાવણી આવશ્યક છે. જેવા વિચારો કરશો એવા તમે બનશો.

No comments:

Post a Comment