Tuesday, September 29, 2020

સર્જનની સરવાણી-૫

             

      ઈશ્વરીય આનંદની અનુભૂતિ માટેનો અવસર એટલે મનુષ્ય અવતાર અને મનુષ્યજીવન એ સતત સંઘર્ષ સાથે ચાલતો એક અદ્વિતીય માર્ગ છે. આપણા દરેકના જીવનમાં હર સમયે નાના-મોટા સંઘર્ષો આવતા જ હોય છે. આ સંઘર્ષો જ આપણા જીવનનું ઘડતર કરે છે અને જીવનમાં સંસ્કારોનું ચણતર પણ કરે છે. ચાલો જાણીએ એક નાનકડી વાર્તા થકી કે સંઘર્ષનો સાચો પર્યાય. 

      એક બગીચામાં એક ભાઈ ઘણા લાંબા સમયથી બેઠા હતા અને આસપાસ બનતી ઘટનાઓ નિહાળતા હતા. આમ પણ માણસ અત્યારે નિરાંતે બેસીને પોતાની જાત સાથે સંવાદ સાધી શકે તેવા સ્થાન ઓછા થતાં જાય છે. એ ભાઈ પણ કોઈ વિચારમાં ખોવાયેલા હતા અને જીવનની વિખરાતી ક્ષણોને સમેટવાનો પ્રયત્ન કરતાં હતા. એવામાં એક ઘટના બની.સામેના ઝાડ પરથી એક ઈંડું નીચે પડ્યું. એ ઈંડામાં રહેલું પતંગિયું તેમાંથી બહાર આવવાની કોશિશ કરવા લાગ્યું પણ બહાર નીકળી શકતું નહોતું. 

       થોડીવાર સુધી એ દ્રશ્ય જોયા બાદ પેલા ભાઈથી રહેવાયું નહી અને એ ઘણી અધીરાઇ સાથે પોતાની જગ્યા પરથી ઊભા થઈ ગયા અને પેલા ઈંડા પાસે ગયા. તેમણે પેલા પતંગિયાને બહાર આવવામાં થોડી મદદ કરી. તમને થશે કે એ તો ઘણી સારી વાત કહેવાય કે કોઇની પણ મદદ કરવી. પરંતુ  વાત એમ બની કે હવે એ પતંગિયું જાતે ઉડવા માટે સક્ષમ નહોતું અને આસપાસ જોઈને તરફડતું રહ્યું પણ ઊડી શક્યું નહી.   

        વાત એમ બની કે ઉતાવળમાં આવીને પેલા ભાઈએ પતંગિયાને મદદ કરી એના લીધે એનો પાછનો ભાગ ફૂલી ગયો અને એક પાંખ પણ તૂટી ગઈ એટલે એ ઊડી શકતું નહોતું. પેલા ભાઈની થોડી અધીરાઇ અહિયાં નડતર બની. કારણકે એ પતંગિયા માટેનો સંઘર્ષ એ ભાઈએ સમાપ્ત કરી નાખ્યો હતો. આપણે ઘણીવાર જોતાં હોઈએ અને સાંભળતા પણ હોઈએ છીએ કે ઘણા પંખીઓ પોતાના બચ્ચાઓને અમુક સમયબાદ જાતે જ ઉડવા માટે પ્રેરિત કરે છે અને ખુલ્લા આકાશમાં એકલા છોડી દેતા હોય છે. આમ જ આપણે પણ ઘણીવાર આપણા બાળકોને એમના જીવનમાં કોઈ સમસ્યા કે સંઘર્ષ સાથે લડવા દેતા નથી. સતત આળ-પંપાળને કારણે જ આપણા બાળકોની સંઘર્ષ અને સહનશક્તિનો નાશ થઈ જાય છે. 

સર્જનવાણી- સંઘર્ષ જ જીવનને સંપૂર્ણ બનાવે છે. 

No comments:

Post a Comment