Tuesday, September 29, 2020

સર્જનની સરવાણી-૫

             

      ઈશ્વરીય આનંદની અનુભૂતિ માટેનો અવસર એટલે મનુષ્ય અવતાર અને મનુષ્યજીવન એ સતત સંઘર્ષ સાથે ચાલતો એક અદ્વિતીય માર્ગ છે. આપણા દરેકના જીવનમાં હર સમયે નાના-મોટા સંઘર્ષો આવતા જ હોય છે. આ સંઘર્ષો જ આપણા જીવનનું ઘડતર કરે છે અને જીવનમાં સંસ્કારોનું ચણતર પણ કરે છે. ચાલો જાણીએ એક નાનકડી વાર્તા થકી કે સંઘર્ષનો સાચો પર્યાય. 

      એક બગીચામાં એક ભાઈ ઘણા લાંબા સમયથી બેઠા હતા અને આસપાસ બનતી ઘટનાઓ નિહાળતા હતા. આમ પણ માણસ અત્યારે નિરાંતે બેસીને પોતાની જાત સાથે સંવાદ સાધી શકે તેવા સ્થાન ઓછા થતાં જાય છે. એ ભાઈ પણ કોઈ વિચારમાં ખોવાયેલા હતા અને જીવનની વિખરાતી ક્ષણોને સમેટવાનો પ્રયત્ન કરતાં હતા. એવામાં એક ઘટના બની.સામેના ઝાડ પરથી એક ઈંડું નીચે પડ્યું. એ ઈંડામાં રહેલું પતંગિયું તેમાંથી બહાર આવવાની કોશિશ કરવા લાગ્યું પણ બહાર નીકળી શકતું નહોતું. 

       થોડીવાર સુધી એ દ્રશ્ય જોયા બાદ પેલા ભાઈથી રહેવાયું નહી અને એ ઘણી અધીરાઇ સાથે પોતાની જગ્યા પરથી ઊભા થઈ ગયા અને પેલા ઈંડા પાસે ગયા. તેમણે પેલા પતંગિયાને બહાર આવવામાં થોડી મદદ કરી. તમને થશે કે એ તો ઘણી સારી વાત કહેવાય કે કોઇની પણ મદદ કરવી. પરંતુ  વાત એમ બની કે હવે એ પતંગિયું જાતે ઉડવા માટે સક્ષમ નહોતું અને આસપાસ જોઈને તરફડતું રહ્યું પણ ઊડી શક્યું નહી.   

        વાત એમ બની કે ઉતાવળમાં આવીને પેલા ભાઈએ પતંગિયાને મદદ કરી એના લીધે એનો પાછનો ભાગ ફૂલી ગયો અને એક પાંખ પણ તૂટી ગઈ એટલે એ ઊડી શકતું નહોતું. પેલા ભાઈની થોડી અધીરાઇ અહિયાં નડતર બની. કારણકે એ પતંગિયા માટેનો સંઘર્ષ એ ભાઈએ સમાપ્ત કરી નાખ્યો હતો. આપણે ઘણીવાર જોતાં હોઈએ અને સાંભળતા પણ હોઈએ છીએ કે ઘણા પંખીઓ પોતાના બચ્ચાઓને અમુક સમયબાદ જાતે જ ઉડવા માટે પ્રેરિત કરે છે અને ખુલ્લા આકાશમાં એકલા છોડી દેતા હોય છે. આમ જ આપણે પણ ઘણીવાર આપણા બાળકોને એમના જીવનમાં કોઈ સમસ્યા કે સંઘર્ષ સાથે લડવા દેતા નથી. સતત આળ-પંપાળને કારણે જ આપણા બાળકોની સંઘર્ષ અને સહનશક્તિનો નાશ થઈ જાય છે. 

સર્જનવાણી- સંઘર્ષ જ જીવનને સંપૂર્ણ બનાવે છે. 

Tuesday, September 22, 2020

સર્જનની સરવાણી-૪

      આપણે ઘણીવાર વાતો કરતાં હોઈએ છીએ કે ગામડાઓમાં હજુ પણ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ જીવંત છે. ત્યાં આજે પણ ઉત્સવો એટલા જ આનંદ અને ઉત્સાહથી હળીમળીને ઉજવવામાં આવે છે. એકબીજા માટે પ્રેમ, લાગણી અને સમજણભરી સમવાદિતા આજે પણ એટલી જ પ્રસ્તૂત છે. જીવનમાં આવતા ઉતાર-ચઢાવમાં દરેક ગ્રામજનો સાથે જોવા મળે છે અને એકબીજાને હૂંફ આપતા હોય છે. કેવી રીતે વડીલો પાસેથી આ સંસ્કારો બાળકોમાં પણ આવતા હોય છે જોઈએ આ નાનકડી વાર્તામાં, 

        એકવાર એક ગામમાં રહેતા એક દાદીમાં નું મરણ થયું હતું. ઘણા લોકો તેમના ઘરે આવીને દાદાને સાંત્વના આપતા હતા અને દાદા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા હતા. એવામાં એકવાર તેમના પાડોશમાં રહેતા એક પરિવાર માંથી એક નાનકડા છોકરાએ પણ દાદા પાસે જવા માટે એની માં પાસે.  રજા માંગી.

       એ છોકરાની માં એ રાજી થઈને રજા આપી. ત્યાર પછી એ છોકરો દાદા પાસે આવ્યો અને એમના ખોળામાં બેસી ગયો અને રડવા લાગ્યો. થોડીવાર બાદ એ પોતાના ઘરે પરત આવ્યો ત્યારે એની માં એ પૂછ્યું કે તે ત્યાં જઈને શું ક્હ્યું? 

       છોકરા એ ક્હ્યું કાંઈ પણ નહીં. હું ત્યાં જઈને દાદા ના ખોળામાં બેસી ગયો અને રડવા લાગ્યો. આ સાંભળીને દાદા પણ એ દીકરાની સાથે રડ્યા અને પોતાનું હૈયું ઠાલવ્યું. આ જોઈને ત્યાં બેઠેલા તમામ લોકોની આંખમાં પણ આંસુ આવી ગયા. પોતાના વ્હાલા બાળકની આ વાત સાંભળીને માં ની આંખમાં પણ શ્રાવણ ભાદરવો વરસ્યો. 

સર્જનવાણી : મિત્રો આ પણ એક પ્રેમ જ છે કે તમે કોઈને હૃદય હળવું કરવા માટે મદદ કરો. !!!!

Tuesday, September 15, 2020

સર્જનની સરવાણી-૩

                         

             કોઈ એક ગામમાં એક વૃદ્ધ માણસ રહેતો હતો. તે વિશ્વના સૌથી કમનસીબ લોકોમાંનો એક હતો. વિચિત્ર બાબત એ હતી કે આખું ગામ તેનાથી કંટાળી ગયું હતું. તે હંમેશા અંધકારમય અવસ્થામાં જ રહેતો હતો, તેણે લોકો સમક્ષ સતત ફરિયાદો જ  કરી હતી અને હંમેશા ખરાબ મૂડમાં રહેતો હતો. તે લાંબા સમય સુધી જીવતો હતો. જેમ જેમ તેની ઉમરમાં વધારો થતો અને વધુ ઝેરી તેના શબ્દો હતા. લોકોએ તેને ટાળ્યું, કારણ કે તેની કમનસીબી ચેપી બની હતી. તેની બાજુમાં ખુશ રહેવું તે પણ અકુદરતી અને અપમાનજનક હતું. તેણે બીજાઓમાં પણ દુ: ખની લાગણીઓ ઊભી કરી હતી.

પરંતુ થોડા દિવસો બાદ એક દિવસ, જ્યારે તે એંસી વર્ષનો થયો, ત્યારે એક અતુલ્ય ઘટના બની અને એ ઘટનાએ સૌને અચંબિત કરી દીધા. તરત જ બધાએ અફવા સાંભળવાનું શરૂ કર્યું કે,

" એક વૃદ્ધ માણસ આજે ખુશ છે, તે કંઇપણની ફરિયાદ કરતો નથી, સ્મિત કરે છે, અને તેનો ચહેરો પણ ખુશ ખુશાલ છે અને સૌની સાથે આનંદ ઉત્સાહથી વાતો કરે છે "

આ ઘટના બાદ તેના ઘરે આખું ગામ ભેગા થઈ ગયું. સૌ લોકોએ આનંદિત થઈને  વૃદ્ધાને આ આનંદ અને ઉત્સાહનું રાહસ્યનું પૂછવામાં આવ્યું. ત્યારે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે, 

"આમ તો ખાસ કઈ નહિ પરંતુ હું છેલ્લા આઠ વર્ષ હું કોઈ સુખનો પીછો કરું છું અને વિચારતો રહું કે આ બાબતો કે વસ્તુઓ મળે તો જ હું સુખી થઈ શકું પણ હવે મને સમજાય છે કે તે નકામું હતું.  હવે  મેં સુખ વિના જ જીવવાનું અને ફક્ત જીવનનો આનંદ માણવાનું નક્કી કર્યું. તેથી જ હવે હું ખુશ છું. "

સર્જનવાણી: જીવનમાં સુખની પાછળ ભાગવાથી ક્યારેય પણ સુખ મળશે નહી, પોતાના નિજાનંદમાં રહો અને સતત કર્મશીલ રહેશો એટલે આપોઆપ સુખનો અનુભવ થશે. 

Thursday, September 10, 2020

વિરલ વિભૂતિ-વિનોબા ભાવે

                                                     


 

           આજે ૧૧ મી સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ ભારતમાતાના મહાન સપૂત અને વિરલ વિભૂતિ સમાન વિનોબાજીનો જન્મદિવસ છે. આજે સમગ્ર ભારત વિનોબાજીની ૧૨૫ મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આપણે પણ આ વિભૂતિસમાન મહાપુરુષના જીવનમાંથી કઈંક પ્રેરણા મળે એવી વાતો જાણીએ અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. ખૂબ જ નાની ઉમરમાં લગ્ન અને પછી જીવનમાંથી રસ ઉઠી ગયો ત્યારે હિમાલય જઈને સંન્યાસ લેવાનો વિચાર પણ કરેલો. આ સમયગાળા દરમિયાન ગાંધીજીની પ્રેરણા મેળવીને એમની સાથે સત્યાગ્રહ આશ્રમ આવીને રહ્યા અને જીવનભર એક સંન્યાસી સમાન જીવન વિતાવ્યું. એમના વિચારો અને એમની વાતો દરેક વ્યક્તિના જીવન પર ઊંડી છાપ છોડી જાય છે. તો ચાલો મળીએ વિનોબાજીને..

            ભારતના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ ક્ષેત્રમાં એક ગામ આવેલું છે. બ્રાહ્મણ નરહરિ ભાવે કે જે ગણિતનાં પ્રેમી, વૈજ્ઞાનિક સૂઝબૂઝ વાળા તથા  રસાયણશાસ્ત્રમાં અધિક રુચિ ધરાવતા હતા. એ સમયમાં મોટા ભાગના રંગો બહારના દેશોમાંથી આયાત કરવા પડતા હતા. નરહરિ ભાવે રાત-દિવસ રંગોની શોધના કાર્યમાં લાગેલા રહેતા. એમને બસ એક જ ધુન હતી કે ભારતને આ મામલે આત્મનિર્ભર બનાવવું જોઇએ. એમની પત્ની રુક્મિણી બાઈ વિદુષી મહિલા હતી. ઉદાર-ચિત્ત, આઠે પહોર ભક્તિ-ભાવમાં ડૂબેલી રહેતી. આખું ઘર ભક્તિ રસમાં તરબોળ રહેતું હતું. આવા સાત્વિક વાતાવરણમાં સપ્ટેમ્બર ૧૧, ૧૮૯૫ના દિવસે વિનોબાનો જન્મ થયો હતો. એમનું બાળપણનું નામ વિનાયક પાડવામાં આવ્યું હતું. એમની માતા એમને પ્યારથી વિન્યા કહીને બોલાવતી. વિનોબા નામ ગાંધીજીએ પાડ્યું હતું. મહારાષ્ટ્રમાં નામની પાછળ ‘બા’ લગાડવાનું જે ચલણ છે, દા.ત. તુકોબા, વિઠોબા અને વિનોબા.

           માતાનો સ્વભાવ વિનાયકને પણ મળ્યો હતો. એમનું મન પણ હંમેશાં અધ્યાત્મ ચિંતનમાં લીન રહેતું. રુક્મિણી બાઈનું ગળૂં ખુબ જ મધુર હતું. ભજન સાંભળતાં સાંભળતા તેણી એમાં ડૂબી જતાં. ગાતા ત્યારે ભાવ-વિભોર થઈને, સમગ્ર વાતાવરણમાં ભક્તિ-સલિલા પ્રવાહિત થવા લાગતી. રામાયણની ચોપાઇઓ તેણી મધુર ભાવથી ગાતી, ત્યારે એવું લાગતું કે માતા શારદા ગણગણી રહી હોય. વિનોબાને અધ્યાત્મના સંસ્કાર આપવામાં, ભક્તિ-વેદાંત તરફ લઈ જવામાં, બચપણમાં એમના મનમાં સંન્યાસ તથા વૈરાગ્યની પ્રેરણા જગાડવામાં એમની માતા રુક્મિણી બાઈનું મહત્વનું યોગદાન હતું. બાળક વિનાયકને માતા-પિતા બન્નેના સંસ્કાર મળ્યા. 

            એક્વારની વાત છે કે જ્યારે બાળપણમાં વિનોબાના ફળિયામાં ફણસનું એક મોટું ઝાડ હતું અને એને પેશીઓ જેવા મોટા ફળો આવે. ત્યાં રમતા બાળકોની સાથે વિનોબા પણ દરરોજ વિચારતા કે ક્યારે આ ફળની મીઠી પેશીઓ અમને સૌને ચાખવા મળશે અને અમે એનો મનભરીને આનંદ લઈશું. આ ફણસના ઝાડનો છાંયડો એમના પાડોશીના આંગણામાં પણ પડતો અને ફળો પણ લટકતા. થોડા દિવસો બાદ જ્યારે વિનોબાના માતાજી આ ફળો તોડીને એની પેશીઓ અલગ કરવા બેઠા ત્યારે બધા જ બાળકો એમની આસ-પાસ માં ગોઠવાઈ ગયા. સૌ બાળકો ખૂબ જ આતુરતાથી પહેલી પેશીની રાહ જોવા લાગ્યા.

        પરંતુ એમના કુતૂહલની વચ્ચે જ વિનોબાના માતાજીએ એમને કહ્યું કે “ વિનિયા જા પેલા વાટકમાં રહેલી આ પેશીઓ લઈને તું પાડોશમાં દઈ આવ, કારણકે એમણે પણ આ ઝાડ પરના ફળો જોયા છે એટલા માત્રથી જ એમનો પણ હક બને છે. ત્યારબાદ આ જ રીતે એમને બીજી બાજુના પાડોશમાં પણ આ ફળો આપવા માટે મોકલ્યા અને પછી કેટલીક પેશીઓ દાદાજી અને વડીલોને આપવામાં આવી. આ બધાની સાથે પેશીઓની વહેંચણી થઈ ગયા બાદ વધેલી પેશીઓ વાટકામાં મૂકીને કહ્યું કે હવે આ પેશીઓ તમે દરેક બાળકો મળીને ખાવ અને આનંદ કરજો.

      આમ ખૂબ જ નાની ઉમરમાં જ વિનોબાજીમાં એકબીજા સાથે વહેચીને ખાવાનો અને ખવરાવવાનો આનંદ કેવો હોય એના સંસ્કારો રેડાયા હતા. એ જ બાબતોની પ્રેરણા લઈને શ્રી વિનોબાજીએ સમગ્ર ભારતભરમાં ભ્રમણ કરીને ભૂદાન યજ્ઞની જ્યોત જલાવી અને વંચિત અને આદિવાસીઓ તથા વિચરતી જાતિના લોકોને એમણે ભૂમિનો ભાગ અપાવ્યો હતો. ગાંધીજીએ પણ એમને સ્વાતંત્ર્યની લડતમાં પ્રથમ સત્યાગ્રહી બનાવ્યા હતા. વિનોબાજીના ભગવત ગીતા પરના પ્રવચનો પણ ખૂબ જ પ્રચલિત છે. હાલમાં જ આપણા શિક્ષણવિદ એવા શ્રી ભદ્રાયુભાઈ વછરાજાની પોતાના કંઠે આ ગીતાજીના પ્રવચનોને ઓડિયો-વિડીયો સ્વરૂપે યુટ્યૂબ જેવા માધ્યમ પર મૂકીને વિનોબાજીને સાચી અંજલિ અર્પણ કરી રહ્યા છે. શત શત વંદન છે આવી વિરલ વિભૂતિના ચરણોમાં. જય જગત સાથે અર્પણંસ્તુ !

Tuesday, September 8, 2020

સર્જનની સરવાણી-૨

              


             માનવ પોતે જ પોતાના જીવનનો ભાગ્યવિધાતા છે અને પોતે જ પોતાના જીવનને ઉન્નતિ કે અવનતિના માર્ગે લઈ જતો હોય છે. આ ઉન્નતિ કે અવનતિનો આધાર તેની જીવન તરફની દ્રષ્ટિ અને જીવન જીવવાના અભિગમ ઉપર નિર્ભર છે. જીવન સતત સંઘર્ષ અને સમસ્યાઓથી ઘેરાયેલું હોય છે. આવી પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિ કેવો અભિગમ અપનાવે તેના પર જ તેની પ્રગતિનો આધાર છે. જો આપણે એ પરિસ્થિતિનો સામનો હકારાત્મક બનીને કરીએ તો ખૂબ જ આગળ વધી શકાય છે. દરેકના જીવનમાં એકવાર તો એવી વિકટ પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય છે કે જ્યારે દરેક પરિબળો આપણી વિરોધમાં હોય એવું આપણને લાગે પણ ત્યારે જ આપણા મનોબળ અને અભિગમની સાચી પરીક્ષા થતી હોય છે. એટલે જ આવી સમસ્યાઓ સામે ચાલીને સ્વીકારવી અને પડકારીને પાર પાડવાનું બીજું નામ છે.

            ભારતના કોઈ મેટ્રો શહેરમાં આવેલી નામાંકિત કોલેજમાં ભણતા એક વિધાર્થીઓના ગ્રૂપની આ વાત છે. આ ગ્રૂપમાં ચાર છોકરાઓ ભારે મસ્તીખોર અને મોજ-મસ્તી વાળો સ્વભાવ ધરાવે. હંમેશા કોલેજમાં મજાક-મસ્તી અને આનંદ કિલ્લોલ કરતાં રહેતા અને પોતાના મિત્રોને પણ ભણવામાં પૂરું ધ્યાન ન આપવા દેતા. એમના પ્રધ્યાપકો પણ એમને વારંવાર સમજાવતા કે તેઓ અભ્યાસમાં ધ્યાન આપે નહી તો આગળ જતાં પસ્તાવો કરવા સિવાય કઈ પણ મળશે નહી. થોડા જ દિવસોમાં કોલેજની પરીક્ષાઓ પણ આવતી હતી પરંતુ આ વિધાર્થીઓ તો પોતાના જ મોજ-શોખમાં મશગુલ રહેતા. એકવાર આ ચારેય છોકરાઓ મોડીરાત સુધી બહાર રખડતાં રહ્યાં અને આનંદ-પ્રમોદ કરતાં રહ્યાં. બીજા જ દિવસે કોલેજમાં પરીક્ષાઓ શરૂ થવાની હતી. પરીક્ષાઓથી બચવા માટે એમણે એક ઉપાય કર્યો.

        ચારેય જણે એકબીજા સાથે મસલત કરી અને આચાર્યને કોઈપણ બહાનું બતાવીને પરીક્ષાઓ માંથી બચવા માટે તેમણે વિચાર કરી લીધો હતો. બીજા દિવસે કોલેજના આચાર્યની ઓફિસમાં પહોંચી ગયા. દરેકના કપડાં મેલા-ઘેલા અને ગ્રીસ-ઓઇલ વાળા થયેલા હતા. ખૂબ જ દયામણા ચહેરે બનાવીને એમણે આચાર્યને કહ્યું કે આગલી રાત્રે તેઓ પોતાના મિત્રની જન્મદિસવની ઉજવણીમાં ગયા હતા અને ત્યાંથી ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં એમની ગાડીનું ટાયર ફાટી જવાથી ગાડી બંધ થઈ ગઈ હતી. જેના કારણે ચારેય જણે ગાડીને મહા મહેનતે ધક્કો લગાવીને ઘરે પહોંચાડી હતી. આ સમગ્ર ઘટનાને કારણે તેઓ હાલમાં પરીક્ષા આપી શકે તેમ નથી.

         આચાર્યએ એમની વાત શાંતિથી સાંભળી અને સ્વીકારી લીધી. આચાર્યએ ચારેય જણને કહ્યું કે તેઓ દરેકને ત્રણ દિવસનો સમય આપે છે. ત્રણ દિવસ પછી એમની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાનું પેપર પોતે જ સેટ કરશે અને પોતે જ પરીક્ષાનું મોનીટરીંગ પણ કરશે. આચાર્ય પાસે અગાઉ પણ પ્રધ્યાપકો પાસેથી આ ચારેય વિધાર્થીઓ અંગે ફરિયાદ આવી જ હતી એટલે એમણે  જાતે જ ચારેયને સુધારવાનો નિર્ણય કર્યો. એક ઉદાહરણ બેસાડી શકાય એવી પરીક્ષાનું એમને આયોજન કર્યું અને ત્રણ દિવસ પછી પરીક્ષા ગોઠવાઈ ગઈ.પરંતુ ચારેય જણની અપેક્ષા કરતાં વિરુદ્ધ દરેકને અલગ-અલગ વર્ગમાં બેસાડવામાં આવ્યા અને દરેક પેપરમાં માત્ર બે સવાલો હતા.

૧. તમારું નામ.......................................

૨. ગાડીનું કયું ટાયર ફાટ્યું હતું ?.. .....................................

           જો ચારેય જણના જવાબ સરખા આવે તો દરેક જણ પાસ નહી તો નાપાસ . હવે તમે વિચારો આવી પરિસ્થિતિ તમારી સમક્ષ આવીને ઊભી રહે તો ? આવી જ પરિસ્થિતિઓ જીવનનો પથ કંડારતી હોય છે. જવાબ કેવો મળશે એ તમે પણ જાતે વિચારી શકો છો. આ જવાબ તમારે તમારા જ મનને આપવાનો છે.

સર્જનવાણી- જીવનમાં ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવી જાય તો એનો સામનો કરવો જોઈએ. આવી સમસ્યાઓથી ભાગવાથી સમસ્યા વધારે વણસી જાય છે. 


Friday, September 4, 2020

ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન-સર્વકાલીન શ્રેષ્ઠશિક્ષક

                                    

             આજે ૫ મી સપ્ટેમ્બર-આપણા ભારતદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ઉમદા શિક્ષક એવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ. વિધા, વિવેક અને વાણી પર સંયમની સાથે જીવનઘડતર કરવાની નેમ જેમણે લીધેલી છે, એવા આપણા વિધાવાચસ્પતિઓના યોગદાનને યાદ કરવાનો અને એમને આદર સાથે સન્માન આપવાનો દિવસ એટલે આજનો શિક્ષક-દિન. આપણા ભારતદેશમાં શિક્ષણ માત્ર શાળાઓ કે કોલેજમાં ભણાવવામાં આવતા ઇતિહાસ, ભૂગોળ કે અન્ય સંદર્ભવિષયો પૂરતું મર્યાદિત નથી. પરંતુ શિક્ષણનો અર્થ વ્યક્તિનું ઘડતર અને જીવનનો સર્વાંગી વિકાસ એવો થાય છે. આવી દરેક જવાબદારીઓ માતૃભાવ સાથે એક શિક્ષક જ પૂરી કરી શકે છે. સાચું શિક્ષકત્વ એ તો વિધાર્થીમય બની જવાથી જ પ્રાપ્ત થાય છે. મહાત્મા ગાંધી પણ કહેતા કે શિક્ષણ એટલે આત્માની ઉન્નતિ અને આ ઉન્નતિ કરવાનો અધિકાર એ કોઈ નાત-જાતના ભેદભાવ વિના માત્ર એક શિક્ષક જ કરી શકે છે. આવા ગુણ અને સંસ્કારોના સ્વામી સમાન રાધાકૃષ્ણનના જીવનના એક પ્રસંગ થકી આપણે એમને યાદ કરીએ. 

           એકવાર કોઈ શાળામાં ધોરણ-૯ માં સંસ્કૃત વિષયનો ક્લાસ ચાલતો હતો. આ ક્લાસમાં શિક્ષકે દરેક વિધાર્થીઓને નામ અને ક્રિયાપદ જેવા વ્યાકરણના રૂપો તૈયાર કરીને આવવા કહ્યું. ક્લાસ પૂરો થયા પછી બધા જ વિધાર્થીઓ પોતાના ઘરે ગયા. બીજા દિવસે શાળામાં એ જ વર્ગમાં શિક્ષકે એક વિધાર્થીને ઊભો કરીને આગલા દિવસે પાકા કરવા આપેલા ક્રિયાપદના રૂપો વિશે પૂછ્યું, પરંતુ જવાબ આપવાને બદલે તે વિધાર્થી નીચું જોઈને ઊભો રહી ગયો. શિક્ષકે આ ચુપકીદી માટેનું કારણ પૂછ્યું. 

             વિધાર્થીએ જણાવ્યું કે ગઇકાલે રાત્રે જ એ ખૂબ જ ઉત્સાહ સાથે નામ અને ક્રિયાપદના રૂપો પાકા કરવા બેઠો હતો, પણ જ્યારે તે આ રૂપો પાક કરતો હતો ત્યારે ત્યાં સામે જ દીવાલ પર એક કરોળિયો પોતાનું  જાળું બનાવતો હતો. પોતાની કુતૂહલતાને કારણે તેનું ધ્યાન સતત તે જાળા સામે જ રહ્યું. આમાં જ તેનો અભ્યાસનો સમય જતો રહ્યો અને પછી મોડીરાત્રે તે સૂઈ ગયો એટલે એનું નામ અને ક્રિયાપદના રૂપો પાક કરવાનું બાકી રહી ગયું. આ સાંભળીને શિક્ષકે તેને કહ્યું કે દીકરા જો કરોળિયો પોતાના જાળા બનાવવાના જ કાર્યમાં ખૂબ જ મહેનત કરતો હોય તો તું શા-માટે નહી? એક જંતુ પણ પોતાના જીવનના નાનામાં નાના કાર્યમાં   પોતાનો સમગ્ર જીવ રેડિ ખંત કરે તો આપણે તો મનુષ્ય છીએ. ઈશ્વરની કૃપાથી તને તો ખૂબ જ સારી એવી બુદ્ધિક્ષમતા મળી છે, તો તારી જવાબદારી વધી જાય છે મારા વ્હાલા વિધાર્થી. તું પણ જો આવી જ રીતે મહેનત કરે તો આ સંસ્કૃતનું સમગ્ર વ્યાકરણ સરળતાપૂર્વક યાદ રાખી શકે છે. 

            આ સાંભળીને પેલા વિધાર્થીને મનમાં ઘણો હર્ષ થયો અને તેના આત્મવિશ્વાસમાં વધારો થયો. પોતાના જીવનમાં ખૂબ જ ભણી-ગણીને તે સંસ્કૃતનો ઉત્તમ વિદ્વાન બન્યો અને એક ઉત્તમ કક્ષાનો દર્શનશાસ્ત્રી બન્યો. આ વિધાર્થીનું નામ એટલે જ રાધાકૃષ્ણન. ભારતીય અધ્યાત્મ અને દર્શનશાસ્ત્ર વિશેની એમની સમજણ અને જ્ઞાનની કક્ષા એટલી ઉચ્ચ હતી કે સમગ્ર વિશ્વનાં શ્રેષ્ઠ દર્શનશાસ્ત્રીઓમાં એમની ગણના થાય છે. તો આવા હતા ડો. સર્વ પલ્લી રાધા ક્રુષ્ણન, જેમણે એક શિક્ષકના માર્ગદર્શનથી પ્રેરણા મેળવી અને ભારતવર્ષના સર્વકાલીન શ્રેષ્ઠ શિક્ષક, દર્શનશાસ્ત્રી અને એટલા જ ઉમદા રાષ્ટ્રપતિ તરીકે પ્રખ્યાત થયા. આજના આ પવિત્ર-પાવન દિવસે જેમણે મારા જીવનમાં સંસ્કાર ઘડતર અને સારા સદગુણોનું સિંચન કર્યું છે તેવા તમામ ગુરુજનોને વંદન સાથે શિક્ષકદિવસની શુભકામનાઓ. જય માં શારદા, વંદન હજો તુજને !!!

Tuesday, September 1, 2020

સર્જનની સરવાણી-૧

                                  


            જીવન એક સુંદર રીતે વહેતી સરવાણી છે, જેને આવે તેવું વધાવી લેવાનું અને પડકારોનો સામનો કરતાં કરતાં આગળ નીકળી જવાનું. જો આવી રીતે વિચારીએ અને જીવીએ તો જીવન નંદનવન બની જાય.  આપણે દરરોજ આપણી પાસે રહેલી સુખ અને  શાંતિ માટે ઈશ્વરનો આભાર માનતા રહેવું જોઈએ. કોઇની સાથે સરખામણી કર્યા વિના આપણી પોતની ક્ષમતાઓને પારખવી અને તેને બહેતર બનાવવી જોઈએ. 

             જયમલ નામનો એક છોકરો આસામના પહાડી વિસ્તારમાં રહેતો હતો. એના ઘર-પરિવારમાં બધા પશુ-પાલનનો વ્યવસાય કરતા હતા. આ જયમલ  પણ દરરોજ પોતાના પશુઓને લઈને દૂર-દૂર સુધી ચરાવવા જતો. પણ આ પશુઓને ચરાવવા જતાં પહેલા એ પોતાના ઘરની બારી માંથી દૂર-દૂર આવેલા ઘરને જોતો, તે ઘરની બારીઓ અને દરવાજાઓ સોનેરી રંગના હતા, એટલે આ જયમલને એ ઘર જોવાની ખૂબ મજા પડતી. ઘણી વાર સુધી જોયા પછી એ ત્યાં જવાનું વિચાર્યા કરતો. તે ઘણા સમય સુધી ત્યાં જવા માટે રાહ જોયા કરતો હતો. 

              એકવાર તેના પિતાએ કહ્યું કે દીકરા જયમલ આજે હું પશુઓને લઈને ચરાવવા માટે જઈશ, એટલે તારે  ઘરે જ રહેવાનું છે. આ સાંભળીને તેને ખૂબ આનંદ થયો. પિતાના ગયા બાદ તે જયમલ પોતાની માં પાસેથી રજા લઈને પેલું દૂર દૂર આવેલું સોનેરી ઘર ગોતવા અને જોવા નીકળી પડ્યો. ઘણા દૂર આવી ગયા પછી સામે એક ઘરે તેણે દરવાજો ખટખટાવ્યો. એક બાળકે આવીને દરવાજો ખોલ્યો. જયમલે તેને પેલી સોનેરી ઘરવાળી વાત કરી એટલે પેલા બાળકે પોતાના ઘરની બારી ખોલી કહ્યું કે સામે જો. પોતાના જ ઘરની બારી અને દરવાજો જોઈને તે અચંબિત થઈ ગયો, કારણ કે તેના ઘરની બારીઓ અને દરવાજાઓ પણ સોનેરી રંગ ચમકતા હતા.

 સર્જનવાણી-પોતાની સરખામણી કોઇની સાથે કરવી નહી, ડુંગરા દૂરથી જ રળિયામણા લાગે છે.