Thursday, March 30, 2023

સર્જનયાત્રાનું મંથન-૧૦૦


        ધારો કે આપણે માટલાની અંદર બહુ પ્રેસર આપીએ તો તે ફાટી પડે, તેવી રીતે પૃથ્વીની અંદર આટલું બધું પ્રેસર હોવા છતાં પૃથ્વી તેના ભારથી ફાટી કેમ પડતી નથી? (એમાં પાછા માણસો કરોડો વર્ષોથી તેમની એક્ટિવિટી દ્વારા નવાં પ્રેસર પેદા કરતા રહે છે). એનું કારણ એ છે કે પૃથ્વીના કેન્દ્ર (inner core)માં, લોહ અને નિકલનું બનેલું લગભગ ભારતના આકારનું ઘન ક્ષેત્ર છે, જે સૂરજની સપાટી જેટલું ગરમ છે. તેની આજુબાજુમાં મોલ્ટન આયર્ન (અત્યંત ગરમીથી પીગળેલા લોહ)નો જથ્થો છે. તેની સાથે ઘન ક્ષેત્રના નિયમિત ઘર્ષણથી મેગ્નેટિક ફિલ્ડ (ચુંબકીય ક્ષેત્ર) સર્જતું રહે છે, જે પૃથ્વીને ફાટી પડતી રોકે છે. 

        પૃથ્વી શરૂઆતમાં એક ધગધગતો તારો જ હતી. અબજો વર્ષો પછી તેની સપાટી ઠંડી પડી, પરંતુ પૃથ્વીના વાતાવરણમાં સૂરજની હાજરી હોવાથી તેની ગરમીથી liquid condensation (પ્રવાહી ઘનીકરણ)ની પ્રક્રિયા શરૂ થઈ, જેમાં વરાળમાંથી સમુદ્રો બન્યા અને એ પાણીમાંથી જીવનની ઉત્પત્તિ થઈ. પૃથ્વીની ઠંડા પડવાની પ્રક્રિયા અટકી નથી. કેન્દ્રમાં મોલ્ટન આયર્નનું પ્રવાહી ક્ષેત્ર નિયમિત રીતે ઘન થઈ રહ્યું છે, જે છેવટે પૃથ્વીને મંગળ કે બુધ ગ્રહની જેમ ઉજ્જડ બનાવી દેશે. એ જીવનનો પણ અંત હશે.

(ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )

            વ્હાલા વાચક મિત્રો આ મણકા સાથે સર્જનયાત્રાનું મંથન શ્રેણી અહિયાં પૂર્ણ કરવામાં આવે છે. મળીશું નવી વાતો અને વિચારો સાથે આપણા પોતાના બ્લોગ સર્જનાત્મકતાનું કુરુક્ષેત્ર પર જ્યાં વાંચો અલગ અલગ વિષયો અને સાથે સાહિત્ય તેમજ વિવિધતાસભર વાંચવાલાયક પુસ્તકોની યાદીઓ.. જય જગત..  

Monday, March 27, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૯

 

        1971માં, ફિલિપ ઝિમ્બારડો નામના સોશ્યલ સાઇકોલોજીસ્ટે સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીમાં એક પ્રયોગ કર્યો હતો. તેણે 24 લોકોને પસંદ કરીને અમુકને જેલના કેદી અને અમુકને સંત્રી બનાવ્યા હતા. બંને જૂથોને એકબીજા વિશે ખબર નહોતી. સંત્રીઓ માનતા હતા કે કેદીઓ અસલી અપરાધી છે, અને કેદીઓને એમ હતું કે તેઓ અસલી જેલમાં અસલી સંત્રીઓના હાથમાં છે.

        પ્રયોગનો હેતુ એ સમજવાનો હતો કે સત્તા અને લાચારી કેવી રીતે માણસને અમુક રીતે વર્તવા પ્રેરે છે. પ્રયોગ શરૂ થયાના અમુક કલાકોમાં જ સંત્રીઓએ તેમનો પરચો બતાવવાનું શરૂ કર્યું, અને કેદીઓએ વિદ્રોહ શરૂ કર્યો. એમાં સંત્રીઓએ એવો અત્યાચાર વર્તાવાનું શરૂ કર્યું કે અઠવાડિયામાં જ પ્રયોગ રોકી દેવો પડ્યો. સંત્રી તંદુરસ્ત મનના હતા, પરંતુ સત્તા મળી તો ક્રૂર બની જતાં વાર ન લાગી. આ પ્રયોગથી સિદ્ધ થયું કે, સાધારણ વ્યક્તિ હોય કે વડાપ્રધાન, સત્તાનો દુરુપયોગ કરવાની વૃતિ માણસમાં જન્મજાત હોય છે. હિટલર એટલે જ 60 લાખ યહૂદીઓને મારી નાખવા સક્ષમ બન્યો હતો. માણસ મૂળભૂત રીતે પશુ છે, અને પશુઓમાં સાચા-ખોટાનો વિવેક તેમની તાકાતની ભાવનામાંથી આવે છે. જેટલી તેની તાકાત વધે, યોગ્ય-અયોગ્યનો તેનો ભાવ વ્યક્તિગત થતો જાય.

                            *Power corrupts and absolute power corrupts absolutely.*

(ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )

Sunday, March 19, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૮

        પ્રશંસા અને અપમાન એક સિક્કાની બે બાજુ છે. હું જો પ્રશંસાથી અભિભૂત થતો હોઉં તો, અપમાનથી વિચલિત થવાની પણ ગેરંટી છે. મારી પ્રશંસાથી હું એટલા માટે ખુશ થાઉં છું કારણ કે એ સાબિતી છે કે મારી કોઈક પાત્રતા છે. મારુ જ્યારે અપમાન થાય છે ત્યારે, મને મારી પાત્રતા નહીં હોવાનો અહેસાસ થાય છે. આપણે એવું માનીએ છીએ કે આપણે બહુ મહત્વની વ્યક્તિ છીએ અને લોકોએ મારી સકારાત્મક નોંધ લેવી જોઈએ. આપણને આપણી ઉપેક્ષા થાય તે ગમતી નથી. 

        અપમાન આપણને આપણી તુચ્છતાનો અહેસાસ કરાવે છે. હકીકત એ છે કે આ અફાટ વિશ્વમાં આપણે બહુમતિ લોકો માટે એક મચ્છરથી વિશેષ નથી, અને એટલે  આપણી બીજા લોકોની સ્વીકૃતિમાં સાર્થકતાને શોધીએ છીએ, પરંતુ કોઇ મને મહત્વ ન આપે, મારી સામે ન જુવે, મારી ઉપેક્ષા કરે તેનો મને વાંધો ન હોય, તો પછી અપમાન કરે તોય શું ફરક પડે છે? જે દિવસે આપણે પ્રશંસાથી મુક્ત થઈ જઈએ, તે દિવસે અપમાનથી પણ વિરક્ત થઈ જઈએ.

(ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )

Sunday, March 12, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૭

       

        દુષ્ટ વ્યક્તિ ક્યારેય ન સ્વીકારે કે તે દુષ્ટ છે. તેને બીજા દુષ્ટ નજર આવે, અને ખુદને ભલો માણસ માને. એવા લોકો અમુક વિચારો અને માન્યતાઓ ઘડે અને પછી તેમનાં કૃત્યોને એ વિચારો અને માન્યતાઓની દુહાઈ આપીને ઉચિત ઠેરવે. તેનાથી એવું સાબિત થાય કે તેમના ઈરાદા નેક છે, પણ જેમને વાંધો છે તે લોકો દુષ્ટ છે. એટલા માટે પૂર્વગ્રહો દુષ્ટતાનું જન્મસ્થાન છે. તમે એકવાર અમુક માન્યતાઓ કેળવી લો પછી, તેને સાચી માનીને મરવા-મારવા પર ઉતરી જવાનું આસાન થઈ જાય.

        ઇતિહાસમાં જેટલા અત્યાચાર થયા છે તે "નેક ઈરાદા"થી થયા છે. "હું તો તારા સારા માટે કરું છું" કહીને ઘણાં માબાપ સંતાનોને ત્રાસ આપતાં હોય છે. લીડરો પણ ગેરવ્યવહારને તેમના ઈરાદાથી ઉચિત ઠેરવે. શાંતિનો સંદેશ છતાં, ધર્મના નામે લોકો કેમ હિંસા કરે છે? જવાબ: હું તો તારા સારા માટે કરું છું. ગાંધીએ એટલે સાધન શુદ્ધિની વાત કરી હતી. વિચાર ગમે તેટલો શુભ હોય, આચાર દુષ્ટ હોય તો વિચાર નકામો.


Sunday, March 5, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૬

 

        રાજકારણ માનસિક-સામાજિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 2020માં, અમેરિકામાં એક સર્વેક્ષણમાં ખબર પડી હતી કે 40 ટકા લોકો રાજકારણના કારણે સ્ટ્રેસ અનુભવતા હતા, અને 5થી 8 કરોડ લોકોએ કહ્યું હતું કે તેમની થકાવટ, ચીડ, કમ્પલસિવ વર્તન અને ગુસ્સો રાજકારણને આભારી છે. ભારતમાં તો દોસ્ત દુશ્મન થઈ જાય છે અને આંત્યંતિક કિસ્સાઓમાં ખૂન પણ થઈ જાય છે.

        માણસ બુનિયાદ રૂપે લાગણીશીલ છે, અને રાજકારણ તેની બુદ્ધિશક્તિને બદલે લાગણીને પ્રભાવિત કરે છે. માણસ જ્યારે કોઈ રાજકીય  વિચારમાં યકીન રાખતો થઈ જાય, પછી તે તેમાં બાંધછોડ ન થવા દે કારણ કે, ધર્મની માફક, એ વિચાર તેની આઇડેન્ટિટી બની જાય છે. એ વિચાર પર જ્યારે હુમલો થાય ત્યારે, તેને તેની આઇડેન્ટિટી પર હુમલો થયો હોય તેવી લાગણી થાય, અને તે બમણા ઝનૂનથી તેનું રક્ષણ કરવા લાગી જાય. એટલે એમાં ભાગ્યે જ વિવેકબુદ્ધિથી તટસ્થ ચર્ચા કરવાની ગુંજાયેશ બચે છે. ભારત માટે અંબાણી સારા કે અદાણી એ પ્રશ્નમાં લાગણીસભર દલીલો ના થાય, પણ ભાજપ સારી કે કોંગ્રેસ એમાં ગાળાગાળી સુધ્ધાં થાય. રાજકારણ મતભેદ નહીં, મનભેદ જ ઉભો કરે છે.

( ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )