Thursday, December 31, 2020

પુસ્તકો : જ્ઞાન અને ડહાપણનો ખજાનો

        માનવ દેહના પોષણ કાજે જેમ ખોરાક જરૂરી છે, તેમ માનવ માનસના પોષણ કાજે વાંચન જરૂરી છે. પહેલું શારીરિક સાધન છે, બીજું માનસિક. સદગ્રંથોના પરિશીલન દ્વારા જીવનનું નિર્માણ થાય છે. ગુજરાતના પ્રસિદ્ધ કેળવણીકાર શ્રી મનુભાઈ પંચોળી પુસ્તકોનું મહત્વ સમજાવતા કહેતા કે, “ પુસ્તકો સાચા અર્થમાં પારસમણી જેવા છે. જો તમારી પાસે ઘણા પુસ્તકો હશે તો તમને અભિન્ન મિત્ર, હિતચિંતક, પરામર્શદાતા અને સાંત્વના આપવાવાળાની ખોટ નહીં પડે. કોઈપણ ઋતુ અથવા કોઈપણ દશામાં પુસ્તકો તમને આશ્વાસન આપતા રહેશે.”

        જેમ્સ ક્રિમેન ક્લાર્ક પણ કહેતા કે,  “ ઉપનિષદ જેવા કેટલાય ગ્રંથોએ વિશ્વનું કલ્યાણ કર્યું છે, આજે પણ સતત કલ્યાણ કરતા રહે છે. પુસ્તકો આશા અને જ્ઞાનના દીપકને પ્રજવલિત કરે છે. નવી શ્રદ્ધા, બળ અને ધૈર્ય પ્રદાન કરે છે. પુસ્તકો જ વીતેલા યુગો તથા ભૌગોલિક રૂપથી અલગ દેશોને પરસ્પર જોડે છે. સૌંદર્યની નવી દુનિયાનું સર્જન કરીને સ્વર્ગમાંથી સત્યનું અવતરણ કરાવે છે. ”

        ગાંધીજી પણ પુસ્તકનું મહત્વ સમજાવતા કહે છે- “ પુસ્તકનું મૂલ્ય રત્ન અને ઝવેરાત કરતાં પણ વધારે છે. રત્નોમાં તો બહારથી ચમક-દમક દેખાય છે જ્યારે પુસ્તકો અંતઃકરણને ઉજ્જ્વળ બનાવે છે. શ્રેષ્ઠ પુસ્તકો એક મહાન આત્માનું જીવન રક્ત હોય છે. પુસ્તક મનુષ્યના જીવનની જડીબુટ્ટી અને દીપકની પ્રજ્વલિત જ્યોતિ છે. જેવી રીતે વ્યાયામ કરવાથી શરીરને લાભ થાય છે તેવી જ રીતે સદગ્રંથોના વાંચનથી મસ્તિષ્કને લાભ પ્રાપ્ત થાય છે.” સારા પુસ્તકો એક પ્રકારનો અરીસો છે. જે રીતે શરીર પર લાગેલા ડાઘ અરીસા દ્વારા દ્વારા દેખાય છે તે જ રીતે મનુષ્યના અંતરમનનો ડાઘ કાઢવા માટેની શક્તિ સારા પુસ્તકોમાં છે.

        આજે ટી.વી., મોબાઈલ, કમ્પ્યુટર અને ઈન્ટરનેટના આ યુગમાં વિદ્યાર્થીઓ અને યુવાનો પુસ્તકો વાંચવાનું કે બીજી સર્જનાત્મક પ્રવૃત્તિ કરવાનું ટાળે એ સ્વાભાવિક છે. વળી, વિદ્યાર્થીઓ માત્ર પોતાના અભ્યાસના જ પુસ્તકો વાંચે છે, એ સિવાય જીવન વિકાસ થાય તેવા પુસ્તકો અને સામયિકો વાંચતા નથી જે યોગ્ય બાબત નહીં કહેવાય. વિદ્યાર્થીઓએ તથા દરેક વ્યક્તિએ અભ્યાસની સાથે અન્ય જીવન વિકાસ થાય તેવાં પુસ્તકો, સામયિકો અને વર્તમાનપત્રો વાંચવા જોઈએ. આ ઇતર વાચન જ આપણો સર્વાંગી વિકાસ કરે છે. માત્ર પુસ્તકોનું જ્ઞાન મેળવીને ડીગ્રી મેળવી લેનાર વિદ્યાર્થીઓની કેળવણી મહદંશે અધુરી હોઈ હોઈ શકે. માત્ર ને માત્ર અભ્યાસનાં જ્ઞાન સાથે કોઈ વિદ્યાર્થી બુદ્ધિશાળી બની શકે પરંતુ તેવી સ્થિતિ ખૂબ લાંબી પરંતુ સાંકડી અને અંધારી ટનલમાં ચાલતા માણસ જેવી હોય છે. તે સ્વભાવથી વિશાળ કૂવામાં રહેલા દેડકાની જેમ કૂપમંડુક અને સંકુચિત થઈ જાય છે. ઈતર વાંચનથી જ આપણે વિવિધ વિષયોનું જ્ઞાન મેળવી આપણી મૌલિક શક્તિને મેળવી શકીએ છીએ. આમ, બુદ્ધિ-પ્રતિભાશાળી બનવા માટે વ્યક્તિત્વનો સમગ્રતયા વિકાસ કરવા માટે ઈતર વાંચનનું ખૂબ જ મહત્વ છે. સતત નવું નવું વાંચનની ટેવ પાડવી જોઈએ કારણ કે  ઉત્કૃષ્ટ પુસ્તકોનું વાચન ઉત્કૃષ્ટ માનવનું સર્જન કરે છે.

“A Book is our best friend. Books play an important role in our life.”

પુસ્તકો આપણી પાસે કશું જ માંગતા નથી. તે આપણને પુષ્કળ આનંદ આપે છે. પુસ્તકો આપણને એક અલગ જ કલ્પનાની દુનિયામાં લઈ જાય છે.

“A Book is a storehouse of knowledge and experience and knowledge itself is also a great source of pleasure.”

          પુસ્તકો ભૂતકાળ અને વર્તમાન કાળના ડહાપણનો અવાજ છે. પુસ્તકો આપણને માત્ર જ્ઞાન, માહિતી કે સૂચના જ નથી આપતા પણ પુસ્તકો આપણને મનોરંજન પણ પૂરું પાડે છે. જીવનની રોજબરોજની ચિંતા અને કામના બોજાને ભૂલવી આપણને શાંતિનો સ્વાદ ચખાડે છે. પુસ્તકો આપણું દુઃખ ભુલાવી આપણને આનંદ, સુખ આપી શકે છે. પુસ્તકો જ આપણને ઘરે ખુરશીમાં બેઠા બેઠા આફ્રિકાના જંગલોની, સહારાના રણની, એવરેસ્ટના શિખર પર તથા આર્કટિક મહાસાગરની હિમશિલાની સફર કરાવે છે. પુસ્તકોનું વાચન જ વ્યક્તિના મનને વિસ્તૃત બનાવે છે તથા હૃદયમાં પ્રસન્નતા આપે છે. પુસ્તકોના વાંચનથી આપણા શબ્દભંડોળમાં વધારો થાય છે, જેનાથી આપણે લોકો સાથે પ્રભાવશાળી રીતે વ્યવહાર કરી શકીએ છીએ. પુસ્તકોના વાંચનથી યાદશક્તિમાં વધારો થાય છે. વિશ્લેષણાત્મક વિચારસરણીનું કૌશલ્ય વિકસે છે. એકાગ્રતા તથા ધ્યાનને વધારે છે. સારી લેખન અભિવ્યક્તિનો વિકાસ થાય છે તથા વ્યક્તિને શાંતિ અને હળવાશ પ્રદાન કરે છે. ખરેખર સાચે જ પુસ્તકો એ જાદુ છે !

        બધા જ મહાન પુરુષોના જીવનમાં ડોકિયું કરીએ તો તેમનામાં એક આદત આપણને સમાન જોવા મળે છે અને તે છે -પુસ્તકોનું વાચન. બધા જ મહાન પુરુષો રોજ નવું સતત વાંચતા રહે છે. આવા કેટલાક મહાન પુરુષોના ઉદાહરણ નીચે મુજબ છે:

          ગરીબીમાં ઉછરેલા રીતસરની કેળવણી વગરનો એક નવયુવાન નાનપણમાં કરિયાણાની દુકાનમાં કામ કરીને, પડીકા બાંધવા માટેના છાપાના કાગળો વાંચતો. દુર્ગમ જંગલની વચ્ચે આવેલા પોતાના નાનકડા ગામની આસપાસના પચાસ માઈલના વર્તુળમાંથી મળી શકે તે બધા પુસ્તકો વાંચતો. લખવા માટે કાગળ ખરીદવાના પણ પૈસા નહોતા. આથી ઘરની દીવાલો પર, લાકડાના ફર્નિચર પર તથા ઝાડના થડ પર કોલસા વડે પુસ્તકોમાંથી સુંદર વિચાર લખતો. આ નવયુવક આપ બળે સ્વાશ્રયથી કેળવણી પામી આખરે અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ બને છે અને માનવતાને શોભે ચારિત્ર્યના બળે પોતાના દેશની મહામૂલી એકતા જાળવવા માટે અને ગુલામીના મહાપાપનું કાળસ કાઢી નાખવા માટે ધીરજપૂર્વક અને બહાદુરીપૂર્વક ધર્મયુદ્ધ ચલાવે છે. જેમાં તેમનો વિજય થાય છે. આ મહાન વ્યક્તિનું નામ છે- અબ્રાહમ લિંકન. અબ્રાહમ લિંકને નાનપણથી જ ઉત્તમ પુસ્તકોના વાંચનનો શોખ હતો. નવું નવું જાણવાની, શીખવાની, તેને આત્મસાત કરવાની ઝંખના તેમનામાં હતી.

        કોન રાલ્ડ હિલ્ટનના પુસ્તક ‘Be my Guest’ અને ‘શ્રીમદ્ ભગવદ્દગીતા’ના વાંચનથી પ્રેરાઈને એક સામાન્ય નોકરી કરતો યુવાન પૃથ્વીરાજસિંહ ઓબેરોય, ઓબેરોય ગ્રુપ ઓફ હોટેલ્સના માલિક બન્યા. તેમણે વિશ્વના 55 દેશોમાં વિશાળ હોટેલો સ્થાપી હતી.

આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જીવન પણ પુસ્તકોના વાંચન થકી જ બદલાયું હતું. એક પુસ્તકને કારણે જ આપણને એક વકીલ ગાંધીમાંથી એક મહાત્મા ગાંધી મળ્યા. આ પુસ્તક નું નામ છે, રશિયન લેખકનું પુસ્તક- ‘Unto this Last.’ જ્યારે ગાંધીજી ભારતથી દરિયાઈ માર્ગે દક્ષિણ આફ્રિકા જઈ રહ્યા હતા ત્યારે તેમણે સ્ટીમરમાં જોન રસ્કિનનું આ ‘અન ટુ ધિસ લાસ્ટ’ પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજીનું જીવન ધ્યેય જ બદલાઈ ગયું. તેમણે સ્ટીમરમાં આ પુસ્તકોનો ‘સર્વોદય’ નામે ગુજરાતીમાં અનુવાદ કરી નાખ્યો. પહેલીવાર ગાંધીજીને અહેસાસ થયો કે ‘હું તો માત્ર મારા માટે જ જીવું છું. મેં મારા રાષ્ટ્રના છેવાડાના માણસ માટે કશું જ કર્યું નથી.’ ત્યારબાદ તેઓ ૧૯૧૫માં ભારત પાછા ફરે છે અને દેશની આઝાદીની લડતમાં ઝંપલાવી ૧૯૪૭માં દેશને આઝાદ કરાવે છે. આ છે પુસ્તકની તાકાત!

          ઝવેરચંદ મેઘાણી જ્યારે બી.એ.માં અભ્યાસ કરતા ત્યારે તેમની પાસે જમવા અને ભણવા માટે પણ પૂરતા પૈસા નહોતા. કોલેજ જીવનમાં પોતાના રોજિંદા ખર્ચમાં કાપ મૂકીને પુસ્તકો ખરીદતા અને આવા અદભુત  પુસ્તકોના વાંચન દ્વારા તેઓ એક મહાન કવિ બન્યા.

Bill Gates Best five Books of 2019

          વિશ્વના ધનાઢ્ય માણસોની યાદીમાં સર્વોચ્ચ સ્થાને રહેનાર હાર્વર્ડ યુનિવર્સિટીનું શિક્ષણ પણ જેમણે પૂર્ણ નથી કર્યું એવા માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સ પણ પુસ્તકોના વાચનને ખૂબ જ મહત્વ આપે છે. બિલ ગેટ્સ પોતાની વ્યસ્તતામાંથી સમય કાઢીને રોજ એક કલાક પુસ્તકો વાંચે છે. તેમના પિતાતો તેમને પુસ્તકોનો કીડો કહેતા. તેઓ જમવા બેસતા ત્યારે પણ વાંચતા. આજે પણ તેઓ સમગ્ર વર્ષ દરમિયાન વાંચેલા શ્રેષ્ઠ પુસ્તકોની યાદી દર વર્ષે ડિસેમ્બર મહિનામાં જાહેર કરે છે. તેઓ કહે છે કે- “વર્તમાન પ્રવાહોથી અપડેટ રહેવા તથા નવું શીખવા માટે પુસ્તકો વાંચવા ખૂબ જ જરૂરી છે.”

          થોમસ આલ્વા એડિસનનું નાનપણ ખૂબ જ ગરીબીમાં વિત્યુ. તેમની પાસે જમવા કે ભણવા માટેના પૈસા સુદ્ધાં નહોતાં. પોતાના જમવા માટેના પૈસામાંથી અડધી બ્રેડના પૈસા બચાવીને તેઓ પુસ્તક ખરીદી લેતા હતા.

 Abdul Kalam’s Favorites Books

         આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ તથા મિસાઈલ મેન એવા અબ્દુલ કલામને પણ પુસ્તક વાંચનનો ગજબનો શોખ હતો. જ્યારે તેઓનો રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થયો ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાંથી વિદાય લેતી વેળા તેમના સામાનમાં 2500 જેટલા પુસ્તકો હતા. એ સિવાય થોડાં કપડાં, બુટ હતા. એ સિવાય બીજું કશું જ નહોતું. તેઓ કહેતા-“Literature also influenced me deeply. These three books have made my life.” તેઓ પુસ્તકોને જ પોતાનો સાચો મિત્ર ગણતા હતા તથા પુસ્તકોને જ પોતાની સાચી સંપત્તિ માનતા હતા. તેમના ગમતાં પુસ્તકો નીચે પ્રમાણે હતા :

1. તમિલ કવિ તિરુવલ્લુવરનું – ‘થિરુક્કુરલ’

2.એલ.ઇ. વોટ્સનનું – ‘Lights from many Lamps’

3. ડેનિસ વેટલીનું (Denis Waitley) – ‘Empires of the Mind’

4. સ્ટીફન આર. કોવીનું  – ‘Every Day Greatness’

આમ, આપણે જોઈ શકીએ છીએ કે આ દુનિયા મહાન માણસોને પુસ્તકોના વાચનનો શોખ હતો અને પુસ્તકોના વાંચન થકી જ તેઓ મહાન બન્યા હતા.

      જેમ ભોજન લીધા પછી એનું પાચન મહત્વપૂર્ણ છે, તેમ કંઈ વાંચીએ તેને પચાવવું આવશ્યક છે. બીમારીમાંથી મુક્તિ મેળવવા માટે વૈદકીય પુસ્તકોનું વાચન જ પૂરતું નથી પણ એમાં જણાવેલી દવા કે ઉપચાર કરવા આવશ્યક છે, તેમ સારા પુસ્તકોનું વાંચન કર્યા પછી એ વિચારોનો જીવનમાં અમલ કરવો ખૂબ જ આવશ્યક છે. જો એ ન થાય તો વાચનનો કોઈ અર્થ રહેતો નથી. એ માત્ર સમયની બરબાદી જ છે. તેથી સારા પુસ્તકોના વાંચન થકી જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લાવવા તેના વિચારોને વ્યવહારમાં અપનાવવા ખૂબ જ જરૂરી છે. પુસ્તકો વાંચતો માણસ અને પુસ્તકો ન  વાંચતા માણસના વ્યક્તિત્વમાં ફરક દેખાવો જોઈએ તો જ પુસ્તકોનું વાંચન સાર્થક થયું ગણાય.

        આજે Amazon ના Kindle  જેવા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પુસ્તકો વાંચવા મળે છે. ઇન્ટરનેટ, કમ્પ્યુટર અને મોબાઇલના માધ્યમથી ઓનલાઇન ડીજીટલ પુસ્તકો પણ વાંચી શકીએ છીએ. દેશ અને દુનિયાનું કોઈ પણ દુર્લભ પુસ્તક આપણી ઓનલાઇન મંગાવીને વાંચી શકીએ છીએ. આજે તો ડિજીટલ લાઇબ્રેરી પણ અસ્તિત્વમાં આવી છે ત્યારે આપણે વધુને વધુ આ ટેકનોલોજીનો લાભ લઈ વધુને વધુ વાંચવું જોઈએ. આપણે સૌ ભગવદ્દગીતાનું વાંચન કરતાં રહીએ અને સ્વવિકાસ કરતા રાષ્ટ્રના વિકાસમાં પોતાનો ફાળો આપી એક શ્રેષ્ઠ આદર્શ માનવ બની, આદર્શ સમાજની રચના કરીએ એ જ અભ્યર્થના.

“જેવી રીતે શરીરની માટે કપડા બુટ ચંપલ વગેરે જોઈએ છે તેવી જ રીતે મનને માટે પુસ્તકો જોઈએ છે.”

                                                                                                                                -રવીન્દ્રનાથ ટાગોર

No comments:

Post a Comment