Tuesday, September 8, 2020

સર્જનની સરવાણી-૨

              


             માનવ પોતે જ પોતાના જીવનનો ભાગ્યવિધાતા છે અને પોતે જ પોતાના જીવનને ઉન્નતિ કે અવનતિના માર્ગે લઈ જતો હોય છે. આ ઉન્નતિ કે અવનતિનો આધાર તેની જીવન તરફની દ્રષ્ટિ અને જીવન જીવવાના અભિગમ ઉપર નિર્ભર છે. જીવન સતત સંઘર્ષ અને સમસ્યાઓથી ઘેરાયેલું હોય છે. આવી પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિ કેવો અભિગમ અપનાવે તેના પર જ તેની પ્રગતિનો આધાર છે. જો આપણે એ પરિસ્થિતિનો સામનો હકારાત્મક બનીને કરીએ તો ખૂબ જ આગળ વધી શકાય છે. દરેકના જીવનમાં એકવાર તો એવી વિકટ પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય છે કે જ્યારે દરેક પરિબળો આપણી વિરોધમાં હોય એવું આપણને લાગે પણ ત્યારે જ આપણા મનોબળ અને અભિગમની સાચી પરીક્ષા થતી હોય છે. એટલે જ આવી સમસ્યાઓ સામે ચાલીને સ્વીકારવી અને પડકારીને પાર પાડવાનું બીજું નામ છે.

            ભારતના કોઈ મેટ્રો શહેરમાં આવેલી નામાંકિત કોલેજમાં ભણતા એક વિધાર્થીઓના ગ્રૂપની આ વાત છે. આ ગ્રૂપમાં ચાર છોકરાઓ ભારે મસ્તીખોર અને મોજ-મસ્તી વાળો સ્વભાવ ધરાવે. હંમેશા કોલેજમાં મજાક-મસ્તી અને આનંદ કિલ્લોલ કરતાં રહેતા અને પોતાના મિત્રોને પણ ભણવામાં પૂરું ધ્યાન ન આપવા દેતા. એમના પ્રધ્યાપકો પણ એમને વારંવાર સમજાવતા કે તેઓ અભ્યાસમાં ધ્યાન આપે નહી તો આગળ જતાં પસ્તાવો કરવા સિવાય કઈ પણ મળશે નહી. થોડા જ દિવસોમાં કોલેજની પરીક્ષાઓ પણ આવતી હતી પરંતુ આ વિધાર્થીઓ તો પોતાના જ મોજ-શોખમાં મશગુલ રહેતા. એકવાર આ ચારેય છોકરાઓ મોડીરાત સુધી બહાર રખડતાં રહ્યાં અને આનંદ-પ્રમોદ કરતાં રહ્યાં. બીજા જ દિવસે કોલેજમાં પરીક્ષાઓ શરૂ થવાની હતી. પરીક્ષાઓથી બચવા માટે એમણે એક ઉપાય કર્યો.

        ચારેય જણે એકબીજા સાથે મસલત કરી અને આચાર્યને કોઈપણ બહાનું બતાવીને પરીક્ષાઓ માંથી બચવા માટે તેમણે વિચાર કરી લીધો હતો. બીજા દિવસે કોલેજના આચાર્યની ઓફિસમાં પહોંચી ગયા. દરેકના કપડાં મેલા-ઘેલા અને ગ્રીસ-ઓઇલ વાળા થયેલા હતા. ખૂબ જ દયામણા ચહેરે બનાવીને એમણે આચાર્યને કહ્યું કે આગલી રાત્રે તેઓ પોતાના મિત્રની જન્મદિસવની ઉજવણીમાં ગયા હતા અને ત્યાંથી ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં એમની ગાડીનું ટાયર ફાટી જવાથી ગાડી બંધ થઈ ગઈ હતી. જેના કારણે ચારેય જણે ગાડીને મહા મહેનતે ધક્કો લગાવીને ઘરે પહોંચાડી હતી. આ સમગ્ર ઘટનાને કારણે તેઓ હાલમાં પરીક્ષા આપી શકે તેમ નથી.

         આચાર્યએ એમની વાત શાંતિથી સાંભળી અને સ્વીકારી લીધી. આચાર્યએ ચારેય જણને કહ્યું કે તેઓ દરેકને ત્રણ દિવસનો સમય આપે છે. ત્રણ દિવસ પછી એમની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાનું પેપર પોતે જ સેટ કરશે અને પોતે જ પરીક્ષાનું મોનીટરીંગ પણ કરશે. આચાર્ય પાસે અગાઉ પણ પ્રધ્યાપકો પાસેથી આ ચારેય વિધાર્થીઓ અંગે ફરિયાદ આવી જ હતી એટલે એમણે  જાતે જ ચારેયને સુધારવાનો નિર્ણય કર્યો. એક ઉદાહરણ બેસાડી શકાય એવી પરીક્ષાનું એમને આયોજન કર્યું અને ત્રણ દિવસ પછી પરીક્ષા ગોઠવાઈ ગઈ.પરંતુ ચારેય જણની અપેક્ષા કરતાં વિરુદ્ધ દરેકને અલગ-અલગ વર્ગમાં બેસાડવામાં આવ્યા અને દરેક પેપરમાં માત્ર બે સવાલો હતા.

૧. તમારું નામ.......................................

૨. ગાડીનું કયું ટાયર ફાટ્યું હતું ?.. .....................................

           જો ચારેય જણના જવાબ સરખા આવે તો દરેક જણ પાસ નહી તો નાપાસ . હવે તમે વિચારો આવી પરિસ્થિતિ તમારી સમક્ષ આવીને ઊભી રહે તો ? આવી જ પરિસ્થિતિઓ જીવનનો પથ કંડારતી હોય છે. જવાબ કેવો મળશે એ તમે પણ જાતે વિચારી શકો છો. આ જવાબ તમારે તમારા જ મનને આપવાનો છે.

સર્જનવાણી- જીવનમાં ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવી જાય તો એનો સામનો કરવો જોઈએ. આવી સમસ્યાઓથી ભાગવાથી સમસ્યા વધારે વણસી જાય છે. 


No comments:

Post a Comment