Friday, August 28, 2020

મેઘાણી વંદના

ગુજરાતી સાહિત્યમાં જેમનું અડાભીડ આભ જેવું અમર સ્થાન છે અને જેમણે આઝાદી સમયકાળ દરમિયાન ખૂબ જ ઉત્તમ કક્ષાના સાહિત્યનું સર્જન કર્યું અને અનેક નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, સૌરાષ્ટ્રના જુદા-જુદા પંથકોમાં હરી ફરીને જેમણે સાહિત્યનું સર્જન કર્યું છે એવા આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને તેમના ૧૨૪મી જન્મજયંતિએભાવાંજલિ...

‘રાજ’ મેઘાણી છે મોભી સૌરાષ્ટ્રનો, એની ભૂજાયું કેટલી લંબાણી,

મહારાષ્ટ્રના મોભી શિવાની, તે આંયથી દોરિયું તાણી.

ગવાશે આ ગુર્જરી માતની વાણી ત્યાં શાયર મારો, આવશે યાદ એ મેઘાણી...

—કવિ રાજભા ગઢવી

મેઘાણી આ ધરતી પર ‘૫૦ વર્ષ, ૬ મહિના, ને ૧૨ દિવસ’ રહ્યાં.કામ સવાસો જેટલા પુસ્તકો.આજે એમનાં જન્મદિવસની યાદમાં એમનું ચપટીક સાહિત્ય...

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ જ્યારે માર્ચ ૧૯૩૧માં ‘ગોળમેજી(બીજી) પરિષદમાં’ જવું કે કેમ? જેવી પરિસ્થિતિ ત્યારે ગાંધીજીની મન: સ્થિતિ નું વર્ણન કરતું ગીત "છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બાપુ" લખ્યું....ને મેઘાણી ને “રાષ્ટ્રીય શાયર” નું બિરૂદ મળ્યું....

‘ધંધૂકાની જેલમાં’ એમણે એક ગીત ગાયું "હજારો વર્ષ જૂની અમારી વેદના" ખુદ ન્યાયધીશ ‘ઇસાણી’ કોર્ટમાં આંસુથી ભીંજાઈ ગયા બીજે દિવસે જજ સાહેબનું રાજીનામું....

ગાંધીજી ખુદ વાઈસરોય ને પત્ર લખે ‘અમારો કવિ નિર્દોષ છે, આ નાની વાત નથી’....

મેઘાણી નો કાવ્યસંગ્રહ ‘યુગ વંદના’ જેને માટે એમને “રણજિતરામ સુવર્ણચંદ્રક” મળેલો,

રવિશંકર મહારાજ’ વિશે લખેલ "માણસાઈનાં દીવા" ઉત્તમ પુસ્તક માટે “મહીડા પારિતોષિક”(૧૯૪૬) 

રાજકોટ માં ‘ગાંધીજી’ ના સત્યાગ્રહ વખતે દરબાર ‘ધર્મેન્દ્રસિંહજી’ માટે “પોઢો બાપુ! બાપલા રે નિરાંતે નાથ, ધીંગી ધરા નાં નાથ”...લખ્યું...

‘દાંડીકૂચ’ દરમિયાન "શી રીતે જાગિયો આ અજગર સરીખો દેશ"...લખ્યું....

મેઘાણી કહે છે, અભણને ઓળખો, ભણેલાં_અભણના ભેદની ભિંતું ને તોડો. અભણ સંતકવિ કે લોકસાહિત્યવિદ્ ઉપર આજે વિદ્વાનો P.HD. કરે છે એના પાયામાં મૂળ મેઘાણી છે...

પ્રથમ ગીત ૧૯૧૩ માં લખ્યું "ઝરુખે દીવો બળે"...

એમની ઉત્તમ નવલકથા "તુલસી ક્યારો"..

લોકગીતો માટે એમને ઘેલું લગાવડનાર હતા બરડાના બગવદરનાં નાં ‘ઢેલીબાઈ મેરાણી’ જેમના માનમાં "રઢિયાળી રાત" ભાગ:૪ એમને અર્પણ કરેલો.

              આવી તો અનેક કૃતિઓ મેઘાણીભાઈએ લખી અને એમાં સૌરાષ્ટ્રની રસધાર અને એના સંતો તેમજ બહારવટિયાઑ વિષે એમને ખૂબ જ સંશોધન કરીને ઉત્તમ વસ્તુઓ જગત સમક્ષ ઉઘાડી કરી અને જણાવ્યું કે તમે જેમને બહારવટિયાઓ સમજો છો તેમાં પણ ખાનદાની અને શૂરવીરતા ભરેલી છે અને એમણે આપણા પંથકમાં વસનારા સૌ કોઈ દિન-દુખીને મદદ કરવા માટે જ આવો ભેખ લીધો છે. એમની ચારણક્ન્યા નામની કવિતા ગુજરાતી ભાષાનું ઉત્તમ ઘરેણું છે. ગુજરાતનાં ગામડાઓ અને એમાં વસનારા લોકોની વાણી અને એમની જીવનકહાણીને મેઘાણીભાઈએ વાચા આપી હતી. આવા આપણા મેઘાણીભાઈને અંજલિ આપવા માટે જ એમના દીકરા મહેન્દ્રભાઇ મેઘાણી ભાવનગરમાં લોકમિલાપ નામથી એક ટ્રસ્ટ ઊભું કરીને એમના પિતાની અનેક કૃતિઓને પ્રકાશિત કરી. સાથે સાથે બીજા અનેક સાહિત્યકારોને પણ એમના પુસ્તકો પ્રકાશિત કરવા માટે મદદ કરતાં રહ્યા. થોડા સમય પહેલા જ એમની ઉંમર થઈ જતાં એમને જાતે જ એમની હયાતીમાં આ સંસ્થા સંકેલી લીધી છે. પિતા-પુત્ર બંનેએ મળીને ગુજરાતી ભાષા અને સાહિત્યને અન્ય ભાષાના સાહિત્યની હરોળમાં સ્થાન અપાવામા અમૂલ્ય ફાળો આપ્યો છે. વારંવાર વંદન છે મેઘાણી ભાઈને અને એમના પુત્ર મહેન્દ્રભાઈ મેઘાણીને.  

જનની જણે તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર,

નહીં તો રહેજે વાંઝણી, 

મત ગુમાવીશ નૂર.


4 comments:

  1. ❣❣🙏🙏🙏👏👏🙌🙌

    ReplyDelete
    Replies
    1. પ્રતિભાવ આપવા બદલ ખૂબ ખૂબ આભાર..

      Delete
  2. ખૂબ જ સરસ પ્રયત્ન કરી રહ્યા છો આપ. આપના આ પ્રયત્ન આપને ઉચ્ચ શિખર પર લઈ જાય એવી શુભકામનાઓ

    ReplyDelete
  3. પ્રતિભાવ આપવા બદલ ખૂબ ખૂબ આભાર..

    ReplyDelete