Tuesday, August 11, 2020

કૃષ્ણનું કૃષ્ણત્વ - કર્મ ભક્તિ અને જ્ઞાનનો સમન્વય

             

              શ્રી કૃષ્ણ એટલે અનન્વય અલંકાર જે પોતે જ એક ધર્મ છે. તેમનું જીવન એ જીવન જીવવાની રીત શીખવે છે. આ એવા ઈશ્વર છે  જે દરેક પરિસ્થિતિમાં અતૂટ અને અથાગ છે. કૃષ્ણ કોઈ પણ તકલીફમાંથી ઉગારી પણ શકે છે અને એ જ કૃષ્ણ આપણને ભવપાર પણ ઉતારી શકે છે. વિશ્વનો એકમાત્ર એવો પરમાત્મા જે નાચી શકે છે, ગાઇ શકે છે તેમજ  દરેક પરિસ્થિતિમાં  હસી પણ શકે છે. કૃષ્ણની કથા જાણવા કરતાં સભાનપણે કૃષ્ણની જીવનગાથા જાણે તો માનવ સહજ રીતે મૂળ સ્વરુપે કૃષ્ણને પામી શકે. આપણી આસપાસની સૃષ્ટિની દરેક પ્રકૃતિએ કૃષ્ણનો જ અંશ છે. કૃષ્ણની મહાનતા એની સરળતામાં છે. તે ચોરી કરીને માખણ ખાઈ શકે છે અને સ્વાર્થ રાખીને ચણા એકલા ન ખવાય એવો બોધ પણ આપી શકે છે. તે કયારે ચીર ખેંચવા અને કયારે ચીર પુરવા  બંનેનો ભેદ અને સમય પણ જાણે છે. આ એ જ કૃષ્ણ છે જે માણસની જેમ વાયદાઓ કરે છે અને પરિસ્થિતને આધીન આ વાયદાઓ તોડે પણ છે. આપણો કૃષ્ણ એવા તો મક્કમ મનનો છે, જે દરેક પરિસ્થિતિમાં અડીખમ ઉભો રહી શકે છે અને રણ છોડીને પણ જઈ શકે છે. 

              કૃષ્ણ મને કયારેક માણસ જેવો જ દેખાય છે. જે આપણને આ વસ્તીમાં કયારેય નહીં મળે, માત્ર મસ્તીમાં જ મળશે. આ કૃષ્ણને પામવા કરતાં એને મળીએ, એને જાણીએ, એના વિશે વાંચીએ, એની સાથે વાતો કરી, એની  સાથે સેલ્ફીઓ પડાવી, એની સાથે ગીતો ગાતા ગાતા સાથે  રાસ લઈને એને ખુલ્લા હદયે માણી લેવામાં જ મજા છે. આ કૃષ્ણ આપણી આસપાસ જ છે. કદાચ આપણો મિત્ર જ છે, કારણકે તે આણા જીવનના દરેક પરિબળોમાં આંશિકપણે ઉપલબ્ધ છે.આપણી મુશ્કેલીની સ્થિતિમાં આપણી પાસે આવી જ જાય છે. રસ્તો ચિંધવા એને કશી જ ફોર્માલિટી ની જરૂર નથી, એ સૌને કહીને ગયો છે. 

          " संम्भवामि युगे युगे....."

                આ એ જ શ્રી કૃષ્ણ છે, જેણે કર્મનો સિધ્ધાંત માત્ર આપ્યો જ નથી પરંતુ એ સિધ્ધાંતને જીવી જાણ્યો છે. તેના સમગ્ર કાળમાં એણે એકપણ દિવસનો આરામ કર્યો હોય એવો એવો એક પણ દાખલો આપણને નથી મળતો. એ અવિરત વહેતો પ્રકાશ છે, જે શૂન્યાવકાશને પણ ભેદી શકે છે. તે હથિયાર લીધા વગર પણ યુદ્ધનું પરિણામ નકકી કરી શકે છે, પરંતુ આ બધાની સાથે-સાથે આ દરેક પરિસ્થિતિમાં તે હસતો જ રહે છે. કૃષ્ણગાથાને અને એણે આપેલા શ્રીમદ ભગવદગીતાના સિધ્ધાંતોને જીવનમાં અમલમાં મૂકવા હોય તો આપણે પણ આપણા જીવનમાં નિષ્કામ  કર્મની સાથે નિષ્કામ હાસ્યનું પણ પાલન કરવુ જરુરી જોઈએ.

             કૃષ્ણ અને પ્રેમ એકબીજાના પર્યાય તો છે જ પણ કૃષ્ણ એ પ્રેમ નો ઉદ્દગાર છે. પ્રેમ શબ્દને ઉચ્ચારતી વખતે કૃષ્ણમાંથી પસાર થવું જ પડે છે. આખી કૃષ્ણકથામાં કૃષ્ણએ દરેક અવસ્થામાં પ્રેમને જ વહેંચ્યો છે, પણ એણે કયારેય એવો સંદેશો નથી આપ્યો કે પ્રેમમાં બધુ જ ચાલે પણ સાથે એ ચોક્કસપણે  બતાવ્યું છે કે પ્રેમ વિના કંઈ પણ ચાલતું નથી. એમણે બતાવેલ ભગવદગીતાના ૧૬માં અધ્યાયમાં કૃષ્ણ જે જીવ્યા છે તેને આધારે જ કહ્યું છે કે પ્રેમ એ બિનશરતી છે. આ એ જ કૃષ્ણ છે જે યુધ્ધ સમયે પણ પ્રેમની રજુઆત કરી શકે અને કર્ણ અને પાંડવોની વચ્ચે પણ પ્રેમભાવનો સેતુનિર્માણ કરી જાણે છે. યુદ્ધના સમયે કહેવાયેલી ગીતામાં પણ એ પ્રેમની રજૂઆત કરી શકે છે એટલે જ એ કૃષ્ણ છે.

              અંતમાં આપણી વર્તમાન યુવા-પેઢીએ કૃષ્ણમાંથી કેળવવા જેવો સૌથી અગત્યનો ગુણ હોય તો એ છે કે કૃષ્ણ એ દરેક કાર્ય ને પુર્ણતા આપવાનો પ્રયત્ન કર્યો છે, એણે એક પણ કાર્ય અધૂરું નથી છોડ્યું. આપણને ક્યારેક એવું લાગે કે એનો પ્રેમ અધૂરો રહી ગયો હતો, પણ એણે તો પ્રેમની બધી જ અવસ્થામાં જીવીને એને પરિપૂર્ણ કર્યો છે એટલે જ એને પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા છે. આવો આ પૂર્ણ પુરુષોત્તમ ને વંદન કરી ને એમનાં જીવન ને ચંદન બનાવીએ.

               ખરેખર ! કૃષ્ણ એ તો કૃષ્ણ જ છે અને સદાય આપણી આસપાસ જ છે.

લેખક: પરાગ પાનસૂરિયા તરફથી  "કૃષ્ણમ્ -વંદે-જગતગુરૂ"

2 comments: