Friday, April 1, 2022

વિરલ વિભૂતિ -ગોહિલવાડનું રતન મહારાજા કૃષ્ણકુમારસિંહજી


        સૌરાષ્ટ્રનાં ૨૨૨ રજવાડાંઓમાં કે દેશભરમાં પણ ગાંધીજીને અને દેશકાળને સમજીને ઇતિહાસનાં પરિવર્તનોને પારખનારા રાજવીઓ ઓછા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી તેમાં અપવાદરૂપ હતા. દેશને સ્વતંત્રતા મળી ગઈ, પાકિસ્તાન જુદું પડી ગયું, પણ દેશી રાજ્યોનો પ્રશ્ન હજી ઉકેલાયો નહોતો. કેટલાયે રાજવીઓ સ્વતંત્ર બની સત્તા ટકાવી રાખવાનાં સપનાં સેવી રહ્યા હતા. કાયદે આઝમ ઝીણા અને તેમના સાથીદારો પાકિસ્તાનમાં જોડાઈ જવા રાજવીઓને લલચાવી રહ્યા હતા.

           કૃષ્ણકુમારસિંહજીને રાજવીઓનાં જૂથોમાં જોડાવાનો આગ્રહ થતો હતો. પણ તેમણે પ્રજાને જવાબદાર તંત્ર આપવાની વિચારણા શરૂ કરી હતી. ડિસેમ્બર, ૧૯૪૭માં તેમણે નિર્ણય કરી લીધો. દીવાન અનંતરાય પટ્ટણી હાજર નહોતા. બળવંતરાય મહેતા પણ દિલ્હી ગયા હતા. તેમણે બીજા રાજકીય અગ્રણી જગુભાઈ પરીખને બોલાવીને જણાવ્યું કે પોતે ભાવનગરની પ્રજાને જવાબદાર રાજતંત્ર આપી દેવાનો નિર્ણય કરી લીધો છે. જગુભાઈએ તેમનો નિર્ણય આવકારીને આનંદ વ્યક્ત કર્યો તથા દિલ્હી જઈ સરદારસાહેબને મળવા અભિપ્રાય આપ્યો. મહારાજાએ તેમનો અભિપ્રાય સાંભળી લીધો.

        તે પછી તેમણે જાતે નિર્ણય કર્યો કે દિલ્હી જઈ ગાંધીજીને મળવું. તેમણે ગઢડાથી શેઠ મોહનલાલ મોતીચંદને બોલાવ્યા. તેમને કામ સોંપ્યું કે દિલ્હી જઈ ગાંધીજી સાથેની પોતાની મુલાકાતની વિગતો નક્કી કરી આવે. ગાંધીજીએ આપેલી તારીખ પ્રમાણે મહારાજા ૧૭ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ રાત્રે ૧૧ વાગ્યે મળવા ગયા. મનુબહેન ગાંધીએ ‘દિલ્હીમાં ગાંધીજી’ ભા.૧ માં મહારાજાની ગાંધીજી સાથેની મુલાકાતનું વર્ણન આપ્યું છે. સમય નજીક જણાતાં ગાંધીજીએ મનુબહેનને બહાર કાર સામે જઈ મહારાજાને માનપૂર્વક લઈ આવવા જણાવ્યું. જ્યારે મહારાજા તેમના ખંડમાં પ્રવેશ્યા ત્યારે તેઓ પોતાના હાથમાં મધ અને લીંબુ સાથેના પાણીનો પ્યાલો હતો તે મનુબહેનના હાથમાં સોંપી ઊભા થઈ ગયા અને મહારાજાને સ્વાગતમાં નમસ્કાર કર્યા. 

            દીવાન અનંતરાય પટ્ટણી સાથે હતા, પણ મહારાજાએ ગાંધીજીને એકલા જ મળીને વાતચીત કરી હતી. મહારાજાએ ગાંધીજીને નમ્રતાપૂર્વક જણાવ્યું કે મારું રાજ્ય હું આપનાં ચરણોમાં સોંપી દઉં છું. મારું સાલિયાણું, ખાનગી મિલકતો વગેરે અંગે આપ જે નિર્ણય કરશો તે જ હું સ્વીકારીશ. આપની આજ્ઞા પ્રમાણે જ બધું કરીશ. ગાંધીજી મહારાજાની આવી ઉદાર અને ઉમદા રજૂઆતથી ખૂબ રાજી થયા. છતાં પૂછ્યું, ‘આપનાં રાણીસાહેબ અને ભાઈઓને પૂછ્યું છે ?’ મહારાજાનો જવાબ હતો કે મારા નિર્ણયમાં તેમનો અભિપ્રાય પણ આવી જાય છે. ગાંધીજીએ આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલને મળી વિગતે વાત કરવા જણાવ્યું.

        મહારાજા દિલ્હી રોકાયા હતા અને સરદારસાહેબ, જવાહરલાલ નહેરુ, લોર્ડ માઉન્ટબેટન વગેરે સૌ પદાધિકારીઓને મળ્યા હતા. ફરી ગાંધીજીને મળવા જતા હતા ત્યારે અન્ય આવેલા રાજવીઓને કહેતા કે તમે પૂછતા હતાને કે અમારે હવે શી રીતે વરતવું ? તો તમે ભાવનગરના આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ઉદાહરણ લો અને તેમણે જે રસ્તો લીધો તેવો તમે પણ લો તેવી મારી ભલામણ છે. 

        મનુબહેને પાછળથી ગાંધીજીને પૂછેલું : ‘બાપુ, આપની પાસે તો વાઈસરોય જેવા ઘણા મોટા લોકો આવે છે. પણ આપ ક્યારેય ઊભા થતા નથી અને કાર સામે જવાનું કહેતા નથી. તો આ મહારાજા તેમાં અપવાદ કેમ ?’ ગાંધીજીએ કહ્યું : ‘મનુ, તું જાણે છે ના કે હું ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણ્યો છું. એટલે એક વખતનો પ્રજાજન કહેવાઉં. તે મહારાજા છે. એટલે મારે તેમને માન આપવું જોઈએ.’ આવા મહાન હતા ભાવનગરના મહારાજા અને ખરા અર્થમાં પ્રજાહદૃયસમ્રાટ મહારાજા કૃષ્ણકુમારસિંહજી. દુનિયામાં એકમાત્ર રાજવી એવા થયા કે જેમનું નામ પ્રાતઃ સ્મરણીય લેવાય છે એવા ભાવનગર રાજના રતન સમાન મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પાવન પુણ્યતિથિ નિમિત્તે મહારાજા સાહેબના ચરણોમાં શત શત વંદન. જય હો ભાવેણાનાં ઘણીનો. ધન્ય છે ગોહિલવાડની ધરતી. 

સંદર્ભ સ્તોત્ર : વિકિપીડિયા અને અન્ય પુસ્તકોમાંથી 

No comments:

Post a Comment