Tuesday, June 15, 2021

સર્જનની સરવાણી-૪૨

 


!! ગુજ્જુઓના એકવીહ લખણો... !!

૧. બે ગુજરાતીઓ જયારે પણ ભેગા થાય ત્યારે ગુજરાતીના બદલે ના આવડતી હોય એવી હિંદી અને અંગ્રજીને મિક્ષ કરીને વાત કરશે અને આનું કારણ પૂછો તો કહે કે ભાઇ આજકાલ તો ઇંગ્લીશનો જમાનો છે બોસ!

૨. જયાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, પણ જયાં ન પહોંચે કવિ ત્યાં પહોચે એક ગુજરાતી અને એ પણ થેપલા, ખાખરા અને અથાણા સંભાર સાથે જ હો!

૩. ગુજરાતી લોકો માત્ર ચા-કોફી જ નહિં પણ મરચાના ભજીયાને પણ ગળ્યા બનાવી શકે છે!

૪. શોપિંગ મોલ તરફની ગુજરાતીઓની ઘેલછા હજુ પણ એવીને એવી જ છે, મોલમાં જવાથી તે ધન્યતાનો અનુભવ કરતો હોય છે!

૫. ગુજરાતીઓ પુસ્તક ખરીદતા નથી એ વાત હવે પુરાણી થઇ ગઇ છે અને એવું જરાપણ માની લેવું નહીં કે આપણા આ ગુજરાતીઓ ખરીદેલું પુસ્તક વાંચશે જ!

૬. સુરા સુરા સુરા એ કોઇ નવલકથા નહીં પણ ગુજરાતીના અંતરમનમાં ઉઠતો પોકાર છે. બે ઘુંટ અંદર જાય પછી બોલે આપણે ગમે તેટલું પીએ પણ લિમિટમાં જ હો કે !

૭. ગુજરાતીઓ વેપારી પ્રજા છે કે નહીં તેની સાથે આપણા સમાજશાસ્ત્રીઓ બહુ સંમત છે કે નહીં તેની ખબર નહીં પણ આ ગુજરાતી યુવાનો લશ્કરમાં પણ ઓછા જાય છે.

૮. પંજાબી, રાજસ્થાની, ચાઇનીઝ, સાઉથ-ઇન્ડિયન વાનગીઓની સાથે જ આપણી ગુજરાતી થાળીની વિશેષતા હજુ અકબંધ છે.

૯. કાલથી રોજ ચાલવા જઇશ એવું કહેનારા ઘણા ગુજરાતી બંદાઓ પાનમાવો ખાવા માટે પણ મોટરસાઇકલ લઇને જાય છે લ્યો બોલો !

૧૦. એકસ્ટ્ર, ફ્રી, મફત જેવી વસ્તુઓ માટે આપણા ગુજરાતીઓ બિનજરુરી ખરીદી કરતા પણ અચકાતા નથી હો !

૧૧. ગુજરાતીઓ અખબાર પ્રેમી છે પણ આ અખબાર બીજાએ ખરીદેલુ હોય ત્યારે જ! ખાસ તો બીજાના અખબારથી જ તે જ્ઞાનસંપાદન કરતો જોવા મળે છે.

૧૨. ગુજરાતીઓ જેટલું જીભનું ધ્યાન રાખે છે, એટલું પોતાના શરીરનું પણ રાખતા નથી. મોર્નીગ વોક માટે જતો ગુજરાતી ખાસ તો અંતમાં ખમણ અને ગાંઠિયાની મોજ માણવા જ જાય છે!

૧૩. અંગ્રજી મીડિયમએ ગુજરાતીની નબળાઇ છે, અમે ભલે ગુજરાતી પણ સરખુ ભણ્યા ન હોય પણ અમારા સંતાનો તો ઇંગ્લીશમાં જ ભણશે હો !

૧૪. કોઇ પણ ઘટના આપણા દેશમાં બને કે વિદેશમાં બને પણ આપણા ગુજ્જુઓ તેનું ગૌરવ લેવામાં જરા પણ વાર લગાડતા નથી. આપણો જ ગુજરાતી ભાઇ છે હો વાલા !

૧૫. મોબાઇલ એ ગુજરાતીની નબળાઇ છે, મહિનાના પગાર કરતા પણ મોંઘો મોબાઇલ હોંશે હોંશે લાવશે અને આખા ગામને બતાવીને વટ પાડશે !

૧૬. ગમે તેટલા સ્વચ્છતા અભિયાન ચલાવો પણ ગંદકી કરવામાં ગુજરાતીને કોઇ પહોંચે નહીં. દવાખાનું , ગાર્ડન, સ્કૂલ હોય કે સચિવાલય પણ પાનની પિચકારી તમને કોઇને કોઇ ખૂણામાં જરુરથી જોવા મળી જ જાય!

૧૭. શાકાહારનું ગૌરવ અને માંસાહારનું આકર્ષણ ધરાવતા ગુજરાતીઓ ઠેરઠેર જોવા મળે છે.

૧૮. સો વર્ષની જીવવાની જીંદગીને ઠોકર મારીને કોઇ સૌરાષ્ટ્રના અમુક ગામના લોકો આજે પણ બપોરે બે ઘડી સૂવાની આદત છોડવા તૈયાર થાય એવા નથી.

૧૯. જયારે બે-ચાર વડીલો ભેગા થાય ત્યારે એકવાત તો કોમન જ હોય કે આજકાલ ના જુવાનીયા તો ભાઇ તોબા તોબા. અમારા સમયમાં તો વડીલોની સામે બોલાતું પણ નહીં એવું કહ્યા જ કરશે.

૨૦. દસમું અને બારમું એટલે કતલનું વરસ. બાબો આપણો બોર્ડમાં આવ્યો એમ કહ્યા કરે અને આ વર્ષમાં ટી.વી., મોબાઇલ અને બીજી એકટીવીટી પણ બંદ અને માતા પિતાને પણ કાંઇ બહાર પણ જવાનું નહીં.

૨૧. છકડા એ ગુજરાતીઓનું રાષ્ટ્રીય વાહન છે.

No comments:

Post a Comment