Monday, January 11, 2021

આજનું યુવાધન કયા માર્ગે ???

           

             “ જો મને સો નચિકેતા જેવા યુવાનો મળી જાય તો હું આ પૃથ્વી પર અસામાન્ય કર્યો થકી પૃથ્વીવાસીઓ માટે નવીનતમ જીવનની દિશા અને દશા બંને બદલી નાખું. આ સમગ્ર વિશ્વમાં ચારેય તરફ આધ્યાત્મિકતાની જ્યોત જલાવી દઉં ” આ શબ્દો છે આપણા જ ભારતીય મહાપુરુષ એવા સ્વામી વિવેકાનંદના. ખૂબ જ નાની ઉમરમાં જેમણે ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મની જ્યોત સમગ્ર વિશ્વ સમક્ષ પ્રકટ કરી અને ભગવદગીતા જેવા મહાન ગ્રંથનો આધાર લઈને તેમણે અમેરિકામાં પણ ભારતનો ડંકો વગાડી દીધો. આવા આ યુગપુરુષના શબ્દો આજના કોઈપણ યુવાન માટે પ્રેરણામય છે અને હંમેશા રહેશે. યુવાન કેવો હોવો જોઈએ એ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ જણાવે છે કે યુવાન ઉત્સાહી અને કોઈપણ ઈશ્વરકાર્ય માટે થનગનતો હોવો જોઈએ. હું તો સાગરને પણ પી જઈશ એટલી આત્મશક્તિ અને એવા જ આત્મવિશ્વાસથી ભરેલો હોવો જોઈએ. આવો યુવાન જ પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્રને ગૌરવ અપાવી શકે છે. 

           આજનું યુવાધન કયા માર્ગે અને યુવાનોનો માર્ગ કેવો હોવો જોઈએ એ વિષય સદાયને માટે ચિંતન અને મનનનો રહ્યો છે. જુદા-જુદા મંતવ્યો અને જુદી-જુદી વ્યક્તિઓના જીવનધોરણને અનુસરતો આ વર્ગ સતત પોતાના જીવનને ઉત્તરોતર નવીનતા અને સર્જનાત્મકતા સભર બનવા મથતો રહે છે. આજના યુવાનોને મળતી સુવિધાઓ અને સગવડોને કારણે એમના પોતાના વિકાસ અને એમની કારકિર્દીને લગતી વિશાળ તકો એમની આસપાસ ઊભી થઈ છે. આજે ખૂબ જ ઉત્તમ કક્ષાની શાળાઓ અને એમાં આપવામાં આવતી સુવિધાઓના પરિણામે દરેક યુવાનો પાસે પોતાની મનપસંદ કેરિયર બનાવવાનો એક સોનેરી અવસર આવ્યો છે. જૂની-પુરાણી રૂઢીઓ અને બંધનોને તોડીને આજનો યુવાન પોતાના શોખને સાથે લઈને એને જ કમાણીનું એક ઉત્તમ સાધન બનાવી જાણે છે. 

          નવા નવા સ્ટાર્ટઅને કારણે આ યુવાનો પોતાની પ્રતિભાથકી જ દેશમાં નવા નવા પ્રોજેક્ટ તૈયાર કરે છે. દેશમાં વિદેશી રોકાણ અને વિદેશી હુંડિયામણ કમાઈ આપવામાં આ યુવાનો જ ખૂબ મહત્વનો ફાળો આપે છે. પોતાને મળતી સગવડોને તેઓ બીજા સાથે વહેંચતા જરા પણ અચકાટ અનુભવતા નથી. ખૂબ જ સરળતા સાથે તેઓ દરેક સાથે ભળી જાય અને નિખાલસતાપૂર્ણ રીતે તેમની વાતો રજૂ કરી શકે છે. માત્ર પોતાના માટે જ નહી, પરંતુ સમાજ માટે પણ સતત ને સતત કઈંક પ્રદાન કરવાની તત્પરતા દાખવે છે. આવી બાબતો માટે તે વર્તમાન સમયની જરૂરિયાતને ધ્યાનમાં લઈને ટેકનોલોજીનો પણ ઉત્તમ સમન્વય સાધીને શ્રેષ્ઠ રીતે સમાજનું ઋણ અદા કરે છે. 

           જો સોશિયલ મીડિયાના દ્રષ્ટિકોણને લઈને આજના યુવાનોની વાત કરવામાં આવે તો આવા સંસાધનોનો સકારાત્મક ઉપયોગ કરીને ઘણા યુવાનો પગભર થયા છે અને પોતાની સાથે પરિવારને પણ એક ઉત્તમ કક્ષાની જીવનશૈલી આપી છે. પોતાના સપનાઓને નવી ઊંચાઈ પ્રદાન કરે છે. પોતાના વિવિધ વિચારોને સોશિયલ મીડિયા પર શેર કરતાં આ યુવાનો નવી નવી એપ્લિકેશન થકી દુનિયામાં ક્રાંતિ કરવામાં સફળ થયા છે. સત્યા નદેલા. સુંદર પિછાઈ જેવા યુવાનો અમેરિકામાં પણ ભારતની એક આગવી ઓળખ ઊભી કરી રહ્યા છે. બીજી તરફ સતત સોશિયલ મિડીયાના ઉપયોગના કારણે યુવાનો સતત મોબાઇલમાં જ પોતાનો સમય વ્યતીત કરતાં હોય છે અને સમય જતાં પોતાની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા બંને ગુમાવી દેતા હોય છે. ઘણીવાર ઘણીવાર પોતાના રોજિંદા કાર્યોની પણ તેઓ અવગણના કરતાં હોય છે. આવી જ બાબતોને કારણે તેઓ પરિવાર અને કેરિયરને પોતાનો સમય આપતા નથી. ઓનલાઈન એક હજાર મિત્રો ધરાવતો યુવાન વાસ્તવમાં પાંચ મિત્રોને પણ રૂબરૂમાં મળતો નથી અને આવી જ પરિસ્થિતિ પરિવારમાં સર્જાય એટલે જ વિસમવાદિતા ઊભી થતી જાય છે. 

         પણ પણ પણ હવે મારે વાત કરવી છે એવા યુવાનોની જેઓ માત્ર પોતાની જ નહી પણ પોતાની જેવા અનેક લોકો જેમને જીવન જરૂરિયાતની સગવડો ઉપલબ્ધ નથી, તે પૂરી પાડનાર યુવાનોની વાત કરવી છે. ઘણા યુવાનો પોતાના મિત્રો સાથે ગ્રુપ બનાવીને નજીકના કે દૂરના ગરીબ કે નિરક્ષર બાળકોને ભણાવે છે, તેમનો શિક્ષણનો ભાર પણ ઉપાડે છે. ઘણા યુવાનો પોતાની કમાણીનો અમુક ભાગ કાઢીને તહેવારોમાં અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમમાં અને શ્રમજીવી પરિવારોની પાસે જઈને આવા તહેવારો ઉજવે છે. પર્યાવરણ બચાવો, પાણી બચાવો અને સ્વચ્છતા અભિયાન જેવા સંકલ્પો પણ ઘણા યુવાનો ચલાવે છે.

યુવાવાણી : કર્મશીલ અને સાહસિક યુવાનો થકી જ ભારતની આવતીકાલ ખૂબ જ ઉજ્જવળ છે. 

No comments:

Post a Comment