Thursday, September 10, 2020

વિરલ વિભૂતિ-વિનોબા ભાવે

                                                     


 

           આજે ૧૧ મી સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ ભારતમાતાના મહાન સપૂત અને વિરલ વિભૂતિ સમાન વિનોબાજીનો જન્મદિવસ છે. આજે સમગ્ર ભારત વિનોબાજીની ૧૨૫ મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આપણે પણ આ વિભૂતિસમાન મહાપુરુષના જીવનમાંથી કઈંક પ્રેરણા મળે એવી વાતો જાણીએ અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. ખૂબ જ નાની ઉમરમાં લગ્ન અને પછી જીવનમાંથી રસ ઉઠી ગયો ત્યારે હિમાલય જઈને સંન્યાસ લેવાનો વિચાર પણ કરેલો. આ સમયગાળા દરમિયાન ગાંધીજીની પ્રેરણા મેળવીને એમની સાથે સત્યાગ્રહ આશ્રમ આવીને રહ્યા અને જીવનભર એક સંન્યાસી સમાન જીવન વિતાવ્યું. એમના વિચારો અને એમની વાતો દરેક વ્યક્તિના જીવન પર ઊંડી છાપ છોડી જાય છે. તો ચાલો મળીએ વિનોબાજીને..

            ભારતના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ ક્ષેત્રમાં એક ગામ આવેલું છે. બ્રાહ્મણ નરહરિ ભાવે કે જે ગણિતનાં પ્રેમી, વૈજ્ઞાનિક સૂઝબૂઝ વાળા તથા  રસાયણશાસ્ત્રમાં અધિક રુચિ ધરાવતા હતા. એ સમયમાં મોટા ભાગના રંગો બહારના દેશોમાંથી આયાત કરવા પડતા હતા. નરહરિ ભાવે રાત-દિવસ રંગોની શોધના કાર્યમાં લાગેલા રહેતા. એમને બસ એક જ ધુન હતી કે ભારતને આ મામલે આત્મનિર્ભર બનાવવું જોઇએ. એમની પત્ની રુક્મિણી બાઈ વિદુષી મહિલા હતી. ઉદાર-ચિત્ત, આઠે પહોર ભક્તિ-ભાવમાં ડૂબેલી રહેતી. આખું ઘર ભક્તિ રસમાં તરબોળ રહેતું હતું. આવા સાત્વિક વાતાવરણમાં સપ્ટેમ્બર ૧૧, ૧૮૯૫ના દિવસે વિનોબાનો જન્મ થયો હતો. એમનું બાળપણનું નામ વિનાયક પાડવામાં આવ્યું હતું. એમની માતા એમને પ્યારથી વિન્યા કહીને બોલાવતી. વિનોબા નામ ગાંધીજીએ પાડ્યું હતું. મહારાષ્ટ્રમાં નામની પાછળ ‘બા’ લગાડવાનું જે ચલણ છે, દા.ત. તુકોબા, વિઠોબા અને વિનોબા.

           માતાનો સ્વભાવ વિનાયકને પણ મળ્યો હતો. એમનું મન પણ હંમેશાં અધ્યાત્મ ચિંતનમાં લીન રહેતું. રુક્મિણી બાઈનું ગળૂં ખુબ જ મધુર હતું. ભજન સાંભળતાં સાંભળતા તેણી એમાં ડૂબી જતાં. ગાતા ત્યારે ભાવ-વિભોર થઈને, સમગ્ર વાતાવરણમાં ભક્તિ-સલિલા પ્રવાહિત થવા લાગતી. રામાયણની ચોપાઇઓ તેણી મધુર ભાવથી ગાતી, ત્યારે એવું લાગતું કે માતા શારદા ગણગણી રહી હોય. વિનોબાને અધ્યાત્મના સંસ્કાર આપવામાં, ભક્તિ-વેદાંત તરફ લઈ જવામાં, બચપણમાં એમના મનમાં સંન્યાસ તથા વૈરાગ્યની પ્રેરણા જગાડવામાં એમની માતા રુક્મિણી બાઈનું મહત્વનું યોગદાન હતું. બાળક વિનાયકને માતા-પિતા બન્નેના સંસ્કાર મળ્યા. 

            એક્વારની વાત છે કે જ્યારે બાળપણમાં વિનોબાના ફળિયામાં ફણસનું એક મોટું ઝાડ હતું અને એને પેશીઓ જેવા મોટા ફળો આવે. ત્યાં રમતા બાળકોની સાથે વિનોબા પણ દરરોજ વિચારતા કે ક્યારે આ ફળની મીઠી પેશીઓ અમને સૌને ચાખવા મળશે અને અમે એનો મનભરીને આનંદ લઈશું. આ ફણસના ઝાડનો છાંયડો એમના પાડોશીના આંગણામાં પણ પડતો અને ફળો પણ લટકતા. થોડા દિવસો બાદ જ્યારે વિનોબાના માતાજી આ ફળો તોડીને એની પેશીઓ અલગ કરવા બેઠા ત્યારે બધા જ બાળકો એમની આસ-પાસ માં ગોઠવાઈ ગયા. સૌ બાળકો ખૂબ જ આતુરતાથી પહેલી પેશીની રાહ જોવા લાગ્યા.

        પરંતુ એમના કુતૂહલની વચ્ચે જ વિનોબાના માતાજીએ એમને કહ્યું કે “ વિનિયા જા પેલા વાટકમાં રહેલી આ પેશીઓ લઈને તું પાડોશમાં દઈ આવ, કારણકે એમણે પણ આ ઝાડ પરના ફળો જોયા છે એટલા માત્રથી જ એમનો પણ હક બને છે. ત્યારબાદ આ જ રીતે એમને બીજી બાજુના પાડોશમાં પણ આ ફળો આપવા માટે મોકલ્યા અને પછી કેટલીક પેશીઓ દાદાજી અને વડીલોને આપવામાં આવી. આ બધાની સાથે પેશીઓની વહેંચણી થઈ ગયા બાદ વધેલી પેશીઓ વાટકામાં મૂકીને કહ્યું કે હવે આ પેશીઓ તમે દરેક બાળકો મળીને ખાવ અને આનંદ કરજો.

      આમ ખૂબ જ નાની ઉમરમાં જ વિનોબાજીમાં એકબીજા સાથે વહેચીને ખાવાનો અને ખવરાવવાનો આનંદ કેવો હોય એના સંસ્કારો રેડાયા હતા. એ જ બાબતોની પ્રેરણા લઈને શ્રી વિનોબાજીએ સમગ્ર ભારતભરમાં ભ્રમણ કરીને ભૂદાન યજ્ઞની જ્યોત જલાવી અને વંચિત અને આદિવાસીઓ તથા વિચરતી જાતિના લોકોને એમણે ભૂમિનો ભાગ અપાવ્યો હતો. ગાંધીજીએ પણ એમને સ્વાતંત્ર્યની લડતમાં પ્રથમ સત્યાગ્રહી બનાવ્યા હતા. વિનોબાજીના ભગવત ગીતા પરના પ્રવચનો પણ ખૂબ જ પ્રચલિત છે. હાલમાં જ આપણા શિક્ષણવિદ એવા શ્રી ભદ્રાયુભાઈ વછરાજાની પોતાના કંઠે આ ગીતાજીના પ્રવચનોને ઓડિયો-વિડીયો સ્વરૂપે યુટ્યૂબ જેવા માધ્યમ પર મૂકીને વિનોબાજીને સાચી અંજલિ અર્પણ કરી રહ્યા છે. શત શત વંદન છે આવી વિરલ વિભૂતિના ચરણોમાં. જય જગત સાથે અર્પણંસ્તુ !

No comments:

Post a Comment