Sunday, July 11, 2021

સર્જનયાત્રાનું મંથન-૧૧

       ન્યાય જ્યારે નૈતિકતાને બદલે કાયદો અને વ્યવસ્થાથી વ્યાખ્યાયિત થાય, ત્યારે અનૈતિકતાને પણ કાયદાની મદદથી ઉચિત ઠેરવી શકાય. કોઈક બાબત કાનૂની છે, એનો અર્થ એ નથી કે તે નૈતિક છે. દાખલા તરીકે, જૂઠ બોલવું એ અનૈતિક છે, પરંતુ કાનૂનની નજરમાં એ માન્ય છે. કોઈને આપેલા વચનને કાનૂનની મદદથી તોડી શકાય છે, પરંતુ નૈતિક દ્રષ્ટિએ એ બરાબર નથી. પ્રેમમાં બેવફાઈ અનૈતિક છે, પરંતુ કાયદાકીય રીતે તેને ઉચિત ઠેરવી શકાય છે. કાનૂન ન્યૂનતમ રીતે કેટલો વ્યવહાર સ્વીકાર્ય છે તે નક્કી કરે છે, જ્યારે નૈતિકતા સ્વીકૃતિનું મહત્તમ સ્ટાન્ડર્ડ નક્કી કરે છે.

      કાનૂન નિશ્ચિત સ્થિતિમાં નિયમોના પાલનનો આગ્રહ રાખે છે. નૈતિકતા જીવનના તમામ ક્ષેત્રોમાં સદાચારની ભલામણ કરે છે. કાનૂનને આચરણ સાથે જ લેવાદેવા હોય. નૈતિકતાને વિચારો અને ભાવનાઓની શુદ્ધતાની પણ ફિકર હોય છે. એટલે સમાજમાં કાયદો- વ્યવસ્થા પર આધાર વધી જાય, તેમાં નૈતિકતાનું ધોરણ વધી જાય.

No comments:

Post a Comment