Tuesday, September 1, 2020

સર્જનની સરવાણી-૧

                                  


            જીવન એક સુંદર રીતે વહેતી સરવાણી છે, જેને આવે તેવું વધાવી લેવાનું અને પડકારોનો સામનો કરતાં કરતાં આગળ નીકળી જવાનું. જો આવી રીતે વિચારીએ અને જીવીએ તો જીવન નંદનવન બની જાય.  આપણે દરરોજ આપણી પાસે રહેલી સુખ અને  શાંતિ માટે ઈશ્વરનો આભાર માનતા રહેવું જોઈએ. કોઇની સાથે સરખામણી કર્યા વિના આપણી પોતની ક્ષમતાઓને પારખવી અને તેને બહેતર બનાવવી જોઈએ. 

             જયમલ નામનો એક છોકરો આસામના પહાડી વિસ્તારમાં રહેતો હતો. એના ઘર-પરિવારમાં બધા પશુ-પાલનનો વ્યવસાય કરતા હતા. આ જયમલ  પણ દરરોજ પોતાના પશુઓને લઈને દૂર-દૂર સુધી ચરાવવા જતો. પણ આ પશુઓને ચરાવવા જતાં પહેલા એ પોતાના ઘરની બારી માંથી દૂર-દૂર આવેલા ઘરને જોતો, તે ઘરની બારીઓ અને દરવાજાઓ સોનેરી રંગના હતા, એટલે આ જયમલને એ ઘર જોવાની ખૂબ મજા પડતી. ઘણી વાર સુધી જોયા પછી એ ત્યાં જવાનું વિચાર્યા કરતો. તે ઘણા સમય સુધી ત્યાં જવા માટે રાહ જોયા કરતો હતો. 

              એકવાર તેના પિતાએ કહ્યું કે દીકરા જયમલ આજે હું પશુઓને લઈને ચરાવવા માટે જઈશ, એટલે તારે  ઘરે જ રહેવાનું છે. આ સાંભળીને તેને ખૂબ આનંદ થયો. પિતાના ગયા બાદ તે જયમલ પોતાની માં પાસેથી રજા લઈને પેલું દૂર દૂર આવેલું સોનેરી ઘર ગોતવા અને જોવા નીકળી પડ્યો. ઘણા દૂર આવી ગયા પછી સામે એક ઘરે તેણે દરવાજો ખટખટાવ્યો. એક બાળકે આવીને દરવાજો ખોલ્યો. જયમલે તેને પેલી સોનેરી ઘરવાળી વાત કરી એટલે પેલા બાળકે પોતાના ઘરની બારી ખોલી કહ્યું કે સામે જો. પોતાના જ ઘરની બારી અને દરવાજો જોઈને તે અચંબિત થઈ ગયો, કારણ કે તેના ઘરની બારીઓ અને દરવાજાઓ પણ સોનેરી રંગ ચમકતા હતા.

 સર્જનવાણી-પોતાની સરખામણી કોઇની સાથે કરવી નહી, ડુંગરા દૂરથી જ રળિયામણા લાગે છે. 

No comments:

Post a Comment