Tuesday, July 6, 2021

સર્જનની સરવાણી-૪૫

 

        જીવનને સ્પર્શ કરતો એક સદગુણ-પ્રમાણિકતાની. પ્રમાણિકતા જીવનને માન-સન્માન અને એક આદર્શ આપે છે. સમાજમાં પૈસાની સાથે જો પ્રમાણિકતા નહીં હોય તો તે પૈસાદાર વ્યકિતનું પણ થોડા જ દિવસમાં પતન થઇ જશે. માટે આપણે વાત કરવી છે કે કેવી રીતે આપણે પ્રમાણિકતા નામનો ગુણ બાળપણથી જ જો નાના બાળકમાં ખીલવવામાં આવે તો સમય જતા ખુબ જ સારા પરિણામો મેળવી શકાય છે. એક સામાજીક પ્રાણી તરીકે સમાજમાં જીવતો કોઇપણ માણસ પૈસાની સાથે માન-મોભો અને પ્રતિષ્ઠાની પણ ખેવના રાખે છે.

        મોટેભાગે એવું જોવા મળે છે કે જયાં પૈસા કે રુપિયા હોય ત્યાં પ્રમાણિકતા હોય જ નહીં અને જયાં પ્રમાણિકતા હોય ત્યાં પૈસા જોવા મળતા નથી. આવી વાતોને મનમાં લઇને ચાલતા લોકોની સામે એ દલીલ કરવી છે કે સરદાર વલ્લભભાઇ પટેલ, ગાંધીજી, રવિશંકર રાવળ, સ્વામી વિવેકાનંદ, અબ્રાહમ લિંકન, જેવા અનેક નામ આપની નજર સામે આવશે ત્યારે એ વાત કરવી છે કે શા માટે દુનિયા આ લોકોને યાદ કરે છે ? શું આ લોકો પૈસાદાર હતા એટલા માટે યાદ કરે છે? તો જવાબ છે કે ના, માત્રને માત્ર પ્રમાણિકતા અને ચારિત્ર્યને કારણે જ આ લોકોને આજે પણ યાદ કરવામાં આવે છે અને હંમેશા યાદ કરતા રહેશે.

        અહીં એ વાત કરવાનું મન થાય છે કે શું આપણે બાળકોને માત્ર પૈસાદાર બનાવવાનું જ શીખવવાનું છે. જો પ્રમાણિકતાનો ગુણ નહીં શીખવીએ તો આ બધું જ નકામું છે અને એ પૈસા પણ એને આનંદ કે પ્રતિષ્ઠા નહીં આપી શકે. માટે જ એક જાગૃત અને શિક્ષિત માતા-પિતા તરીકે આપણે આપણા બાળકોને પ્રમાણિક બનતા શીખવીશું. અહીંયા એ માટે કેટલીક વાતો રજુ કરીશ કે કઇ-કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

        બાળકની સામે એની હાજરીમાં હંમેશા પ્રમાણિકતા ભરેલું વર્તન કરવું જોઇએ. પ્રમાણિકતાના ઉદાહરણો આપતી વાતો તેને કરવી જોઇએ. કયારેય પણ તેની સામે ખોટું બોલવું જોઇએ નહીં. બાળક સાથે ચર્ચા અને વિચારણા કરવા માટે દરરોજ અડધો એક કલાક ફાળવવો જોઇએ. તેને જીવવના અનુભવો કહેવા જોઇએ.

        માતા-પિતાએ એક વાલી તરીકે બાળક સામે પોતે જ એક આદર્શ બનવું જોઇએ. બાળકને એ માટે પ્રોત્સાહન આપવું જોઇએ. બાળકને તેના સારા વાણી-વર્તન બદલ બિરદાવવો જોઇએ. કોઇ અયોગ્ય ઘટનાની ચર્ચા બાળકની હાજરીમાં કરવી જોઇએ નહીં. તેની સારપની વાતો બધાને કરવી જોઇએ. પડોશમાં કે કોઇપણ પરિચિતની સામે બાળકે પ્રમાણિકતાનું ઉદાહરણ પુરુ પાડયું હોય તો તેની રૂબરુ મુલાકાત લઇને તેને પ્રોત્સાહન આપવું જોઇએ. બાળકને અપ્રમાણિક વ્યકિતઓથી દુર રાખવા જોઇએ.

        જયારે પણ શાળાની મુલાકાત માટે શિક્ષક કે આચાર્ય બોલાવે ત્યારે બાળકને સાથે લઇને જવું જોઇએ અને તેના વાણી-વર્તન અને ગુણોની ચર્ચા કરવી જોઇએ. શાળામાં પણ તેના સદ્‌ગુણોની પરખ થાય તેવો ઉત્સાહ આપવો જોઇએ. દરેક બાળકને મદદ કરે અને શાળામાં પણ કોઇને કોઇ પ્રવૃતિઓ સાથે સંકળાઇને કે બીજા બાળકો સાથે સામુહિક કાર્યક્રમોમાં ભાગ લઇને પણ પ્રમાણિકતા અને ઇમાનદારી કેળવે તેવા પ્રયત્નો વાલી અને શાળાએ સાથે મળીને કરવા જોઇએ.

        અહીંયા સવાલ એ પણ ઊભો થાય કે આટલું શીખવ્યા પછી અને આ બધી કાળજીઓ પછી આપણા બાળકમાં રહેલી કે વિકસેલી પ્રમાણિકતાની કઇ રીતે ખબર પડે? તો એના માટે એના વર્તનનું દરરોજ નિરીક્ષણ કરો. એ ઘરના કામમાં ધીમે ધીમે મદદ કરતો થઇ જશે. આડોશ-પાડોશમાં પણ સૌને નાની-મોટી સહાયતા કરશે. પોતાના મિત્રો અને સહાધ્યાયીઓને પણ કોઇને કાઇ સ્વરૂપે મદદ કરવા તત્પર રહેશે. બધાની સાથે વિવેક અને સાદગીપૂર્ણ વર્તન કરે અને કોઇપણ અનિચ્છનીય ઘટના અંગે જાગૃતિ કેળવશે. આમ આ પ્રમાણિકતાના ગુણથી બાળકના વ્યકિતત્વ વિકાસમાં એક યશ કલગી ઉમેરી શકાય છે. તો તમે પણ આજથી જ આ પ્રયત્ન કરશો ને?

No comments:

Post a Comment