Saturday, June 19, 2021

પિતૃપૂજન દિવસ-Happy Father's Day

       પિતા એટલે બાળકનો પડછાયો. બાળકના જન્મને ઈશ્વરનો આશીર્વાદ માની જીવનની દરેક નાની-મોટી ખુશીઓને જરૂર પડ્યે પોતેના ભોગવી બાળક માટે રાખી મૂકે અથવા દરેક ખુશીઓને પોતાના બાળક તરફ હડસેલી દે તે પિતા કે બાપ યુવાની તરફથી ઘડપણ તરફની યાત્રામાં અનેક એવા પડાવો ઉભા કરે જ્યાં પોતાનું સંતાન પોરો ખાઈ શકે. દીકરો કે દીકરી જેની શીળી છાયામાં નચિંત થઈને ઉછેર પામે તે પિતા. પોતાના  જીવનના સારા નરસા દિવસોનો હિસાબ ધરાવતા તો હોય પણ તેનો ચોપડો સંતાનો સમક્ષ ક્યારેય રજૂ ના કરે એ પિતા. 

        જીવનના અમુક દિવસોને અગિયારસ ગણીને ઉજવી નાખ્યા હોય, અમુક દિવસોને જીવ્યા તો હોય પણ તેનો હિસાબ ભૂલી ગયા હોય છતાં સંતાનો માટે પોતાની કોથળી ખુલ્લી મૂકી હોય, કોઈ ખોટ ના સાલવા દીધી હોય, જીવ્યા જાજા હવે રહ્યા થોડા કરીને ખુશી વ્યક્ત કરી દેતા હોય તેવા પિતા - બાપ ને આજના દિને સો સો સલામ. રાધર, ફાધર સાથે વિચારભેદ થાય તો પણ એ બાપ છે વ્હાલા. છત્રી બનીને છાંટા ઝીલ્યા હશે, ઝાડવું બની ને છાંયો આપ્યો હશે કે પછી મને ટાઢ ના લાગે 7કહીને કોઈ પણ ખચકાટ વિના શાલ કે સ્વેટર આપણ ને આપી દીધા હશે એ વડલો પૂજનીય જ હોય. 

          માતાના પ્રેમ અને વ્હાલની તો વારંવાર ચર્ચાઓ થાય અને એમનું ઋણ પણ અમૂલ્ય જ છે પરંતુ પિતાનું ઋણ પણ માતા જેટલું જ હોય છે. આપણાં વેદ ગ્રંથોમાં પણ પિતા-માતા-ગુરુ એમ ત્રણ ઋણ આ મનુષ્યજન્મમાં ઉતારવાની વાત આવે છે. પિતા પોતાના સંતાનોને પગભર થતાં શીખવે છે અને પડછાયો બનીને તેની પાછળ ઊભા રહે છે.

સર્જનવાણી- સંતાનોની નાનકડી સફળતાઓ અને મોટી નિષ્ફળતાઓના સમયને પણ ઉજાણી બનાવવાનું સાહસ એક પિતા જ કરી શકે છે.

No comments:

Post a Comment