Sunday, December 26, 2021

સર્જનયાત્રાનું મંથન-૩૫

 

શરમ સામાજિક ભાવ છે, કુદરતી નહીં. આપણને એટલે શરમ નથી આવતી કે આપણે જે કર્યું છે તે અનુચિત છે. શરમ ન એટલે આવે છે કારણ કે બીજા કહે છે કે તે અનુચિત છે. આપણામાં શરમનો ભાવ ત્યાં સુધી જ રહે, જ્યાં સુધી આપણામાં બીજા લોકોના અભિપ્રાયનું મહત્ત્વ હોય. 

જો કોઈ ટોકવાવાળું ન હોય, તો આપણે શરમ ન અનુભવીએ. શરમ અનુભવવા માટે એ જરૂરી છે કે મને એ ખબર હોય મેં કોઈ ધારાધોરણનું ઉલ્લંઘન કર્યું છે. એટલા માટે ખાનગીમાં કરેલી અનીતિમાંથી માણસ કોઈ જ બોધપાઠ ના લે. તેની અનીતિ જેટલી સાર્વજનિક હોય, એની પાઠ શીખવાની સંભાવના એટલી વધુ હોય. ખાનગીમાં મનુષ્યને શરમ ન આવે. ખાનગીમાં વ્યક્તિ સામાજિક રીતે અનુચિત કામોને પણ ઉચિત જ માનતી હોય છે. દંભ એટલા માટે સૌથી ઉપયોગી અને હાથવગો ગુણ છે. એ સમાજને પણ સુખી રાખે છે અને આપણે જે કરવું હોય તે કરવાની ઇજાજત આપે છે.

Sunday, December 19, 2021

સર્જનયાત્રાનું મંથન-૩૪

 

વિચારની ગહેરાઈનો ત્યારે જ પરિચય થાય, જ્યારે આપણે એ વિચારને શબ્દોમાં અભિવ્યક્ત કરીએ. ઇતિહાસના તમામ મહાન વિચારો- ચાહે ધાર્મિક હોય, ફિલોસોફીકલ હોય, વૈજ્ઞાનિક હોય, આર્થિક હોય, સાહિત્યિક હોય- શબ્દોમાં ઉતરીને નક્કર બન્યા હતા. મોટાભાગના લોકોને ખ્યાલ નથી કે લખવું એ માત્ર સંવાદ કે કોમ્યુનિકેશનનું માધ્યમ નથી, એ વિચાર કરવાની જ એક રીત છે. વિચાર અનિત્ય અને અસ્થાયી હોય છે. શબ્દો તેને નક્કરતામાં અંકિત કરે છે. શબ્દો વિચારના એટમને તોડીને તેની અધકચરી ઉર્જાને રિલીઝ કરે છે. ઉત્તમ રીતે વિચારતા લોકો હમેશાં તેમના વિચારોને ફરી-ફરી લખે છે, જેથી તેમનું વિચારવાનું વધુ સ્પષ્ટ અને રચનાત્મક બને. સારો લેખક એ નથી જેને સારું લખતાં આવડે છે. સારો લેખક એ છે જેને સારું વિચારતાં આવડે છે.


Sunday, December 12, 2021

સર્જનયાત્રાનું મંથન-૩૩

ઈમોશનલ મેનેજમેન્ટ અથવા ઈમોશનલ ઇન્ટેલિજન્સ એટલે અંગત કે વ્યવસાયિક સંબંધોમાં પોતાની અને અન્ય લોકોની લાગણીઓને સકારાત્મક દિશામાં નિયંત્રિત કરીને પારસ્પરિક ઘર્ષણો ટાળવાં તે. એવી વ્યક્તિમાં આ ૫ વિશેષતાઓ હોય...

૧. પોતાની લાગણીઓને પારખી શકે (સેલ્ફ અવેરનેસ) 

૨. વ્યવહારિક રીતે તેનો શું અર્થ થાય તે સમજી શકે (સેલ્ફ એનાલિસિસ)

૩. એ લાગણીઓની બીજા પર શું અસર થાય, તેનાથી વાકેફ હોય (એમ્પથી)

૪.  લાગણીઓને નિયંત્રિત કરી શકે (સેલ્ફ રેગ્યુલેશન)

૫. બીજાની લાગણીઓને પારખી શકે અને નિયંત્રણમાં રાખી શકે (સોશ્યલ સ્કિલ)

ઈમોશનલ ઇન્ટેલિજન્સની પહેલી શરત એ છે કે લાગણીઓની બાબતમાં આપણે કેટલા ઉણા ઉતરીએ છીએ, તેને સમજવું પડે. તે પછી બીજાની લાગણીઓને સમજવાનું આસન થઇ જાય. "હું તો બરાબર જ છું. મારી આજુબાજુમાં લોકો મારુ લોહી પી જાય છે" એવું જે માનતા હોય, તે ઈમોશનલી ઇન્ટેલિજન્ટ ના કહેવાય, Foolish કહેવાય....

Saturday, December 11, 2021

વિવેકાનંદની વાણી : મણકો-૧૨

તમારી જગ્યાએ નુતન ભારતને ઊભું થવા દો. હળ પકડતા ખેડૂતની ઝુંપડીમાંથી, માછીમારોની  અને ઝાડુવાળાઓની ઝુંપડીઓમાંથી તેને જાગવા દયો. મોદીની દુકાનમાંથી, ધાણી-દાળિયા વેચનારાની ભઠ્હીમાંથી તેને કૂદવા દો. કારખાનાઓમાંથી અને બજારોમાંથી તેને બહાર નીકળવા દો. આ સામાન્ય જનતાએ હજારો વર્ષ સુધી એક પણ શબ્દ બોલ્યા વિના જુલમો સહ્યા છે. પરિણામે તેમનામાં અદ્ભુત સહિષ્ણુતા આવી છે. તેઓએ પાર વિનાનું દુઃખ વેઠયું છે કે જેમાંથી તેમને અખૂટ ખમીર મળ્યું છે. એક મૂઠીભર અનાજ ઉપર નભી રહીને તેઓ દુનિયાને ઉથલપાથલ કરી શકે છે. જો ફક્ત અર્ધો રોટલો જ તેમને આપો તો તેમનું તેજ ત્રણેય લોકમાં સમાશે નહિં.

વિજય મેળવવા માટે તમારામાં અદ્ભુત ખંત તથા પ્રબળ ઇચ્છાશક્તિ જોઈએ. ખંતીલી વ્યક્તિ તો કહેશે, હું સમુદ્રને પી જઈશ, મારી ઈચ્છાઓ આગળ પર્વત પણ ભાંગીને ભુક્કો થઈ જશે. આ જાતનો ઉત્સાહ, આ જાતની ઇચ્છાશક્તિ ધારણ કરો, ખૂબ મહેનત કરો અને તમે લક્ષ્યસ્થાન પર જરૂર પહોંચશો.  

Tuesday, December 7, 2021

સર્જનની સરવાણી-૬૫

     

હું જેટલા વર્ષ જીવ્યો તેના કરતા હવે ઓછા વરસ મારે જીવવાનું છે તે નક્કી થઈ ગયા પછી મારા આત્માએ સુજાવેલ ઉત્તમ વિચારો

૦૧ ) કોઈ અંગતની વિદાયથી હવે મેં રડવાનું છોડી દીધું છે કારણ કે આજે તે અને કાલે મારો વારો છે..

૦૨ ) તે જ પ્રમાણે જો મારી વિદાય અચાનક થઈ જશે તો મારા પછી આ લોકોનું શું તે વિચારવાનું પણ છોડી દીધું છે કારણ કે મારા ગયા પછી કોઈ ભૂખ્યું રહેવાનું નથી અને મારી સંપત્તિ કોઈ છોડવાનું કે દાન ધર્મ કરવાનું પણ નથી.

૦૩ )  સામેવાળીવ્યક્તિનો પૈસો, પાવર અને પોઝિશન થી હવે અંજાતો નથી.

૦૪ ) ખુદના માટે સમય કાઢું છું. સ્વીકારી લીધું છે કે દુનિયા મારા ખભા પર ટકી નથી. મારા વગર કંઈ અટકી પડવાનું નથી. 

૦૫ ) નાના વેપારીઓ અને ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ કર્યું છે. ક્યારેક ખબર હોય કે છેતરાવ છું તો પણ હસ્તે મોઢે જતું કરું છું.

૦૬ ) ભંગાર વીણવા નીકળતા લોકોને પસ્તી કે ખાલી તેલનો ડબ્બો એમજ આપી દઉં છું, પચીસ પચાસ રૂપિયા જતા કરું ત્યારે એના ચેહરા પર લાખો મળી ગયાનો આનંદ જોઈ ખુશ થાઉં છું.

૦૭ ) રોડ પર પાથરણું પાથરી વેપાર કરતા વ્યક્તિ પાસેથી ક્યારેક નકામી વસ્તુ પણ ખરીદી લઉં છું.

૦૮ ) વડીલો અને બાળકોની એકની એક વાત કેટલીયે વાર સાંભળી લઉં છું. કહેવાનું બંધ કરી દીધું છે કે તેઓ એ વાત ઘણી વાર કહી ચુક્યા છે.

૦૯ ) ખોટા વ્યક્તિ સાથે દલીલો કરવા કરતા માનસિક સ્વસ્થ રહેવું પસંદ છે.

૧૦ ) સારા કામ કે વિચારોની મુક્તપણે પ્રશંસા કરું છું. આ ટેવ સકારાત્મક છે. વખાણ્યા બાદ મને પણ આનંદ મળે છે.

૧૧ ) બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ કે બીજી કોઈ બ્રાન્ડેડ વસ્તુ થકી વ્યક્તિત્વ આંકવાનું મૂકી દીધું છે. વ્યક્તિત્વ વિચારોથી નિખરે છે બ્રાન્ડેડ વસ્તુઓ થી નહી એ સમજાઈ ગયું છે.

૧૨ ) હું એવા લોકોથી અંતર જાળવું છું જેઓ પોતાની કુટેવો મારા પર થોપવાના પ્રયત્નો કરે છે. એને સુધારવાનો પ્રયત્ન હવે નથી કરતો કારણકે ઘણાં એ કરી ચૂક્યા હોય છે.

૧૩ ) જીંદગીની દોડમાં પાછળ રાખી દેવા જ્યારે કોઈ મેલી રાજરમત રમે છે ત્યારે હું શાંત રહી તેને રસ્તો આપી દઉં છું. આખરે, ના તો હું જિંદગીની હરીફાઈમાં છું, ના તો મારો કોઈ હરીફ છે. 

૧૪ ) હું એજ કરું છું જેનાથી મને આનંદ આવે. લોકો શું વિચારશે કે કહેશે તેની ચિંતા લોકો ઉપર છોડી દીધી છે. ચાર લોકોને ખુશ રાખવા મારું મન મારવાનું છોડી દીધું છે.

૧૫ ) ફાઈવ્ સ્ટાર હોટેલમાં રહેવા કરતાં પ્રકૃતિ નજીક જવું ગમે છે. જંક ફૂડ કરતાં માખણ અને જુવાર કે બાજરાના રોટલા માં સંતોષ થાય છે.

૧૬ ) પોતાના પર હજારો રૂપિયા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદ ના હાથમાં પાંચસો હજાર આપવાનો આનંદ માણી લેતાં શીખ્યો છું.

 ૧૭ ) ખોટા પાસે સાચું સાબિત કરવા કરતાં મૌન રહેવાનું પસંદ કરવા લાગ્યો છું. બોલવા કરતાં વાંચવા લાગ્યો છું. ખુદને પ્રેમ કરવા લાગ્યો છું

૧૮ ) નરકની વચ્ચે પણ સ્વર્ગ જેવું જીવન મે હવે બનાવી દીધું છે.. આપ પણ જરા વિચારી યોગ્ય સુધારો કરવાનો પ્રયત્ન કરશોજી.

✍🏻 આયખાના દિવસોનું સરવૈયું  ........ ફેસબુક પરથી અનિલભાઈ જોશીની પોસ્ટમાંથી સાભાર 

Sunday, December 5, 2021

સર્જનયાત્રાનું મંથન-૩૨

સ્મૃતિઓ ક્યારેય 'સાચી' નથી હોતી. લોકો કહેતા હોય છે કે 'મને જાણે કાલે જ બન્યું હોય તેમ યાદ છે.' એના માટે એક શબ્દ પણ છે 'ફ્લેશબલ્બ સ્મૃતિ'; ફોટો જોતા હોઈએ તેવી સ્મૃતિ, પણ આપણી યાદો પર લાગણીઓ, અનુભવો, માન્યતાઓ, માનસિક સ્થિતિના એટલા રંગ ચઢેલા હોય છે કે આપણે જે યાદ રાખીએ છીએ, તે મૂળ જે ઘટના બની હતી તેના કરતાં જુદી રીતે મગજમાં સ્ટોર થાય છે. તેમાંય, જે ઘટનામાં આપણે ભાવનાત્મક તીવ્રતા સાથે ભાગીદાર હોઈએ (દાખલા તરીકે દુર્ઘટના કે ઝઘડો), તેને આપણે બીજી સાધારણ ઘટના (દાખલા તરીકે ભણતાં-ભણતાં ઊંઘી જવું કે ચા પીવી) કરતાં 'જુદી' રીતે યાદ રાખીએ છીએ. એટલા માટે એક જ ઘટનાના સાક્ષી હોવા છતાં, આપણી સ્મૃતિ ક્યારેય બીજી વ્યક્તિની સ્મૃતિ સાથે મળતી નથી આવતી. આપણે બંને તેને ભિન્ન રીતે યાદ રાખીએ છીએ. ઇતિહાસ એટલા માટે જ અલગ-અલગ રીતે લખાય છે. એક દેશ તેના ભૂતકાળને બીજા દેશ કરતાં જુદી રીતે યાદ રાખે છે.