Sunday, June 27, 2021

સર્જનયાત્રાનું મંથન-૯

        એક રેસ્ટોરન્ટમાં એક સુપ્રસિદ્ધ શેફે ઉચ્ચ પ્રકારના ચોખા વાપરીને અત્યંત સ્વાદિષ્ટ પુલાવ બનાવ્યો. પુલાવ તૈયાર થયો એટલે એની સોડમ આમતેમ પસરી ગઈ. બધાના મોંમાં પાણી છૂટ્યું. બધાને તે પુલાવનો સ્વાદ ચાખવાની ઉતાવળ થઈ ગઈ. લગભગ સો જેટલા લોકોને રેસ્ટોરન્ટમાં શેફ એ પુલાવ પીરસ્યો. દરેક જણ હજુ તો પુલાવ હાથમાં લઈને પહેલો કોળિયો લે ત્યાં જ શેફે આવીને કહ્યું કે આમાં એક કાંકરી આવી ગઈ છે. તે ચોખાના રંગની જ છે. કાળજી લેજો. કોઈના દાંત વચ્ચે આવશે તો ઈજા થઈ શકે.

            હવે પુલાવનો સ્વાદ સરસ છે... સોડમ અપ્રતિમ છે... પણ ખાવાની ગમ્મત ચાલી ગઈ. દરેક જણ કોળિયો ખાય ત્યારે સ્વાદ પ્રત્યે ધ્યાન ના આપતા આ કોળિયામાં કાંકરી તો નહિ હોય તે વિચારથી કોળિયા ઉતારતા હતા. જે તે બધા સાવધ થયા હોવાથી ગપાટા અને વિનોદ વગેરે બધું વિસરાઈ ગયું. બધા સાથે હોવા છતા એકએક જણ વિચારોમાં સરી ગયા હતા. બધા છેલ્લે સુધી જમ્યા અને છેલ્લા કોળિયા સુધી કાળજી લીધી.

          બધા ને પોતાને કાંકરી ન આવી તેનો હાશકારો થયો. હાથ ધોયા. તે ક્ષણે કોઈના ધ્યાનમાં આવ્યું કે ઓત્તારી? કોઈને કાંકરી નહિ આવી? પછી એ લોકો એ શેફ ને બોલાવ્યો. તેમણે પૂછ્યું કે તે તો કહ્યું હતું કે કાંકરી આવશે!  શેફે કહ્યું કે આમાં તો બધી કાંકરી વીણી કાઢી હતી પણ ભૂલમાં એકાદ રહી ગઈ હોય તો આપ સહુ સાવધાન રહો તેથી જ કહ્યું...!

          બધા એકબીજા સામે જોવા લાગ્યા. અત્યંત સ્વાદિષ્ટ એવા પુલાવ વિશે કોઈ ચર્ચા જ થઈ નહિ. જમીને બધા થાક્યા હતા, કેમકે કોળિયા ખાવાની સહજતા જ ચાલી ગઈ હતી. એટલે ભોજન લેવું આટલું કષ્ટદાયક લાગ્યું હતું. એક રોગને લીધે આપણા સહુની હાલત હાલમાં આવી પુલાવની કાંકરી જેવી છે. કોને આ કાંકરી આવશે તે કહી ના શકાય. જીવવાની સહજતા ચાલી ગઈ છે. અરે મદદ પહોચાડતા લોકો માટે પણ.. કોરોના તો નહિ હોય? દૂધવાળો, શાકવાળી, કરિયાણાવાળો, જીવન જરૂરિયાતની વસ્તુઓ લેતી વખતે વસ્તુ સાથે શું આવશે તેની ચિંતા કોરી ખાય છે આપણને સહુને!

        પહેલા તો છીંક આવે તો કોઈ યાદ કરે છે એવું વિચારતા! પણ હવે તો લાગે છે કે ઈશ્વરે આપણી ફાઈલ બહાર કાઢી કે શું...? જાણતા નથી કે આવું ક્યા સુધી ચાલશે. પણ તે સ્વાદિષ્ટ જમણની જેમ હવે ફક્ત આપણું જીવન બેસ્વાદ ના થાય એવી પ્રાર્થના કરીએ. 

નકારાત્મક સમાચારો, પોસ્ટ નહિ વાંચવી અને મનને ઉત્સાહી બનાવતી માહિતી, સામગ્રી વાંચો, પુસ્તકો વાંચો. શોખ ઊભો કરો અને ટનબંધ આનંદ પોતાની પાસેથી જ ખરીદો!

આભાર સહ-એક મરાઠી પોસ્ટમાંથી અનુવાદ... Jayendra Vinchhi

No comments:

Post a Comment