Saturday, December 21, 2019

મહાન ગણિતજ્ઞ-1 : શ્રી નિવાસ રામાનુજન

        વિશ્વભરમાં ગણિત અને વિજ્ઞાનના ક્ષેત્રમાં કેટલીય એવી વિરલ વિભૂતિઓ છે કે જે અવકાશમાં રહેલા તારામંડળના નક્ષત્રોની માફક ઝળહળી રહી છે. આકાશગંગામાં રહેલા કોટિ કોટિ સુર્ય અને તારાઓ હોવા છતાં પણ આપણે એમનાથી અજાણ છીએ, તેવી જ રીતે આ વિશ્વભરમાં પણ અનેક એવા ગણિતના ઉપાસકો થઈ ગયા કે જેમના નામથી દુનિયામાં આજે પણ ઘણા લોકો અજાણ છે, જેમાં આપણા ભારત દેશના જ મહાન ગણિતજ્ઞ એવા શ્રીનિવાસ રામાનુજનનો સમાવેશ થાય છે. આપણા માટે એ ગર્વ લેવાની વાત છે કે વિશ્વના પ્રથમ હરોળના વૈજ્ઞાનિક અને ગણિતશાસ્ત્રી એવા આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને શ્રીનિવાસ રામાનુજનના અનુસંધાનકાર્યો અત્યારે વર્તમાનમાં પ્રકાશમાં આવતા જાય છે ત્યારે એના વધારે અદભૂત  પરિણામો  જણાય છે. એમનું ગણિત માટેનું અનુસંધાનકાર્ય એ વિશુદ્ધ ગણિત તરીકે ઓળખાય છે. જેને આજના સામાન્ય ગણિતશાસ્ત્રીઓ સ્પર્શી પણ શકતા નથી. 

        આપણે કેમ શ્રીનિવાસ રામાનુજનથી અજાણ છીએ? કારણકે આપણા વર્તમાન કે ભૂતકાળના કોઈપણ અભ્યાસક્રમમાં એમના સંશોધનોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આમ પણ આપણા રામાનુજને કોઈ વૈજ્ઞાનિક સંશોધન કે અનુસંધાન કાર્ય કર્યું નથી કે જેને શાળાઓ કે વિશ્વવિધાલયોના અભ્યાસક્રમમાં સમાવવામાં આવે?  હવે આપણે એ જાણી લેવાની જરૂર છે કે આપણા આ મહાન ગણિતના વિભૂતિ સમાન રામાનુજન દરેક ધન સંખ્યાના મિત્ર હતા. સંખ્યાઓ સાથે રમતો કરવાનો શોખ એમને બાળપણથી જ હતો. નાનપણથી જ તેઓ વિવિધ પ્રકારની આ સંખ્યાઓના કોયડાઓ ઉકેલ્યા કરતાં હતા. 

        આ મહાન ગણિતજ્ઞ રામાનુજનો જન્મ ૨૨ ડિસેમ્બર ૧૮૮૭ ના રોજ દક્ષિણભારતમાં ઇરોડ નામના ગામમાં એમના મોસાળમાં થયો હતો. માત્ર બત્રીસ જ વર્ષની આયુષ્ય સાથે જન્મેલા આ મહાન ગણિતજ્ઞએ જે કાર્ય પોતાની ૩૨ વર્ષની આયુષ્યમાં કરી બતાવ્યું તે આજ સુધી કોઈપણ કરી શક્યું નથી. એમણે સંખ્યા-સિદ્ધાંત નામની ગણિતની શાખામાં કાર્ય અને સંશોધન કર્યા છે. આ વિષયમાં  અલગ-અલગ સંખ્યાઓ શોધવામાં આવે છે. સંખ્યાઓ તો જાણે એમની મિત્ર જ હતી. 

        શ્રી નિવાસ રામાનુજમને પારખવાનું અને એમના પથદર્શક બનવાનું કાર્ય ડો. હાર્ડી નામના વિશ્વ પ્રસિદ્ધ ગણિતજ્ઞએ કર્યું છે. આ ડો. હાર્ડી ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. એમના માતા-પિતાને પણ ગણિતમાં ઘણી જ રુચિ હતી. એમના સંશોધનનો મુખ્ય વિષય હતો : " વિશ્લેષણ અને સંખ્યાસિદ્ધાંત " રામાનુજમના બાર વ્યાખ્યાનો નામનો ગ્રંથ પણ ડો. હાર્ડીએ જ લખ્યો છે. ડો. હાર્ડી રોયલ સોસાયટીના ફેલો પણ રહી ચૂક્યા છે અને એમની સાથેના સંશોધનો બાદ જ રામાનુજમ પણ રોયલ સોસાયટીના ફેલો બનનાર પ્રથમ ભારતીય હતા. 

        ડો, હાર્ડી સાથે પાંચ વર્ષ લંડનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જ રહીને રામાનુજમે ઘણા સંશોધનો કર્યા હતા. એમના એક કાર્યને જોઈએ તો, એકવાર ઈંગ્લેંડમાં રામાનુજમ બીમાર પડી ગયા ત્યારે ડો. હાર્ડી ટેક્સી લઈને એમની ખબર પૂછવા માટે ગયા. ડો,હાર્ડીએ કહ્યું કે એમની ટેક્સીનો નંબર ૧૭૨૯ હતો, જે ઘણો અશુભ અને અપ્રિય છે, કારણકે આ સંખ્યામાં એક ગુણક ૧૩ થાય છે જેને આજે પણ યૂરોપમાં અશુભ માનવામાં આવે છે. પરંતુ રામાનુજમે જણાવ્યું કે ૧૭૨૯ = ૧૦*૧૦*૧૦* + ૯*૯*૯* = ૧૨*૧૨*૧૨ + ૧*૧*૧ = ૧૯*૯૧ બને છે, જે એક અદભૂત સંખ્યા છે. 

        ડો. હાર્ડીએ રામાનુજમની સરખામણી ઓઇલર, ગાઉસ અને જેકોબી જેવા મહાન ગણિતશાસ્ત્રીઓ સાથે કરી હતી. રામાનુજમ શુદ્ધ ભારતીય પરંપરાના સર્જક હતા. આ રામાનુજમની મેઘાવી શક્તિનો પરચો સાતમાં ધોરણમાં ભણતા ત્યારે જ મળતો હતો. એમણે સાતમા ધોરણના અભ્યાસ દરમિયાન જ સમાંતર અને ગુણોત્તર શ્રેણીઓ તેમજ હકારાત્મક અને સ્વરિત શ્રેણીઓનો અભ્યાસ કરી લીધો હતો. આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારે તેઓ બી. એ ના મિત્રો પાસે જઈને ત્રિકોણમિતિ નામના પુસ્તક લઈને એમાના તમામ પ્રશ્નોના જવાબ એમણે લખી નાખ્યા હતા. એમણે પાઈની કિંમત સેંકડો દશાંશ અંક સુધી મેળવી હતી અને એ માટેના સૂત્રો પણ આપેલા. એમની નોટબૂકોમાં ભાષાની ભૂમિકા નહિવત છે, જે કઈં છે તે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ, કલનશસ્ત્ર અને સંકલન. કેરળના બ્રાહ્મણ આયંગર પરિવારના શ્રીનિવાસ રામાનુજમ આ દુનિયાનો ત્યાગ કરીને ૨૦ એપ્રિલ ૧૯૨૦ ના રોજ ગણિતલોકમાં ગયા. એમની યાદમાં ૨૨ ડિસેમ્બરના દિવસને ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

        અહી આપણે એ વાતની નોંધ કરવી રહી કે રામાનુજમે એમની નાનપણ અવસ્થામાં ઘણી જ કાઠીનાઈઓ અને સંઘર્ષોનો સામનો કરેલો, જેના કારણે એમની પ્રતિભા ખીલી શકી ણ્હઈ, પણ એમને તો ડો. હાર્ડીનો સાથ મળી ગયો હતો. આજે વર્તમાનમાં આપણા દેશમાં ઘણા આવા યુવાનો છે જેમને આપણે શોધવાના છે અને સાથ આપવાનો છે. આ માટે શાળા, વિશ્વવિધાલયમાં શિક્ષકો અને પ્રોફેસરોની સાથે સમાજના મોવડીઓ અને સંશોધન સંસ્થાઓમાં કામ કરતા સંશોધકોએ પણ આવા યુવાનોને શોધીને એમને તૈયાર કરવા પડશે.    

( આ સંપાદિત લેખ છે. સંપાદન માટેના અંશો : વિકિપીડિયા અને વિશ્વના મહાન ગણિતશાસ્ત્રીઓ પુસ્તકમાંથી તેમજ શ્રીનિવાસ રામનુજમની બાયોગ્રાફી માંથી લેવામાં આવ્યા છે. )

No comments:

Post a Comment