Showing posts with label સ્વાનુભવના સંસ્મરણો. Show all posts
Showing posts with label સ્વાનુભવના સંસ્મરણો. Show all posts

Saturday, October 25, 2025

નૂતન વર્ષના શિવ સંકલ્પો

           

         દર વર્ષે આવતા તહેવારોની સાથે સાથે માણસ પોતાના જીવનને જાણવા કે સમજવાનો પ્રયત્ન પણ કરતો હોય તો એ તહેવાર ની ઉજવણી સાર્થક થાય છે.  માત્ર પોતાના જ વિચારો કરવાને બદલે આસપાસના લોકોની સાથે સાથે જરૂરિયાત મંદ સુધી આપણી સંવેદના પહોંચાડીએ તો દિવાળી જેવા પર્વનું મહત્વ સિદ્ધ થયું કહેવાય છે. આવા તહેવારોમાં આપણે પણ દર વર્ષે જુદા જુદા પ્રકારના સંકલ્પો લેતા હોઈએ છીએ. કંઈક નવીનતા જીવનમાં ઉમેરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. હું પણ દર વર્ષે કેટલીક વાતો નવી વિચારી અને પોતાની ડાયરીઓમાં ઉતારતો હોઉં છું, આ વર્ષે એમ થાય છે કે આવી કેટલીક વાતોને પોતાના મિત્રો સાથે વહેંચીએ. અહીંયા ઉતારેલા કેટલાક સંકલ્પો છે જે સૌને બંધબેસતા હોય તો સ્વીકારવા અન્યથા આપણે તો એટલામાં જ રાજી !!

1. પોતાની જાતનો સ્વીકાર કરીને અસ્તિત્વના ઉદ્દેશયને અનુસરીને શ્રેષ્ઠ બનવાનો સંકલ્પ.

2. સતત શાણપણ સાથેના વાંચન થકી પોતાના વિચારોને સમૃદ્ધ કરી અને વિચારોને અનુસરવા પ્રયત્નશીલ. 

3. પોતાની જાતને સતત અપગ્રેડ કરતા રહેવાનું છે. 

4. સતત ને સતત નાવિન્યતા સભર શીખવાનો અભિગમ કેળવવાનો અને પોતાની જાતનો વિસ્તાર કરવો.

5. સ્વયમની નબળાઈઓ જેવી કે ક્રોધ અતિ વિચારો,  વ્યગ્રતા,  અજંપો, વગેરે પર કાબુ મેળવવા માટે શાંત થવાનો તથા મૌન રહેવાનો પ્રયત્ન સતત કરવો.

6. સ્વ નિયંત્રણ એક ગુણ છે, જીવન સરળ નથી પરંતુ જો હિંમત હોય તો તે આનંદદાયક બની શકે છે.

7. સમય કાઢીને મહિને એકવાર પોતાની જાત સાથે આખો દિવસ વિતાવવા માટે દૂરના સ્થળનો પ્રવાસ કરવો અને એકલા જ જવું અને જાતને મળવું તથા સ્વની ખોજ કરવી.

8. ડાયરી લેખન સાથે સાથે વાંચનનો પ્રસાદ પણ લખવો તેમજ વહેંચતો રહેવા માટે નિયમિત અને જાગૃત પણે પ્રયત્ન કરવો.

9. પોતાના નિજાનંદ માટે ગમે તેમ કરીને સમય કાઢવો,  અને વાંચન સાથે ફિલ્મો જોવી, પ્રવાસ કરવો, મિત્રોને મળવું, સંગીત સાંભળવું અને સ્વની ખોજ કરવી અને બીજાને સાંભળીને સમજવાનો પ્રયત્ન કરવો.

10. સારા સ્વસ્થ માટે નિયમિત ચાલવાનો શિવ સંકલ્પ, યોગ પ્રાણાયામ સાથે હળવી કસરતો કરવી તેમજ પોતાના ખાન પાન પર નિયંત્રણ રાખવા કટિબદ્ધ.

11. નિયમિતતા, પ્રમાણિકતા, સાતત્યતા, સત્ય, પ્રેમ, કરુણા, આદર, વિશ્વાસ, આનંદ, ઉમંગ, ઉત્સાહ, જેવા ગુણો કેળવવા અને આચરણમાં ઉતારવા.


Saturday, January 11, 2025

આજનું યુવાધન કયા માર્ગે ???

           

             “ જો મને સો નચિકેતા જેવા યુવાનો મળી જાય તો હું આ પૃથ્વી પર અસામાન્ય કર્યો થકી પૃથ્વીવાસીઓ માટે નવીનતમ જીવનની દિશા અને દશા બંને બદલી નાખું. આ સમગ્ર વિશ્વમાં ચારેય તરફ આધ્યાત્મિકતાની જ્યોત જલાવી દઉં ” આ શબ્દો છે આપણા જ ભારતીય મહાપુરુષ એવા સ્વામી વિવેકાનંદના. ખૂબ જ નાની ઉમરમાં જેમણે ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મની જ્યોત સમગ્ર વિશ્વ સમક્ષ પ્રકટ કરી અને ભગવદગીતા જેવા મહાન ગ્રંથનો આધાર લઈને તેમણે અમેરિકામાં પણ ભારતનો ડંકો વગાડી દીધો. આવા આ યુગપુરુષના શબ્દો આજના કોઈપણ યુવાન માટે પ્રેરણામય છે અને હંમેશા રહેશે. યુવાન કેવો હોવો જોઈએ એ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ જણાવે છે કે યુવાન ઉત્સાહી અને કોઈપણ ઈશ્વરકાર્ય માટે થનગનતો હોવો જોઈએ. હું તો સાગરને પણ પી જઈશ એટલી આત્મશક્તિ અને એવા જ આત્મવિશ્વાસથી ભરેલો હોવો જોઈએ. આવો યુવાન જ પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્રને ગૌરવ અપાવી શકે છે. 

           આજનું યુવાધન કયા માર્ગે અને યુવાનોનો માર્ગ કેવો હોવો જોઈએ એ વિષય સદાયને માટે ચિંતન અને મનનનો રહ્યો છે. જુદા-જુદા મંતવ્યો અને જુદી-જુદી વ્યક્તિઓના જીવનધોરણને અનુસરતો આ વર્ગ સતત પોતાના જીવનને ઉત્તરોતર નવીનતા અને સર્જનાત્મકતા સભર બનવા મથતો રહે છે. આજના યુવાનોને મળતી સુવિધાઓ અને સગવડોને કારણે એમના પોતાના વિકાસ અને એમની કારકિર્દીને લગતી વિશાળ તકો એમની આસપાસ ઊભી થઈ છે. આજે ખૂબ જ ઉત્તમ કક્ષાની શાળાઓ અને એમાં આપવામાં આવતી સુવિધાઓના પરિણામે દરેક યુવાનો પાસે પોતાની મનપસંદ કેરિયર બનાવવાનો એક સોનેરી અવસર આવ્યો છે. જૂની-પુરાણી રૂઢીઓ અને બંધનોને તોડીને આજનો યુવાન પોતાના શોખને સાથે લઈને એને જ કમાણીનું એક ઉત્તમ સાધન બનાવી જાણે છે. 

          નવા નવા સ્ટાર્ટઅને કારણે આ યુવાનો પોતાની પ્રતિભાથકી જ દેશમાં નવા નવા પ્રોજેક્ટ તૈયાર કરે છે. દેશમાં વિદેશી રોકાણ અને વિદેશી હુંડિયામણ કમાઈ આપવામાં આ યુવાનો જ ખૂબ મહત્વનો ફાળો આપે છે. પોતાને મળતી સગવડોને તેઓ બીજા સાથે વહેંચતા જરા પણ અચકાટ અનુભવતા નથી. ખૂબ જ સરળતા સાથે તેઓ દરેક સાથે ભળી જાય અને નિખાલસતાપૂર્ણ રીતે તેમની વાતો રજૂ કરી શકે છે. માત્ર પોતાના માટે જ નહી, પરંતુ સમાજ માટે પણ સતત ને સતત કઈંક પ્રદાન કરવાની તત્પરતા દાખવે છે. આવી બાબતો માટે તે વર્તમાન સમયની જરૂરિયાતને ધ્યાનમાં લઈને ટેકનોલોજીનો પણ ઉત્તમ સમન્વય સાધીને શ્રેષ્ઠ રીતે સમાજનું ઋણ અદા કરે છે. 

           જો સોશિયલ મીડિયાના દ્રષ્ટિકોણને લઈને આજના યુવાનોની વાત કરવામાં આવે તો આવા સંસાધનોનો સકારાત્મક ઉપયોગ કરીને ઘણા યુવાનો પગભર થયા છે અને પોતાની સાથે પરિવારને પણ એક ઉત્તમ કક્ષાની જીવનશૈલી આપી છે. પોતાના સપનાઓને નવી ઊંચાઈ પ્રદાન કરે છે. પોતાના વિવિધ વિચારોને સોશિયલ મીડિયા પર શેર કરતાં આ યુવાનો નવી નવી એપ્લિકેશન થકી દુનિયામાં ક્રાંતિ કરવામાં સફળ થયા છે. સત્યા નદેલા. સુંદર પિછાઈ જેવા યુવાનો અમેરિકામાં પણ ભારતની એક આગવી ઓળખ ઊભી કરી રહ્યા છે. બીજી તરફ સતત સોશિયલ મિડીયાના ઉપયોગના કારણે યુવાનો સતત મોબાઇલમાં જ પોતાનો સમય વ્યતીત કરતાં હોય છે અને સમય જતાં પોતાની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા બંને ગુમાવી દેતા હોય છે. ઘણીવાર ઘણીવાર પોતાના રોજિંદા કાર્યોની પણ તેઓ અવગણના કરતાં હોય છે. આવી જ બાબતોને કારણે તેઓ પરિવાર અને કેરિયરને પોતાનો સમય આપતા નથી. ઓનલાઈન એક હજાર મિત્રો ધરાવતો યુવાન વાસ્તવમાં પાંચ મિત્રોને પણ રૂબરૂમાં મળતો નથી અને આવી જ પરિસ્થિતિ પરિવારમાં સર્જાય એટલે જ વિસમવાદિતા ઊભી થતી જાય છે. 

         પણ પણ પણ હવે મારે વાત કરવી છે એવા યુવાનોની જેઓ માત્ર પોતાની જ નહી પણ પોતાની જેવા અનેક લોકો જેમને જીવન જરૂરિયાતની સગવડો ઉપલબ્ધ નથી, તે પૂરી પાડનાર યુવાનોની વાત કરવી છે. ઘણા યુવાનો પોતાના મિત્રો સાથે ગ્રુપ બનાવીને નજીકના કે દૂરના ગરીબ કે નિરક્ષર બાળકોને ભણાવે છે, તેમનો શિક્ષણનો ભાર પણ ઉપાડે છે. ઘણા યુવાનો પોતાની કમાણીનો અમુક ભાગ કાઢીને તહેવારોમાં અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમમાં અને શ્રમજીવી પરિવારોની પાસે જઈને આવા તહેવારો ઉજવે છે. પર્યાવરણ બચાવો, પાણી બચાવો અને સ્વચ્છતા અભિયાન જેવા સંકલ્પો પણ ઘણા યુવાનો ચલાવે છે.

યુવાવાણી : કર્મશીલ અને સાહસિક યુવાનો થકી જ ભારતની આવતીકાલ ખૂબ જ ઉજ્જવળ છે. 

Thursday, January 5, 2023

સર્જકો સાથે મિલનનો અવસર

 


         આનંદની કોઈ સીમા નક્કી કરી શકાય તો એ સીમાની પેલે પાર પહોંચ્યા પછી જેટલો રાજીપો કોઈને થાય તેના કરતા પણ વધારે આનંદ આજે મારા પોતાના ઓલટાઈમ પ્રિય લેખક જયભાઈ વસાવડા અને વ્હાલા સુભાષભાઈ ભટ્ટને મળીને થયો. નિખાલસતા અને સાલસતાની સરહદો વટાવીને કેળવેલી સરળતાસભર વ્યક્તિત્વ ધરાવતા બન્ને લેખક-મિત્રો. જયભાઈ તો એમ પણ રોજે રોજ મોજમાં અને સુભાષભાઈ રોજેરોજ જીવનની ખોજમાં જ હોય છે. 

            જે લેખકોને લાંબા સમયથી વાંચતાં હોવ અને એના શબ્દો જીવનમાં જ્યોતિસમાન પ્રકાશ રેલાવતા હોય તેને પહેલી જ વાર રુબરુ મળવાનો મોકો મળ્યો ત્યારે જાણે પોતાના શબ્દો જ ખોવાઈ ગયા. માત્ર નામ લઈને સેલ્ફી જ લઈ શકાય એટલી સુધ હતી. સરળતા અને નિખાલસ તો એવા જાણે તમે એના પરિવારજનો જ હોય એમ સમજીને તમારી સાથે વાત કરે. વાતો તો એવી કરે કે બસ ડાયરો બંધ જ ન થાય એવું સૌને લાગ્યું. પુસ્તકો વાંચવાનો અને જીવન જીવવાનો આનંદ સાથે માણવો હોય તો બે વાંચનની વચ્ચે પ્રવાસ કરી લેવો એવા ચોટદાર વિધાનો તરત જ હ્રદયમાં ઉતરી જાય. 

        સુભાષભાઈની સાલસતા જ જીવન જીવવાનો મર્મ સમજાવી જાય છે. કોઈપણ પ્રકારના આડંબર કે લેખક હોવાના કોઈ ઓરા વીના જાણે તમે એમને રોજ જ મળતા હોય એમ વ્હાલ કરે અને મારા દીકરા કે મારા સાહેબ કે એવા કોઈ શીર્ષક થકી સંબોધન કરે તો પ્રેમની ધારા સતત વહેતી જણાય. એમનું વ્યક્તિત્વ જાણે સાદાઈ અને સરળતાની નિર્મળ ગંગા સમાન શીતળ ભાસે છે. વારંવાર મળવા જેવા માણસ અને માત્ર એમની સામે કે પાસે બેસીને જોયા કરો તો પણ ઓશો કે બુદ્ધની સંબોધિમાં બેઠા હોય એવો અહેસાસ થાય. શબ્દો કરતા એમનું મૌન વધારે કહી જાય છે. 

Saturday, June 19, 2021

પિતૃપૂજન દિવસ-Happy Father's Day

       પિતા એટલે બાળકનો પડછાયો. બાળકના જન્મને ઈશ્વરનો આશીર્વાદ માની જીવનની દરેક નાની-મોટી ખુશીઓને જરૂર પડ્યે પોતેના ભોગવી બાળક માટે રાખી મૂકે અથવા દરેક ખુશીઓને પોતાના બાળક તરફ હડસેલી દે તે પિતા કે બાપ યુવાની તરફથી ઘડપણ તરફની યાત્રામાં અનેક એવા પડાવો ઉભા કરે જ્યાં પોતાનું સંતાન પોરો ખાઈ શકે. દીકરો કે દીકરી જેની શીળી છાયામાં નચિંત થઈને ઉછેર પામે તે પિતા. પોતાના  જીવનના સારા નરસા દિવસોનો હિસાબ ધરાવતા તો હોય પણ તેનો ચોપડો સંતાનો સમક્ષ ક્યારેય રજૂ ના કરે એ પિતા. 

        જીવનના અમુક દિવસોને અગિયારસ ગણીને ઉજવી નાખ્યા હોય, અમુક દિવસોને જીવ્યા તો હોય પણ તેનો હિસાબ ભૂલી ગયા હોય છતાં સંતાનો માટે પોતાની કોથળી ખુલ્લી મૂકી હોય, કોઈ ખોટ ના સાલવા દીધી હોય, જીવ્યા જાજા હવે રહ્યા થોડા કરીને ખુશી વ્યક્ત કરી દેતા હોય તેવા પિતા - બાપ ને આજના દિને સો સો સલામ. રાધર, ફાધર સાથે વિચારભેદ થાય તો પણ એ બાપ છે વ્હાલા. છત્રી બનીને છાંટા ઝીલ્યા હશે, ઝાડવું બની ને છાંયો આપ્યો હશે કે પછી મને ટાઢ ના લાગે 7કહીને કોઈ પણ ખચકાટ વિના શાલ કે સ્વેટર આપણ ને આપી દીધા હશે એ વડલો પૂજનીય જ હોય. 

          માતાના પ્રેમ અને વ્હાલની તો વારંવાર ચર્ચાઓ થાય અને એમનું ઋણ પણ અમૂલ્ય જ છે પરંતુ પિતાનું ઋણ પણ માતા જેટલું જ હોય છે. આપણાં વેદ ગ્રંથોમાં પણ પિતા-માતા-ગુરુ એમ ત્રણ ઋણ આ મનુષ્યજન્મમાં ઉતારવાની વાત આવે છે. પિતા પોતાના સંતાનોને પગભર થતાં શીખવે છે અને પડછાયો બનીને તેની પાછળ ઊભા રહે છે.

સર્જનવાણી- સંતાનોની નાનકડી સફળતાઓ અને મોટી નિષ્ફળતાઓના સમયને પણ ઉજાણી બનાવવાનું સાહસ એક પિતા જ કરી શકે છે.

Thursday, April 1, 2021

માતાપિતાને વાલી ક્યારે કહીશું....


           સમયની સાથે આવતા પરિવર્તનોમાં આજના બાળકો અને માતા-પિતા વચ્ચેના સંબંધોમાં પણ નવીન્યતા છલકાઈ રહી છે ત્યારે આજે વાત કરવી છે કે બાળકોની નજરે એમને કેવા માતા-પિતા ગમે. આપણને એમ થાય કે શું વાલી અને માતા-પિતા બંને અલગ અલગ હોતા હશે, તો હા મિત્રો આપ સાચું વિચારી રહ્યા છો. આપણા ઘરે જ્યારે બાળકોનો જન્મ થાય  એટલે આપણે માતા-પિતા તો બની જ જઈએ છીએ, પણ શું આપણે સાચા અર્થમાં એક ઉમદા હ્રદય ધરાવતા અને હેતાળ, સ્નેહસભર વાલી બની શકીએ છીએ? તો ચાલો સમજીએ કે આપણા બાળકો એક વાલી તરીકે આપણી પાસેથી કેવી અપેક્ષાઓ રાખતા હોય છે. 

♂વાલી એટ્લે જે બાળકને વ્હાલ પણ કરે અને સાથે વાણી તેમજ વર્તનમાં વિવેક રાખવાનું શીખવે.


♂વાલી એટ્લે એવા માતાપિતા કે જેઓ પોતાના આચરણ અને વ્યવહાર થકી બાળકને શીખવવા તત્પર રહે

.

♂વાલી એટ્લે જે કામ બાળક પાસે કરાવવાની ઇચ્છા હોય તે પહેલા પોતે કરે અને પછી બાળકને કહે કે હવે તને ગમે તો તું આ કામ કર.


♂વાલીને પોતાના સંતાનોની ક્ષમતાની જાણકારી હોય છે એટ્લે એ એમના બાળકો પાસે એમની ક્ષમતા કરતા વધારે અપેક્ષા ન રાખે.પણ તેને સતત પ્રોત્સાહન આપે અને પોતાનો પથ જાતે નક્કી કરવામાં મદદ કરે.


♂હું પોતે પણ એક વાલી તરીકે મારા સંતાનોને આપણી ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાના સંસ્કારો આપવાનો આગ્રહ રાખીશ.


♂એક જાગ્રત વાલી તરીકે હું મારા સંતાનોને જીવનના વિવિધ આયામોને કંડારવા માટે યોગ્ય વાતાવરણ ઊભું થાય તેવો પ્રયત્ન કરીશ.


♂વાલી એમને જ ગણી શકાય કે જેઓ પોતાના સંતાનોને ગુણવત્તાસભર સમય આપે,જે દરમિયાન એમનાં માટે પરિવાર અને બાળકો જ સર્વોપરી હોય, જે વર્તમાન સમયની આવશ્યક જરુરીયાત છે.


                                                                                                            🍁સર્જનાત્મક કરીયે એક વિચાર ..

Tuesday, August 11, 2020

કૃષ્ણનું કૃષ્ણત્વ - કર્મ ભક્તિ અને જ્ઞાનનો સમન્વય

             

              શ્રી કૃષ્ણ એટલે અનન્વય અલંકાર જે પોતે જ એક ધર્મ છે. તેમનું જીવન એ જીવન જીવવાની રીત શીખવે છે. આ એવા ઈશ્વર છે  જે દરેક પરિસ્થિતિમાં અતૂટ અને અથાગ છે. કૃષ્ણ કોઈ પણ તકલીફમાંથી ઉગારી પણ શકે છે અને એ જ કૃષ્ણ આપણને ભવપાર પણ ઉતારી શકે છે. વિશ્વનો એકમાત્ર એવો પરમાત્મા જે નાચી શકે છે, ગાઇ શકે છે તેમજ  દરેક પરિસ્થિતિમાં  હસી પણ શકે છે. કૃષ્ણની કથા જાણવા કરતાં સભાનપણે કૃષ્ણની જીવનગાથા જાણે તો માનવ સહજ રીતે મૂળ સ્વરુપે કૃષ્ણને પામી શકે. આપણી આસપાસની સૃષ્ટિની દરેક પ્રકૃતિએ કૃષ્ણનો જ અંશ છે. કૃષ્ણની મહાનતા એની સરળતામાં છે. તે ચોરી કરીને માખણ ખાઈ શકે છે અને સ્વાર્થ રાખીને ચણા એકલા ન ખવાય એવો બોધ પણ આપી શકે છે. તે કયારે ચીર ખેંચવા અને કયારે ચીર પુરવા  બંનેનો ભેદ અને સમય પણ જાણે છે. આ એ જ કૃષ્ણ છે જે માણસની જેમ વાયદાઓ કરે છે અને પરિસ્થિતને આધીન આ વાયદાઓ તોડે પણ છે. આપણો કૃષ્ણ એવા તો મક્કમ મનનો છે, જે દરેક પરિસ્થિતિમાં અડીખમ ઉભો રહી શકે છે અને રણ છોડીને પણ જઈ શકે છે. 

              કૃષ્ણ મને કયારેક માણસ જેવો જ દેખાય છે. જે આપણને આ વસ્તીમાં કયારેય નહીં મળે, માત્ર મસ્તીમાં જ મળશે. આ કૃષ્ણને પામવા કરતાં એને મળીએ, એને જાણીએ, એના વિશે વાંચીએ, એની સાથે વાતો કરી, એની  સાથે સેલ્ફીઓ પડાવી, એની સાથે ગીતો ગાતા ગાતા સાથે  રાસ લઈને એને ખુલ્લા હદયે માણી લેવામાં જ મજા છે. આ કૃષ્ણ આપણી આસપાસ જ છે. કદાચ આપણો મિત્ર જ છે, કારણકે તે આણા જીવનના દરેક પરિબળોમાં આંશિકપણે ઉપલબ્ધ છે.આપણી મુશ્કેલીની સ્થિતિમાં આપણી પાસે આવી જ જાય છે. રસ્તો ચિંધવા એને કશી જ ફોર્માલિટી ની જરૂર નથી, એ સૌને કહીને ગયો છે. 

          " संम्भवामि युगे युगे....."

                આ એ જ શ્રી કૃષ્ણ છે, જેણે કર્મનો સિધ્ધાંત માત્ર આપ્યો જ નથી પરંતુ એ સિધ્ધાંતને જીવી જાણ્યો છે. તેના સમગ્ર કાળમાં એણે એકપણ દિવસનો આરામ કર્યો હોય એવો એવો એક પણ દાખલો આપણને નથી મળતો. એ અવિરત વહેતો પ્રકાશ છે, જે શૂન્યાવકાશને પણ ભેદી શકે છે. તે હથિયાર લીધા વગર પણ યુદ્ધનું પરિણામ નકકી કરી શકે છે, પરંતુ આ બધાની સાથે-સાથે આ દરેક પરિસ્થિતિમાં તે હસતો જ રહે છે. કૃષ્ણગાથાને અને એણે આપેલા શ્રીમદ ભગવદગીતાના સિધ્ધાંતોને જીવનમાં અમલમાં મૂકવા હોય તો આપણે પણ આપણા જીવનમાં નિષ્કામ  કર્મની સાથે નિષ્કામ હાસ્યનું પણ પાલન કરવુ જરુરી જોઈએ.

             કૃષ્ણ અને પ્રેમ એકબીજાના પર્યાય તો છે જ પણ કૃષ્ણ એ પ્રેમ નો ઉદ્દગાર છે. પ્રેમ શબ્દને ઉચ્ચારતી વખતે કૃષ્ણમાંથી પસાર થવું જ પડે છે. આખી કૃષ્ણકથામાં કૃષ્ણએ દરેક અવસ્થામાં પ્રેમને જ વહેંચ્યો છે, પણ એણે કયારેય એવો સંદેશો નથી આપ્યો કે પ્રેમમાં બધુ જ ચાલે પણ સાથે એ ચોક્કસપણે  બતાવ્યું છે કે પ્રેમ વિના કંઈ પણ ચાલતું નથી. એમણે બતાવેલ ભગવદગીતાના ૧૬માં અધ્યાયમાં કૃષ્ણ જે જીવ્યા છે તેને આધારે જ કહ્યું છે કે પ્રેમ એ બિનશરતી છે. આ એ જ કૃષ્ણ છે જે યુધ્ધ સમયે પણ પ્રેમની રજુઆત કરી શકે અને કર્ણ અને પાંડવોની વચ્ચે પણ પ્રેમભાવનો સેતુનિર્માણ કરી જાણે છે. યુદ્ધના સમયે કહેવાયેલી ગીતામાં પણ એ પ્રેમની રજૂઆત કરી શકે છે એટલે જ એ કૃષ્ણ છે.

              અંતમાં આપણી વર્તમાન યુવા-પેઢીએ કૃષ્ણમાંથી કેળવવા જેવો સૌથી અગત્યનો ગુણ હોય તો એ છે કે કૃષ્ણ એ દરેક કાર્ય ને પુર્ણતા આપવાનો પ્રયત્ન કર્યો છે, એણે એક પણ કાર્ય અધૂરું નથી છોડ્યું. આપણને ક્યારેક એવું લાગે કે એનો પ્રેમ અધૂરો રહી ગયો હતો, પણ એણે તો પ્રેમની બધી જ અવસ્થામાં જીવીને એને પરિપૂર્ણ કર્યો છે એટલે જ એને પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા છે. આવો આ પૂર્ણ પુરુષોત્તમ ને વંદન કરી ને એમનાં જીવન ને ચંદન બનાવીએ.

               ખરેખર ! કૃષ્ણ એ તો કૃષ્ણ જ છે અને સદાય આપણી આસપાસ જ છે.

લેખક: પરાગ પાનસૂરિયા તરફથી  "કૃષ્ણમ્ -વંદે-જગતગુરૂ"

Sunday, July 5, 2020

ગુરૂપૂર્ણિમા-જીવનમાં ઉત્તમતા પ્રદાન કરનારનો આભાર પ્રગટ કરવાનો ઉત્સવ




          આજના પવિત્ર ગુરુપૂર્ણિમાનાં દિવસે મારા જીવનમાં મને જેમણે સતત પોતાના વિચારો અને વર્તન તેમજ આચરણ થકી પ્રેરણા આપી છે અને મારા માનસ ઘડતરમાં અમૂલ્ય ભાગ ભજવ્યો છે એવા સર્વોત્તમ ગુરુજનોના ચરણોમાં શત શત વંદન. જ્યારથી શીખવાની શરૂઆત કરી છે ત્યારથી જીવનમાં શિક્ષણયજ્ઞનો પ્રારંભ થયો ગણાય. મારી માં ના ચરણોમાં વંદન જેમણે માંને પોતાના ખોળામાં બેસાડીને પોતાના હાથથી મારા હાથમાં પાટી અને કાકરાપેન પકડતા શિખવાડીને જીવનનો પહેલો એકડો ઘૂંટતા શીખવ્યું. જેમણે મને પોતાના વાત્સલ્યથી સતત ભીંજવીને અંદરથી કોમળ તથા લાગણીસભર બનાવ્યો છે. પિતાના ચરણોમાં વંદન કે જએમના પ્રયત્નો થકી આજે હું જીવનના ઘણા અઘરા પાઠોને શીખીને જીંદગી જીવવાનો અભિગમ શીખ્યો છું. પોતાનો રસ્તો જાતે બનાવતા શીખ્યો છું. ચડતા પડતાં અને ફરી ફરી આગળ વધતાં વધતાં જીવનમાં અડગ રહીને પગલાઓ ભરતા શીખ્યો છું. એવા શિક્ષકો પણ ક્યારેય મળી શકે નહી કે જેમની પ્રેરણા થકી જ હું બહારથી મજબૂત મનોબળ સાથે હું અંદરથી હ્રદયની કોમળતા કેળવતા શીખ્યો છું. મારા ભણતર દરમિયાન મને એવા શિક્ષકોનો સંગાથ મળ્યો છે, જેમણે મારામાં પોતાના જ્ઞાનના ભંડારમાંથી અમૃતનું સિંચન કર્યું છે. આ સર્વેનો હ્રદયપૂર્વક આભાર.
               
         એક શિક્ષક વર્ગમાં માત્ર ભણાવતો નથી, પરંતુ વિધાર્થીઓની સમક્ષ એ વિષયની દુનિયભરની અજયબીઓને પ્રગટ કરે છે. દર્શક દાદાના શબ્દોમાં સાર્થક શિક્ષક પોતાના વર્ગને સ્વર્ગ સમાન બનાવીને બાળકોની આંખોમાં અસ્ખલિત એવી વિસ્મયતા ઉજાગર કરે છે. પોતાના વિષયમાં પારંગત શિક્ષક બાળકોને વિષયમાં રસ દાખવતાં કરવાની સાથે તે વિષયને જીવનમાં ઉપયોગી બનાવતા પણ શીખવાડે છે. મારા ,મનગમતા શિક્ષકો પાસેથી મને જીવનના ઘણા અગત્યના પાઠો શીખવા મળ્યા છે. પોતાના ઉત્તમ ચરિત્ર થકી જ તે દરેક બાળક માટે એક માતાની ગરજ સારે છે. દુનિયાના પડકારો સામે ઝીક ઝીલવાનું શીખવતા કરે છે. જીવનમાં સતત ને સતત પ્રેરણા પૂરી પાડીને પોતાની જાતે જ પોતાનો પથદર્શક બનવાનું શીખવે એવા શિક્ષક મને હરપળ ગમે છે.

       શિક્ષણ જગતમાં જેમણે અનંત ખંત અને અનન્ય પુરુષાર્થ થકી જેમણે ભારતના ભવિષ્ય સમાન બાળકોના ઘડતર અને ભણતર માટે જેમણે પોતાનામાં ઉત્તમ શિક્ષતવ જગાવ્યું છે એવા ગુરુજનોના ચરણોમાં વંદન સાથે દરેકને ગુરુપૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ. મહાન ભારતીય પરંપરાના જનક એવા મહામુનિ ભગવાન વેદ વ્યાસના ચરણોમાં શત શત વંદન.

Saturday, May 9, 2020

સોશિયલ મીડિયા અને આપણે !!!

           


        " સોહનભાઈ તમારી ટપાલ આવી છે. સોહનભાઈને ગામનો ટપાલી હાથમાં ટપાલ આપે છે અને સોહનભાઈ ટપાલીનો આભાર માનીને ટપાલ વાંચવાનું ચાલુ કરે છે. સોહનભાઈ તમારી ટપાલ આવી છે. સોહનભાઈને ગામનો ટપાલી હાથમાં ટપાલ આપે છે અને સોહનભાઈ ટપાલીનો આભાર માનીને ટપાલ વાંચવાનું ચાલુ કરે છે. પોતાનો પરમ મિત્ર વેદાંત કે જે ગાંધીનગરમાં છે તેની ટપાલ વાંચીને સોહનભાઈ આનંદથી ઝૂમી ઉઠે છે. પોતાના પરિવારજનોને આ વાત કરતા તેમના આનંદની કોઈ સીમા નથી. " આવો મીઠો મધુરો સંવાદ આજના આ સમયમાં હવે લગભગ કોઈપણ જગ્યાએ સાંભળવા મળતો જ નથી.આવી બાબતોનું મુખ્ય કારણ વિચારીએ તો એ છે સોશિયલ મીડિયા. એક ટચની ટીક માત્રથી જ પોતાના સગા-વ્હાલા અને મિત્રો સાથે કોઈપણ પ્રકારની વાતચીત કે વ્યવહાર શક્ય બનાવતુ આ માધ્યમ એટલે સોશિયલ મીડિયા. વર્તમાનમાં નાના હોય કે મોટા કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયાના માધ્યમથી અંજાયા વિના રહી જ ના શકે. આ સોશિયલ મીડિયા આજના સમયમાં દરેકજણ માટે જાણે જીવાદોરી સમાન બની ગયું છે.  

            ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ જેવા અનેક માધ્યમોથી આજે કોઈપણ વ્યક્તિ અજાણ હોય તેવું બનતું નથી. કદાચ  કોઇપણ વ્યક્તિએ આ નામ જો સાંભળ્યું ના હોય તો એને અભણ માનવામાં આવે એવી આજની વાસ્તવિકતા છે. આ માધ્યયમોએ જ આજના સમયમાં માહિતીની આપ-લે કરવાની રીત-ભાતમાં ધરમૂળથી બદલાવ કરી નાખ્યો છે. આ માધ્યમો આજે વિશ્વના કોઈપણ સ્થળે રહેલા બે વ્યક્તિઓને કોઈપણ સમયે એકબીજા સાથે જોડી શકે છે, એ પણ સરહદોની મર્યાદા વિના. 
        પત્ર-વ્યવહારમાં પણ ઈમેલના કારણે સેકંડોના સમયમાં સંદેશોની આપ-લે થઈ જાય છે. ફેસબુક, ટ્વિટર જેવા માધ્યમો પર તો દરેક જણ પોતાની દરેક પ્રકારની વિગતો અને વાતો મૂકીને જાણે પોતાની જાતને જ ખુલ્લી કરી રહ્યા છે. દરેક લોકો આજે જાણે લાઇકની માયાજાળમાં ભમતા થઈ ગયા છે. જેટલી લાઇક વધારે એટલો જ આનંદ વધારે એવો માહોલ આજના સમાજમાં જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયાના જ કારણે સમગ્ર વિશ્વમાં ક્યારેય પણ બનતી સારી કે નરસી એવી તમામ બાબતોની જાણકારી તરત ક પ્રાપ્ત થઈ જાય છે. માણસો આજે જાણે ફોરવર્ડની પરંપરામાં જીવતા થઈ ગયા હોય એવું લાગે છે.

          સોશિયલ મીડિયાના આ સચોટ માધ્યમને કારણે આજે વિશ્વમાં ક્રાંતિકારી બદલાવો આવી રહ્યા છે. લોકો એકબીજા સાથે જોડાઈ રહ્યા છે અને વિવિધ જાણકારીઓની આપ-લે થાય છે. આ જ સોશિયલ મીડિયાના કારણે શિક્ષણ, સ્વાસ્થ્ય, બિઝનેસ અને બધા જ ક્ષેત્રોમાં ક્રાંતિ સર્જાઇ છે. લોકો પોતાના મનની વાત વિના સંકોચે જણાવતા થઈ ગયા છે. શિક્ષણના ક્ષેત્રમાં પણ નવી-નવી પદ્ધતિઓ આ સોશિયલ મીડિયા થકી જ લોકો સુધી પહોંચી રહી છે. યુટ્યૂબ જેવા માધ્યમ થકી તમે સમગ્ર દુનિયમાં રહેલા કોઈપણ સારામાં સારા શિક્ષક અને પ્રોફેસરના ક્લાસ અટેન્ડ કરી શકો છો. સ્વાસ્થ્ય અને આરોગ્ય જેવી ઘણી બધી માહિતી વિવિધ સાઇટ્સ અને અલગ-અલગ એપ્લિકેશન થકી મેળવી શકાય છે. ઘણા બધા રોગો અને બિમારીઓની તકેદારીઓના પગલાઓ માટે પણ કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે.  

       કોઈપણ વ્યવસાય કે બિઝનેસનાં માર્કેટિંગ અને પ્રમોશન માટે પણ ફેસબુક, ટ્વિટર કે વૉટ્સઅપ જેવા માધ્યમોની મદદથી સરળતાથી તમારી કોઈપણ પ્રોડક્ટ અને સેવાઓ કે સર્વિસની જાણકારી સમગ્ર વિશ્વ સુધી મોકલી શકાય અને વ્યવસાયને આગળ વધારી શકાય છે. સોશિયલ મીડિયા તો જાણે માર્કેટિંગનો પ્રાણ બની ગયો છે. એમેજોન અને ફ્લિપકાર્ટ જેવા માધ્યમોએ તો જાણે લોકોને ઘર બેઠા જ મનગમતી વસ્તુઓ પણ ડિસ્કાઉન્ટ સાથે મેળવતા કર્યા છે. જેના થકી સારી એવી નોકરીઓ પણ નિર્માણ થઈ છે, જે આ મધ્યમોના ઉપયોગની બાયપ્રોડક્ટ ગણી શકાય. 

          હવે આપની જાણકારી જાણકારી પ્રમાણે જે વસ્તુઓની સારી બાબતો થકી પ્રગતિ કરી શકાય તો એના જ ઉપયોગમાં જો બેદરકારી દાખવવામાં આવે તો સમસ્યાઓ પણ એટલી જ આવી શકે છે. આજે આ સોશિયલ મીડિયાના કારણે જ માણસો સતત માનસીક તાણનો અનુભવ કરે છે. સતત ને સતત ફોન ચેક કર્યા કરવાની આદત થઈ જાય છે. એક સર્વે અનુસાર ભારતના યુવાનો દરરોજના સરેરાશ ૩ થી ૪ કલાક આ સોશિયલ મીડિયાની પાછળ બગાડે છે. નકામી એપ્લિકેશન અને સાઇટ્સને સર્ચ કરવામાં કે નકામાં સંદેશાઓને મોકલવામાં માણસો એકબીજાનો સમય પણ બરબાદ કરે છે. મોકલવામાં આવતો દરેક સંદેશ બધા જ લોકોને ઉપયોગમાં આવી શકે એવું જરાપણ હોતું નથી ને. 

           આ સોશિયલ મીડિયાને કારણે જ લોકોની ઊંઘમાં પણ ઘટાડો થઈ ગયો છે. જ્યારે જાગે ત્યારે મોબાઈલ ચેક કર્યા કરવાનું તો જાણે વળગણ થઈ ગયું છે. આવી જ આદતોને કારણે સામાજીક સંબંધોમાં પણ તાણા-વાણાઑ વધી ગયા છે. લોકો ફોન પર હજારો મિત્રો રાખે છે, પણ હકીકતમાં એકબીજાને મળવા માટે સમય ફાળવી શકતા નથી. ફેસબુક પર ૫૦૦ કર ૧૦૦૦ મિત્રો વાળાને પણ જઈને પૂછો કે કેટલા જણને તમે વાસ્તવિક રીતે જાણે છે કે મળ્યા છો તપ એમ જ કહેશે ૫ કે ૧૫. અહિયાં વિચારવાની વાત એ છે કે આ સોશિયલ મીડિયાના કારણે જ સંવાદિતા ઘટવા લાગી છે. પોતાના જ ઘરમાં સાથે રહેતા યુવાન કે બાળકો સતત ફોનમાં મચી રહેવાના કારણે મોટા વડીલોથી દૂર થઈ રહ્યા છે એમ લાગે છે. 

            નાના બાળકોને પણ આ સોશિયલ મીડિયાનું તો જાણે વળગણ થઈ પડ્યું છે. મોબાઈલ અને એમાં આ સોશિયલ મીડિયાંના કારણે ખૂબ જ નાની ઉંમરમાં આ બાળકો વિવિધ પ્રકારના નવા નવા રોગોના શિકાર બની રહ્યા છે. અરે કરુણતા તો એ વાતની છે કે ઘણા માતા-પિતા પણ એમ ફરિયાદ કરતાં રહે છે કે સાહેબ અમારા બાળકો ફોન વિના જમતા નથી ને ફોન ન આપીએ તો સૂતા પણ નથી. આવી નાની મોટી પારિવારિક તકલીફો વધવાને કારણે જ સમાજમાં વિસંવાદિતા થાય છે. સોશિયલ મીડિયા પર બિનજરૂરી માહિતી મોકલવાના અભિગમને કારણે સમયનો બગાડ તો થાય જ છે પણ વર્તમાન સાયન્ટિસ્ટના તારણો પ્રમાણે જે કચરો આ ઇલેક્ટ્રોનિક ઉપકરણોના માધ્યમ અને મીડિયા થકી ફેલાય છે તેના જ કારણે ગ્લોબલ વાર્મિંગમાં પણ વધારો થઈ રહ્યો છે. આવા તો ઘણા બધા ગેરફાયદાઓ પણ ગણાવી શકાય.   

             અંતમાં એટલું જ કહેવાનું કે જે માધ્યમો કે ઉપકરણો માનવ સમાજની ઉન્નતિ અને વિકને ગતિ આપવા માટે બનાવવામાં આવ્યા છે તેનો જો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો માણસને તે પ્રગતિ અને ઉન્નતિના શિખર પર બેસાડી શકે છે અને એક નાનકડો એવો પણ દુરુપયોગ સમગ્ર માનવજાતનો વિનાશ નોતરી શકે છે. 

સર્જનવાણી : બીજા વિશ્વયુદ્ધ બાદ જે અણુશસ્ત્રો વિશ્વશાંતિની સ્થાપના કરવા માટે બનાવવામાં આવ્યા હતા તેણે જ માનવોની શાંતિ હણી નાખી છે. 

                     

Sunday, March 22, 2020

આનંદનો ઓડકાર



            આનંદ શબ્દ પોતાનાંમાં જ ખૂબ આનંદ આપનારો છે એવું વારંવાર લાગ્યા કરે છે. જિંદગીની દોડદોડીમાં નાસભાગ કરતા કરતા ક્યાંક ખોવાય ગયેલો જીવનનો સમાનાર્થી એટલે જ આનંદ. આ જીવન એટલે જ આનંદ અને આનંદ એટલે જ જીવન. હું, તમે અને દરેક જણ આજે આનંદ માણવા માટે જ સતત પુરુષાર્થ કરતા રહીએ અને ભાગતા રહીએ છીએ પણ આનંદ મળતો નથી, કેમ? ગમે તેટલી સુખ-સાહ્યબી અને આરામની સગવડો સાથે જીવતા માણસ પાસે પણ કોઈ કડી ખૂટતી હોય તો એ છે આનંદ. આનંદ ક્યાંય પણ વેચતો મળતો નથી, પણ આનંદને જીવનમાં જન્માવવો પડતો હોય છે. 

         કોઈપણ કાર્ય કે પ્રવુતિ કરતા કરતા આપણે હંમેશા વિચારતા હોઈએ કે આ કામ પૂર્ણ થઈ જાય પછી તો આનંદ જ આનંદ આવવાનો છે. આ વાતની પતાવટ થઈ જાય પછી તો રાજી થઈ જવાય. તું મારું આ અને આટલું કામ કરી આપ પછી આપણે આનંદ કરીએ. કોઈ મારા માટે કઈ કામ કરી આપે પછી જ મને આનંદ કે રાજીપો થાય આવી વાતો અને વિચારોની આપ-લે સતત આપણી આસ-પાસ જોવા મળતી હોય છે. રોજિંદા જીવનમાં પણ આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં જીવનનો આનંદ તો મળતો જ નથી. વાસ્તવિકતા તો એ છે કે ક્યારેય પણ કોઈપણ વ્યક્તિ મને કે અન્યને માટે કોઈ કામ-કાજ કરીને આનંદ ઊભો કરી શકે નહી. આપણો આનંદ, આપણી રાજી-ખુશી અને આપણી મોજ તો આપણા જ અંતરમન માંથી ઉદ્ભવતો હોય છે. ઈશ્વર પણ એમ જ સંકેત કરતો હોય છે કે કે કાઇપણ પ્રવુતિઓ કે કાર્ય કરો એમાં જ આનંદ મેળવવો જોઈએ. 

           આનંદ અને રાજીપો જેવી લાગણીઓ માણસના જીવનમાં ટોનિક જેવુ કામ કર છે. માણસ મનથી ખુશ કે આનંદમાં હોય તો તે પોતાના દરેક કાર્યને ઉત્સાહથી કરતો હોય છે. કાર્ય કર્યા પછી આનંદ મેળવવાની આશા કરવા કરતા કાર્યની સાથે સાથે જ આનંદ અને ખુશી મળે તેને અનુભવ કરીએ તો તમને જે કઈ પણ અંતર્નાદ થાય તેની તોલે દુનિયાની કોઈ ખુશી આવી શકે નહી, આનંદમાં રહેતા દરેક વ્યક્તિઓ પોતાની આજુબાજુના દરેક વ્યક્તિને પણ આનંદમાં રાખે છે.  
                  
        આપણા દરેકની આનંદ પામવાની અલગ-અલગ ક્ષણો હોય છે કે આનંદ માટે માણસના વિચારો અને ખ્યાલો પણ અનોખા હોય છે. ઘણાને બીજાને મદદ કારવાથી આનંદ મળે તો બીજા કોઈ એવા પણ હોય જેમને બીજાને સતાવવાથી પણ આનંદ મળતો હોય છે. કોઈને પોતાના પરિવારજનોની ખુશીમાં આનંદ મળતો હોય છે તો ઘણા નિજાનંદી પણ હોય છે અલ-મસ્ત ફકીરની જેમ. સંગીત, કલા, સંસ્કૃતિ અને તહેવારો પણ માણસના જીવનમાં આનંદ લાવતા હોય છે. તો તમે પણ તમારા જીવનમાં આનંદનો ઓડકાર લેવા માટે કોઈ ટોનિક મેળવી લેજો હો !

સર્જનવાણી :

 આનંદી-સુખી જીવનનો અર્થ એ નથી કે એમાં કોઈ દુઃખ ના હોય. એનો અર્થ એટલો જ કે તે દુઃખ અર્થપૂર્ણ હોય. માતા બાળકને જન્મ આપે તે દુઃખદ સુખ છે. સીમા પર સૈનિક શહીદ થાય છે કે કારણ કે એ પીડામાં સાર્થકતા છે. સુખ સ્વયંસિદ્ધ ભાવ નથી. જેટલું દુઃખ વધુ, સુખની માત્ર એટલી વધુ. દુઃખ સુખને મીનિંગ આપે છે. માણસ સુખી જીવન માટે નહીં, સાર્થક જીવન માટે સંઘર્ષ કરે છે. આપણે જ્યારે કોઈને 'સુખી રહો' એમ કહીએ છીએ, ત્યારે તેમાં 'અર્થપૂર્ણ જીવો' એવો ભાવ છે.

                 "  વરસાદમાં લાવને, વહાલ વાવી જોઈએ....
 કુંપળો તો ફુંટશે,લાગણીની...."

Wednesday, December 25, 2019

જેક્સન બ્રાઉનની સચોટ અને શાણપણની વાતો



1. કેમ છો ? કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઈએ. 

2. ઉત્તમ પુસ્તકો ખરીદવાની ટેવ રાખવી, પછી ભલે તે વંચાય કે ન વંચાય. 

3. કોઈએ લંબાવેલો દોસ્તીનો હાથ ક્યારેય તરછોડવો નહી. 

4. બહાદુર બનો અથવા બહાદુર બનવાનો દેખાવ કરો. 

5. આનંદ અને ઉત્સાહમાં આવી જાવ ત્યારે વ્હિસલ વગાડતા શીખો. 

6. કોઈને ક્યારેય મહેણાં-ટોણા મારવા નહી. 

7. એક કરતા વધારે ભાષાઓ શીખવી અને કોઈ એક વિદેશી ભાષા પણ શીખવી. 

8. કોઈપણ આશાવાદીની વાતને ક્યારેય તોડી પાડશો નહી, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય. 

9. ક્રેડિટ કાર્ડ માત્ર સગવડતાઓ સાચવવા માટે છે, ઉધારીઓ કરવા માટે નથી. 

10. રાત્રે જમતી વખતે ટીવી બંધ રાખવી. 

11. નકારાત્મક પ્રકૃતિના માણસોને મળવાનું ટાળવું. 

12. દરેક રાજકારણીને શંકાની નજરે જ જુઓ. 

13. દરેક વ્યક્તિને બીજી તક આપવી, પણ ત્રીજી તક આપવી નહી. 

14. ટૂથપેસ્ટ વાપર્યા બાદ તેનું ઢાંકણ અવશ્ય બંધ કરવું. 

15. સંતાનો નાના હોય ત્યારથી જ એમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું. 

16. જે ગાંઠ છોડી શકાય એવી હોય એને ક્યારેય કાપવી નહી. 

17. જેને તમે ખૂબ જ પ્રેમ કરતાં હોવ તેની સતત કાળજી લેતા રહેવું. 

18. તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું રાખો. 

19. કોઈપણ કોર્ટકેસથી હજારો જોજન દૂર રહેવાનું. 

20. ગોસિપ, નિંદા અને કોઈના પગારની ચર્ચાથી દૂર રહો. 

21. જિંદગીમાં તમને હંમેશા ન્યાય જ મળશે એવું માનીને ચાલવું નહી. 

22. રવિવારે પણ થોડું કામ કરવાનું રાખવું. 

23. પત્તા રમવામાં સમય વેડફો નહિતર સમય તમને વેડફી નાંખશે. 

24. લોકોને તમારી સમસ્યાઓ જાણવામાં જરાપણ રસ નથી એવું યાદ રાખજો. 

25. અફસોસ કર્યા વિનાનું જીવન જીવજો. 

26. ક્યારેક હારવાની પણ તૈયારી રાખવી, પણ જીતવા માટે હંમેશા પ્રયત્ન કરવો. 

27. ફોનની ઘંટડી વાગે ત્યારે રિસીવર ઉપાડીને સ્ફુરતીભર્યા અવાજે વાત કરો. 

28. વાતચીતમાં શબ્દો વાપરવામાં ધ્યાન રાખજો. 

29. બાળકોના શાળાકીય કાર્યક્રમોમાં અવશ્ય હાજરી આપવી. 

30. બીજાની બુદ્ધિનો યશ લેવાનો પ્રયત્ન ન કરવો. 

31. દરેક દિવસની શરૂઆતમાં આ વાક્યો યાદ કરવા: i am the best , i can do it, god is always with me, i am a winner and today is my day.

32. ઘરડા માણસો સાથે ખૂબ જ સૌજન્ય અને ધીરજથી વર્તન કરવું, ક્યારેક તમે પણ ઘરડા થવાના જ છો. 

33. તમારી ઓફિસ કે ઘરે કોઈ આવે ત્યારે એને ઊભા થઈને આવકારો આપવો. 

34. મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહી, મોટી તક એમાં જ છુપાયેલી હોઇ શકે છે. 

35. રાત્રે રસોડમાં વાસણ એંઠા મૂકીને ક્યારેય પણ સૂઈ જવું જોઈએ નહી. 

૩6 . શારીરિક તંદુરસ્તી કોઈપણ હિસાબે જાળવી રાખો. 

૩7. બચત કરવાની શિસ્ત પાળો અને સંતાનોને પણ શીખવો. 

38. જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય પણ ટીકા કરવી નહી. 

39. ઉત્સાહી અને હકારાત્મક વિચારોવાળી વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરવો. 

40. સંતાનોને કડક શિસ્તના પાઠ શીખવ્યા પછી તેને ઉષ્માપૂર્ણ રીતે ભેટવાનુ ભૂલવું નહી. 

41. કોઈને પણ બોલાવવા માટે ચપટી વગાડવી નહી. 

42. ઊંચી કિમત આપવાથી મળતી વસ્તુઓ ઊંચી ગુણવત્તાવાળી જ હશે એવું માની લેવું નહી. 

43. ઘરમાં એક સારો જોડણીકોશ અવશ્ય રાખવો. 

44. વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો. 

45. ઘર પોષાય એટલી કિંમતનું જ લેવું. 

46. બુટ હંમેશા પોલિશ્ડ રાખવા. 

47. મારામારી થાય ત્યારે પહેલો મુક્કો આપણે જ મારવાનો અને જોરદાર મારવાનો. 

48. ભાષણ આપતા પહેલા ભોજન કરવું નહી. 

49. મતદાન અવશ્ય કરવું જોઈએ. 

50. સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જોઈએ. 

51. જમ્યા પછી ઈશ્વરનો આભાર અવશ્ય માનવો, જીંદગીને ખુશી ખુશી જીવો, પ્રેમથી જીવો અને ગરીબોની સેવા કરો તો ઈશ્વર પણ રાજી રહશે.


Saturday, November 2, 2019

વિચારોનું વાવાઝોડું

                

      જીવન એટલે સતત ચાલતા વિચારોની જંજાળ. માણસના શીખવાની શરૂઆત પણ વિચારવાથી જ થાય છે. વિચારોનું વાવેતર આમ તો નાનપણથી જ શરૂ થઈ જાય છે. કદાચ જન્મ લેનારું દરેક બાળક પણ નવી દુનિયામાં આવતાની સાથે જ વિચાર કરતું હશે કે ચાલો આવી ગયા નવી દુનિયામાં, જ્યાં કોઈ તો એવું મળશે અને હશે કે જે મને સમજતું હશે. એ પણ મારા કઈ બોલ્યા વિના, ફક્ત ઈશારાઓથી અને હાવભાવથી જ બાળકની દરેક બાબતોને સમજી લેતી માતાએ બાળકોના વિચારોમાં કેન્દ્રસ્થાને હોય છે. સતત પોતાની આસપાસ વિકસતી જતી દુનિયામાં પોતાનાઑ સાથે પરિચય થયા બાદ જ તેને જીવન ગમવા લાગે છે. 

           વાત કરીએ વિચારોની તો જ્યારથી માણસ કઈ સમજતો થાય ત્યારથી જ અવનવા વિચારો કરવા લાગે છે. આમ-તેમ કઈ ને કઈ કરી નાખવાની મથામણમાં તે સતત વિચાર-મગ્ન રહેતો હોય છે. વિચારવાથી જ માણસ બીજી પ્રજાતિઓથી અલગ પડે છે. પ્રાણીઓ કે બીજા પશુઓ - પંખીઓ પોતાની મેળે કઈ વિચારી શકતા નથી. એટલે જ માનવ વિચારોની તાકાતથી જ આ બધી સૃષ્ટિ પર પોતાનું આધિપત્ય સ્થાપવાની કોશિશ કરતો જોવા મળે છે નિરંતરપણે !

        વિચારોનું આ વાવાઝોડું ઘણીવાર સર્જનાત્મક પણ હોય છે અને ન કરે નારાયણ તો એ વિચારોના કારણે જ મહાવિનાશ સર્જાતો હોય છે. વર્તમાન મહાસત્તાઓની પાસે રહેલી અણુ-પરમાણુ જેવી વિસ્ફોટક અને વિનાશકારી હથિયારોની પેદાશ એ સમગ્ર વિશ્વને પોતાની તાકાત હેઠળ લાવવાની જ વિચાર પ્રકિયાનું એક જીવંત ઉદાહરણ છે. વિચારોના કારણે જ માનવ જીવથી લઈને શિવ સુધીની યાત્રા કરી શકે છે અને એના જ મનમાં ઉદ્ભવતી નકારાત્મક વિચારોની માયાજાળ તેને દેવમાંથી દાનવ પણ બનાવી દેતો હોય છે. વિચારોની જ આ ક્રાંતિ થકી માનવ આજે આવકાશ સુધીની સફર ખેડી ચૂક્યો છે. એ માનવજાતની વિચારયાત્રાનું પરિણામ છે કે માનવ હવે નવી પૃથ્વીની શોધખોળ માટે અવકાશ તરફ મીટ માંડીને બેઠો છે અને સતત નવીન સંશોધનો કરતો જ રહેતો હોય છે. 

          વિચારોનું આવન-જાવન મનની સ્થિતિ પર આધારિત હોય છે, જેને તે રોકી શકતો નથી. બની શકે તો કોઈને કોઈ કાર્ય વડે તેને નિયંત્રિત કરી શકાય છે. નવરાશના સમયમાં તો માણસને હજારો વિચારો આવ્યા જ કરે છે અને સતત એ અવનવા વિચારોની આસ-પાસ પોતાની દુનિયા બનાવતો રહેતો હોય છે. જો એ વિચારોને યોગ્ય દિશા ન મળે તો એ કોઈ અણગમતા પગલાઓ પણ લઈ લે છે. નવી દિશા મળતા જ રચનાત્મક કાર્યોની શરૂઆત થઈ જાય છે. 

          વિચારોનું આ વંટોળ માણસને પોતાની અંદર આત્મદર્શન પણ કરાવે છે. માણસ પોતાને ઓળખીને જીવનને એક શ્રેષ્ઠ મુકામ પર લઈ જવા પ્રયાસ કરી શકે છે. વિચારો તો તમે કોઈ સામ્રાજ્યના રાજા અને વિચારો તો તમે નિજાનંદી થઈ શકો છો. વિચારો થકી જ ઉત્તમ માનવનું નિર્માણ થઈ શકે છે. જેના વિચારો ઊંચા હોય તે માનવ જ જીવનને સુંદર બનાવીને પોતાની આસપાસના સમસ્તને એક ઉત્તમ વાતાવરણ આપી શકે છે જ્યાં હોય સૌને વિચારવાની સ્વતંત્રતા.

                   "  ઝાટક્યો પલંગ ત્યાં તરત બહાર નીકળ્યા...
                             ઓશિકાની ખોળમાંથી પણ વિચાર નીકળ્યા..!!! "
                                                                                                                   ~ કુલદીપ કારિયા

Saturday, January 5, 2019

વિચારોના વેરાયેલા મોતીડાં

                                 

  • પ્રાર્થના એ અસ્તિત્વનો અહેસાસ છે નહિ કે બાહ્ય જગત તરફનું પ્રયાણ.
  • વિરોધ માટે પણ સહકાર આવશ્યક છે અને સંઘર્ષ પણ સહકાર માટેની જ રમત છે.
  • જયારે તમે જાણો ત્યારે તમે શ્નધ્ધા રાખો છો અને જયારે તમે નથી જાણતા ત્યારે તમે માનવાનું ચાલુ કરો છો.
  • શબ્દોની મર્યાદા ઓળંગવી એક સુંદર કળા છે, જેણે એ ઓળંગી છે એ ભગવાન છે.
  • વીરતા વારસામાં અને ખુમારી ખાનદાનમાં હોય છે, બાકીએના વાવેતર ના હોય !
  • ભાગી જવું ખુબ જ સરળ છે પણ જાગી જવું ખુબ જ અઘરુ છે, એટલે ભાગો નહિં પણ જાગો.
  • સાચો મિત્ર મેળવવા માટે ખીસ્સું નહિ દિલ ઉદાર રાખવુ પડે છે.

Tuesday, January 1, 2019

લેખનની આ દુનિયામાં એક નાનકડી કરવી છે શરુઆત

તમારી આંખો હસેને હોંઠ મલકે, નવુ વર્ષ બસ આમ જ છલકે ” 

             આ નવા વર્ષના પ્રારંભથી જ એક નવો વિચાર આવ્યો અને અમલમાં મુકવાની સાથે લેખનની દુનિયામાં આવ્યો છું. સર્વ તરફથી શુભ વિચારો અને શુભ વાણીની પ્રાપ્તિ થાય તેવી જ માં સરસ્વતીના ચરણોમાં  પ્રાર્થના. પૂજ્ય શ્રી મોરારીબાપુના શબ્દોમાં મનની પ્રસન્નતા માટે જ લખવાની શરુઆત કરી છે અને શબ્દો થકી કોઈના જીવનમાં કાંઈપણ બદલાવ લાવી શકું તો લખવાનું સાર્થક થશે. બાકી શબ્દોની આ દુનિયામાં રહેલા મારા આદર્શ અને પ્રેરણામૂર્તિઓને વંદન સાથે જય શ્રી કૃષ્ણ. ભારતમાતા કી જય

 

દિલ હૈ કદમો મેં કિસી કેં, સિર ઝુકા હો યા ના હો,

 બંદગી તો અપની ફિતરત હૈ, ખુદા હો યા ના હો ”