Tuesday, July 27, 2021

સર્જનની સરવાણી-૪૮

 

        આચાર અને વિચાર માનવજીવનની બે મહત્વની સાંકળ છે. ઘણીવાર કહેવાય પણ છે કે જેવો આહાર તેવો વિચાર અને જેવો વિચાર તેવો જ વ્યવહાર. આમ કોઇપણ વ્યકિતનું આચરણ તેના વિચારોની ગુણવત્તા પર નભે છે. જો કોઇપણ માણસમાં તમે પરિવર્તનની આશા રાખતા હોવ તો સૌ પ્રથમ તમારે તેના વિચારોને બદલવા જ પડશે. એટલે જ એક સારા અને સંગઠિત સમાજનું નિર્માણ પણ સારા વિચારશીલ માણસો પર નિર્ભર છે. સક્ષમ રાષ્ટ્રના વિકાસ માટે તેના નાગરિકોના વિચારોની ગુણવત્તા ખુબ જ અગત્યની છે, અને લાંબા સમયના અંતરે તે સપષ્ટ રીતે નજર સામે આવે પણ છે. આ માટે આચાર્ય વિનોબાજી ભાવેના જીવનનો એક પ્રસંગ જોઇએ.

     આચાર્ય વિનોબા ભાવે મહારાષ્ટ્રના કોઇ એક ગામમાં જન્મેલા અને ત્યાં જ ભણી-ગણીને મોટા થયા હતા. એમના જીવનની કેળવણીમાં એમના માતાજીનો ખુબ જ મોટો સહયોગ હતો. એમની માતા પાસેથી જ વિનોબાજી જીવનના અમૂલ્ય કહી શકાય એવા પાઠો શીખ્યા હતા. એકવારની વાત છે. વિનોબાજીના ઘરમાં એક ફણસનું ઝાડ હતું. ફણસના ઝાડ પર મોટા પેશીઓવાળા ફળો આવતા. વિનોબાજી અને એમના ભાઇ-બહેનો દરરોજ વાટ જોતા કે થોડા જ દિવસોમાં આ ફણસના ઝાડ પરથી ફળ ઉતારવામાં આવશે અને આપણને એનો મીઠો સ્વાદ ચાખવા મળશે. એકવાર એમણે જોયું કે આ ઝાડ પરથી ફળો કોઇએ ઉતારી લીધા હતા. એમના આશ્રર્યની વચ્ચે એમણે જોયું કે એમના માતાજી એ જ આ ફળો ઉતારી લીધા હતા. માતાજી એમને સાફ કરીને ફણસને ફોલીને એમાંથી પેશીઓ અલગ કરી રહ્યા હતા. થોડી જ વારમાં બધા જ બાળકો એમની આસપાસમાં ગોઠવાઇ ગયા અને વાટ જોવા લાગ્યા કે હમણા જ મારા મોંઢામાં પહેલી પેશી આવશે અને એનો મીઠો રસાસ્વાદ માણીશું.

         પરંતુ એમના આ કુતુહલની વચ્ચે માતાજી કહે છે કે “ વિનીયા આ વાટકામાં પહેલી ચીર લઇને તું પાડોશીના ઘરે આપી આવ, કારણકે આ ફણસનું ઝાડ માત્ર આપણા જ ફળિયામાં નથી પરંતુ એમના ફળિયામાં પણ એનો છાંયડો જાય છે અને એમણે પણ આ ફળોને જોયા છે એટલે એમનો પણ આ ફળો પર હક લાગે છે ”.

         ત્યાર બાદ એમણે ફરી બીજા પાડોશીને આપવા માટે પણ મોકલ્યા અને પછી એક-બે ચીર એમના દાદાજી અને બીજા વડીલોને આપવા માટે કહ્યું. આમ બધાને આપ્યા પછી છેલ્લે જે ચાર-પાંચ પેશીઓ વધી હતી તેને એક વાટકામાં આપતા કહ્યું કે હવે તમે બધા ભાઇ-બહેન ભેગા મળીને આ પેશીઓને વહેંચીને ખાઇ લેજો. આમ નાનપણથી જ એમના માતાજીએ એકબીજા સાથે વહેંચવાના સંસ્કારોનું અને એવા જ સુંદર વિચારોનું વાવેતર કરેલું અને ખુબ જ સરસ કેળવણી આપેલી.

         આ વિચારોની જ એ કરામત ગણી શકાય કે આપણા શ્રી વિનોબાજી ભાવે એ સમગ્ર ભારતમાં ગરીબ અને વિચરતી જાતિના લોકો માટે ભૂદાન યજ્ઞનો સંકલ્પ કર્યો અને એ સંકલ્પને સફળતાપૂર્વક પાર પણ પાડેલો. ઘણા બધા ભારતીયોને એમાં સાંકળીને એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપેલું. આમ આ વાતનો સાર એટલો જ છે કે નાનપણથી જ જેવા વિચારોવાળું વાતાવરણ તમારી આસપાસ હોય છે એવું જ તમારું ઘડતર થાય છે. માટે હર હંમેશ સારા વિચારોને વાંચવા પણ જોઇએ અને જીવનમાં ઉતારવા પણ જોઇએ.

No comments:

Post a Comment