Tuesday, January 19, 2021

સર્જનની સરવાણી-૨૧

લોક વાર્તા-ગરાસણી લેખન : ઝવેરચંદ મેઘાણી

ગેમાભાઈ! આ દીકરીને આજ એને સાસરે મૂકવાં જાવાં છે. તમે સાથે જશો ને?"

"ના, દરબાર, ત્રણ ટકાનુંય જ્યાં જ્યાં જોખમ ન હોય ત્યાં મારું વોળાવું ન હોય. ગેમાનું વોળાવું તો પાંચ પચીસ હજરાના દાગીના હોય એવા ગામતરામાં જ દીપે. બીજા સપારડા ઘણાં છે."

ઢોલિયે સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતાં લેતાં આવો જવાબ દેનાર આ ગેમો પચ્છેગામમો કરડિયો રજપૂત હતો. ગોહિલવાડ પંથકના પચ્છેગામની અંદર આવા ૪૦-૫૦ કારડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા હતા. જ્યારે વોળાવે (ગામતરા સાથે) જવું હોય, ત્યારે પસાયતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું.પણ બધા કારડિયાની અંદર ગેમો વોળાવિયો બનીને ચાલે, એ ગાડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહિ. જેવાતેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો આપી દેતો. ગેમાનું વોળાવું એ કાંઈ રમત નહોતી.

એક દિવસ ગામના બાપુ ખુમાણસંગજી તરફથી ગેમાનું તેડું આવ્યું. ખુમાણસંગજીની દીકરી રૂપાળીબા ભાલમાં હેબતપરગામે સાસરવાસ હતાં. ત્યાં એ દીકરીને સીમંત હતું. ખોળો ભરીને તેડી લાવવાના હતાં. એક વેલડું, બે છોડીઓ ભેળો ગેમો, તેમ જ બીજો એક કારડિયો : એ બધા હેબતઓઅર ગામે બાને તેડવા ચાલ્યાં.

હેબતપરથી પચ્છેગામ આવતાં મોણપુર ગામ સુધી આશરે દસ ગાઉ લાંબુ હતું. દિવસે એમાં મુસાફરી થતી નહોતી, કેમકે પાણી વિના પ્રાણ જાય, એટલે રૂપાળીબાને રાતે જ સોંડાડવામાં આવ્યાં. વેલડીમાં રૂપાળીબા અને છોકરીઓ બેઠાં. બીજા ગાડાંમાં ફ્ગેમો, એનો બીજો સંગાથી અને પાણીનાં બે માટલાં હતાં. ગાડાં જોડીને તારોડિયાને અજવાળે બધાં ચાલી નીકળ્યાં. રૂપાળી બા પસે એક ડાબલો હતો. એમાં પાંચ હજારના હેમના દાગીના હતા; અંગ ઉપર પણ ઘરેણાંનો શણગાર ભલી ભાત્યે ભર્યો હતો.

ગાડાં ચાલ્યાં એટલે ગેમો તો જાણે પારણામાં હીંચોળાવા લાગ્ય્પ્. એણે પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું. ઘોર અંધારામાં એના નસકોરાં ગાજવા લાગ્યાં. ગાડાવાળાએ એક વાર ટપારી જોયું : " ગેમાભાઈ, રાત અંધારી છે. ઊંઘવાજેવું નથી, હો બાપા ! હોશિયાર રે'જો."

ગેમાએ જવાબ દીધો : "એલા, ઓળખછ તું આ ગેમાને? ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય; તું તરે મૂંગો મરીને ગાડું હાંક્યો આવ."

ગેમો નસકોરા ગ્જાવવા લાગ્યો. નરકોરાં ઠેઠ બહેનને ગાડે સંભળાણાં. વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીબાએ પણ કહી જોયું : " ગેમાભાઈ, બાપા, અટાણે સુવાય નહિ હો!"

ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બબળતો હતો : " હું કોણ ? હું ગેમો !"

આમ કરતાં વેળાવદર ગામ વળોટી ગયા. પણ ત્યાંથી દોઢ-બે ગાઉ ઉપર એક તળાવડી આવે છે. ગાડા ખેડુએ નજર કરીતો આઘેથી તળાવડીમાં આગના તનખા ઊડતા દેખાયા. વહેમ આવ્યો કે કોઈ ચક્મક ઝેગવે છે. ગેમાને એણે હાકલ કરી : " ગેમાભાઈ ! ગફલત કરવા જેવું નથી હો!"

ગેમાનો તો એક જ જવાબ હતો : "મને ઓળખછ?હું કોણ ? હું ગેમો !"

ગાડાં તળાવળી નજીક પહોંચ્યા એટાલે ગાડાખેડુને દસ બાર આદમીનું ટોળું દેખાણું. એની છાતી થડકી ઊઠી ગેમાને એણે ઢંઢોળ્યો, પણ ગેમો કાંઈ ઊઠે ? એ તો ગેમો !"

જોતાજોતમાં તો અંધારે બારજણા વેલડું ઘેરીને ઊભા રહ્યા ને પડકાર કર્યો. ગેમો ઝબકીને આંખો ચોળે છે અને હાકલ કરે છે : " મને ઓળખછ?હું કોણ ? હું ગેમો !" ત્યાં એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીનદોસ્ત બન્યો.

એક જણે કહ્યું : " એલા, એને ઝટ રણગોટીળો કરી મેલો !"

લૂંટારાઓએ એને બેસાડીને એના હાથ-પગને એક બંધે બાંધ્યા. પગના ગોઠણ ઊભા કરાવી, પછી ગોઠણ નીચે સોંસરી એક લાડડી નાખી, એક ધક્કો દઈ દદાની માફક ગબડાવી દીધો. આ ક્રિયાને રણગોળીટો કહે છે. રણગોટીળો એટલે રણનો દડો. આદમી આ રીતે દડા જેવો બની જાય છે.

"કોણ છે વેલ્યમાં ? દાગીના ફગાવી દ્યો ઝટ!" લૂંટારાએ ત્રાડ દીધી.

રૂપાળીબાએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોઇએ માગ્યા મુજબ પાંચ હજારના દાગીનાનો ડાબલો આપી દીધો. તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ ઉપર સોનું ચળકી ઊઠ્યું.

બદમાશો બોલ્યા : "ડિલ ઉપરથી ઘરેણું ઉતાર."

બાઈએ બધા ઘરેણા ઊતાર્યાં; બાકી રહ્યાં માત્ર પગનાં કડલાં

"કડલાં સોત ઉતાર" બદમાશોએ બૂમ પાડી.

બાઈ વીનવવા લાગ્યાં : " ભાઈ , આ નરેડીનાં નક્કર કડલાં છે ને ભીડેલાં છે. વળી હું ભર્યે પેટે છું. મારાથી નહિ ઊઘડે; માટે આટલેથી ખેમૈયા કરો ને, મારા વીરા!"

"સગાઈ કર મા ને ઝટ કાધી દે!"

"ત્યારે લ્યો, તમે જ કાઢી લ્યો," એમ કહી રૂપાલીએ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા. પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામા બે કોળીઓ કડલાં ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા; કોઈનું ધ્યાન નહોતું.

રૂપાળીબાએ ત્રાંસી નજર નાખી, બીજું કાંઈ તો ન દેખ્યું, પણ ફક્ત ગાડાંના આડાં (લાકડાના ધોકા) દેખ્યા. વિચાર કરવાનો ત્યાં વખત નહોતો. કામી લૂંટારાઓ એ રજપૂતાણીના શરીરની મશ્કરી કરતા હતા.

રૂપાળીબાએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલાં ખોલનારા બે જણની ખોપરી માથે અક્કેક ઘા કર્યો. બન્નેની ખોપરી ફાટી ગઈ. બેય જણા ધરતી પર ઢળ્યા. ત્યાં તો એ ગરાસનીને સૂરાતન ચડ્યું; આડુમ્ લઈને એ કૂદી પડી. દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે. માર વાગતાં પોતે ગોઠભેર થઈ જાય છે; પાછી ઊઠીને આડાનો ઘા કરે છે

આગળની આ વાર્તા અને આવી જ ઉમદા લોક કથાઓ મેઘાણી ભાઈએ સૌરાષ્ટ્રની ધરતી પર ઘૂમી ઘૂમીને એમના નેસડાઓ અને ગામડાઓમાં જઈને લોકમુખેથી સાંભળીને લખી છે અને આપણે ગરવા ગુજરાતી લોકોએ ખાસ કરીને આ ઇતિહાસની કથાઓ અને બહારવટિયાઓ અને સંતોની કથાઓ વાંચવી અને આપણી આગળની પેઢીના બાળકો અને યુવાનોને કહેવી જોઈએ. સૌરાષ્ટ્રની સરધાર અને સૌરાષ્ટ્રના બહારવટિયાઓ નામના પુસ્તકોમાં આપ આ વાર્તાઓ વાંચી શકશો. જય જય ગરવી ગુજરાત. 

No comments:

Post a Comment