Saturday, July 11, 2020

મહાભારત-૯ સાર-સુત્રો

        રામાયણ અને મહાભારત માત્ર ધર્મગ્રંથો નથી, પરંતુ અખંડ ભારતની પરંપરા અને સંસ્કૃતિની અમુલ્ય ધરોહર છે. આપણું સૌભાગ્ય છે કે આપણે આ રામ અને કૃષ્ણ જેવા અવતારી મહાપુરુષોની ભૂમિ પર જન્મ લીધો છે. આપણું એ કર્તવ્ય બની જાય છે કે આપણે સૌ આપણા વારસાને જાણીએ અને તેને જાળવીયે. એક સનાતન ભારતીય સંસ્કૃતિ અને તેના અમુલ્ય આવા ગ્રંથો વસાવીએ, વાંચીએ અને આપણા સંતાનોને આ વારસો આપીએ. તેમને સદાય આપણી સંસ્કૃતિનું ગૌરવ કરતા શીખવીએ. આપણા સંસ્કારો, આપણી પરંપરા આપણા સંયુક્ત કુટુંબની વિભાવના સાથે આપણી માતૃભાષા ગુજરાતી ભાષામાં બોલતા, લખતા અને વાંચવાની સાથે વિચરતા કરીયે. આપણા આ ગ્રંથો આપણા જીવન માટે સંજીવની સમાન છે. વિશ્વનો  મહા ગ્રંથ  મહાભારત  વાંચવા-સમજવા- શિખવા જેવો સમય અને રસ ના હોય, *  તો  પણ, તેના માત્ર ૯ સાર-સુત્રો જ,  દરેકના જીવનમાં ઘણા ઉપયોગી નીવડે તેવા છે.

*અહીં કેટલાક ઉત્તમ તારણો લીધા છે, જે જીવનને નવી દિશા આપે છે. 

૧) સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર, તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો, જીવનમાં છેલ્લે તમે         નિ:સહાય થઈ જશો- કૌરવો

૨) તમે ગમે તેટલા બલવાન હો,પણ તમે અધર્મ નો સાથ આપશો તો, તમારી શક્તિ, અસ્ત્ર -શસ્ત્ર, વિધા,વરદાન,       બધું જ નકામું થઈ જશે.. * કર્ણ*

૩) સંતાનો ને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો, કે વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે- અષ્વત્થામા

૪) ક્યારેય  કોઈને એવાં વચન ના આપો, કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે .. ભીષ્મપિતા

૫) સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓનો સથવારો, અંતે  સર્વનાશ નોતરે છે- દુર્યોધન

૬) અંધ વ્યક્તિ .. અર્થાત્ ..સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ , મોહાન્ધ અને  કામાન્ધ વ્યક્તીના હાથમાં સત્તાનું સુકાન ના સોંપાવુ જોઈએ, નહીં તો તે સવઁનાશ નોંતરશે .. * ધ્રુતરાષ્ટ્ર*

૭) વિદ્યા ની સાથે વિવેક હશે તો, તમે અવશ્ય વિજયી થશો - અર્જુન

૮) બધા સમયે-બધી બાબતોમાં  છળકપટથી તમે બધે ,બધી બાબતમાં, બધો વખત સફળ નહીં થાવ- શકુનિ

૯) જો તમે નીતી/ધર્મ/કર્મ સફળતા પુર્વક નિભાવશો તો, વિશ્વની કોઈ પણ શક્તિ,  તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે- * યુધિષ્ઠિર*

આમ આ ગ્રંથો માત્ર વાંચવાના નહીં પરંતુ જીવવાના ગ્રંથો છે, જે જીવન જીવવા માટે પથદર્શક બને છે. આ ગ્રંથો જીવનનો સાચો ઉદેશ્ય બતાવે અને જીવને ઇશ્વરની પ્રાપ્તિ કરાવે છે. મને ગૌરવ છે મારી સનાતન સંસ્કૃતિનું .

Sunday, July 5, 2020

ગુરૂપૂર્ણિમા-જીવનમાં ઉત્તમતા પ્રદાન કરનારનો આભાર પ્રગટ કરવાનો ઉત્સવ




          આજના પવિત્ર ગુરુપૂર્ણિમાનાં દિવસે મારા જીવનમાં મને જેમણે સતત પોતાના વિચારો અને વર્તન તેમજ આચરણ થકી પ્રેરણા આપી છે અને મારા માનસ ઘડતરમાં અમૂલ્ય ભાગ ભજવ્યો છે એવા સર્વોત્તમ ગુરુજનોના ચરણોમાં શત શત વંદન. જ્યારથી શીખવાની શરૂઆત કરી છે ત્યારથી જીવનમાં શિક્ષણયજ્ઞનો પ્રારંભ થયો ગણાય. મારી માં ના ચરણોમાં વંદન જેમણે માંને પોતાના ખોળામાં બેસાડીને પોતાના હાથથી મારા હાથમાં પાટી અને કાકરાપેન પકડતા શિખવાડીને જીવનનો પહેલો એકડો ઘૂંટતા શીખવ્યું. જેમણે મને પોતાના વાત્સલ્યથી સતત ભીંજવીને અંદરથી કોમળ તથા લાગણીસભર બનાવ્યો છે. પિતાના ચરણોમાં વંદન કે જએમના પ્રયત્નો થકી આજે હું જીવનના ઘણા અઘરા પાઠોને શીખીને જીંદગી જીવવાનો અભિગમ શીખ્યો છું. પોતાનો રસ્તો જાતે બનાવતા શીખ્યો છું. ચડતા પડતાં અને ફરી ફરી આગળ વધતાં વધતાં જીવનમાં અડગ રહીને પગલાઓ ભરતા શીખ્યો છું. એવા શિક્ષકો પણ ક્યારેય મળી શકે નહી કે જેમની પ્રેરણા થકી જ હું બહારથી મજબૂત મનોબળ સાથે હું અંદરથી હ્રદયની કોમળતા કેળવતા શીખ્યો છું. મારા ભણતર દરમિયાન મને એવા શિક્ષકોનો સંગાથ મળ્યો છે, જેમણે મારામાં પોતાના જ્ઞાનના ભંડારમાંથી અમૃતનું સિંચન કર્યું છે. આ સર્વેનો હ્રદયપૂર્વક આભાર.
               
         એક શિક્ષક વર્ગમાં માત્ર ભણાવતો નથી, પરંતુ વિધાર્થીઓની સમક્ષ એ વિષયની દુનિયભરની અજયબીઓને પ્રગટ કરે છે. દર્શક દાદાના શબ્દોમાં સાર્થક શિક્ષક પોતાના વર્ગને સ્વર્ગ સમાન બનાવીને બાળકોની આંખોમાં અસ્ખલિત એવી વિસ્મયતા ઉજાગર કરે છે. પોતાના વિષયમાં પારંગત શિક્ષક બાળકોને વિષયમાં રસ દાખવતાં કરવાની સાથે તે વિષયને જીવનમાં ઉપયોગી બનાવતા પણ શીખવાડે છે. મારા ,મનગમતા શિક્ષકો પાસેથી મને જીવનના ઘણા અગત્યના પાઠો શીખવા મળ્યા છે. પોતાના ઉત્તમ ચરિત્ર થકી જ તે દરેક બાળક માટે એક માતાની ગરજ સારે છે. દુનિયાના પડકારો સામે ઝીક ઝીલવાનું શીખવતા કરે છે. જીવનમાં સતત ને સતત પ્રેરણા પૂરી પાડીને પોતાની જાતે જ પોતાનો પથદર્શક બનવાનું શીખવે એવા શિક્ષક મને હરપળ ગમે છે.

       શિક્ષણ જગતમાં જેમણે અનંત ખંત અને અનન્ય પુરુષાર્થ થકી જેમણે ભારતના ભવિષ્ય સમાન બાળકોના ઘડતર અને ભણતર માટે જેમણે પોતાનામાં ઉત્તમ શિક્ષતવ જગાવ્યું છે એવા ગુરુજનોના ચરણોમાં વંદન સાથે દરેકને ગુરુપૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ. મહાન ભારતીય પરંપરાના જનક એવા મહામુનિ ભગવાન વેદ વ્યાસના ચરણોમાં શત શત વંદન.