Saturday, November 2, 2019

વિચારોનું વાવાઝોડું

                

      જીવન એટલે સતત ચાલતા વિચારોની જંજાળ. માણસના શીખવાની શરૂઆત પણ વિચારવાથી જ થાય છે. વિચારોનું વાવેતર આમ તો નાનપણથી જ શરૂ થઈ જાય છે. કદાચ જન્મ લેનારું દરેક બાળક પણ નવી દુનિયામાં આવતાની સાથે જ વિચાર કરતું હશે કે ચાલો આવી ગયા નવી દુનિયામાં, જ્યાં કોઈ તો એવું મળશે અને હશે કે જે મને સમજતું હશે. એ પણ મારા કઈ બોલ્યા વિના, ફક્ત ઈશારાઓથી અને હાવભાવથી જ બાળકની દરેક બાબતોને સમજી લેતી માતાએ બાળકોના વિચારોમાં કેન્દ્રસ્થાને હોય છે. સતત પોતાની આસપાસ વિકસતી જતી દુનિયામાં પોતાનાઑ સાથે પરિચય થયા બાદ જ તેને જીવન ગમવા લાગે છે. 

           વાત કરીએ વિચારોની તો જ્યારથી માણસ કઈ સમજતો થાય ત્યારથી જ અવનવા વિચારો કરવા લાગે છે. આમ-તેમ કઈ ને કઈ કરી નાખવાની મથામણમાં તે સતત વિચાર-મગ્ન રહેતો હોય છે. વિચારવાથી જ માણસ બીજી પ્રજાતિઓથી અલગ પડે છે. પ્રાણીઓ કે બીજા પશુઓ - પંખીઓ પોતાની મેળે કઈ વિચારી શકતા નથી. એટલે જ માનવ વિચારોની તાકાતથી જ આ બધી સૃષ્ટિ પર પોતાનું આધિપત્ય સ્થાપવાની કોશિશ કરતો જોવા મળે છે નિરંતરપણે !

        વિચારોનું આ વાવાઝોડું ઘણીવાર સર્જનાત્મક પણ હોય છે અને ન કરે નારાયણ તો એ વિચારોના કારણે જ મહાવિનાશ સર્જાતો હોય છે. વર્તમાન મહાસત્તાઓની પાસે રહેલી અણુ-પરમાણુ જેવી વિસ્ફોટક અને વિનાશકારી હથિયારોની પેદાશ એ સમગ્ર વિશ્વને પોતાની તાકાત હેઠળ લાવવાની જ વિચાર પ્રકિયાનું એક જીવંત ઉદાહરણ છે. વિચારોના કારણે જ માનવ જીવથી લઈને શિવ સુધીની યાત્રા કરી શકે છે અને એના જ મનમાં ઉદ્ભવતી નકારાત્મક વિચારોની માયાજાળ તેને દેવમાંથી દાનવ પણ બનાવી દેતો હોય છે. વિચારોની જ આ ક્રાંતિ થકી માનવ આજે આવકાશ સુધીની સફર ખેડી ચૂક્યો છે. એ માનવજાતની વિચારયાત્રાનું પરિણામ છે કે માનવ હવે નવી પૃથ્વીની શોધખોળ માટે અવકાશ તરફ મીટ માંડીને બેઠો છે અને સતત નવીન સંશોધનો કરતો જ રહેતો હોય છે. 

          વિચારોનું આવન-જાવન મનની સ્થિતિ પર આધારિત હોય છે, જેને તે રોકી શકતો નથી. બની શકે તો કોઈને કોઈ કાર્ય વડે તેને નિયંત્રિત કરી શકાય છે. નવરાશના સમયમાં તો માણસને હજારો વિચારો આવ્યા જ કરે છે અને સતત એ અવનવા વિચારોની આસ-પાસ પોતાની દુનિયા બનાવતો રહેતો હોય છે. જો એ વિચારોને યોગ્ય દિશા ન મળે તો એ કોઈ અણગમતા પગલાઓ પણ લઈ લે છે. નવી દિશા મળતા જ રચનાત્મક કાર્યોની શરૂઆત થઈ જાય છે. 

          વિચારોનું આ વંટોળ માણસને પોતાની અંદર આત્મદર્શન પણ કરાવે છે. માણસ પોતાને ઓળખીને જીવનને એક શ્રેષ્ઠ મુકામ પર લઈ જવા પ્રયાસ કરી શકે છે. વિચારો તો તમે કોઈ સામ્રાજ્યના રાજા અને વિચારો તો તમે નિજાનંદી થઈ શકો છો. વિચારો થકી જ ઉત્તમ માનવનું નિર્માણ થઈ શકે છે. જેના વિચારો ઊંચા હોય તે માનવ જ જીવનને સુંદર બનાવીને પોતાની આસપાસના સમસ્તને એક ઉત્તમ વાતાવરણ આપી શકે છે જ્યાં હોય સૌને વિચારવાની સ્વતંત્રતા.

                   "  ઝાટક્યો પલંગ ત્યાં તરત બહાર નીકળ્યા...
                             ઓશિકાની ખોળમાંથી પણ વિચાર નીકળ્યા..!!! "
                                                                                                                   ~ કુલદીપ કારિયા

2 comments:

  1. વાહ...ઉત્તમ લેખ!💐💐

    ReplyDelete
  2. આપના પ્રતિભાવ માટે ધન્યવાદ

    ReplyDelete