Saturday, July 11, 2020

મહાભારત-૯ સાર-સુત્રો

        રામાયણ અને મહાભારત માત્ર ધર્મગ્રંથો નથી, પરંતુ અખંડ ભારતની પરંપરા અને સંસ્કૃતિની અમુલ્ય ધરોહર છે. આપણું સૌભાગ્ય છે કે આપણે આ રામ અને કૃષ્ણ જેવા અવતારી મહાપુરુષોની ભૂમિ પર જન્મ લીધો છે. આપણું એ કર્તવ્ય બની જાય છે કે આપણે સૌ આપણા વારસાને જાણીએ અને તેને જાળવીયે. એક સનાતન ભારતીય સંસ્કૃતિ અને તેના અમુલ્ય આવા ગ્રંથો વસાવીએ, વાંચીએ અને આપણા સંતાનોને આ વારસો આપીએ. તેમને સદાય આપણી સંસ્કૃતિનું ગૌરવ કરતા શીખવીએ. આપણા સંસ્કારો, આપણી પરંપરા આપણા સંયુક્ત કુટુંબની વિભાવના સાથે આપણી માતૃભાષા ગુજરાતી ભાષામાં બોલતા, લખતા અને વાંચવાની સાથે વિચરતા કરીયે. આપણા આ ગ્રંથો આપણા જીવન માટે સંજીવની સમાન છે. વિશ્વનો  મહા ગ્રંથ  મહાભારત  વાંચવા-સમજવા- શિખવા જેવો સમય અને રસ ના હોય, *  તો  પણ, તેના માત્ર ૯ સાર-સુત્રો જ,  દરેકના જીવનમાં ઘણા ઉપયોગી નીવડે તેવા છે.

*અહીં કેટલાક ઉત્તમ તારણો લીધા છે, જે જીવનને નવી દિશા આપે છે. 

૧) સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર, તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો, જીવનમાં છેલ્લે તમે         નિ:સહાય થઈ જશો- કૌરવો

૨) તમે ગમે તેટલા બલવાન હો,પણ તમે અધર્મ નો સાથ આપશો તો, તમારી શક્તિ, અસ્ત્ર -શસ્ત્ર, વિધા,વરદાન,       બધું જ નકામું થઈ જશે.. * કર્ણ*

૩) સંતાનો ને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો, કે વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે- અષ્વત્થામા

૪) ક્યારેય  કોઈને એવાં વચન ના આપો, કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે .. ભીષ્મપિતા

૫) સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓનો સથવારો, અંતે  સર્વનાશ નોતરે છે- દુર્યોધન

૬) અંધ વ્યક્તિ .. અર્થાત્ ..સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ , મોહાન્ધ અને  કામાન્ધ વ્યક્તીના હાથમાં સત્તાનું સુકાન ના સોંપાવુ જોઈએ, નહીં તો તે સવઁનાશ નોંતરશે .. * ધ્રુતરાષ્ટ્ર*

૭) વિદ્યા ની સાથે વિવેક હશે તો, તમે અવશ્ય વિજયી થશો - અર્જુન

૮) બધા સમયે-બધી બાબતોમાં  છળકપટથી તમે બધે ,બધી બાબતમાં, બધો વખત સફળ નહીં થાવ- શકુનિ

૯) જો તમે નીતી/ધર્મ/કર્મ સફળતા પુર્વક નિભાવશો તો, વિશ્વની કોઈ પણ શક્તિ,  તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે- * યુધિષ્ઠિર*

આમ આ ગ્રંથો માત્ર વાંચવાના નહીં પરંતુ જીવવાના ગ્રંથો છે, જે જીવન જીવવા માટે પથદર્શક બને છે. આ ગ્રંથો જીવનનો સાચો ઉદેશ્ય બતાવે અને જીવને ઇશ્વરની પ્રાપ્તિ કરાવે છે. મને ગૌરવ છે મારી સનાતન સંસ્કૃતિનું .

No comments:

Post a Comment