Friday, January 22, 2021

વિરલ વિભૂતિ- સુભાષચંદ્ર બોઝ

         

               નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકિલાત શરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તે બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો. પ્રભાવતી દેવીના પિતાનું નામ ગંગાનારાયણ દત્ત હતું. દત્ત પરિવારને કલકત્તાનું એક કુલીન પરિવાર માનવામાં આવતું હતું. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ ૧૪ સંતાનો હતાં, જેમા ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમા પુત્ર હતાં. પોતાના બધા ભાઈઓમાંથી સુભાષને સૌથી વધારે શરદચંદ્ર સાથે લગાવ હતો. શરદબાબૂ પ્રભાવતી અને જાનકીનાથના બીજા પુત્ર હતા. 

            દેશની આજીવન સેવા કરવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પણ કરી દેનારા ભારતમાતાનાં લાડલા સપૂત સુભાષચંદ્ર બોઝનું જીવન નાનપણથી જ સમાજ સેવામાં સમર્પિત હતું. એમનાં બાળપણનો એક પ્રસંગ જોઈએ. 

        એક સમયે બંગાળમાં મરકીનો રોગ ચાલી રહ્યો હતો. આ રોગના દર્દીઓના ખાટલાઓ ઘરે ઘરે પથરાયેલા હતા. પૈસાદાર ઘરના લોકોને તો સારી સારવાર મળી શકે પરંતુ ગરીબોનું શું? એમની સેવા કોણ કરે? આવા ગરીબોની સેવા કરવાનું ભગીરથ કાર્ય સ્વામી વિવેકાનંદ અને એમનાં શિષ્યોએ હાથમાં લીધું હતું. એમની સાથે બંગાળના ઘણા અન્ય યુવાનો પણ આ સેવા કાર્યમાં જોડાયા હતા. 

         એક દિવસ સુભાષચંદ્ર બોઝના પિતા જાનકીનાથ અને માતા પ્રભાવતી દેવી ચિંતામાં ડૂબી ગયા કે હજુ સુભાષ શાળાએથી ઘરે પાછો કેમ ફર્યો નથી? શાળા તો ક્યારનીય છુટ્ટી ગઈ છે છતાં પણ સુભાષ હજુ ઘરે આવ્યો નહોતો. તે પછી તો એક, બે એમ કરતાં કરતાં ત્રણ દિવસ જતાં રહ્યા અને ચોથા દિવસે સવારે સુભાષ ઘરે પાછો ફર્યો. 

             માતા-પિતાએ એનાં આવતાની સાથે જ પૂછ્યું કે દીકરા ત્રણ દિવસથી તું ક્યાં હતો? તારા વિના તો અમે ખૂબ જ ચિંતા કરતાં હતા અને આવી જ ચિંતામાં ને ચિંતામાં અમે અડધા થઈ ગયા છીએ.

        સુભાષ નમ્રતા સાથે જવાબ આપે છે, " નિશાળેથી છૂટટીને હું જ્યારે ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં એક ગરીબનું ઘર આવ્યું અને એ ગરીબ માણસના ઘરે બધા જ માણસો મરકીમાં સપડાયા હતા. એમની સેવા કરનારું કોઈ જ ન હતું. આપણા જ દેશવાસી આવી રીતે રોગથી પીડાતા હોય ત્યારે આપણાથી બેસીને કેમ રહી શકાય? મે તરત જ એ લોકોની સેવા કરવાનો નિર્ધાર કર્યો અને શાળાનું દફતર ત્યાં જ ફગાવીને એમની સેવામાં લાગી ગયો. આજે એ લોકોની સ્થિતિ સુધરી ગઈ છે ત્યારે હું ત્યાંથી ઘરે પાછો આવ્યો છું. 

        આ સાંભળીને માતા-પિતાની આંખમાં હર્ષનાં આંસુ ઉભરાઇ ગયા. આવી જ રીતે વર્તમાનમાં પણ આપણી આસપાસ ઘણા એવા પરિવારો છે જેઓ સંઘર્ષભરી જીંદગી જીવી રહ્યાં છે અને ગરીબીમાં સબડી રહ્યા છે ત્યારે આપણાથી બનતી સહાય કરીએ ને ભારતમાતાનું ઋણ અદા કરીએ એ જ આપણા વીર સપૂત સુભાષચંદ્ર બોઝને સાચી અંજલિ ગણાશે. પરાક્રમ દિવસની શુભકામનાઓ સાથે જય હિન્દ.

No comments:

Post a Comment