Tuesday, January 12, 2021

સર્જનની સરવાણી-૨૦

        

         જીવનની ચાલતી અવિરત વણજારમાં સતત ને સતત સંઘર્ષ ચાલતો જ હોય છે અને કામ કરતાં કરતાં જ્યારે જીવનની ઘટમાળ એવા મુકામ પર આવી જાય ત્યારે કોઈપણ પ્રકારના કામ કરતા  કરતા થાકી જવાય ત્યારે થાય કે સાવ નિરાંત હોય તો કેવું સારું! વેકેશન જેવા દિવસો ની ઈચ્છા થઈ આવે. સવારે જાગીએ ત્યારથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી કોઈ કામ ન હોય, કોઈ ઓફિસે જવું ના પડે, ઘડિયાળના ટકોરે જિંદગી જીવાતી ના હોય, કેવી મજા પડે!

        જિંદગી એવો સમય પણ આપે છે જેને ઘડપણ કહેવાય છે. ઘડપણ દોહ્યલું છે તેવું સાંભળીએ છીએ. બધી જ નિરાંત હોય, સમય જ સમય હોય, કોઈ કામ ન હોય, જાગવાનો ટાઈમ કે સુવાનો ટાઈમ ફિક્સ ના હોય છતાં શૂળની જેમ ભોંકાતો આ સમય એટલે ઘડપણ. એકલું લાગે, કોઈ વાત કરવા વાળું ના હોય, વાત કરે તો કોઈને સાંભળવી ના હોય, મિત્રો ઓછા થતા જાય, ઘરના બંધનમાં બંધાતા જાય અને ભરપૂર ઊંઘ કરવાના સમયે ઊંઘ જ ન આવે! કેટલાય કોમ્પ્લિકેશન્સ ઉભા થાય, સાથી ને ભગવાન બોલાવી લે અને એકલા પાડી દે, આંખ, કાન ક્ષમતા ગુમાવતા જાય ત્યારે થાય કે ઘડપણ દોહ્યલું છે.

    પરિવારના લોકો જો સમજદાર હોય તો દિવસમાં એકાદ કલાક સાથે બેસે બાકી ચોવીસ કલાકનો એકાંતવાસ! લાકડી આવી જાય અને બુદ્ધિ બાળક જેવી થતી જાય ત્યારે બાળકો પણ ઠઠ્ઠા મશ્કરી કરે. બગીચાના બાંકડા એકાંતની ફરિયાદ સાંભળ્યા કરે! શહેરમાં રહેવું દોહ્યલું છે. ગામડું હજીએ સંઘરી લે. પછી પોતાના માદરે વતન પરત ફરીને પોતાના ખેતીવાડીને લગતા કર્યોને જીવનની અંતિમ ક્ષણ સુધી કર્યા કરે છે અને હસતાં રમતા ઈશ્વરના માર્ગે સમર્પણ કરે છે.

    જીવનની આ સોનેરી અવસ્થામાં જો સાથે પુસ્તકોનો સંગાથ મળી જાય તો જીવનની આ ઉતરાર્ધ અવસ્થા ઊજળી બની જાય છે. ઘણા વડીલોએ એમના યુવાનીના સમયથી જ જો પુસ્તકો વાંચવાની ટેવ વિકસાવી હોય તો જીવનનાં આ સમયને સુમધુર બનાવી શકાય છે. પુસ્તકો જ જીવનને સાચો સંગાથ પૂરો પાડે છે. સિનેમામાં આવતા અમુક દ્રશ્યોની જેમ ઘડપણમાં ઘણા વડીલો એમના મિત્રો સાથે મળીને કોઈ સામાજીક પ્રવુતિમાં જોડાઈ જાય.   બાકી જેમણે જીવનભર સતત ને સતત સંઘર્ષ કર્યો હોય પરંતુ જીવનમાં કોઈપણ પ્રકારના શોખ કે પુસ્તક વાચન જેવી પ્રવુતિ કેળવી ના હોય એમના જ માટે ઘડપણ વધારે કપરો સમય બની જાય છે

સર્જનવાણી : જરૂર છે વડીલો માટે સમય પસાર કરી શકાય તેવી વ્યવસ્થાની. કોણ કરશે આ વ્યવસ્થા? વ્યસ્ત અને વન પ્રવેશ કરી ચૂકેલા સૌ મળીને પોતાના માટે!

No comments:

Post a Comment