Sunday, September 25, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૪


        મોટાભાગના વાચકો પુસ્તક વાંચતી વખતે લેખકના લખાણને નહીં, પોતાના અર્થઘટનને વાંચે છે, અને તે પ્રોસેસમાં અસલ લખાણનો ઉદેશ્ય ખોવાઈ જાય છે. આપણું મન સતત અર્થઘટન કરતું હોય છે; આ બરાબર છે, આ બરાબર નથી. આ આવું નહીં, પણ તેવું હોવું જોઈએ. હું સહમત છું, હું સહમત નથી. આપણે એ જ 'વાંચીએ' છીએ, જે આપણી અંદર અગાઉથી મોજૂદ છે. આપણે આપણને જ વાંચીએ છીએ. શ્રેષ્ઠ લેખકનું લખાણ એટલું ચુસ્ત હોય કે વાચકને કલ્પનાઓ કરવાની છૂટ ન આપે અને પોતાનો ઉદેશ્ય એકદમ નક્કર રીતે તેના મનમાં ઉતારી દે. સૌથી શ્રેષ્ઠ વાચક એ છે જે લેખકના ઉદેશ્યને અર્થઘટન કરીને દૂષિત ન કરે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, September 18, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૩

 વહેલાં શીખવા જેવી સાત બાબતો....

1. આપણે જેટલું ધારીએ છીએ એટલું લોકો આપણા વિશે નથી વિચારતા.

2. દોષારોપણ સૌથી વ્યર્થ પ્રવૃત્તિ છે. 

3. આપણા વિચારોની ગુણવત્તા પરથી જીવનની ગુણવત્તા નક્કી થાય છે. 

4. જે ચીજ સાર્થક છે તે સરળ નથી, અને જે સરળ છે તે સાર્થક નથી. 

5. આપણને એટલા જ પ્રમાણમાં પ્રેમ મળે, જેટલા પ્રમાણમાં કષ્ટ સહન કરવાની તૈયારી હોય. 

6. આપણે ખુદનું જેટલું સન્માન કરીએ, લોકો એટલું જ સન્માન આપણને આપે.

7. અભિપ્રાય બાંધવામાં ઉતાવળ ન કરવી. દરેક વ્યક્તિ તેની સમજણ પ્રમાણે બનતા પ્રયાસ કરે છે.


(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓ માંથી સાભાર)

Monday, September 12, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૨

         

        બે દુઃખી બે વ્યક્તિઓ ભેગી થાય, તો તે એકબીજાને દુઃખી કરે, કારણ કે બંને એકબીજામાં 'પોતાનું' સુખ શોધતી હોય છે. બે વ્યક્તિઓ જ્યારે પોતાનાં સુખની તલાશ કરતી હોય, ત્યારે તે સંઘર્ષ પેદા કરે, કારણ કે તેમનું ફોકસ પોતાના પર હોય, સામેની વ્યક્તિ પર નહીં. સુખી વ્યક્તિઓ સંબંધ કેળવે ત્યારે તે એકબીજાને સુખ આપે, કારણ કે તેમનું ફોકસ 'પોતાનું' સુખ મેળવવા પર નહીં, પોતાની પાસે જે સુખ છે તે 'બીજી' વ્યક્તિને વહેંચવા પર હોય. સંબંધોમાંથી સુખ મળે છે તે વાત મિથ છે. કોઈ કોઈને સુખી ન કરી શકે, જો તે સ્વતંત્ર રીતે સુખી ન હોય. 

       સંબંધમાં આપણે એ જ ઓફર કરીએ છીએ, જે આપણી પાસે હોય છે. વિમાનમાં ઇમરજન્સીમાં સહપ્રવાસીનો જીવ બચાવતા પહેલાં ઓકિસજન માસ્ક પહેરી લેવો. કેમ? તમે જીવતા હશો તો મદદ કરી શકશો ને! એટલે પહેલાં ખૂદનો જીવ બચાવો. સુખ પણ ઓકિસજન માસ્ક જ છે. પહેલાં જાતે પહેરવો પડે.

Sunday, September 4, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૧

         

        આપણી બુદ્ધિ જો આપણા અંગત જીવનની મુસીબતોને ઉકેલવામાં કામ ન આવતી હોય, તો તે બુદ્ધિનું પ્રદર્શન સેલ્ફ-પ્લેઝરથી વિશેષ નથી. તેના માટે અંગ્રેજીમાં braingasm શબ્દ પણ છે; માનસિક પ્લેઝર. જેમ કાનમાં આંગળી નાખવાની મઝા આવે, તેવી રીતે લોકોને જ્ઞાન બતાવતા રહેવાથી મગજમાં ઉત્તેજના અનુભવાય. ઘણા લોકો braingasm મેળવવા માટે જ ચર્ચાઓ કરતા હોય છે. 

        તેનાથી ઈગો સંતોષાય. આપણે જેમ રૂપાળા દેખાવા ફેશનેબલ વસ્ત્રો પહેરીએ છીએ, તેવી રીતે બીજાની સામે છાકો પાડી દેવા માટે બુદ્ધિ બતાવીએ, તો તેને બૌદ્ધિક ગલલિયાં કહેવાય, પણ બુદ્ધિની સચ્ચાઈની અસલી કસોટી એ અંગત જીવનની આપણી ત્રુટીઓને સાંધવામાં કેટલી ઉપયોગી છે તેના પરથી નક્કી થાય છે. એટલા માટે, જે લોકો દેશ-દુનિયાની મુસીબતોના ઉકેલ બતાવતા ફરે છે, તેમને પૂછવું જોઈએ કે તેમણે તેમના જ્ઞાનનો સહારો લઈને તેમની કેટલી અંગત મુસીબતો હલ કરી છે.