Tuesday, June 29, 2021

સર્જનની સરવાણી-૪૪

            જ્ઞાનનો પ્રવાહ એ સતત ચાલતી એક યાત્રા જેવો હોય છે. માણસમાત્રના જીવનમાં જ્ઞાન જ એક એવો સ્ત્રોત છે જે સદાય જીવનને ઉચ્ચત્તમ મૂલ્યો મેળવવા માટે અવિરત વહે છે. જીવન કયારેય પણ અટકતું નથી, તો જીવનમાં શિક્ષણની યાત્રા પણ કયારેય અટકતી નથી. સિવાય કે માણસ જાતે જ કશું શીખવાનું બંધ કરી દે તો જ. આ જ્ઞાન થકી જ માનવ જીવથી શિવ સુધી પહોંચી શકે છે. માણસમાત્રના ઘડતરનો આધાર તેના સંસ્કારો પર રહેલો છે. આ સંસ્કાર સિંચનનું કામ માતા-પિતા સિવાય કોઇ પણ શ્રેષ્ઠ રીતે કરી શકે નહીં. આવી જ આપણી એક યાત્રા અવિરત ચાલે છે જેનું નામ છે શિક્ષણની ક્ષિતિજને પેલે પાર...

        આજના સમયમાં ચારેય તરફ જયારે બાળકેળવણી અને બાળકોના ઘડતરની વાત થઇ રહી છે ત્યારે એવી કઇ બાબતો છે કે જે એક બાળકને પણ સામાજીક બનાવી શકે. આ બાળક પણ નાનપણથી જ પોતાના જીવનમાં સાદગીની સાથે સેવા જેવા ગુણો કેળવે. શા માટે આજના માતા-પિતાઓ એ વાતથી ભાગતા જોવા મળે છે કે સામાજીકતાના ગુણો બાલપણમાં જ કેળવી શકાતા નથી?  આજના મા-બાપને પણ પોતાનું બાળક કે પોતાનો યુવાન દીકરો સમાજના વિવિધ કાર્યોમાં ઉત્સાહથી સહભાગી બને અને બધાની સાથે પ્રેમ અને સૌજન્યતાપૂર્ણ વર્તન કરે એ ખુબ જ ગમતું હોય છે.

     આજે પણ ઘણા ઘરોમાં બધા જ પરિવાજનો એકસાથે જ જમવા બેસતા હોય છેજે પણ બાળકને પરિવારપ્રેમનું દર્શન કરાવે છે. આવા પરિવારપ્રેમ થકી જ બાળક કે યુવાન સામાજીકતા શીખતો હોત છે. બાળકની સામાજીકતા ઘણા અંશે મા-બાપના સામાજીક સંબંધો પર પણ આધાર રાખતી હોય છે. માતા-પિતાનું સ્વજનો સાથેનું વાણી વર્તન બાળક કે યુવાન સીધું જ ગ્રહણ કરતા હોેય છે.

         આપણા બાળકો ઘણીવાર પોતાના મિત્રો સાથે મળીને કોઇ કાર્ય કરતા હોય ત્યારે તેમનો ઉત્સાહ વધારવો જોઇએ. આજના માતા-પિતા વધારે પડતી સમજણના કારણે પણ વિવિધ કલાસમાં બાળકોને મોકલી આપે છે અને એ બાળક આખો દિવસના થાકના કારણે પોતાની શેરી કે પોળમાં રમી શકતું નથી, જેના કારણે એનામાં ભાઇચારાની ભાવના જાગતી નથી. આજુબાજુના પડોશીઓ સાથેના તાણાવાણા વાળા સંબંધો પણ બાળકને સામાજીક બનાવી શકતું નથી. આજે ઘણા વાલીઓ બાળકોને અલગ અલગ રૂઢિગત વાતોમાં જકડી રાખે છે અને પોતાને ગમે તે પ્રમાણે જ વર્તબ કરવાનું અને રહેવાનું એવું ફરમાન કરતા હોય છે, જે કોઇપણ અંશે યોગ્ય નથી. ઘરે આવતા મહેમાનોની સામે સર્કસના જોકરની જેમ ખેલ કરવાનો હોય એમ વિવિધ પ્રવૃતિઓ કરાવે છે.

        આ બધી જ બાબતોનો બાળકના માનસ પર ઘણો પ્રભાવ પડે છે અને એ સ્વ: કેન્દ્રી બની જાય છે. આના ઉપાય તરીકે આપણે જ ઘણું બધું કરી શકીએ છીએ. જેમ કે બાળકને સામાજીક મેળાવડામાં લઇ જાઓ. શાળાઓમાં એમના મિત્રો સાથે મળીને સામાજીક સેવાની પ્રવૃતિઓમાં ભાગ લેવાનું શીખવી શકાય.એમને પોતાના કામ જાતે કરતા કરવા જોઇએ. માતા-પિતાએ પણ બાળકની સામે શિષ્ટ વર્તન કરવુ જોઇએ. બાળકના મિત્રોને ઘરે બોલાવીને કે બહાર એમને સાથે લઇ જઇને કોઇ સેવાકીય સંસ્થાની મૂલાકાત કરાવવી જોઇએ. એમને નવા નવા કાર્યક્રમોમાં ભાગ લેતા કરવા જોઇએ.

Sunday, June 27, 2021

સર્જનયાત્રાનું મંથન-૯

        એક રેસ્ટોરન્ટમાં એક સુપ્રસિદ્ધ શેફે ઉચ્ચ પ્રકારના ચોખા વાપરીને અત્યંત સ્વાદિષ્ટ પુલાવ બનાવ્યો. પુલાવ તૈયાર થયો એટલે એની સોડમ આમતેમ પસરી ગઈ. બધાના મોંમાં પાણી છૂટ્યું. બધાને તે પુલાવનો સ્વાદ ચાખવાની ઉતાવળ થઈ ગઈ. લગભગ સો જેટલા લોકોને રેસ્ટોરન્ટમાં શેફ એ પુલાવ પીરસ્યો. દરેક જણ હજુ તો પુલાવ હાથમાં લઈને પહેલો કોળિયો લે ત્યાં જ શેફે આવીને કહ્યું કે આમાં એક કાંકરી આવી ગઈ છે. તે ચોખાના રંગની જ છે. કાળજી લેજો. કોઈના દાંત વચ્ચે આવશે તો ઈજા થઈ શકે.

            હવે પુલાવનો સ્વાદ સરસ છે... સોડમ અપ્રતિમ છે... પણ ખાવાની ગમ્મત ચાલી ગઈ. દરેક જણ કોળિયો ખાય ત્યારે સ્વાદ પ્રત્યે ધ્યાન ના આપતા આ કોળિયામાં કાંકરી તો નહિ હોય તે વિચારથી કોળિયા ઉતારતા હતા. જે તે બધા સાવધ થયા હોવાથી ગપાટા અને વિનોદ વગેરે બધું વિસરાઈ ગયું. બધા સાથે હોવા છતા એકએક જણ વિચારોમાં સરી ગયા હતા. બધા છેલ્લે સુધી જમ્યા અને છેલ્લા કોળિયા સુધી કાળજી લીધી.

          બધા ને પોતાને કાંકરી ન આવી તેનો હાશકારો થયો. હાથ ધોયા. તે ક્ષણે કોઈના ધ્યાનમાં આવ્યું કે ઓત્તારી? કોઈને કાંકરી નહિ આવી? પછી એ લોકો એ શેફ ને બોલાવ્યો. તેમણે પૂછ્યું કે તે તો કહ્યું હતું કે કાંકરી આવશે!  શેફે કહ્યું કે આમાં તો બધી કાંકરી વીણી કાઢી હતી પણ ભૂલમાં એકાદ રહી ગઈ હોય તો આપ સહુ સાવધાન રહો તેથી જ કહ્યું...!

          બધા એકબીજા સામે જોવા લાગ્યા. અત્યંત સ્વાદિષ્ટ એવા પુલાવ વિશે કોઈ ચર્ચા જ થઈ નહિ. જમીને બધા થાક્યા હતા, કેમકે કોળિયા ખાવાની સહજતા જ ચાલી ગઈ હતી. એટલે ભોજન લેવું આટલું કષ્ટદાયક લાગ્યું હતું. એક રોગને લીધે આપણા સહુની હાલત હાલમાં આવી પુલાવની કાંકરી જેવી છે. કોને આ કાંકરી આવશે તે કહી ના શકાય. જીવવાની સહજતા ચાલી ગઈ છે. અરે મદદ પહોચાડતા લોકો માટે પણ.. કોરોના તો નહિ હોય? દૂધવાળો, શાકવાળી, કરિયાણાવાળો, જીવન જરૂરિયાતની વસ્તુઓ લેતી વખતે વસ્તુ સાથે શું આવશે તેની ચિંતા કોરી ખાય છે આપણને સહુને!

        પહેલા તો છીંક આવે તો કોઈ યાદ કરે છે એવું વિચારતા! પણ હવે તો લાગે છે કે ઈશ્વરે આપણી ફાઈલ બહાર કાઢી કે શું...? જાણતા નથી કે આવું ક્યા સુધી ચાલશે. પણ તે સ્વાદિષ્ટ જમણની જેમ હવે ફક્ત આપણું જીવન બેસ્વાદ ના થાય એવી પ્રાર્થના કરીએ. 

નકારાત્મક સમાચારો, પોસ્ટ નહિ વાંચવી અને મનને ઉત્સાહી બનાવતી માહિતી, સામગ્રી વાંચો, પુસ્તકો વાંચો. શોખ ઊભો કરો અને ટનબંધ આનંદ પોતાની પાસેથી જ ખરીદો!

આભાર સહ-એક મરાઠી પોસ્ટમાંથી અનુવાદ... Jayendra Vinchhi

Tuesday, June 22, 2021

સર્જનની સરવાણી-૪૩


 શ્રવણ

        ત્રેતાયુગના સમયમાં અયોધ્યામાં રાજા દશરથનું રાજ હતું અને રાજા દશરથને ત્રણ રાણીઓ હતી. કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. આ રાજા પોતના ગુરુ વશિષ્ઠજીની આજ્ઞા પ્રમાણે પ્રજાના સુખમાં સુખી અને પ્રજાના દુ:ખમાં દુ:ખી એમ એક આદર્શ રાજય વ્યવહાર કરતા હતા. રાજા વારંવાર વનમાં જઇને પણ ઋષિમૂનિઓ પાસે જઇને તેમની સગવડતાઓ અને આશાઓ પૂર્ણ કરતા રહેતા. તેમજ જ્ઞાનનો પ્રવાહ પણ અયોધ્યા નગરીમાં વહેતો હતો. રાજા દશરથના રાજમાં બધી પ્રજા સુખ અને શાંતિથી રહેતી હતી, ધન-સંપત્તિ અને સમૃધ્ધિની પણ કોઇ કમી ન હતી.

         આવા સમયમાં એક વનમાં મૂનિ શાંતનુ અને સતી જ્ઞાનવતીના ઘરે શ્રવણનામનો એક આજ્ઞાકારી અને આદર્શ પુત્ર થઇ ગયો. શ્રવણના માતા-પિતા અંધ હતા. શ્રવણ ખૂબ જ આદર અને પ્રેમભાવ સાથે મા-બાપની સેવા કરતો હતો. તે ખુબ જ સેવાભાવી અને આજ્ઞાકારી પણ હતો. એકવાર તેણે માતા-પિતાના મોંઢેથી જાત્રા જવાની ઇચ્છા વિશે સાંભળ્યું અને પોતાના મા-બાપને જાત્ર કરવા લઇ જવાનો મનમાં નિર્ધાર કર્યો.

         શ્રવણે સુથાર પાસે જઇને એક સુંદર કાવડ બનાવડાવી અને પોતાના માતા-પિતાને આ કાવડમાં બેસાડયા. કાવડને ખભા પર લઇને શ્રવણ જાત્ર કરાવવા ચાલી નીકળ્યો. એક પછી એક જાત્રાના સ્થાનમાં જાય છે અને સુંદર વર્ણન સાથે આ જાત્રની વાતો માતા-પિતાને કરતો જાય છે. મા-બાપ અંધ હોવાથી શ્રવણની જ આંખોથી જાત્રના દર્શન કરે છે. આમને આમ બાર વર્ષ સુધીનો સમયકાળ જતો રહ્યોે અને એમની જાત્રા ચાલતી રહી.

         એકવાર યાત્રા કરતા કરતા શ્રવણ પોતાના મા-બાપની સાથે અયોધ્યા નગરની નજીક આવે છે. સરયૂ નામની નદીના કિનારે રોકાય ત્યારે મા-બાપને તરસ લાગી છે. શ્રવણ આજ્ઞા લઇને પાણી ભરવા માટે સરયૂના કિનારે જાય છે. ત્યારે આ તરફ અયોધ્યાના મહારાજ દશરથ પણ મૃગયા કરવા માટે એટલે કે શિકાર કરવા માટે નીકળ્યા હોય છે. તેમણે નદીમાં બૂડ..બૂડ..બૂડનો અવાજ સાંભળ્યો.

         અવાજ સાંભળતાની સાથે રાજાને એમ થાય કે કોઇ હરણ પાણી પીવા માટે આવ્યું હશે અને રાજા જોયા વગર જ અવાજની દિશામાં બાણ ચલાવે છે. આ બાણ સનનન્ કરતું શ્રવણને વાગે છે. શ્રવણે ખુબ જ મોટી બુમ પાડી એટલે રાજા દશરથ ઝાડીમાંથી બહાર આવીને જુએ છે તો ત્યાં શ્રવણકુમાર તડપતો હતો. રાજાને પણપોતાનાથી થઇ ગયેલી ભૂલ બદલ ખુબ જ પસ્તાવો થયો અને આ બાજુ શ્રવણે પોતાના આંધળા માત-પિતાની વાત કરતા કરતા પ્રાણનો ત્યાગ કર્યો.

         રાજા દશરથ પાણીનો ઘડો ભરીને શ્રવણના મા-બાપની પાસે આવે છે અને કઇ રીતે પોતાનાથી ભૂલથી શ્રવણને બાણ મારયાની વાત કરે છે. આ વાત સાંભળતાની સાથે જ મા-બાપ રુદન કરતા કરતા રાજા દશરથને શાપ આપે છે કે “ તમે પણ અમારી જેમ પુત્ર વિયોગમાં મરણ પામશો ” આટલું બોલતાની સાથે જ શ્રવણના માતા-પિતા પણ પોતાના પ્રાણનો ત્યાગ કરે છે. રાજા દશરથ ખુબ જ વિલાપ કરે છે અને પસ્તાવો કરે છે.

સર્જનવાણી : માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઇએ અને હંમેશા એમની સેવા કરવી જોઇએ તેમજ કોઇ પણ કાર્ય કયારેય વિચાર કર્યા વગર કરવું નહિ.

Sunday, June 20, 2021

સર્જનયાત્રાનું મંથન-૮


              રોનાલ્ડ રીગને કહ્યું હતું કે, "આપણી સમસ્યાઓનું સમાધાન સરકાર નથી. સરકાર પોતે જ સમસ્યા છે." મિનિમમ ગવર્નમેન્ટ એન્ડ મેક્સિમમ ગવર્નન્સનું સૂત્ર એટલા માટે જ છે. સરકાર જ્યારે તેના અહંકાર અને અજ્ઞાનમાં કામ કરે તો શું થાય તેના માટે અર્થવ્યવસ્થા અને રાજનીતિમાં કોબ્રા ઇફફેક્ટ નામની એક ધારણા છે. આ શબ્દ બ્રિટિશ શાસન વખતે દિલ્હીમાંથી આવ્યો હતો. 

        દિલ્હીમાં ત્યારે ઝેરી નાગનો બહુ ઉપદ્રવ હતો. દિલ્હીના ગોરા સાહેબે તેના સમાધાન માટે એક યોજના જાહેર કરી, નાગ મારો અને ઇનામ લઇ જાવ. દિલ્હીમાં ઠેરઠેર સેન્ટર ખોલ્યાં. શરૂઆતમાં યોજના કારગત નીવડી, કારણ કે એમાં પૈસા મળતા હતા, પણ થોડાક જ વખતમાં લોકોએ ઝેરી નાગ પેદા કરવાનો 'ગૃહ ઉધોગ' શરૂ કરી દીધો. લોકો વરંડામાં કે ખેતરોમાં નાગ પેદા કરે અને પછી તેને મારીને પૈસા લઈ આવે. સરકારને ખબર પડી એટલે યોજના બંધ કરી દીધી. લોકોએ બધા નાગ છોડી મુક્યા અને દિલ્હીમાં નાગની સમસ્યા ઔર વકરી ગઈ.

Saturday, June 19, 2021

પિતૃપૂજન દિવસ-Happy Father's Day

       પિતા એટલે બાળકનો પડછાયો. બાળકના જન્મને ઈશ્વરનો આશીર્વાદ માની જીવનની દરેક નાની-મોટી ખુશીઓને જરૂર પડ્યે પોતેના ભોગવી બાળક માટે રાખી મૂકે અથવા દરેક ખુશીઓને પોતાના બાળક તરફ હડસેલી દે તે પિતા કે બાપ યુવાની તરફથી ઘડપણ તરફની યાત્રામાં અનેક એવા પડાવો ઉભા કરે જ્યાં પોતાનું સંતાન પોરો ખાઈ શકે. દીકરો કે દીકરી જેની શીળી છાયામાં નચિંત થઈને ઉછેર પામે તે પિતા. પોતાના  જીવનના સારા નરસા દિવસોનો હિસાબ ધરાવતા તો હોય પણ તેનો ચોપડો સંતાનો સમક્ષ ક્યારેય રજૂ ના કરે એ પિતા. 

        જીવનના અમુક દિવસોને અગિયારસ ગણીને ઉજવી નાખ્યા હોય, અમુક દિવસોને જીવ્યા તો હોય પણ તેનો હિસાબ ભૂલી ગયા હોય છતાં સંતાનો માટે પોતાની કોથળી ખુલ્લી મૂકી હોય, કોઈ ખોટ ના સાલવા દીધી હોય, જીવ્યા જાજા હવે રહ્યા થોડા કરીને ખુશી વ્યક્ત કરી દેતા હોય તેવા પિતા - બાપ ને આજના દિને સો સો સલામ. રાધર, ફાધર સાથે વિચારભેદ થાય તો પણ એ બાપ છે વ્હાલા. છત્રી બનીને છાંટા ઝીલ્યા હશે, ઝાડવું બની ને છાંયો આપ્યો હશે કે પછી મને ટાઢ ના લાગે 7કહીને કોઈ પણ ખચકાટ વિના શાલ કે સ્વેટર આપણ ને આપી દીધા હશે એ વડલો પૂજનીય જ હોય. 

          માતાના પ્રેમ અને વ્હાલની તો વારંવાર ચર્ચાઓ થાય અને એમનું ઋણ પણ અમૂલ્ય જ છે પરંતુ પિતાનું ઋણ પણ માતા જેટલું જ હોય છે. આપણાં વેદ ગ્રંથોમાં પણ પિતા-માતા-ગુરુ એમ ત્રણ ઋણ આ મનુષ્યજન્મમાં ઉતારવાની વાત આવે છે. પિતા પોતાના સંતાનોને પગભર થતાં શીખવે છે અને પડછાયો બનીને તેની પાછળ ઊભા રહે છે.

સર્જનવાણી- સંતાનોની નાનકડી સફળતાઓ અને મોટી નિષ્ફળતાઓના સમયને પણ ઉજાણી બનાવવાનું સાહસ એક પિતા જ કરી શકે છે.

Tuesday, June 15, 2021

સર્જનની સરવાણી-૪૨

 


!! ગુજ્જુઓના એકવીહ લખણો... !!

૧. બે ગુજરાતીઓ જયારે પણ ભેગા થાય ત્યારે ગુજરાતીના બદલે ના આવડતી હોય એવી હિંદી અને અંગ્રજીને મિક્ષ કરીને વાત કરશે અને આનું કારણ પૂછો તો કહે કે ભાઇ આજકાલ તો ઇંગ્લીશનો જમાનો છે બોસ!

૨. જયાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, પણ જયાં ન પહોંચે કવિ ત્યાં પહોચે એક ગુજરાતી અને એ પણ થેપલા, ખાખરા અને અથાણા સંભાર સાથે જ હો!

૩. ગુજરાતી લોકો માત્ર ચા-કોફી જ નહિં પણ મરચાના ભજીયાને પણ ગળ્યા બનાવી શકે છે!

૪. શોપિંગ મોલ તરફની ગુજરાતીઓની ઘેલછા હજુ પણ એવીને એવી જ છે, મોલમાં જવાથી તે ધન્યતાનો અનુભવ કરતો હોય છે!

૫. ગુજરાતીઓ પુસ્તક ખરીદતા નથી એ વાત હવે પુરાણી થઇ ગઇ છે અને એવું જરાપણ માની લેવું નહીં કે આપણા આ ગુજરાતીઓ ખરીદેલું પુસ્તક વાંચશે જ!

૬. સુરા સુરા સુરા એ કોઇ નવલકથા નહીં પણ ગુજરાતીના અંતરમનમાં ઉઠતો પોકાર છે. બે ઘુંટ અંદર જાય પછી બોલે આપણે ગમે તેટલું પીએ પણ લિમિટમાં જ હો કે !

૭. ગુજરાતીઓ વેપારી પ્રજા છે કે નહીં તેની સાથે આપણા સમાજશાસ્ત્રીઓ બહુ સંમત છે કે નહીં તેની ખબર નહીં પણ આ ગુજરાતી યુવાનો લશ્કરમાં પણ ઓછા જાય છે.

૮. પંજાબી, રાજસ્થાની, ચાઇનીઝ, સાઉથ-ઇન્ડિયન વાનગીઓની સાથે જ આપણી ગુજરાતી થાળીની વિશેષતા હજુ અકબંધ છે.

૯. કાલથી રોજ ચાલવા જઇશ એવું કહેનારા ઘણા ગુજરાતી બંદાઓ પાનમાવો ખાવા માટે પણ મોટરસાઇકલ લઇને જાય છે લ્યો બોલો !

૧૦. એકસ્ટ્ર, ફ્રી, મફત જેવી વસ્તુઓ માટે આપણા ગુજરાતીઓ બિનજરુરી ખરીદી કરતા પણ અચકાતા નથી હો !

૧૧. ગુજરાતીઓ અખબાર પ્રેમી છે પણ આ અખબાર બીજાએ ખરીદેલુ હોય ત્યારે જ! ખાસ તો બીજાના અખબારથી જ તે જ્ઞાનસંપાદન કરતો જોવા મળે છે.

૧૨. ગુજરાતીઓ જેટલું જીભનું ધ્યાન રાખે છે, એટલું પોતાના શરીરનું પણ રાખતા નથી. મોર્નીગ વોક માટે જતો ગુજરાતી ખાસ તો અંતમાં ખમણ અને ગાંઠિયાની મોજ માણવા જ જાય છે!

૧૩. અંગ્રજી મીડિયમએ ગુજરાતીની નબળાઇ છે, અમે ભલે ગુજરાતી પણ સરખુ ભણ્યા ન હોય પણ અમારા સંતાનો તો ઇંગ્લીશમાં જ ભણશે હો !

૧૪. કોઇ પણ ઘટના આપણા દેશમાં બને કે વિદેશમાં બને પણ આપણા ગુજ્જુઓ તેનું ગૌરવ લેવામાં જરા પણ વાર લગાડતા નથી. આપણો જ ગુજરાતી ભાઇ છે હો વાલા !

૧૫. મોબાઇલ એ ગુજરાતીની નબળાઇ છે, મહિનાના પગાર કરતા પણ મોંઘો મોબાઇલ હોંશે હોંશે લાવશે અને આખા ગામને બતાવીને વટ પાડશે !

૧૬. ગમે તેટલા સ્વચ્છતા અભિયાન ચલાવો પણ ગંદકી કરવામાં ગુજરાતીને કોઇ પહોંચે નહીં. દવાખાનું , ગાર્ડન, સ્કૂલ હોય કે સચિવાલય પણ પાનની પિચકારી તમને કોઇને કોઇ ખૂણામાં જરુરથી જોવા મળી જ જાય!

૧૭. શાકાહારનું ગૌરવ અને માંસાહારનું આકર્ષણ ધરાવતા ગુજરાતીઓ ઠેરઠેર જોવા મળે છે.

૧૮. સો વર્ષની જીવવાની જીંદગીને ઠોકર મારીને કોઇ સૌરાષ્ટ્રના અમુક ગામના લોકો આજે પણ બપોરે બે ઘડી સૂવાની આદત છોડવા તૈયાર થાય એવા નથી.

૧૯. જયારે બે-ચાર વડીલો ભેગા થાય ત્યારે એકવાત તો કોમન જ હોય કે આજકાલ ના જુવાનીયા તો ભાઇ તોબા તોબા. અમારા સમયમાં તો વડીલોની સામે બોલાતું પણ નહીં એવું કહ્યા જ કરશે.

૨૦. દસમું અને બારમું એટલે કતલનું વરસ. બાબો આપણો બોર્ડમાં આવ્યો એમ કહ્યા કરે અને આ વર્ષમાં ટી.વી., મોબાઇલ અને બીજી એકટીવીટી પણ બંદ અને માતા પિતાને પણ કાંઇ બહાર પણ જવાનું નહીં.

૨૧. છકડા એ ગુજરાતીઓનું રાષ્ટ્રીય વાહન છે.

Sunday, June 13, 2021

સર્જનયાત્રાનું મંથન-૭

        રશિયન તાનાશાહ સ્ટાલિને કહ્યું હતું કે, "વિચારો બંદૂક કરતાંય તાકાતવર હોય છે. અમે અમારા લોકોને બંદૂકો પકડવા દેતા નથી, તો પછી તેમને વિચારો કેવી રીતે કરવા દઈએ?" તાનાશાહોને સ્વતંત્ર વિચારશક્તિવાળા લોકો પસંદ નથી આવતા. તેમને સવાલો કરે, શંકા કરે તેવા લોકો નહીં, ઘેટાં જેવા બંધ મગજના અનુયાયીઓ ગમે છે. વિચાર કરી શકે તેવા લોકોમાં તેમને દુશ્મન નજર આવે છે. એટલા માટે તાનાશાહો માહિતીઓ, સમાચારો અને શિક્ષણ પર સૌથી પહેલો અંકુશ મૂકે છે. લોકોના માનસ પર કબ્જો કરવાનું તેનું પ્રાથમિક લક્ષ્ય હોય છે. તેનું હથિયાર ડર હોય છે. 

        વિરોધી વિચાર કરે તેને તે મૌન કરી દે છે. જ્યાં પણ જરા પણ ભિન્ન મત દેખાય, તો તેઓ તેને દુશ્મન બનાવી દે છે. તેનું નિશાન જનતા હોય છે જે વિચાર કરતાં ડરે. જે સ્વતંત્ર વિચાર કરે છે, તેનામાં પ્રામાણિકતા વધુ અને વફાદારી ઓછી હોય છે.  તાનાશાહને પ્રામાણિક નહીં, વફાદાર માણસો ગમતા હોય છે. 

Friday, June 11, 2021

વિવેકાનંદની વાણી: મણકો-૬

 

        દેહમાં કશી તાકાત વિનાના, હદયમા કોઇ ઉત્સાહ વિનાના અને મગજમાં જરાય મૌલિકતા વિનાના આ જડ પદાર્થના લોચા જેવા માણસો શું કરી શકવાના છે ? તેમનામાં મારે પ્રાણ પૂરવા છે. તેમનામાં ઉત્સાહ લાવીને મારે તેમને જીવંત કરવા છે. આ કાર્ય માટે મે મારુ સમગ્ર જીવન સમર્પિત કર્યુ છે. વૈદિક મંત્રોની તાકતથી હું તેમને જાગ્રત કરીશ અને તેમની પાસે ઉત્તિષ્ઠત જાગ્રતના અભય સંદેશની ઉદ્‌ઘોષણા કરાવવા માટે જ મેં જન્મ લીદ્યો છે.

         હું માનવજાતિનો એક નવો જ એવો વર્ગ ઊભો કરવા માંગું છું, જે અંત: કરણ પૂર્વક ઈશ્વરમાં માનતો હોય અને તેને દુનિયાની કશી કાંઈ પડી ના હોય. ભારતવર્ષની જનતાનો ઉદ્રાર કરવા માટેના કર્તવ્યમાં મન-પ્રાણને સમર્પિત કરી શકે તેવા યુવાનોની વચ્ચે જઇને કામ કરો અને તેમને જાગ્રત કરો. સંગઠિત કરો અને ત્યાગની ભાવનાથી પ્રેરાઇને આ કાર્ય કરવાનો સમગ્ર આદ્યાર ભારતના યુવાનો પર જ છે.

         આ યુવકોને સંગઠિત કરવા જ હું જન્મયો છું અને આટલું જ નહિં, પ્રત્યેક શહેરમાં પણ સેંકડો યુવાનો મારી સાથે જોડાવા માટે તૈયાર છે. ભારતમાં ગરીબ અને પદ દલિત લોકોના દ્રાર સુધી સુખ, નીતિ, ધર્મ, શિક્ષણ પહોંચાડવા માટે મારે તેમને જુવાળની માફક મોકલવા છે અને હું આ કરીને જ રહીશ.

         તમારુ ભાવિ ઘડવાનો આ જ એક ઉત્તમ સમય છે. જયારે તમે ઘસડાઇને મુડદાલ જેવા થઇ જશો ત્યારે કોઇ કામ કરી શકશો નહિં. યુવાનીની ખરી તાકાત અને તાજગી છે ત્યારે આ તમે સરળતાથી કરી શકશો. યુવાનો કામ કરવા લાગી જાઓ અને આળસ ખંખેરીને ઊભા થાઓ. આ જીવન ઘણું ટૂંકું છે ! તમારા લોકો માટે અને માનવજાતના કલ્યાણ માટે તમારી જાતનું બલિદાન આપવાનું કાર્ય જ મહાન છે.

Tuesday, June 8, 2021

સર્જનની સરવાણી-૪૧


·    આપણે પ્રેમ, પ્રસંશા અને આશા વડે જ જીવીએ છીએ. સાચી પ્રસંશા માનવનું ઉર્ધ્વગમન કરાવે છે.

·   બાળકોને કેળવવા એ એક કળા છે, જેટલો સમય એની પાછળ ગાળશો એટલા જ સારા ફળ તમે પામશો.

·       માતૃભાષાના સુદઢ પાયા પર વિશ્વની કોઇ પણ ભાષા શીખી શકાય છે.

·       આ દુનિયામાં કોઇ એવું કામ નથી જે વારંવારના પ્રયાસોથી સિધ્ધના થઇ શકે.

·     સારા પુસ્તકો અને મિત્રોનો સંગ આપણને ફાનસની જેમ પ્રજ્વલિત થઇને દિશા બતાવે છે અને હંમેશા   સાથ નિભાવે છે.

·     શિક્ષકનું કામ અજવાળા કરવાનું છે. શિક્ષક એ ઘી છે, શિસ્તએ વાટ છે, નિશાળએ માટીનું કોડિયું છે. 

·      તમને જે કાંઇ બોધ થાય છે, તે તમારા ભૂતકાળના અનુભવના આધારે હોય છે.

·     સત્યથી જ શ્રધ્ધા ઉપજે છે, નહિં કે માન્યતા.

·     પ્રાર્થનાનો આધાર કરનાર પર છે, કોની કરો છો તે મહત્વનું નથી.

·    એક હજાર કલાક લાંબુ પ્રવચનએ એક દ્રષ્ટિની તોલે ન આવે અને એવી સો દ્રષ્ટિઓ એક મિનિટના મૌનના તોલે ન આવે.

·         આ દુનિયામાંથી હું માત્ર એક જ વાર પસાર થવાનો છું, તો લાવ જે સારા કામો કરવાના હોય તે અત્યારે જ કરી લઉં, કારણકે હું અહીં બીજીવાર આવવાનો નથી

Sunday, June 6, 2021

સર્જનયાત્રાનું મંથન-૬

 

આપણે સ્વભાવગત પક્ષપાતી છીએ. આપણે કોઈ નવી માહિતી કે વાતને આપણી અંદર અગાઉથી મોજુદ માન્યતાઓનાં ચશ્મામાંથી જોઈએ છીએ. આને કન્ફર્મેશન બાયસ કહે છે. આપણે એ જ વાતને સાચા માનીએ છીએ, જે આપણા પૂર્વગ્રહોને મળતી આવે. આપણા મગજનું આ ડિફોલ્ટ સેટિંગ છે. સોશ્યલ મીડિયાની સફળતાનું રહસ્ય આ કન્ફર્મેશન બાયસ છે. તેનાં અલગોરીધમ બનાવવામાં જ આવ્યાં છે એવી રીતે કે તમારી સામે એવું જ કન્ટેન્ટ આવે, જેના વિશે તમારામાં પહેલેથી પૂર્વગ્રહો મોજૂદ હોય. આને ઇકો-ચેમ્બર કહે છે. આપણને લાઈક-કૉમેન્ટ્સ-પોસ્ટ્સ મારફતે એવા જ અવાજો સંભળાય, જેમાં આપણા અવાજનો પડઘો હોય. સોશ્યલ મીડિયા આપણને પૂર્વગ્રહિત નથી બનાવતું. તે આપણા પૂર્વગ્રહોને વધુ તીવ્રતાથી બહાર લાવે છે. એટલા માટે બે વ્યક્તિ એકબીજા પર ઝનૂનથી 'હૂમલો' કરે, ત્યારે સરવાળે બંનેના પૂર્વગ્રહો ઔર મજબૂત થાય છે.


Saturday, June 5, 2021

વિરલ વિભૂતિઓ- છત્રપતિ શિવાજી મહારાજ

        ભારત એટલે વિરલ વિભૂતિઓની ધરણીધરા. આ ભૂમિની માટીમાં જ એવી સ્મૃતિ અને કાયાકલ્પ કરનારી શકિત છુપાયેલી છે. આ ધરતી પર તો જન્મ લેવા માટે પણ ઇશ્વરને માં ના ખોળે અવતાર લેવો પડે છે. શ્રીરામ ભગવાન ભગવાન શ્રીકૃષ્ણ અને વિશ્વામિત્ર, પરશુરામ જેવા મહાત્માઓને પણ એકવાર આ ધરતીની માયા લાગી ગઇ છે. એવી આ આપણી પવિત્રધરા વારંવાર દરેક કાળમાં કોઇને કોઇ બહારના આક્રમણકારીઓ વડે પીંખાતી રહી છે. દરેક વખતે કોઇને કોઇ વિરલ તારલાઓ આ માતૃભૂમિની રક્ષા કરવા માટે આવતા રહ્યા છે. આવા વિરલાઓમાં મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજના પણ સમાવેશ થાય છે.

         ભારતીય રાજકીય ઇતિહાસનાં ઘડતરમાં પોતાનો મહ_વનો ભાગ ભજવનાર છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ મહારાષ્ટ્રમાં શિવનેરીના કિલ્લામાં થયેલો. જન્મ સમયે મોગલ બાદશાહે પ્રપંચ ખેલીને જીજાબાઇ સહિત શિવાજીને શિવનેરીના કિલ્લામાંથી મોગલ છાવણીમાં રહેવા બોલાવ્યાં. આ બાબતની જાણ મોગલ સેનાના મરાઠા સરદાર જગદેવરાયને થવાથી તેમણે માતા-પુત્રને પાછા કોંકણા બોલાવી લીધા અને સલામત રાખ્યા. દાદા કોંડદેવ પાસેથી શિવાજીને રાજનીતિ અને રણસંગ્રામ ખેલવાની તાલીમ મળી હતી. એ પવિત્ર બ્રાહ્યણ દાદાજી શિવાજીને મુસ્લિમો સાથે વેર નહિ બાંધવા માટે સમજાવતા રહેતા.

         ગોવલકર સાવંત નામના મહાશય પાસે એક વિખ્યાત તલવાર હતી. જે મેળવવા માટે સરદારે શિવાજીને વાત કરી. પરંતુ શિવાજીએ કહ્યું કે કોઇ માનનીય વ્યકિતની પાસે પોતાની વ્હાલી વસ્તુ હોય અને તેની અભિલાષા વીર પુરુષોએ કયારેય કરવી જોઇએ નહિ, તેથી વેર બંધાય. આ વાત સાવંતના કાને પડતા તેણે સામેથી શિવાજી સમક્ષ મિત્રતાનો હાથ લંબાવતા તે તલવાર તેમને મોકલી આપી. એથી શિવાજીએ પ્રસન્ન થઇને શિરપાવ મોકલ્યો અને એને પોતાની નોકરીમાં પણ રાખ્યો.

         સને ૧૬૬૪ માં શિવાજીએ નાશિકની જાત્રા કરવાના બહાને સેના સાથે ગણદેવીમાં મુકામ કર્યો, ત્યારે સુરતવાસીઓ ગભરાઇ ગયા કે શિવાજી સુરતને પણ લુંટવાના હશે. શિવાજીએ બુરહાનપુરી ભાગોળે ઊતારો કર્યો અને પોતાના બે માણસો મોકલીને સંદેશો મોકલ્યો કે શહેરના સુબેદાર અને ત્રણ ધનાઢય વેપારીઓએ આવીને ખંડણીની રકમ ભરી જવી નહીં તો આખા શહેરને સળગાવી મૂકવામાં આવશે. પણ કોઇ જવાબ ન મળવાથી મહારાજના સૈનિકો શહેરમાં દાખલ થયા. ટોપગોળાનો મારે ચાલતો હતો પણ શિવાજી મહારાજતો તેની દરકાર પણ કરતા નહોતા. એનાથી શિવાજીને કોઇ નુકશાન થયું નહિ , પણ મરાઠાઓએ બીજા ચાર દિવસ સુધી શહેરમાં રહેલા વેપારીઓના ઘરને નિશાન બનાવીને લુંટતા રહ્યા અને ઘણું સળગાવી પણ નાખ્યું. સ્ામગ્ર શહેરમાં પારાવાર નુકશાન થયું હતું.

         શિવાજીના રાજકાળમાં મહારાષ્ટ્રમાં ભાગવત્ ધર્મનો સારો એવો પ્રચાર પણ થયો હતો. મહારાજ પોતે પણ નામદેવ, એકનાથ, સમર્થ રામદાસ, તુકારામ, જ્ઞાનદેવ પાસે જઈને સંતોના બોધ અમૃતનું પાન કરતા હતા. એકવાર શિવાજી મહારાજ રાત્રે લોહગાંવ જઇને તુકારામનું કિર્તન સાંભળતા હતા. મંગલાચરણ એવી રીતે થયું કે મહારાજ સ્તબ્ધ થઇ ગયા. શ્રોતાઓની સાથે પ્રેમ-પ્રવાહમાં ભાન ભૂલીને તેઓ વિઠ્ઠલનો નાદ રટવા લાગ્યા અને નાચવા માંડયા. પછી તુકારામે વૈરાગ્યવૃત્તિનું મહ_વ અને લક્ષણો કહ્યા જે સાંભળીને મહારાજની ચિત્તવૃતિમાં બદલાવ આવ્યો અને જંગલમાં જઇને તે આ બોધનું મનન કરવા લાગ્યા, આમ કરતા કરતા તેમનો રાજપાટમાં જીવ બહુ લાગતો નહિ. આ વાતની જાણ જીજાબાઇને થવાથી તે તુકારામને મળ્યા અને તુકારામ મહારાજના રાજધર્મ પરના બોધથી તેમણે રાજપાટ ફરીથી ઉજળો કર્યો.

     જે સમયગાળામાં રાજસ્થાન અને બીજા રજવાડાના રાજાઓ પોતાની કુંવરીઓ મોગલ શહેજાદાઓને પરણાવીને પોતાના રાજસિંહાસનો બચાવતા હતા ત્યારે પણ શિવાજી મહારાજે મોગલોની સામે નહીં ઝુકીને એક સ્વરાજયની સ્થાપના કરી હતી. આ સત્તા પોતાના અંગત સ્વાર્થ માટે નહોતી પણ આપણો દેશ પરસત્તા અને પરધર્મીઓના હાથમાં ન આવે એવા આશયથી કરી હતી. રાજયના સંચાલનમાં શિવાજીએ પોતાની નવીન દ્દષ્ટિથી એક લોકશાહીને સમાન રાજસત્તા બનાવી હતી.

Friday, June 4, 2021

વિરલ વિભૂતિઓ : મહાન તત્વચિંતક- પ્લેટો ધ ગ્રેટ

        સદીઓ પૂર્વે એથેન્સ એટલે કે આજના ગ્રીસમાં ડાયોનિસીયસ નામનો રાજા શાસન ચલાવતો હતો અને આ ડાયોનિસીયસનો દરબાર પણ ખુબ જ જાહોજલાલી વાળો અને વૈભવશાળી હતો. તેના દરબારમાં શરાબની મહેફીલો થતી અને વૈમનસ્યનું વધારે પડતું વાતાવરણ હતું ને નિંદાના નગારા વાગતા હતા. સૌંદર્યનું શાસન હતું ને રમણીઓની રૂમઝુમ પણ હતી. આવા રાજ દરબારમાં એક માનવી જઇ ચડયો અને થોડા જ દિવસોમાં ત્યાંના વાતાવરણથી અકળાઇને ઉઠયો ને રાજા પાસે જવાની વિદાય માંગી. સ્વેચ્છાચારી ડાયોનિસીયસમાં બાકી બીજા પણ ઘણા દોષો હતા.

         એણે વિદાય આપતા કહ્યું કે તમે ગ્રીસ જઇને ત્યાંની અકાદમીમાં મારા દોષોની ચર્ચા કરશો ને ? ત્યારે એ વ્યકિત એ જવાબ આપ્યો કે બીજાના ગુણ-દોષો જોવા અને તેનું વર્ણન કે કુથલી સિવાય પણ મારે બીજા ઘણા સારા કામો કરવાના છે. આવો જવાબ આપનાર બીજો કોઇ ન(ંંહં પરંતુ આપણા મહાન તત્વચિંતક અને વિશ્વમાં જેમણે પ્રથમવાર એકેડમી એટલે કે શાળાની સ્થાપના કરી હતી, એમના જ કારણે આ અકાદમી કે એકેડમી શબ્દ સમગ્ર જગતમાં પ્રચલિત બન્યો હતો એવા પ્લેટો.

         આવા મહાન પ્લેટોએ આ અકાદમીમાં બેસીને ઘણું ચિંતન અને મનન કયું< હતું તેમજ એણે શાંતિથી વિચારમંત્રોનું ઉચ્ચારણ પણ કર્યુ હતું. એના પડઘાઓ અત્યારે પણ આખા વિશ્વમાં ગુંજે છે. તેઓ સોક્રેટિસના શિદ્વય હતા. તેમનો અકાદમી શબ્દ કલા, સાહિત્ય, અને સંગીતના ક્ષેત્રમાં ખુબ જ જાણીતો અને ગૌરવશાળી બન્યો છે. તેઓ ભારતીય તત્વજ્ઞાનના પણ જાણકાર અને પુરસ્કર્તા હતા. તેમને વિશ્વાસ હતો કે માનવ પણ દેવ બની શકે છે. એટલે જ ભારતીય તત્વજ્ઞાનમાં તેમને પોતાના વિચારોનું પ્રતિબિંબ દેખાતું હતું. ત્ોઓ રાજા મનુની ઘડેલી ચાર વર્ણાશ્રમવાળી સમાજરચનાને સાકાર કરવા માંગતા હતા.

         આવા સપનાઓ સાકાર કરવા માટે જ તેમણે અનેકવાર ડાયોનિસીયસના દરબારની મુલાકાત લીધી હતી પણ એકવાર તો આ ડાયોનિસીયસે તેમને કેદ કરી લીધા હતા અને તેણે ગ્રીસની મહાન સંસ્કૃતિને પણ ખંડેર બનાવી દીદ્યી હતી. આમ છતાં પણ આ મહાન ચિંતક પોતાના સંઘર્ષમય જીવનમાંથી પસાર થયા અને જેમ જેમ તેઓને નિષ્ફળતા મળતી એમ એમ આ મહાન ચિંતક ઊંડાને ઊંડા ચિંતનમાં ખોવાતા ગયા. પણ જેટલો આઘાત એમને નિષ્ફળતાનો નહોતો લાગ્યો તેના કરતા પણ વદ્યારે આઘાત પોતાના વિશ્વવાસુ શિષ્ય એરિસ્ટોટલની વિદાયનો લાગ્યો હતો, કારણકે એમની વચ્ચે આ વિદાયની વાત માટે જ મતભેદ થયા હતા.

         વાત જાણે એમ હતી કે પોતાની અકાદમીના કારણે જ પ્લેટો એ સમગ્ર ગ્રીસમાં વિચારક્રાંતિ કરી હતી. એની આ એકેડમીની ખ્યાતી પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી હતી. તેને ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાની જ્ઞાન પિપાસા બુઝાવવા આવતા હતા. પરંતુ એમાં પ્લેટોને પોતાનું પ્રતિબિંબ કે પોતાના ગયા પછી પોતાની આ અકાદમી સંભાળી શકે તેવો કોઇ શિષ્ય જણાતો નહોતો. પણ એકવાર એ મળી ગયો. એરિસ્ટોટલ નામના પોતાના આ વિદ્યાર્થીમાં તેણે પોતાનો આત્માં જોયો અને તેને જ પોતાની આ એકેડમી આપવાનું તેમજ તેને વિકસાવવાનું સોંપવાનું નક્કી કર્યુ. એને વિશ્વવાસ હતો કે તેના મૃત્યું બાદ માત્ર એરિસ્ટોટલ જ એવો માણસ હતો કે જે તેની આ શાળાને સંભાળી શકે. પણ ઘણા વર્ષો સુધી પ્લેટોના હાથ નીચે કામ કર્યા બાદ પણ એણે આ અકાદમી સંભાળવા માટે ના પાડી દીધી.

         વાત જાણે એમ હતી કે પ્લેટોની અકાદમીમાં માત્ર ભૂમિતિના જાણકારને જ પ્રવેશ મળતો, બીજા કોઇને નહિં. આ વાત એરિસ્ટોટલને માન્ય હતી નહીં. આ પ્રતિબંધ જો હટાવાય તો જ તે પ્લેટોની એકેડમી સંભાળવા તૈયાર હતો. પ્લેટો પોતે ભૂમિતિનો જનક હતો અને એ માટે તે કોઇ બાંધછોડ કરવા માંગતો નહોતો. તેણે એરિસ્ટોટલને કહ્યું કે જો આટલા વર્ષો સુધી મારી પાસે રહ્યા બાદ પણ તારા જેવો શિષ્ય મને સમજી ના શકે

        તો બીજું તો કોણ સમજે ? પરંતું એરિસ્ટોટલ માન્યો નહિં. એણે કહ્યું કે હું તો વાસ્તવિકતામાં માનનારો માણસ છું.

         પ્લેટોએ ખૂબ જ ભારે હૃદયે તેને વિદાય આપી અને તે જ દિવસથી આ મહાન ચિંતક ભાંગી પડયો. ગ્રીક સંસ્કારોને સજીવન કરવાનું તેમજ સમગ્ર જગતમાં ફેલાવવાનું તેનું સપનું રોળાઈ ગયું. માનવ આઝાદી માટે ચિંતન કરતો આ મહાન વિચારક એથેન્સની પડી ભાંગેલી શાસન વ્યવસ્થાથી ખુબ જ વેદના અનુભવવા લાગ્યો. એ માનતો કે માનવીનું ચિંતન કયારેય એળે જતું નથી. એને શ્રધ્ધા હતી કે તેના મોત બાદ પણ કોઇ તો તેની વાતો અને વિચારોને જરુર સમજશે જ. અંતમાં એકવાર પોતાની જ અકાદમીના સ્થાપના દિવસના કાર્યક્રમમાં એ એક જગ્યાએ બેઠા હતા ત્યારે જ જીંદગીથી થાકીને તેમણે દેહત્યાગ કર્યો. આજે પણ આ મહાન ચિંતકના વિચારો એટલા જ પ્રસ્તુત છે. 

Tuesday, June 1, 2021

સર્જનની સરવાણી-૪૦

 

કલાની વાત આવે ત્યારે ભારતીય કલા વિશ્વમાં સૌથી આગળ છે. કલાના બે પ્રકાર છે. હસ્તકલા અને લલિતકલા. માટીકામ, સ્થાપત્ય કલા વગેરે હસ્તકલાઓ છે જયારે નાટ્યકલા, સંગીતકલા વગેરે લલિત કલાઓ છે. ભારતીય સંસ્કૃતિમાં ચૌદ વિદ્યા અને ચોસઠ કલા છે જેને આપણે જાણીએ...

૧. નૃત્ય કલા ૨. વાદન કલા ૩. ગાયન કલા ૪. નાટ્ય કલા.

૫. ચિત્રકલા ૬. તિલક સંચો બનાવવાની કલા ૭. ફુલ-ચોખાનો ચોક પૂરવાની

૮. પુષ્પ શૈયા બનાવવાની કલા ૯. દાંત-અંગ રંગવાની કલા ૧૦. શયન રચના

૧૧. ઋતુ પ્રમાણે ઘર બનાવવાની કલા ૧૨. પુષ્પધાની વાપરવી

૧૩. જલ તરંગ વાદન કલા ૧૪. કાયા કલ્પ કલા ૧૫. માળા ગુંથણ કલા

૧૬. યુધ્ધ-શિકાર કળા ૧૭. વેતાળ કલા ૧૮. બાળ-સંભાળ કલા

૧૯. શિષ્ટાચાર કળા ૨૦. વસ્ત્રગોપન કળા ૨૧. પાંસાની રમત કળા

૨૨. દ્યૃત કળા ૨૩. નામ-છંદનું જ્ઞાન ૨૪. ક્રિયા-વિકલ્પ કલા

૨૫. છેતરપિંડીની કળા ૨૬. શીઘ્ર કવિતા કળા ૨૭. અનુકરણ કળા

૨૮. સ્મૃતિ કળા ૨૯. યંત્ર કળા ૩૦. વાદળા વિજળીથી અનુમાન કરવાની કળા.

૩૧. અઘરા શબ્દોનો અર્થ કાઢવાની કળા ૩૨. કાવ્ય પાદ પૂર્તિ કળા

૩૩. નેતરકામ કળા ૩૪. પ્રદર્શન કળા ૩૫. તર્ક વિદ્યાની કળા

૩૬. કડિયા સુતારી કળા ૩૭. વાસ્તુ કલા ૩૮.રત્ન પરિક્ષણ કળા

૩૯. દ્યાતુકામ કળા ૪૦. સોના-ચાંદીકામ કળા ૪૧. ખાણવિદ્યા કળા

૪૨. વૃક્ષાયુર્વેદ કળા ૪૩. પશુ-પક્ષી લડાવવાની કળા ૪૪. શરીર અભ્યંગ કળા

૪૫. મેના પોપટ પઢાવવાની કળ ૪૬. કર પલ્લવી ૪૭. કેશ સમાર્જન

૪૮. દેશી ભાષાઓ જાણવાની કળા ૪૯. વિદેશી ભાષાઓ જાણવાની કળા

૫૦. વાંચન કળા ૫૧. અંતકડી રમવાની કલા ૫૨. કોયડા કળા

૫૩. સીવણ કલા ૫૪. દોરા વિધી કળા ૫૫. પીણાની કળા

૫૬.રસોઇ કળા ૫૭. હાથ-કૌશલ્ય કળા ૫૮. આભૂષણ વાપરવાની કળા

૫૯. કુરૂપને રૂપવાન બનાવવાની કળા ૬૦.જાદુઇ કળા

૬૧. સુગંધી પદાર્થ બનાવવાની કળા ૬૨. દેશકાળ મુજબ સજાવટ કળા

૬૩. કાનના આભૂષણ બનાવવાની કળા ૬૪. વાળમાં ફૂલ ગુંથવાની કળા