Friday, September 4, 2020

ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન-સર્વકાલીન શ્રેષ્ઠશિક્ષક

                                    

             આજે ૫ મી સપ્ટેમ્બર-આપણા ભારતદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ઉમદા શિક્ષક એવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ. વિધા, વિવેક અને વાણી પર સંયમની સાથે જીવનઘડતર કરવાની નેમ જેમણે લીધેલી છે, એવા આપણા વિધાવાચસ્પતિઓના યોગદાનને યાદ કરવાનો અને એમને આદર સાથે સન્માન આપવાનો દિવસ એટલે આજનો શિક્ષક-દિન. આપણા ભારતદેશમાં શિક્ષણ માત્ર શાળાઓ કે કોલેજમાં ભણાવવામાં આવતા ઇતિહાસ, ભૂગોળ કે અન્ય સંદર્ભવિષયો પૂરતું મર્યાદિત નથી. પરંતુ શિક્ષણનો અર્થ વ્યક્તિનું ઘડતર અને જીવનનો સર્વાંગી વિકાસ એવો થાય છે. આવી દરેક જવાબદારીઓ માતૃભાવ સાથે એક શિક્ષક જ પૂરી કરી શકે છે. સાચું શિક્ષકત્વ એ તો વિધાર્થીમય બની જવાથી જ પ્રાપ્ત થાય છે. મહાત્મા ગાંધી પણ કહેતા કે શિક્ષણ એટલે આત્માની ઉન્નતિ અને આ ઉન્નતિ કરવાનો અધિકાર એ કોઈ નાત-જાતના ભેદભાવ વિના માત્ર એક શિક્ષક જ કરી શકે છે. આવા ગુણ અને સંસ્કારોના સ્વામી સમાન રાધાકૃષ્ણનના જીવનના એક પ્રસંગ થકી આપણે એમને યાદ કરીએ. 

           એકવાર કોઈ શાળામાં ધોરણ-૯ માં સંસ્કૃત વિષયનો ક્લાસ ચાલતો હતો. આ ક્લાસમાં શિક્ષકે દરેક વિધાર્થીઓને નામ અને ક્રિયાપદ જેવા વ્યાકરણના રૂપો તૈયાર કરીને આવવા કહ્યું. ક્લાસ પૂરો થયા પછી બધા જ વિધાર્થીઓ પોતાના ઘરે ગયા. બીજા દિવસે શાળામાં એ જ વર્ગમાં શિક્ષકે એક વિધાર્થીને ઊભો કરીને આગલા દિવસે પાકા કરવા આપેલા ક્રિયાપદના રૂપો વિશે પૂછ્યું, પરંતુ જવાબ આપવાને બદલે તે વિધાર્થી નીચું જોઈને ઊભો રહી ગયો. શિક્ષકે આ ચુપકીદી માટેનું કારણ પૂછ્યું. 

             વિધાર્થીએ જણાવ્યું કે ગઇકાલે રાત્રે જ એ ખૂબ જ ઉત્સાહ સાથે નામ અને ક્રિયાપદના રૂપો પાકા કરવા બેઠો હતો, પણ જ્યારે તે આ રૂપો પાક કરતો હતો ત્યારે ત્યાં સામે જ દીવાલ પર એક કરોળિયો પોતાનું  જાળું બનાવતો હતો. પોતાની કુતૂહલતાને કારણે તેનું ધ્યાન સતત તે જાળા સામે જ રહ્યું. આમાં જ તેનો અભ્યાસનો સમય જતો રહ્યો અને પછી મોડીરાત્રે તે સૂઈ ગયો એટલે એનું નામ અને ક્રિયાપદના રૂપો પાક કરવાનું બાકી રહી ગયું. આ સાંભળીને શિક્ષકે તેને કહ્યું કે દીકરા જો કરોળિયો પોતાના જાળા બનાવવાના જ કાર્યમાં ખૂબ જ મહેનત કરતો હોય તો તું શા-માટે નહી? એક જંતુ પણ પોતાના જીવનના નાનામાં નાના કાર્યમાં   પોતાનો સમગ્ર જીવ રેડિ ખંત કરે તો આપણે તો મનુષ્ય છીએ. ઈશ્વરની કૃપાથી તને તો ખૂબ જ સારી એવી બુદ્ધિક્ષમતા મળી છે, તો તારી જવાબદારી વધી જાય છે મારા વ્હાલા વિધાર્થી. તું પણ જો આવી જ રીતે મહેનત કરે તો આ સંસ્કૃતનું સમગ્ર વ્યાકરણ સરળતાપૂર્વક યાદ રાખી શકે છે. 

            આ સાંભળીને પેલા વિધાર્થીને મનમાં ઘણો હર્ષ થયો અને તેના આત્મવિશ્વાસમાં વધારો થયો. પોતાના જીવનમાં ખૂબ જ ભણી-ગણીને તે સંસ્કૃતનો ઉત્તમ વિદ્વાન બન્યો અને એક ઉત્તમ કક્ષાનો દર્શનશાસ્ત્રી બન્યો. આ વિધાર્થીનું નામ એટલે જ રાધાકૃષ્ણન. ભારતીય અધ્યાત્મ અને દર્શનશાસ્ત્ર વિશેની એમની સમજણ અને જ્ઞાનની કક્ષા એટલી ઉચ્ચ હતી કે સમગ્ર વિશ્વનાં શ્રેષ્ઠ દર્શનશાસ્ત્રીઓમાં એમની ગણના થાય છે. તો આવા હતા ડો. સર્વ પલ્લી રાધા ક્રુષ્ણન, જેમણે એક શિક્ષકના માર્ગદર્શનથી પ્રેરણા મેળવી અને ભારતવર્ષના સર્વકાલીન શ્રેષ્ઠ શિક્ષક, દર્શનશાસ્ત્રી અને એટલા જ ઉમદા રાષ્ટ્રપતિ તરીકે પ્રખ્યાત થયા. આજના આ પવિત્ર-પાવન દિવસે જેમણે મારા જીવનમાં સંસ્કાર ઘડતર અને સારા સદગુણોનું સિંચન કર્યું છે તેવા તમામ ગુરુજનોને વંદન સાથે શિક્ષકદિવસની શુભકામનાઓ. જય માં શારદા, વંદન હજો તુજને !!!

2 comments:

  1. પ્રતિભાવ આપવા બદલ ખૂબ ખૂબ આભાર..

    ReplyDelete