Sunday, December 5, 2021

સર્જનયાત્રાનું મંથન-૩૨

સ્મૃતિઓ ક્યારેય 'સાચી' નથી હોતી. લોકો કહેતા હોય છે કે 'મને જાણે કાલે જ બન્યું હોય તેમ યાદ છે.' એના માટે એક શબ્દ પણ છે 'ફ્લેશબલ્બ સ્મૃતિ'; ફોટો જોતા હોઈએ તેવી સ્મૃતિ, પણ આપણી યાદો પર લાગણીઓ, અનુભવો, માન્યતાઓ, માનસિક સ્થિતિના એટલા રંગ ચઢેલા હોય છે કે આપણે જે યાદ રાખીએ છીએ, તે મૂળ જે ઘટના બની હતી તેના કરતાં જુદી રીતે મગજમાં સ્ટોર થાય છે. તેમાંય, જે ઘટનામાં આપણે ભાવનાત્મક તીવ્રતા સાથે ભાગીદાર હોઈએ (દાખલા તરીકે દુર્ઘટના કે ઝઘડો), તેને આપણે બીજી સાધારણ ઘટના (દાખલા તરીકે ભણતાં-ભણતાં ઊંઘી જવું કે ચા પીવી) કરતાં 'જુદી' રીતે યાદ રાખીએ છીએ. એટલા માટે એક જ ઘટનાના સાક્ષી હોવા છતાં, આપણી સ્મૃતિ ક્યારેય બીજી વ્યક્તિની સ્મૃતિ સાથે મળતી નથી આવતી. આપણે બંને તેને ભિન્ન રીતે યાદ રાખીએ છીએ. ઇતિહાસ એટલા માટે જ અલગ-અલગ રીતે લખાય છે. એક દેશ તેના ભૂતકાળને બીજા દેશ કરતાં જુદી રીતે યાદ રાખે છે.

No comments:

Post a Comment