Tuesday, June 22, 2021

સર્જનની સરવાણી-૪૩


 શ્રવણ

        ત્રેતાયુગના સમયમાં અયોધ્યામાં રાજા દશરથનું રાજ હતું અને રાજા દશરથને ત્રણ રાણીઓ હતી. કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. આ રાજા પોતના ગુરુ વશિષ્ઠજીની આજ્ઞા પ્રમાણે પ્રજાના સુખમાં સુખી અને પ્રજાના દુ:ખમાં દુ:ખી એમ એક આદર્શ રાજય વ્યવહાર કરતા હતા. રાજા વારંવાર વનમાં જઇને પણ ઋષિમૂનિઓ પાસે જઇને તેમની સગવડતાઓ અને આશાઓ પૂર્ણ કરતા રહેતા. તેમજ જ્ઞાનનો પ્રવાહ પણ અયોધ્યા નગરીમાં વહેતો હતો. રાજા દશરથના રાજમાં બધી પ્રજા સુખ અને શાંતિથી રહેતી હતી, ધન-સંપત્તિ અને સમૃધ્ધિની પણ કોઇ કમી ન હતી.

         આવા સમયમાં એક વનમાં મૂનિ શાંતનુ અને સતી જ્ઞાનવતીના ઘરે શ્રવણનામનો એક આજ્ઞાકારી અને આદર્શ પુત્ર થઇ ગયો. શ્રવણના માતા-પિતા અંધ હતા. શ્રવણ ખૂબ જ આદર અને પ્રેમભાવ સાથે મા-બાપની સેવા કરતો હતો. તે ખુબ જ સેવાભાવી અને આજ્ઞાકારી પણ હતો. એકવાર તેણે માતા-પિતાના મોંઢેથી જાત્રા જવાની ઇચ્છા વિશે સાંભળ્યું અને પોતાના મા-બાપને જાત્ર કરવા લઇ જવાનો મનમાં નિર્ધાર કર્યો.

         શ્રવણે સુથાર પાસે જઇને એક સુંદર કાવડ બનાવડાવી અને પોતાના માતા-પિતાને આ કાવડમાં બેસાડયા. કાવડને ખભા પર લઇને શ્રવણ જાત્ર કરાવવા ચાલી નીકળ્યો. એક પછી એક જાત્રાના સ્થાનમાં જાય છે અને સુંદર વર્ણન સાથે આ જાત્રની વાતો માતા-પિતાને કરતો જાય છે. મા-બાપ અંધ હોવાથી શ્રવણની જ આંખોથી જાત્રના દર્શન કરે છે. આમને આમ બાર વર્ષ સુધીનો સમયકાળ જતો રહ્યોે અને એમની જાત્રા ચાલતી રહી.

         એકવાર યાત્રા કરતા કરતા શ્રવણ પોતાના મા-બાપની સાથે અયોધ્યા નગરની નજીક આવે છે. સરયૂ નામની નદીના કિનારે રોકાય ત્યારે મા-બાપને તરસ લાગી છે. શ્રવણ આજ્ઞા લઇને પાણી ભરવા માટે સરયૂના કિનારે જાય છે. ત્યારે આ તરફ અયોધ્યાના મહારાજ દશરથ પણ મૃગયા કરવા માટે એટલે કે શિકાર કરવા માટે નીકળ્યા હોય છે. તેમણે નદીમાં બૂડ..બૂડ..બૂડનો અવાજ સાંભળ્યો.

         અવાજ સાંભળતાની સાથે રાજાને એમ થાય કે કોઇ હરણ પાણી પીવા માટે આવ્યું હશે અને રાજા જોયા વગર જ અવાજની દિશામાં બાણ ચલાવે છે. આ બાણ સનનન્ કરતું શ્રવણને વાગે છે. શ્રવણે ખુબ જ મોટી બુમ પાડી એટલે રાજા દશરથ ઝાડીમાંથી બહાર આવીને જુએ છે તો ત્યાં શ્રવણકુમાર તડપતો હતો. રાજાને પણપોતાનાથી થઇ ગયેલી ભૂલ બદલ ખુબ જ પસ્તાવો થયો અને આ બાજુ શ્રવણે પોતાના આંધળા માત-પિતાની વાત કરતા કરતા પ્રાણનો ત્યાગ કર્યો.

         રાજા દશરથ પાણીનો ઘડો ભરીને શ્રવણના મા-બાપની પાસે આવે છે અને કઇ રીતે પોતાનાથી ભૂલથી શ્રવણને બાણ મારયાની વાત કરે છે. આ વાત સાંભળતાની સાથે જ મા-બાપ રુદન કરતા કરતા રાજા દશરથને શાપ આપે છે કે “ તમે પણ અમારી જેમ પુત્ર વિયોગમાં મરણ પામશો ” આટલું બોલતાની સાથે જ શ્રવણના માતા-પિતા પણ પોતાના પ્રાણનો ત્યાગ કરે છે. રાજા દશરથ ખુબ જ વિલાપ કરે છે અને પસ્તાવો કરે છે.

સર્જનવાણી : માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઇએ અને હંમેશા એમની સેવા કરવી જોઇએ તેમજ કોઇ પણ કાર્ય કયારેય વિચાર કર્યા વગર કરવું નહિ.

No comments:

Post a Comment