Tuesday, July 13, 2021

સર્જનની સરવાણી-૪૬

        

        વિચારોનું કરીએ વાવેતર અંતર્ગત અહીંયા નવા નવા વિચારોને સ્થાન આપવામાં આવે છે, પણ આજે એક જાત અનુભવ લખવો છે. કદાચ કોઇ વિચાર કોઇને પણ સ્પર્શી જાય અને એમના જીવનમાં બદલાવ આવે તો પણ આ મેગેઝિન સફળ થઇ જશે. સ્વામી વિવેકાનંદ એમના એક પુસ્તકમાં કહે છે કે, સુવિચારોને વાંચવાની સાથે સાથે જીવનમાં ઊતારવા જોઇએ. જો કોઇ વ્યકિતએ માત્ર પાંચ જ સુવિચારોને બરાબર પચાવ્યા હશે તો તે વ્યકિત આખી લાઇબ્રેરી વાંચી ગયેલા માણસ કરતા પણ વધારે શિક્ષિત ગણાય છે.

        બાળપણથી જ મને વાંચવાનો શોખ રહ્યો છે અને અલગ-અલગ પુસ્તકોના વાંચનથી એને પોષવાની તક એક પુસ્તકાલય સિવાય કોણ પૂરી કરી શકે? આવા જ કોઇ હેતુસર વારંવાર પુસ્તકાલય જવાનું બને છે. એકવાર હું મારા જ વિસ્તારમાં આવેલી જે.ડી.ગાબાણી પુસ્તકાલયમાં ગયો હતો ત્યારે ત્યાં એક માતા પોતાના પાંચ વર્ષના બાળક સાથે પુસ્તક લેવા આવેલી. હું કાઉન્ટર પર પુસ્તકની આપ-લે કરતો હતો ત્યારે કાન પર શબ્દો પડયા “ બેટા તારે કયું પુસ્તક વાંચવા લઇ જવુ છે? ”

        આ શબ્દો સાંભળતા જ અંતરમાં આનંદની અનુભૂતિ થઇ અને તે માતાને વંદન કરવાનું મન થઇ ગયું. આ માતાએ પોતાની સાથે પાંચ વર્ષના બાળકને પુસ્તકાલયમાં લાવીને એક ક્રાંતિકારી પગલાની શરૂઆત કરી છે. એ નથી જાણતી કે પોતે કેટલા મહાન વિચારને અપનાવી રહ્યા છે. પોતાના બાળકને ખુબ જ નાની ઊંમરથી જ પુસ્તકોની એક અદ્‌ભૂત દુનિયા આપી રહી છે. વંદન છે આવી માતાઓને. એમના એ પગલાને કારણે એ બાળક અવનવા પુસ્તકોથી પરિચિત થશે અને વિશ્વમાં થઇ ગયેલા અને વર્તમાનમાં હયાત હોય એવા અનેક મહાન લેખકો, કવિઓ, સર્જકોની વચ્ચેથી પસાર થશે અને સરસ્વતીના ઉપાસકોને માણશે અને જાણશે. પોતાના જીવનનો રસ્તો પોતે જાતે જ કંડારશે. આપણે પણ આપણા બાળકોને પુસ્તકોનો વારસો આપીએ. ધન્ય છે આવી માતાઓને..ધન્ય છે ગરવી ધરા ગુજરાતની. 

No comments:

Post a Comment