Sunday, April 24, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૨

મોટી ઉંમરની વ્યક્તિમાં જીજીવિષા કેવી રીતે જગાવવી.?" મોટી ઉંમરે નેગેટિવિટી આવવી સહજ છે. એક તો હોર્મોન્સ સપોર્ટ કરતાં ન હોય અને તેમાં નીચેનાં કારણો ઉમેરો કરે....

૧.  અંતર્મુખી થઈ જવાય

૨.  પરિવાર તેમનામાં રસ ન લે.

૩.  ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન વધી જાય.

૪.  શારીરિક બીમારીઓ હોય.

૫.  ભવિષ્યને લઈને અસલામતી લાગે.

૬.  સામાજીક કે ભાવનાત્મક સપોર્ટ ન હોય.

આજુબાજુના લોકો નીચેની બાબતોમાં મદદરૂપ થઈ શકે...

૧.  નજીકના લોકો તરફથી સલામતીની ભાવના અને આત્મવિશ્વાસ મળતો હોય.

૨.  સ્વતંત્રતાનો અહેસાસ થતો હોય 

૩.  પરિવાર સાથે લગાવનો અહેસાસ હોય, પ્રેમ, દરકાર, એટેનશન મળતું હોય.

૪.  'હું કામનો છું' તેવો ભાવ મજબૂત હોય, રોજિંદા કામોમાં સામેલગીરી હોય.

૫.  પ્રાઇવસી જળવાય છે તેનો અહેસાસ હોય. માલિકીભાવ સચવાય.

૬.  શારીરિક અને માનસિક વ્યાયામ થતો હોય, આનંદ આવે અને વ્યસ્ત રહેવાય તેવી હોબી હોય.


Friday, April 22, 2022

વિશ્વ પુસ્તક દિવસ - ૨૦૨૨



"ગુજરાતી સાહિત્ય"ની આટલી વાર્તાઓ તો અવશ્ય વાંચવી જ જોઇએ...

1. અહીં કોઈ રહેતું નથી – વીનેશ અંતાણી 

2. અંતઃસ્રોતા – ચુનીલાલ મડિયા 

3. આ ઘેર પેલે ઘેર – જયંતિ દલાલ 

4. આ સમય પણ વહી જશે – રઘુવીર ચૌધરી 

5. આઇસક્રીમ – ચંદ્રકાન્ત બક્ષી 

6. આભલાનો ટુકડો – જયંતિ દલાલ 

7. આંઘુ – મોહન પરમાર 

8. ઊંટાટિયો – હરીશ મંગલમ્ 

9. ઋણ – પ્રવીણસિંહ ચાવડા 

10. એ લોકો – હિમાંશી શેલત 

11. કંકુ – પન્નાલાલ પટેલ 

12. કાયર – સુધીર દલાલ 

13. કુલડી – હરીશ નાગ્રેચા 

14. કોઠો – સુમંત રાવલ 

15. ખરા બપોર  -- જયંત ખત્રી 

16. ખેમી – રામનારાયણ પાઠક 

17. ગોવાલણી – મલયાનિલ 

18. ઘરભંગ – હરિકૃષ્ણ પાઠક 

19. ચંદ્રદાહ – રજનીકુમાર પંડ્યા 

20. છકડો – માય ડિયર જયુ 

21. છેલ્લું છાણું – ઉમાશંકર જોશી 

22. જલ્લાદનું હૃદય – ઝવેરચંદ મેઘાણી 

23. જુમો ભિસ્તી – ધૂમકેતુ 

24. ધાડ – જયંત ખત્રી 

25. નરક – ધરમાભાઈ શ્રીમાળી 

26. ના ખપે – દલપત ચૌહાણ 

27. પગલાં – મનોહર ત્રિવેદી/પાઠડી – મનોહર ત્રિવેદી 

28. પોલિટેક્નિક – મહેન્દ્રસિંહ પરમાર 

29. પોસ્ટઑફિસ -- ધૂમકેતુ 

30. ફટફટિયું – સુમન શાહ 

31. ફૂંકણી – વીનેશ અંતાણી 

32. બદલી – મણિલાલ હ. પટેલ 

33. બાયડી – દીવાન ઠાકોર 

34. બોકાહો – નાઝીર  મનસૂરી 

35. ભાથીની વહુ – પન્નાલાલ પટેલ 

36. ભાભી – જિતેન્દ્ર પટેલ 

37. મનસ્વિની – ધીરુબહેન પટેલ 

38. મરઘો – જોસેફ મેકવાન 

39. માજા વેલાનું મૃત્યુ – સુન્દરમ્ 

40. માને ખોળે – સુન્દરમ્ 

41. મારી ચંપાનો વર – ઉમાશંકર જોશી 

42. મારી નીની – વર્ષા અડાલજા 

43. માવઠું – અજિત ઠાકોર 

44. મિજબાની – ઉત્પલ ભાયાણી 

45. મૂંજડાનો ધણી – ગોરધન ભેંસાણિયા 

46. મૂંઝારો – દલપત ચૌહાણ 

47. મેઘો ગામેતી – પન્નાલાલ પટેલ 

48. રજનીગંધા – શિવકુમાર જોશી 

49. રમત – દશરથ પરમાર 

50. રેણ – ઘનશ્યામ દેસાઈ

51 મુક્તિ- રેખાબા સરવૈયા 

52.અમાસનું અજવાળું-- રેખાબા સરવૈયા 

51. લાડકો રંડાપો – ઝવેરચંદ મેઘાણી 

52. લાડુનું જમણ – પન્નાલાલ પટેલ 

53. લોહીની સગાઈ – ઈશ્વર પેટલીકર 

54. વહુ અને ઘોડો – ઝવેરચંદ મેઘાણી 

55. વહેંચણી – મોહનલાલ પટેલ 

56. વળાંક આગળ – અશ્વિન દેસાઈ 

57. વાત્રકને કાંઠે – પન્નાલાલ પટેલ 

58. વિરાટ ટપકું – સરોજ પાઠક 

59. શંકા – ભગવતીકુમાર શર્મા 

60. શીરાની મીઠાશ – ઉષા શેઠ 

61. શ્યામ રંગ સમીપે – યોગેશ પટેલ 

62. શ્વાસનળીમાં ટ્રેન – વીનેશ અંતાણી 

63. સદાશિવ ટપાલી – ઝવેરચંદ મેઘાણી 

64. સદન વગરનો આંબો – અઝીઝ ટંકારવી 

65. સમસ્યા – મધુ રાય 

66. સમ્મુખ – ધીરેન્દ્ર મહેતા 

67. સરપ્રાઇઝ – કનુ અડાસી 

68. સવ્ય-અપસવ્ય – અનિલ વ્યાસ 

69. સાચી ગજિયાણીનું કાપડું – પન્નાલાલ પટેલ 

70. સારિકા પિંજરસ્થા – સરોજ પાઠક 

71. સાંધાવાળા જેઠાલાલ ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ – જનક ત્રિવેદી 

72. સુખદુઃખનાં સાથી – પન્નાલાલ પટેલ 

73. સુભદ્રા – રવીન્દ્ર પારેખ 

74. સેતુ – યોગેશ જોશી 

75. સ્નેહધન – કુન્દનિકા કાપડિયા 

76. સ્વર્ગ ને પૃથ્વી – સ્નેહરશ્મિ 

77. હું તો ચાલી – ઉષા ઉપાધ્યાય 

78. હું તો પતંગિયું છું – મધુ રાય 

79. ગૃહપ્રવેશ – સુરેશ જોષી 

80. જન્મોત્સવ – સુરેશ જોષી

આ સૂચીમાં હજી ઘણી વાર્તાઓ ઉમેરી શકાય તેમ છે...જે તમને ગમે તે ...જય જય ગરવી ગુજરાત....📖®🇮🇳

Sunday, April 17, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૧

         

        મૂરખને ટોકવો નહીં. એ તમારો દુશ્મન બની જશે. ડાહ્યાને ટોકો તો એ તમારી કદર કરશે. ડાહ્યો માણસ ખુદની અધુરપોથી જાગૃત હોય છે, એટલે એની ટીકા કરો તો તેને ગંભીરતાથી લઈને તે ખુદમાં કરેક્શન કરવા પ્રયાસ કરશે. એ ખોટો ન હોય તો પણ, તેનામાં ડહાપણનો પ્રભાવ એટલો હોય છે કે અનુચિત ટીકાથી તે વ્યથિત પણ થતો નથી. મૂરખને એવું લાગે કે તે સાચો જ છે, એટલે તેની ભૂલ બતાવો કે ટીકા કરો તો તે ખુદનો બચાવ કરવા લાગી જાય અને વળતામાં તમારી પર હુમલો કરે.  અસલમાં સ્માર્ટ માણસ સચ્ચાઈથી મ્હોં ન છુપાવે. એ હકીકતને સ્વીકારે અને તેને અનુરુપ પોતાનો દ્રષ્ટિકોણ બનાવે. અર્ધદગ્ધ માણસને સચ્ચાઈનો આયનો બતાવો તો તે આયનો તોડી નાખે. 

        ચાણક્યએ કહ્યું હતું કે, "મૂરખને જગાડવો નહીં, નહીં તો એ લવારી શરૂ કરી દેશે." આ વાક્ય સુધારવા જેવું છે, મૂરખને મોઢે ન લગાડવો, નહીં તો એ તમને મૂરખ સાબિત કરી દેશે. મૂરખને સુધારવો એ ગાલ પર બેઠેલા મચ્છરને મારવા જેવું છે...!

Sunday, April 10, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૦

ગુજરાતી ભાષા અને સાહિત્યનુ અણમોલ રતન એટલે કુન્દનિકાબેન કાપડિયા. ગુજરાતી ભાષા અને સાહિત્ય એમના ઉમદા સંપાદન અને લેખન માટે સદાય એમનું ઋણી રહેશે. એક કરતાં એક ચડિયાતી કૃતિઓ એમણે ગુજરાતી ભાષાને આપી. એમની સર્વોત્તમ કૃતિ સમાન સાત પગલાં આકાશમાં પરથી તો સ્ત્રીઓને પોતાની વાતો અને પોતાના જીવનના નિર્ણયો માટેની સ્વતંત્ર અભિવ્યક્તિ હોઈ શકે એ બાબતો પણ ઘણી સ્પષ્ટ બની છે. આવા કુન્દનિકા બેનના શબ્દોમાં એમના લખાણ વિશેની કેટલીક વાતો સાંભળીએ. "મને લખવાનું  ગમે છે એટલે હું લખું છું. મને શબ્દનું સૌંદર્ય આકર્ષે છે, અભિવ્યક્તિનું સૌંદર્ય આકર્ષે છે અને માનવ સંબંધોનું સૌન્દર્ય પણ આકર્ષે છે. એ બધાનું નિરૂપણ કરવાનું મને ગમે છે એટલે હું લખું છું. જો કે હમણાં લખવાનું ઓછું થઈ ગયું છે. પહેલા તો મોટાભાગના લખાણ સંપાદકોના આમંત્રણથી લખાતા,પણ વાચકોમાં સંવેદનશીલતા વધે સૌંદર્યબોધ પ્રકૃતિસૌંદર્ય વિચાર અને વ્યવહારનું સૌંદર્ય તથા સંબંધો નું સૌંદર્ય જોવાની દ્રષ્ટિ કેળવાય તે મુખ્ય હેતુ છે. કોઈપણ જાતના લેબલ વગર મનુષ્ય મનુષ્ય માટેનો પ્રેમ એટલે એવી અંતરની ઇચ્છા છે તો બસ એની આડઅસર છે. " 

Sunday, April 3, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૯


પેટન્ટ અને copyright વચ્ચે શું ફરક છે?

પેટન્ટ વસ્તુઓમાં કોઈ નવી શોધ માટે અપાતો એકાધિકાર છે. મતલબ કે કોઈ નવી શોધ પર પેટન્ટ અપાય ત્યાર પછી એ વ્યક્તિ સિવાય બીજી કોઈ વ્યક્તિ એ જ વસ્તુ ન તો બનાવી શકે નહીં તો તેનું વેચાણ કરી શકે. જો બીજા કોઈએ એ વસ્તુનું વેચાણ કરવું હોય તો પેટન્ટના કાયદાની જોગવાઈ પ્રમાણે તેણે વસ્તુનું વેચાણ માટેનું લાયસન્સ લેવું પડે અથવા તો તેના પર રોયલ્ટી ચૂકવવી પડે. અગાઉ દરેક દેશમાં પેટન્ટનો સમય અલગ હતો પરંતુ હવે વિશ્વ વ્યાપાર સંગઠને તેના માટે ૨૦ વર્ષ નક્કી કરી નાખ્યા છે. દરેક દેશમાં પેટન્ટ મેળવી શકાય એ માટે પેટન્ટ કાર્યાલય ખોલવામાં આવ્યા છે, જે નવા સંશોધન કે ટેકનિક પર પેટન્ટ લેવું હોય તે માટેની અરજી પેટન કાર્યાલયને મોકલવાની રહે છે. અરજીમાં સંશોધનની વિગત લખવાની હોય છે એ પછી પેટન્ટ ઓફિસ તેની તપાસ કરવાનો હુકમ આપે છે. જ્યારે copyright તો કોઈ ભૌતિક લેખન કલાકૃતિ સંગીત ફિલ્મ કે તસવીરો માટે જ લાગુ પડે છે

Friday, April 1, 2022

વિરલ વિભૂતિ -ગોહિલવાડનું રતન મહારાજા કૃષ્ણકુમારસિંહજી


        સૌરાષ્ટ્રનાં ૨૨૨ રજવાડાંઓમાં કે દેશભરમાં પણ ગાંધીજીને અને દેશકાળને સમજીને ઇતિહાસનાં પરિવર્તનોને પારખનારા રાજવીઓ ઓછા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી તેમાં અપવાદરૂપ હતા. દેશને સ્વતંત્રતા મળી ગઈ, પાકિસ્તાન જુદું પડી ગયું, પણ દેશી રાજ્યોનો પ્રશ્ન હજી ઉકેલાયો નહોતો. કેટલાયે રાજવીઓ સ્વતંત્ર બની સત્તા ટકાવી રાખવાનાં સપનાં સેવી રહ્યા હતા. કાયદે આઝમ ઝીણા અને તેમના સાથીદારો પાકિસ્તાનમાં જોડાઈ જવા રાજવીઓને લલચાવી રહ્યા હતા.

           કૃષ્ણકુમારસિંહજીને રાજવીઓનાં જૂથોમાં જોડાવાનો આગ્રહ થતો હતો. પણ તેમણે પ્રજાને જવાબદાર તંત્ર આપવાની વિચારણા શરૂ કરી હતી. ડિસેમ્બર, ૧૯૪૭માં તેમણે નિર્ણય કરી લીધો. દીવાન અનંતરાય પટ્ટણી હાજર નહોતા. બળવંતરાય મહેતા પણ દિલ્હી ગયા હતા. તેમણે બીજા રાજકીય અગ્રણી જગુભાઈ પરીખને બોલાવીને જણાવ્યું કે પોતે ભાવનગરની પ્રજાને જવાબદાર રાજતંત્ર આપી દેવાનો નિર્ણય કરી લીધો છે. જગુભાઈએ તેમનો નિર્ણય આવકારીને આનંદ વ્યક્ત કર્યો તથા દિલ્હી જઈ સરદારસાહેબને મળવા અભિપ્રાય આપ્યો. મહારાજાએ તેમનો અભિપ્રાય સાંભળી લીધો.

        તે પછી તેમણે જાતે નિર્ણય કર્યો કે દિલ્હી જઈ ગાંધીજીને મળવું. તેમણે ગઢડાથી શેઠ મોહનલાલ મોતીચંદને બોલાવ્યા. તેમને કામ સોંપ્યું કે દિલ્હી જઈ ગાંધીજી સાથેની પોતાની મુલાકાતની વિગતો નક્કી કરી આવે. ગાંધીજીએ આપેલી તારીખ પ્રમાણે મહારાજા ૧૭ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ રાત્રે ૧૧ વાગ્યે મળવા ગયા. મનુબહેન ગાંધીએ ‘દિલ્હીમાં ગાંધીજી’ ભા.૧ માં મહારાજાની ગાંધીજી સાથેની મુલાકાતનું વર્ણન આપ્યું છે. સમય નજીક જણાતાં ગાંધીજીએ મનુબહેનને બહાર કાર સામે જઈ મહારાજાને માનપૂર્વક લઈ આવવા જણાવ્યું. જ્યારે મહારાજા તેમના ખંડમાં પ્રવેશ્યા ત્યારે તેઓ પોતાના હાથમાં મધ અને લીંબુ સાથેના પાણીનો પ્યાલો હતો તે મનુબહેનના હાથમાં સોંપી ઊભા થઈ ગયા અને મહારાજાને સ્વાગતમાં નમસ્કાર કર્યા. 

            દીવાન અનંતરાય પટ્ટણી સાથે હતા, પણ મહારાજાએ ગાંધીજીને એકલા જ મળીને વાતચીત કરી હતી. મહારાજાએ ગાંધીજીને નમ્રતાપૂર્વક જણાવ્યું કે મારું રાજ્ય હું આપનાં ચરણોમાં સોંપી દઉં છું. મારું સાલિયાણું, ખાનગી મિલકતો વગેરે અંગે આપ જે નિર્ણય કરશો તે જ હું સ્વીકારીશ. આપની આજ્ઞા પ્રમાણે જ બધું કરીશ. ગાંધીજી મહારાજાની આવી ઉદાર અને ઉમદા રજૂઆતથી ખૂબ રાજી થયા. છતાં પૂછ્યું, ‘આપનાં રાણીસાહેબ અને ભાઈઓને પૂછ્યું છે ?’ મહારાજાનો જવાબ હતો કે મારા નિર્ણયમાં તેમનો અભિપ્રાય પણ આવી જાય છે. ગાંધીજીએ આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલને મળી વિગતે વાત કરવા જણાવ્યું.

        મહારાજા દિલ્હી રોકાયા હતા અને સરદારસાહેબ, જવાહરલાલ નહેરુ, લોર્ડ માઉન્ટબેટન વગેરે સૌ પદાધિકારીઓને મળ્યા હતા. ફરી ગાંધીજીને મળવા જતા હતા ત્યારે અન્ય આવેલા રાજવીઓને કહેતા કે તમે પૂછતા હતાને કે અમારે હવે શી રીતે વરતવું ? તો તમે ભાવનગરના આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ઉદાહરણ લો અને તેમણે જે રસ્તો લીધો તેવો તમે પણ લો તેવી મારી ભલામણ છે. 

        મનુબહેને પાછળથી ગાંધીજીને પૂછેલું : ‘બાપુ, આપની પાસે તો વાઈસરોય જેવા ઘણા મોટા લોકો આવે છે. પણ આપ ક્યારેય ઊભા થતા નથી અને કાર સામે જવાનું કહેતા નથી. તો આ મહારાજા તેમાં અપવાદ કેમ ?’ ગાંધીજીએ કહ્યું : ‘મનુ, તું જાણે છે ના કે હું ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણ્યો છું. એટલે એક વખતનો પ્રજાજન કહેવાઉં. તે મહારાજા છે. એટલે મારે તેમને માન આપવું જોઈએ.’ આવા મહાન હતા ભાવનગરના મહારાજા અને ખરા અર્થમાં પ્રજાહદૃયસમ્રાટ મહારાજા કૃષ્ણકુમારસિંહજી. દુનિયામાં એકમાત્ર રાજવી એવા થયા કે જેમનું નામ પ્રાતઃ સ્મરણીય લેવાય છે એવા ભાવનગર રાજના રતન સમાન મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પાવન પુણ્યતિથિ નિમિત્તે મહારાજા સાહેબના ચરણોમાં શત શત વંદન. જય હો ભાવેણાનાં ઘણીનો. ધન્ય છે ગોહિલવાડની ધરતી. 

સંદર્ભ સ્તોત્ર : વિકિપીડિયા અને અન્ય પુસ્તકોમાંથી