Tuesday, January 26, 2021

સર્જનની સરવાણી-૨૨

             

        આજનો યુગ એટલે કમ્પયૂટર અને ઈન્ટરનેટનો યુગ. માહિતી વિસ્ફોટના આ યુગમાં ૨૦મી અને ૨૧મી સદીની ક્રાંતિકારી શોધોમાંની  એક શોધ એટલે કમ્પયૂટર. આજે કમ્પયૂટરે   શિક્ષણ, વ્યવસ્થાપન, ઉદ્યોગ, બેંકીંગ, વાહન-વ્યવહાર, ટેલિકોમ્યુનિકેશન, સંરક્ષણ તથા તમામ સરકારી કામકાજમાં પોતાનું વર્ચસ્વ જમાવી દીધું છે. એક સમયે ઘરે ટી.વી.નું ચલણ હતું તેમ આજે ઘરે ઘરે કમ્પયૂટર, લેપટોપ, નોટબૂક, પી. સી.નું ચલણ થઈ ગયું છે. કમ્પયૂટરને વધુ વ્યવહારુ અને વધુ ઉપયોગીતાવાદી બનાવ્યું હોય તો તે ઈન્ટરનેટની શોધે.  ઈન્ટરનેટની શોધ થતાં આજે સમગ્ર વિશ્વ અને સમગ્ર વિશ્વના લોકો અને માહિતી ઓનલાઈન થઈ ગઈ છે. વિશ્વના લોકો એકબીજાની ખૂબ નજીક આવી ગયા છે. ઇન્ટરનેટે વિશ્વનું ક્ષેત્રફળ કે અંતર ઘટાડી દીધું છે. વિશ્વ જાણે એક ગ્લોબલ વિલેજ બની ગયું છે.

‘ઈન્ટરનેટ’ એટલે 

‘International network’. “Internet is a Global Network, Connecting Millions of Computers.”

                                                                  and 

“Internet is a global computer network providing a variety of information and communication facilities, consisting of interconnected networks using standardized communication protocols.”


                સો કરતાં વધુ દેશો ડેટા, ન્યુઝ  માહિતી અને અભિપ્રાયો એકસચેન્જ કરવા માટે જોડાયેલા છે. આજે દુનિયાના ૩૦ થી ૪૦ ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ઇન્ટરનેટ નેટવર્કોનું નેટવર્ક છે. એ માત્ર દુનિયાના લાખો કમ્પયૂટરને જોડવાનું કામ કરે છે. World Wide Web (WWW) એ ઈન્ટરનેટનો સમાનાર્થી નથી. WWW એ માહિતીને વહેંચવા માટેનું મોડેલ છે. ઈ.સ. 1960 માં ARPANET નામે ઈન્ટરનેટ સેવાની શરુઆત અમેરિકામાં થઈ હતી. ત્યાર પછી ક્રમશઃ E-mail, WWW, News net, FTP,IP, TCP ની શરુઆત થઇ. આજે ઈન્ટરનેટ તેની યુવાનીમાં છે.

            ઇન્ટરનેટ એક સંચાર માટેનું અગત્યનું સાધન છે. આજે આપણે ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાના કોઇપણ ખુણેથી કોઇ પણ ખૂણે ખૂબ જ ઝડપથી વાતચીત કરી શકીએ છીએ. આજે વિડીયો કોન્ફરન્સ સુવિધાને કારણે આપણે સામેવાળા વ્યક્તિને વાસ્તવિક પરિસ્થિતિમાં જોઈ શકીએ છીએ તથા તેની સાથે લાઈવ વાતચીત પણ કરી શકીએ છીએ. દૂર કોઈ દેશમાં રહેતા પોતાના પરિવાર સાથે જોડાઇ શકીએ છીએ. આ સુવિધાનો ઉપયોગ આજે રાજનેતાઓ પોતાના ભાષણો દેશના અલગ-અલગ ખૂણે આપવા માટે કરે છે. ન્યૂઝ ચેનલો આ સુવિધા દ્વારા જ અલગ સ્થળે નિવાસ કરતા વિશેષજ્ઞોને પોતાના સ્ટુડિયોમાં લાવી જનતા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. શિક્ષણ જગતમાં પણ ઘણી બધી યુનિવર્સિટીઓ જેવી કે IGNOU પ્રોફેસરના લેક્ચર વિદ્યાર્થીઓને દેશના દરેક ખૂણા સુધી પહોંચાડે છે. વળી, વિદ્યાર્થીઓ તેમને મુંઝવતા પ્રશ્નોના જવાબ તાત્કાલિક પ્રોફેસર પાસેથી  મેળવી શકે છે. જેના કારણે દેશના કોઈ પણ ખૂણે રહેતો વિદ્યાર્થી સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે.

Social Networking Sites

        Face book, Whatsapp, Twitter, Linkedin, Instagram, Telegram જેવી સોશિયલ મેસેન્જર સર્વિસ પ્રોવાઇડરે તો આજે લોકોને ખુબ જ નજીક લાવી દીધા છે. આ બધી એપ્સ તો જીવનનો હિસ્સો બની ગયા છે. તેના દ્વારા લોકો ફોટોગ્રાફ સંદેશા કે વિડીયો-ઓડિયો મેસેજ એકબીજાને મોકલી શકે છે, જે ખૂબ જ સારી સુવિધા છે. આજે બિઝનેસના વિકાસ માટે પણ આ સોશિયલ નેટવર્કિંગ સાઈટનો ઉપયોગ થાય છે.

         ઈમેલની સુવિધાને કારણે આજે આપણે પત્ર-ટપાલને ભૂલી ગયા છીએ. આજે મોટા ભાગનો વ્યવહાર SMS કે ઇ-મેઇલ દ્વારા થઇ ગયો છે. સરકારી કચેરીઓ, વીમા કંપની, બેંક, રેલવે કે અન્ય સેવા અંગેની જાણ આપણને ઈમેલ કે SMS દ્વારા કરી દેવામાં આવે છે. કોઈપણ સંસ્થા પોતાની વેબસાઇટ બનાવી વૈશ્વિક બની શકે છે. પોતાના વિઝન અને મિશન પોતાના કાર્યો અને આગામી આયોજનો, સિદ્ધિઓ,  લોક ઉપયોગી માહિતી સમગ્ર વિશ્વને સુલભ કરાવી શકે છે.

        ઇન્ટરનેટ વિપુલ માહિતીનો સ્ત્રોત છે. ઇન્ટરનેટ માહિતીનો ખજાનો છે. જે આપણને વિશ્વની કોઈપણ કોઈ પણ માહિતી એક જ ક્લિક કરતાં હજારોની સંખ્યામાં વેબસાઈટ પર ઉપલબ્ધ થઈ જાય છે. Google જેવા સર્ચ એન્જિનની મદદથી આપણે વિશ્વની બધી જ માહિતી બધું જ જ્ઞાન-ડેટા માઉસની એક ક્લિક કરતા પ્રાપ્ત થઈ જાય છે. Webster, Oxford dictionary કે Wikipedia જેવા એન્સાઇક્લોપીડિયા આપણને બધી જ માહિતી પ્રોવાઇડ કરે છે. જે વિદ્યાર્થીઓ તથા અન્ય વ્યક્તિઓ માટે ખૂબ જ લાભદાયી છે. વળી, આજે તો ઇ-લાયબ્રેરી પણ અસ્તિત્વમાં આવી છે જેના કારણે આપણે ઓનલાઇન પુસ્તકો પણ વાંચી શકીએ છીએ. સંશોધન કરતાં રિસર્ચ સ્કોલર માટે તો આ સુવિધા આશીર્વાદરૂપ છે.

        વેપાર-વાણિજ્ય માટે પણ ઇન્ટરનેટ એટલું  જ ઉપયોગી છે. આજે વેપારી પોતાની કંપની તથા પ્રોડક્ટની જાહેરાત વિવિધ વેબસાઈટ ઉપર કરી શકે છે, જેથી તે પોતાની પ્રોડક્ટ સેવા અંગેની જાણકારી વધુને વધુ લોકો સુધી પહોંચાડી શકે છે.  EBay, Amazon, flipkart, jubong.com જેવી વેબસાઇટ ઉપરથી આપણે ઓનલાઇન આપણા સમયે ખરીદી શકીએ છીએ. જેથી શ્રમ અને સમયનો બચાવ થાય છે.

        આજે બેન્કિંગ ક્ષેત્રે પણ ઇન્ટરનેટના ઉપયોગને કારણે ક્રાંતિ આવી છે. આજે ઓનલાઈન બેન્કિંગનો ખ્યાલ વિકસ્યો છે. આપણે ઇન્ટરનેટને કારણે ઘરે બેઠા બેઠા બેન્કનો બધો જ વ્યવહાર કરી શકીએ છીએ. આપણે મોબાઇલ બિલ, લાઈટ બિલ કે અન્ય બિલ ઓનલાઇન પેમેન્ટ કરી શકીએ છીએ. જે આ ઝડપી યુગમાં ખૂબ સમયનો બચાવ કરે છે. ઇન્ટરનેટના ઘણા બધા ફાયદા પણ છે. સોશિયલ મીડિયાએ તો આજે જમાનાને બરાબર રંગ લગાડ્યો છે. આજે આખી દુનિયાના મોટાભાગના લોકો જેમની પાસે સ્માર્ટફોન છે, ઇન્ટરનેટ છે, તે કોઈને કોઈ સોશિયલ મીડિયા કે સોશિયલ વેબસાઈટનો ઉપયોગ કરતા જ હોય છે. જેવા કે whatsapp, Twitter, Linkedin, youtube, google plus, Instagram, facebook વગેરે. આ બધી સોશિયલ નેટવર્કિંગ સાઈટના ઘણા બધા ગેરફાયદા પણ છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટનો વિવેકપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો તમારા કલાકો ક્યાં પસાર થઈ જાય, બરબાદ થઈ જાય તે ખબર પણ નહીં પડે. લોકોને ગુડ મોર્નિંગ, બર્થ ડે, એનિવર્સરીની શુભેચ્છા આપવામાં, કોન્ગ્રેચ્યુલેશન કહેવામાં જ આપણા કલાક પૂરા થઈ જાય છે.  

            કેટલાક સ્માર્ટ લોકો આ સોશિયલ નેટવર્કિંગ સાઇટનો પોતાના વેપાર-ધંધા અને કમાણી માટે પણ ઉપયોગ ખૂબ જ સારી રીતે કરે છે. જેમ કે, પ્રોફેશનલ લોકો પોતાના પ્રોફેશનલ નેટવર્ક અને બિઝનેસને વધારવા માટે Linkedin, Facebook, Whatsapp ઉપયોગ કરી પોતાનો વ્યાપાર વધારી રહ્યા છે. ઘણા બધા લોકો facebook અને Instagram માં પોતાની પોસ્ટ મૂકીને કમાઈ રહ્યા છે. દા.ત. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલીએ 2019માં  instagram ઉપર ફુલ 56 પોસ્ટ મૂકી હતી તેમાંથી તેમણે 124 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આવી રીતે તો ઘણા બધા ઈનફ્લુએન્સર આ બધી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પરથી જ અઢળક કમાણી કરી રહ્યા છે. ઘણા બધા લોકો પોતાના વેપાર-ધંધાની જાહેરાત માટે પણ આ સોશિયલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ કર્યા છે અને પોતાના પોતાના વેપાર-ધંધામાં પ્રગતિ કરી રહ્યા છે. Facebook, Instagram, youtube જાહેરાત આપવામાં આવે છે. આ બધી સોશિયલ નેટવર્કિંગ સાઇટનો આપણે કેવી રીતે કેવી રીતે ઉપયોગ કરવો તે આપણા હાથની વાત છે.

          આજે ભારત તથા વિશ્વના કેટલા બધા  લોકો બ્લોગ લખીને ઘરે બેઠા મહિને હજારો અને લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે. youtube ઉપર અલગ-અલગ પ્રકારના વીડિયો બનાવી અપલોડ કરી અને તેમાંથી પણ ઘણા બધા લોકો લાખોમાં કમાણી કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો બ્લોગ અને youtube ને પોતાનો વ્યવસાય બનાવી દીધો છે. 

        યુવાનો Pubg, Blue whale,પોકેમેન-ગો વગેરે જેવી ઓનલાઇન ગેમ્સ રમે છે.  આ ગેમની લત એવી છે કે જે દારૂ અને સિગરેટની લત કરતા પણ ભયાનક છે. વિદ્યાર્થીઓ અને યુવાનો પોતાના કલાકો આ ગેમ રમવામાં બગાડે છે. ગેમ રમવી એક આદત બની જાય છે અને જેમાંથી બહાર આવી શકાતું નથી. કેટલાક વિદ્યાર્થીઓ અને યુવાનો તો ગેમના કારણે પોતે મૃત્યુ પણ પામ્યા છે, તો કેટલાક આર્થિક રીતે દેવાદાર બની ગયા છે, કેટલાક ઘર છોડીને ચાલ્યા ગયા છે. આ ઘણા બધા ઇન્ટરનેટના ગેરફાયદા છે, જેનાથી ચેતવા જેવું છે. 

        બીજી તરફ ઈ.સ. 2020 માં સમગ્ર વિશ્વમાં Covid-19 મહામારી ફેલાઈ હતી. આ કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વ સ્થગિત થઈ ગયું હતું. ઘણા બધા દેશોએ મહિનાઓ સુધી લોકડાઉન પાળ્યું હતું  અને જેને કારણે વેપાર, ઉદ્યોગ-ધંધા, શિક્ષણ, ઓફિસો બધું જ બંધ હતું. એવા સમયમાં ઇન્ટરનેટ અને કમ્પ્યુટરે ખૂબ જ મદદ કરી હતી. લોકડાઉનના સમયમાં કે મહામારીના સમયમાં લોકો ઘરેથી ઓનલાઈન ઓફિસનું કામ કરતા થયા હતા.  મહિના સુધી આ કામ કર્યું. ઓનલાઇન મીટીંગો થઇ, ઓનલાઈન કામ થયું, ઓનલાઈન વ્યાપાર થયો, ઓનલાઇન સેમિનાર થયા.  આ લોકડાઉન દરમિયાન લોકો ખૂબ શીખ્યા. Youtube ના વિડીયો જોયા; નવું શીખવા મળ્યું, ઘણી બધી કુશળતા ઇન્ટરનેટ થકી અર્જિત કરી. કોલેજ અને  યુનિવર્સિટીઓએ  તો છેલ્લા પાંચ વર્ષમાં ન કર્યા હોય એટલા ઓનલાઈન  સેમિનાર  કર્યા.  જેને કારણે સમગ્ર શિક્ષણ જગતની જ્યોત આ અંધકારમય વાતાવરણમાં પણ પ્રજ્વલિત રહી હતી.  શિક્ષકો ખૂબ અપડેટ થયા ઇન્ટરનેટ અને ટેક્નોલોજીથી માહિતગાર થયા અને એનો ઉપયોગ કરવા કટિબદ્ધ થયા. લોકડાઉન પૂર્ણ થયા બાદ પણ સ્કૂલ, કોલેજો શરૂ નહીં થતાં શિક્ષણ કેવી રીતે આપવું એ મોટો પ્રશ્ન હતો. આવા કપરા સંજોગોમાં ઘણી બધી સ્કૂલો, ટ્યુશન ક્લાસીસ, કોલેજો, યુનિવર્સિટીઓ વિચાર્યું કે હવે આપણે ઓનલાઇન શિક્ષણ આપવું પડશે. Zoom, Google meet, Google classroom જેવી ઘણી બધી એપ્સની મદદથી તથા Facebook, Youtube વગેરેના માધ્યમથી શિક્ષકો, સ્કૂલ અને કોલેજોએ ઓનલાઈન શિક્ષણનો આરંભ કર્યો અને મહિનાઓ સુધી ઓનલાઇન શિક્ષણ આપ્યું હતું. ઇન્ટરનેટ ન હોત તો બાળકો શિક્ષણથી વંચિત રહી જાત.  ઇન્ટરનેટને કારણે આ શક્ય બન્યું. તમે જોઈ શકો છો કે ઇન્ટરનેટને કારણે જ NEET, UGC NET, JEE જેવી પરીક્ષાઓ હવે ઓનલાઇન લેવાય છે. ઓનલાઇન એક્ઝામનો કોન્સેપ્ટ પણ ઇન્ટરનેટને જ આભારી છે. 

        એવું કહેવાય છે કે, ‘સિક્કાની બે બાજુ હોય છે’ આ સંસારમાં વિષ અને અમૃત બંને રહેલું  છે તેમ તેના લાભ-ગેરલાભ પણ છે. જો વિવેકબુદ્ધિથી તેનો ઉપયોગ ન કરવામાં આવે તો તેનો ઉપયોગ નુકસાન પહોંચાડી શકે છે. ઇન્ટરનેટનો જે લોકો વધુ ઉપયોગ કરે છે તેવા લોકો માટે તે એક આદત બની જાય છે. જેના કારણે વ્યક્તિનો ઘણો બધો સમય બરબાદ થાય છે. ફેસબુક, ટ્વીટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર એકાઉન્ટ ધરાવતા લોકો એક વાર ઓનલાઈન થાય છે પછી કલાકો ક્યાં વીતી જાય છે તેનું ધ્યાન રહેતું નથી. જેથી ઇન્ટરનેટ સમયને બરબાદ કરવાનુ સૌથી મોટું સાધન છે. ફેસબુક પર પોતાના ફોટો અપલોડ કરીએ છીએ તે ફોટો કોઈપણ વ્યક્તિ આપણો ફ્રેન્ડ બની ડાઉનલોડ કરી શકે છે અને આ ફોટાનો ખોટો ઉપયોગ કરી શકે છે. ફેસબુક પર કેટલાક લોકો ખોટી વિગતો આપી એકાઉન્ટ બનાવે છે અને છોકરીને ફસાવવાના કિસ્સા પણ બને છે. કેટલીકવાર તો  આવા મિત્રો લગ્ન સુધી પહોંચી જાય છે અને આખરે વાસ્તવિકતા કંઈક અલગ હોય છે. આવા સમયે  ઘર-પરિવારને ઘણું સહન કરવાનું આવે છે.

        ઇન્ટરનેટના ઉપયોગથી આપણે કમ્પયૂટર કે લેપટોપમાં વાઇરસ આવવાનો પણ ભય રહેલો છે. જે આપણા કમ્પયૂટર માં રહેલા ડેટાને નુકસાન પહોંચાડી શકે છે. આપણા ઇમેલ આઇ.ડી. ઉપર ઘણા અનિચ્છિત  મેઈલ આવે છે, જાહેરાતો આવે છે. જે આપણા ઇનબોક્સને ભરી દે છે. તેમાં કેટલાક મેઇલ આપણી ખાનગી માહિતી ચોરી લેતા હોય છે. કેટલીક વાર લકી ડ્રોમાં આપને ઈનામ પ્રાપ્ત થયું છે એવા ફેક મેઈલ આવે છે. તેઓ આપણો  બેન્ક એકાઉન્ટ નંબર માંગે છે. અમુક વાર પોસ્ટ ખર્ચ પેટે રૂપિયા મેળવી લે છે અને ગ્રાહકોને છેતરે છે. તેનાથી સાવધાન રહેવાની ખૂબ જરૂરી છે.

        આજે નેટ બેન્કિંગની સુવિધા તો મળી છે પણ સાથે સાથે નેટ બેંકિંગના કારણે ક્રાઈમ પણ વધ્યા છે. કેટલાક હેકરો આપણો પાસવર્ડ જાણી લઇ આપના એકાઉન્ટમાંથી રકમ ઉપાડી લેવાના  કિસ્સાઓ વધતા જાય છે. આપણે ઓનલાઇન પેમેન્ટ કરીએ છીએ ત્યારે પણ આવા હેકરો આપણો પિન નંબર જાણી લે છે અને આપણા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શોપિંગ કરી લે છે અથવા પૈસા ઉપાડી લે છે. આ બધા જોખમો પણ ઇન્ટરનેટની દુનિયામાં રહેલાં છે.

        ઇન્ટરનેટ માહિતીનો ભંડાર તો છે પણ સાથે ઇંટરનેટના ખજાનામાં પોર્ન ફિલ્મ રૂપી સમાજની સંસ્કૃતિને છિન્નભિન્ન  કરનાર વિષ પણ રહેલું છે. આજે યુવાનો અને શાળાના વિદ્યાર્થીઓ આવી પોર્ન સાઈટ  ઉપરથી અશ્લિલ ફોટા-વિડીયો ડાઉનલોડ કરી લે છે અને તેના મિત્રો સાથે એકાંતમાં જુએ છે. જેનાથી વિદ્યાર્થીઓના બાળમાનસમાં વાસનાની આગ ભભૂકવા લાગે છે. જે ખરેખર આપણા સમાજ માટે હાનિકારક છે. આવી ફિલ્મોથી ઉશ્કેરાઇને યુવાનો ન કરવાનું કામ કરી બેસે છે. કેટલીકવાર બળાત્કારનું આત્યંતિક પગલું પણ ભરી બેસે છે. વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટ જેટલું આશીર્વાદરૂપ છે એટલું જ અભિશાપરૂપ પણ છે. સમય બરબાદ કરનાર એક કદાવર ભયાનક રાક્ષસ પણ છે.        

        આમ, ઇન્ટરનેટને કારણે દુનિયામાં જે ક્રાંતિ આવી છે, એનું  મૂલ્ય ઓછું નથી પણ આ ઇન્ટરનેટ રૂપી માયાવી જીવનો વિવેકપૂર્ણ  ઉપયોગ કરવામાં જ સમજદારી રહેલી છે. મા-બાપે પણ પોતાના ઘરમાં બાળક ઈન્ટરનેટનો કેવો અને કેટલો ઉપયોગ કરે છે તેનું ધ્યાન રાખવું જોઇએ. નહીંતર આ માયાવી જીવના ખરાબ પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. કહેવાય છે કે, ‘ચેત તો નર સદા સુખી’ – એ કહેવત પ્રમાણે ચેતીને ચાલવામાં જ શાણપણ  રહેલું છે.

( આ લેખ સંપાદિત કરીને લખવામાં આવ્યો છે અને એનાં માટે પ્રાપ્ય સાઇટ્સ અને વૉટસપરથી મળતા અનામી લેખકોના લેખનો પણ ઉપયોગ થયો છે, જેમનાં માટે અમે આભાર પ્રગટ કરીએ છીએ. આ માહિતી વાચકોનાં નોલેજમાં વધારો થાય એ માટે સંપાદિત કરવામાં આવી છે. )

No comments:

Post a Comment